મેઘાણીની સમગ્ર નવલિકા/જનેતાનું પાપ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
જનેતાનું પાપ
[૧]

‘સાચેસાચ તું મને હમેશાં ચાહીશ?’ ‘સાત જન્મો સુધી.’ સ્ત્રી-હૃદયનો આ સનાતન પ્રશ્ન: અને પુરુષની જીભનો આ નિત્યનવીન હાજરજવાબ: ને પછી એક ગાઢ આલિંગન, એક માતેલું ચુંબન: એવી ઇંદ્રજાળ વડે જગતભરની જુવાની પોતાના સંસારનું મંગલાચરણ કરે છે. અને પછી?... પછી જોતજોતામાં તો આલિંગનની જગ્યાએ અસ્થિપિંજરો ઊભાં થાય છે અને ચુંબનોએ મઢેલા એ ગાલોમાં ઊંડી ખાઈઓ ખોદાય છે. ‘તું મને નિરંતર ચાહીશ?’ — ‘સાત સાત જન્મો સુધી.’ એ જ કોલ વડે એક દિવસ બે જુવાનિયાંનાં જીવતર જોડાયાં. દેશાવરથી ભણવા આવેલો એક જુવાન એક મુગ્ધ કન્યાને એના બાપના ઘરની પાછલી બારીએથી કુદાવીને એ ગંજાવર શહેરના છેટા લત્તામાં લઈ ગયો. પોતે ચિત્રકાર હતો, એટલે પેટગુજારાને માટે સ્ટુડીઓ ઉઘાડ્યો. પતિનું દોરેલ એક ચિત્ર ગોઠવીને એ ચિત્રકાર-પત્ની બેઠી હતી. કલાના ખેરખ્વાહ કૈંક ધનપતિઓ આ શહેરમાં વસે છે અને અકેક ચિત્રના હજારો રૂપિયા ચૂકવી જાય છે એવું એ સ્ત્રીએ સાંભળ્યું હતું. એવા એકાદનું આગમન રટ્યા કરતાં આ બન્ને જણાં લગભગ અરધાં ભૂખ્યાં ઊંઘી જતાં. લાંબી નિદ્રા ભૂખ્યાં જઠરની આગ ઉપર રાખના ભારણ સમી ઉપકારક નીવડતી. એક દિવસ એ સ્ત્રીને થયું કે જાણે ઝાઝા દિવસની પ્રાર્થના ફળી છે. ઝૂકીઝૂકીને હાસ્યભર્યે મોંએ એણે એક દિવસ એક કલાપોષક કોટ્યાધિપતિનું સન્માન કર્યું. જેનું તળિયું હાથ ન લાગે એવા ઊંડા કુંભ જેવી એના પેટની ફાંદ હતી. શરીરના બોજાએ ફરજિયાત ગૌરવશીલ બનાવેલી એની ગજગતિ હતી. બેમાંથી એક આંખ ખોટી હોવા છતાં તેના ઉપર ચઢાવેલું ઝૂલતી દોરીનું ચશ્મું એવો ભાસ કરાવતું કે કલાકૃતિઓનું અતિ ઝીણવટભર્યું નિરીક્ષણ કરવાને માટે ટેવાયેલી એ આંખ છે. કલાકારની આશાભરી પત્ની એ ધનપતિને પતિના દોરેલા ચિત્રની સામે લઈ ગઈ. “આ શું? આવું, ન ઘોડો કે ન ગધેડો, એવું જનાવર શું દોર્યું છે આમાં?” એમ કહીને જ્યારે આ કાણિયા કલાપોષકે પોતાના હાથની સોટીની અણી વડે પોતાને અરુચિકર લાગતો ચિત્રભાગ બતાવવા હાથ ચલાવ્યો, ત્યારે કલાકારની સ્ત્રીએ વખતસર એ સોટીને વારી લઈને કહ્યું: “માફ કરજો, શેઠસાહેબ! ચિત્ર ખરાબ થશે.” એમ એક વાર, બે વાર, ને ત્રીજી વાર જ્યારે આ કલાભ્યાસી ક્રોડપતિની સોટીને તરછોડવામાં આવી, ત્યારે એને બહુ મોટું અપમાન લાગ્યું. એ અપમાન પણ એક નાદાન સ્ત્રીને હાથે થયું હોવાથી વિશેષ વસમું લાગ્યું. વધારામાં જ્યારે આ સ્ત્રીએ કહ્યું કે ‘સોટી ઘોંચીને ચિત્ર જોવા આવ્યા છો, શેઠ! આંખ તો ઘરાણે મૂકી છે, ને ચિત્રકલાના પારખુ થાઓ છો!’ — એમ કહ્યું ત્યારે એ કલોત્તેજક લક્ષ્મીનંદન પગ પછાડીને ચાલ્યો ગયો. હજારો રૂપિયા મળવાની ધારણા રાખી બેઠેલ એ સ્ત્રીને આ હતાશાની અંદર એક મનુષ્યના અમીમય હાસ્યનો અજવાસ દેખાયો: એ માણસ પેલા કલારસિક શેઠિયાની જોડે આવ્યો હતો. એ ઉમ્મરમાં લગભગ બુઢ્ઢો હતો. જે વેળા એ ગયો, ત્યારે બારણું વાસતો વાસતો એક સૂચક સ્મિત પાથરતો એટલું સંભળાવતો ગયો કે ‘ચિત્ર ખરે જ સુંદર છે!’

[૨]

“શું કરું, વહાલી! લાચાર છું. મારે જવું પડે છે. પણ હું પાછો જલદી આવીશ.” એ હોય છે જીવન-નાટકના બીજા અંકનું ઊઘડતું વાક્ય. એ વાક્ય બોલી, રહ્યોસહ્યો જે કંઈ રસ હતો તેને આખરી આલિંગન–ચુંબનની વિદાય-વિધિમાં બિંદુએ બિંદુ નિચોવી નાખી, આ પરદેશી જુવાન પોતાના વતનના વહાણમાં ચડી બેઠો. કારણ? કારણ કે એને પિતા તરફથી તાર આવ્યો હતો. પછી તે જે સમયે એ લગ્નતત્પર યુવાન પોતાના પિતાના મહેલમાં બેઠોબેઠો મદિરાની પ્યાલીમાં પોતાની પરદેશણ પ્રિયાનો પડછાયો નિહાળતો હતો — ને એના પંદર-વીસ મિત્રો એની ગમગીની તોડવા માટે મદિરા પાતા પાતા સમજાવતા હતા કે ‘ઓ મૂરખા! એવા પરદેશી પ્યાર તે યાદ રખાતા હશે! ઓ ગંડુ! એ તો એ જ તને ક્યારની વીસરી ગઈ હશે’ — તે ક્ષણે દરિયાને આ કિનારે એક જાહેર સુવાવડખાનાના ખાટલા ઉપર એક સ્ત્રી છોકરું જણતી હતી: એ હતી આ જુવાને રઝળાવેલી પેલી વાટ જોતી બેઠેલી કુમારિકા. દાઈઓ એની પાસે વધામણી ખાતી હતી: “બેન, તારે દીકરો આવ્યો. કેવો રૂપાળો છે, બાઈ!” સ્ત્રી જવાબ દેતી હતી કે “રે! એથી તો હું મરી કાં ન ગઈ? એ કાં ન મરી ગયો?” “અરે બહેન, આમ તો જો, કેવો નમણો દીકરો તને ભગવાને દીધો છે!” દાઈઓ બાળકને માતા કને લાવી. “નહીં નહીં, મારે એને નથી જોવો. લઈ જાઓ એને અહીંથી, લઈ જાઓ એ પાપને.” કહેતી રુદનભરી મા પડખું ફેરવી ગઈ. પરંતુ દાઈએ જ્યારે હિંમત કરીને બાળકને માના પડખામાં મૂક્યું, માએ જ્યારે એ નિષ્પાપ માનવનો દેહસ્પર્શ — પ્રથમ પ્રભાતનો ફૂલ-સ્પર્શ — અનુભવ્યો, ત્યારે પ્યાર અને અનુકમ્પાના એના જીવનતાર ઝણઝણી ઊઠ્યા. પાપ અને પુણ્યના સંયોગમાંથી જન્મેલી નિર્દોષતાને એણે પોતાના હૈયા સાથે, ગળા સાથે, ને ગાલ સાથે ચાંપી લીધી. જગત જેને કલંક લેખે છે, એને જનેતાએ સોનાનો કળશ કરી શિર પર ચડાવ્યું.

[૩]

સુવાવડમાંથી ઊઠ્યા પછી પહેલી જ વાર એને આપણે એક સુંદર આવાસમાં પ્રવેશતી જોઈએ છીએ. એની બગલમાં એક કાગળવીંટ્યું ચોગઠું છે. એના નમસ્કાર ઝીલતા એ ઘરમાલિકે એને ઓળખી. વિસ્મય પામીએ બોલી ઊઠ્યો: “તમે, ઓહો તમે આંહીં ક્યાંથી?” “તમને કંઈક ભેટ આપવા આવી છું, શેઠજી!” એમ બોલીને બાઈએ બગલમાંથી ચોગઠું લઈ, ઉપરનો કાગળ ઉતાર્યો; “આ ચિત્ર હું તમારા ઘરમાં ધરવા આવી છું.” “કારણ?” “કારણ એટલું જ કે તે દિવસે મારે ઘેર તમે પેલા કલાપ્રેમી શેઠને લઈ આવેલા, ત્યારે તમને આ ગમેલું.” “પણ એનું કેટલું મૂલ્ય મારે આપવાનું છે?” “મૂલ્ય તમારા મોંનું ઊજળું સ્મિત: ને એ મૂલ્ય તો તમે તે દા’ડે ચૂકવી ગયા હતા.” “પણ તમને હું એના સરસ પૈસા અપાવું.” “મારે એના પૈસાને શું કરવા છે? એ મારું નથી. એનો માલિક તો દરિયાપાર ચાલ્યો ગયો છે, ને એના જીવનમાંથી હું હવે બહાર જઈ પડી છું. આ એક એની સ્મૃતિ ઘરમાં રહી હતી તેને પણ છોડવા માગું છું. એનાં મૂલ્ય લેવાનો મને હક્ક નથી.” “તમે હવે શું કરશો?” “પરણીશ.” “કોની જોડે?” “એક ખેડૂત જોડે.” “ખેડૂત જોડે?” પુરુષ નવાઈ પામ્યો. “શું ગાયો દોહવાના, ને ભારા ઉપાડવાના કોડ જાગ્યા છે?” “હં-હં,” સ્ત્રી હસી: “થાય જ ને?” “શા માટે આવી જીવનકળીને એમ ધૂળમાં રોળવા જાઓ છો? મારી જોડે રહો ને! હું તમને દુનિયાની રંગછોળોમાં નવરાવીશ. શા માટે ભથવારી બનવા જાઓ છો?” “ના, ના, મારે પરણવું છે. મારે સંસાર માંડવો છે.” એટલું કહી એ વૃદ્ધને ચિત્રની ભેટ કરી, એ નીકળી ગઈ. એ કોડ લગ્નજીવન માણવાના નહોતા. જે જુવાની એના દેહ ઉપર હિલોળતી હતી, તે એના હૈયામાં તો નહોતી જ રહી. એ તો શોધતી હતી ફક્ત એક આશરાસ્થાન: આબરૂભર્યું અને અનામત: જ્યાં એનું બાળક જીવી શકે, ઊઝરી શકે. એવા એક આબરૂદાર ખેડુ મૂરતિયાને ઘેરે એને એનો પિતા તેડી ગયો. પરંતુ એ ઘાસ અને ઢેફાંમાં અવતાર વિતાવતા ખેડૂતને પણ પોતાની પ્રતિષ્ઠા હતી. એણે પહેલી જ શરત મૂકી કે ‘તમારી છોકરી એકલી જ આવે. એના પેટનું એ પાપ — એ છોકરું — હું મારા ઘરમાં નહીં સંઘરું.’ બાપે દીકરીની સામે જોયું: “સમજી કે? તારા એ પાપને સંઘરીને કોઈ પોતાનું કુળ બોળાવવા તૈયાર નથી.” “મારું પાપ: હા, મારું પાપ:” છોકરીએ જવાબ દીધો: “મારું એ પાપ તો મારા કાળજાની કોર માથે રહેશે.” “આ તારો છેવટનો નિશ્ચય છે કે?” બાપે ભવાં ચડાવીને પૂછ્યું. દીકરીએ માથું ધુણાવ્યું. “બસ ત્યારે.” ખેડૂતે રૂખસદ સંભળાવી: “પતી ગઈ વાત. હું હાથ ધોઈ નાખું છું. ને હું પણ તને આજથી મૂએલી લેખીશ.” કહીને બાપ રવાના થયો. ખેડુઘરનાં દૂઝણાં દોવાનાં સ્વપ્ન ઘડતી સ્ત્રી પોતાની કલ્પનાનાં દૂધ-દોણાં ત્યાં ને ત્યાં પછાડીને ચાલી ગઈ. ક્યાં? ત્યાં — જિંદગીની રેલમછેલ મોહમજાહમાં રમાડવાનું વચન આપનાર એ બુઢ્ઢાને ઘેર, ત્યાં એની રખાત થઈને પોતે રહી. મોતીજડ્યા કુંડળ, હીરાના હાર, બંગડી, બાજુબંધ અને દેહની નગ્નતાને બહલાવવા સારુ પહેરાતાં વસ્ત્રો વડે એણે આ બુઢ્ઢાની વિલાસ-દુનિયામાં પોતાનું ભર્યુંભર્યું લાવણ્ય છંટકોરી દીધું. બુઢ્ઢો આશક એને જે પૈસા આપે છે, તેના વેચાતા લીધેલા દૂધ ઉપર એ પોતાના ‘પાપ’ને પોષાવે છે: નગરથી દૂર દૂરના એક ગામડામાં: એક ગરીબ દાઈના ઘરમાં; કેમકે આ વૃદ્ધ યારની પ્યારભરી, રોમાંચિત, મદિરામસ્ત દુનિયામાં બાળકને માટે જગ્યા નહોતી. સુઘડ સંસારને ઊંબરેથી પાછી ધકાયેલી માતાને એક નરાતાર કુત્સિત સૃષ્ટિનું શરણ લેવામાં એક જ આશય હતો: જેને જણ્યો છે તેને પ્રતિષ્ઠિત જીવનમાં સ્થપાવવાનો. દાઈ મગાવે તેમ તેમ પોતે ખરચી મોકલ્યા કરતી; અને કોઈ કોઈ વાર એકાદ ફોટોગ્રાફરને સાથે લઈ, રબ્બર ટાયરની સુંવાળી બગીમાં માતા દાઈને ઘેર જઈ પહોંચતી, પુત્રનો વિચિત્ર વેશે ફોટો ખેંચાવતી. પોતે પણ પુત્રને ખોળામાં બેસારીને એક વાર તસવીર લેવરાવી — પણ તે તો સહેજ, ફોટોગ્રાફરના આગ્રહને વશ થઈ જઈને; સ્વેચ્છાથી નહીં. આ છબી પડાવી ત્યારે બાળક બે જ વર્ષનો હતો.

[૪]

એક દિવસ એ દીકરાની દાઈ પોતાના ધણીને લઈ ઘણા જ ગભરાટભરી આવીને ઊભી રહી. ફાળ ખાતી માતાએ પૂછ્યું: “કેમ? શું છે? કીકાને કેમ છે? કંઈ સમાચાર?” “કીકાભાઈ તો મજામાં છે, બોન! પણ અમારાં હાંડલાં અભડાઈ જશે.” દાઈએ પોતાનું સંકટ જણાવ્યું. ધણીના માથામાં ધબ્બો મારીને એણે વાત કરી: “આ પીટ્યાએ જૂગટું રમીને અમને બહુ ઊંડી ખાઈમાં હડસેલ્યાં છે, બોન! અત્યારે મોટી રકમ વિના નીકળવાની બારી નથી રહી.” “કેટલી મોટી રકમ?” માતાની કલ્પનામાં બાળકનું સત્યાનાશ તરવરી રહ્યું. “પાંચસો રૂપિયા.” રકમનું નામ પડતાં જ સ્ત્રીનું શરીર સંકોડાઈ ગયું. તાતી ઘડીએ એટલી રકમની ત્રેવડ ક્યાંથી કરવી? નાખી નજર ક્યાંય પહોંચે છે? હા. હાથની આંગળી પર. સાચા હીરાથી જડિત વીંટી પર. બુઢ્ઢા આશકે તો એને ખરાવીખરાવીને કહ્યું હતું કે એ વીંટી ક્યાંયે અળગી કરીશ મા. પણ — પણ દરિયામાં ડૂબતું બાળક જાણે યાચના કરી રહ્યું: ‘મા! ઓ મા! એ વીંટી નાખ. હું ડૂબું છું.’ માએ વીંટી કાઢી આપી. વીંટી લઈને દાઈ વટાવવા ચાલી ગઈ. અને બુઢ્ઢાએ તે દિવસ સાંજે કોઈ અનેરા ઉલ્લાસભેર આવીને માશૂક પાસે યાચના કરી: “મારી સાથે શાદી કરીશ તું?” “કબૂલ: કબૂલ, પ્યારા!” માનું હૃદય પ્રકાશી ઊઠ્યું: પોતાનું ફરજંદ હવે હમેશાંને માટે સંકટમુક્ત બનશે એવી છૂપી આશા એના દિલમાં ચેતાઈ ગઈ. “સાચે જ? વાહ, લે ત્યારે તો આ આપણી પહેલી રાતની લગ્નભેટ.” એમ કહીને આશકે મોટા મોટા પારાનો એક નવલખો હાર એના કંઠમાં રોપી દીધો. તે રાત્રિએ લગ્નવિધિ પૂરી કરીને જે વેળા આ જુગલ પોતાની રંગીલી દુનિયા વચ્ચે મહેફિલનાં નાચગાણાં અને ખાણાંપીણાં નિહાળતું બેઠું હતું, ત્યારે એકાએક બારણું ઊઘડ્યું. હથિયારબંધ પોલીસ-ટુકડી હાજર થઈ, અને નગરના એ શિરોમણિ ઉઠાઉગીરને જાહેર કર્યું: “તું ને તારી આ રાંડ, બેઉને અમે કેદ કરીએ છીએ. આ રહ્યો એ ચોરીનો માલ: આ રાંડના ગળામાં.” તે ક્ષણે સ્ત્રીને ભાન થયું કે પોતે શહેરના એક નામચીન મવાલીની પત્ની બની છે, ને પોતાના અંગ પરના તમામ દરદાગીના ચોરાઉ છે. “તમે! તમે! તમે કોણ?” સ્ત્રી ચીસ પાડી ઊઠી. “મેં તને આપેલું મારું નામ ખોટું હતું. પોલીસ સાચું કહે છે.” “ઓહ! ઓહ! તમે મને શા સારુ સાચું નામ ન કહ્યું? એથી મારા હૃદયમાં લગીરે ફેર ન પડત.” કહેતી બાઈ ભાંગી પડી. નગરનો માતબર મવાલી આખરની ઘડીમાં ભવ્ય બન્યો. એણે પોલીસોને કહ્યું: “હું ઈશ્વરની સાખે કહું છું, મારા કોઈ પણ ગુનામાં આ સ્ત્રી શામિલ નથી. એને છોડો.” “એ બચાવ અદાલતમાં કરજો.” કહીને પોલીસે બેઉને ઉઠાવ્યાં. મવાલી ભવ્યતાનું એક પગથિયું આગળ ચડ્યો: “એને જરા આગળ લઈ જાઓ. મને મારો ઓવર-કોટ લઈ લેવા દ્યો. ઠંડી બહુ લાગે છે.” “નહીં નહીં, મને એનાથી જુદી કરશો નહીં. મને એની જોડે જ સજા દેજો.” એવી ચીસો પાડતી એ જ્યારે મહેફિલ-ઘરની બહાર ઘસડાતી હતી, ત્યારે અંદરથી એક ગોળીબાર સંભળાયો. નગરનો મહાન ઉઠાઉગીર પોતાની છાતી ભેદીને ખલ્લાસ થયો હતો. વકીલ-બારીસ્ટરના બચાવ વિનાની આ દિશાશૂન્ય અને એકલ બાલ-માતાએ આરોપીના પીંજરામાં ઊભાં ઊભાં પોતાની પચીસ વર્ષની વયે આવો ઈન્સાફ સાંભળ્યો: “મરનાર ગુનેગારની આ રાંડ હતી, સબબ એના ગુનાઓમાં આ ઓરત એની રાંડ તરીકે શામિલ ન હોય તો એ અશક્ય છે. સબબ કોર્ટ એને દસ વર્ષની સખત મજૂરીની કેદ ફરમાવે છે.”

લોઢાના જાડા ઊભા સળિયા અને તે ઉપર ગૂંથી લીધેલી મજબૂત ઝીણી જાળી: એવી એક જેલ-બારીની અંદરથી બાળકની માતા પુત્રની દાઈને છેલ્લી ભલામણ કરી હતી: “બહેન, દસ વરસે — દસ વરસે હું બહાર આવીને તારો પાઈયે પાઈ હિસાબ ચૂકવી આપીશ. મારી જાત વેચીને પણ તને ભરી આપીશ. તું દીકરાને સાચવજે. એને દુ:ખી થવા દઈશ ના.” “બોન!” ગામડિયણ દાઈ બારી ઉપર રડી પડી: “છૈયાની ચંત્યા તમે જરીકે ના રાખજો. હું મારી ઘરવખરી વેચીને પણ એને મોટો કરીશ. તમારું સત્યાનાશ તો, બોન, અમે જ વાળ્યું છે. મેં જ મોઈએ તમારી આંગળીએથી વીંટી કઢાવી, તે વીંટીએ જ તમને પકડાવ્યાં. તમારી આ વલે કરી!” “બેન, હવે એ ભૂલી જા. દસ વરસ તો વાતવાતમાં નીકળી જશે. તું બચ્ચાને મોટો કરજે, ને......” હાથમાં તાળું-ચાવી લટકાવીને ઊભેલી દરોગણે હાકલ કરી: “બાઈ, મુલાકાતનો સમય પૂરો થઈ ગયો.” “થોડી વાર, બાઈસાહેબ, થોડીક વાર!” કહેતી માતાએ બારીની જાળી સાથે બન્ને હોઠ લગાડ્યા. પહેલી બાજુથી દાઈએ મોં અડકાડ્યું, માતાએ બચીઓ પર બચીઓ ભરી, ખુદ જાળી જ ઓગળી જાય એટલી બધી બચીઓ ભરી. જાળી વાટે, દાઈના હોઠ વાટે, પહેરેગીરોનાં શસ્ત્રોની આરપાર એ બચીઓ ક્યાં પહોંચતી હતી? — કૂણા નાના બે હોઠ ઉપર.

[૫]

કલાકો, પ્રહરો, દિવસો ને રાત્રિઓ: ટીપે ટીપે ટીપે, કણીએ કણીએ, નિ:શ્વાસે: એમ કરતાં જીવન-શીશીમાંથી દસ વરસની રેત સરી ગઈ ને પાંત્રીસમા વર્ષની પ્રભાતે કારાગૃહના દરવાજાએ એને વિદાય-ભેટમાં દસેક વધુ વર્ષોની અવસ્થા ભેળી બંધાવી. એ બહાર આવી ત્યારે એને લેવા માટે આવડા મોટા જગતમાંથી એક જ માનવી આવી ઊભું હતું: દીકરાની દાઈ. એનું નાનકડું પોટકું દાઈએ ઉપાડી લીધું, ને બેઉએ ધીમે પગલે જેલ છોડી. “અહોહો!” હવાની લેરખીઓ ખાતી ને ઉન્મુક્ત અજવાળું નિહાળતી પુત્ર-માતા બોલવા લાગી: “નવો અવતાર: નવી દુનિયા: બધું જ નવું નવું.” ને એણે જેલ બહાર ઝાડ દીઠું. આજે એને ઝાડનાં પાંદડાંનો સ્પર્શ કરવાની છુટ્ટી હતી તેની એણે ચારે મેર જોઈને ખાતરી કરી. ઝાડની લળેલી ડાળીનાં પાંદને એણે આંખો, ગાલો ને ગળા સરસાં ચાંપી લીધાં. શીતળ! શીતળ! કેવું સ્નેહમય અને શીતળ! પેટનાં સેંકડો સંતાનો જાણે એના મોં ઉપર સુંવાળા હાથ ફેરવતાં હતાં, પોતે જાણે પોતાના એકના એક પુત્રના વાળ પર પંજો ફેરવતી હતી. લહરીઓમાં, કિરણોમાં, પાંદડાંના મર્મરધ્વનિમાં, જાણે માતા અને બાળકના મૂક, અગમ વાર્તાલાપ સિવાય બીજી કશી વાત નહોતી. ઝાડને છાંયડે બેઉ થોભ્યાં. માતાએ દાઈને પુત્રના સમાચાર પૂછ્યા. ક્યાં છે? કેવડો મોટો થઈ ગયો છે? કેવો રૂપાળો છે? કદી કદી માને યાદ કરે છે ખરો? સવાલોનો અંત નહોતો. જવાબો એને અધૂરા ને અધૂરા જણાતા. દાઈ ત્યાંથી બારોબાર માતાને પુત્ર પાસે જ લઈ ચાલી. એક મોટા અનાથ-આશ્રમને પગથિયે આવીને બેઉ ઊભાં રહ્યાં. અંદર પેસતાં પહેલાં એક જ ક્ષણે માને સાંભરી આવ્યું. એણે દાઈને પૂછ્યું: “બહેન, તારી કને કંઈ ‘ખઉ ખઉ’ છે?” દાઈએ પોતાની કોથળી ફેંદી. તેમાંથી એક સકર-લકડી જડી આવી. સકર-લકડી સાચવીને માએ પોતાના ગજવામાં સંતાડી દીધી. ઑફિસમાં જઈ એણે પોતાનું નામ આપ્યું. પુત્રને લઈ જવા માગણી કરી. “બાઈ!” આશ્રમના મંત્રીએ જવાબ આપ્યો: “કાયદો તમને બાળક સુપરત કરવાની ના પાડે છે. તમે ભયાનક ગુના બદલ દસ વર્ષની કેદ ભોગવી આવ્યાં છો. બાળકને મેળવતાં પહેલાં તમારે તમારી ચાલચલગત, તમારી ચોક્કસ આવક વગેરેની ખાતરી આપવી પડશે.” “તમારા એ કાયદાબાયદા જાય ચૂલામાં.” માએ કહ્યું: “મારે શી પડી છે એ કાયદાફાયદાની? મને મારો છોકરો આપો ને, એટલે બસ, મારા ભાઈ!” મંત્રીએ આ પાગલીના પ્રલાપ સામે એક અક્કડ હાસ્ય કર્યું. માતા માંડ માંડ સમજી શકી કે કાયદાબાયદા તો ચૂલામાં નહીં જઈ શકે; કાયદો તો કોઈ પણ જનેતાના વહાલ કરતાં ચડિયાતો જ રહેવાનો. પછી માતા ગરીબડી બની. એણે પૂછ્યું: “મારો છોકરો મારે જોવો છે.” મંત્રીએ માથું ખજવાળ્યું. આવી બદચાલની ગુનાહિત ભયંકર ઓરતને છોકરા સાથે સમાગમ કરાવવામાં એણે કોઈ મહામારીના ચેપ જેટલો ભય અનુભવ્યો. માનું મોં જવાબની રાહ જોતું ફાટી રહ્યું હતું. કાયદાફાયદાની બેપરવાઈને બદલે એના ચહેરા પર અનાથતા ચડી બેઠી હતી. મંત્રીની બાજુમાં એક બીજો મનુષ્ય બેઠો હતો. એ આ વિદ્યાલયનો અધ્યાપક દાક્તર હતો. એણે પૂછ્યું: “તમારા દીકરાને મળ્યાં તમને કેટલો સમય થયો?” “દસ વરસ અને બાર દિવસ.” દાક્તરે ગૃહપતિ તરફ નજર નાખી પૂછ્યું: “થોડુંક મળી લેવા દઈએ તો? નહીં તો આ બાઈનું દિલ સ્થિર નહીં રહે. હું સાથે જઈને મેળવી આવું.” “ઠીક. મેળવી આવો ત્યારે.” અંદર પેસતાં જ માએ કહ્યું: “ઊભાં રહો. જુઓ, તમે બેમાંથી કોઈ મને કહેશો નહીં. ઓળખાવશો નહીં. મારે જોવું છે, હું એને ઓળખી કાઢું છું કે નહીં!” ટોળેટોળાં બાળકોનાં: કોઈ દડે રમતાં: કોઈ છલંગો દેતાં: કોઈ ગીતો ગાતાં: આખું ક્રીડાંગણ કિલ્લોલી ઊઠ્યું છે: એકને જોઈ બીજાને ભૂલી જવાય એવા ઘાટીલા, પ્રિયદર્શી અને ચંચળ છોકરાઓ. દેહને અણુઅણુએ જીવન નાચે છે. એ સહુની આરપાર ધીરે પગલે અને શોધતી આંખે માતા ચાલી. અનેક ચહેરા દીઠા. એકને તો ઊભો રાખીને ધારી ધારી નિહાળ્યો. માથું ધુણાવીને આગળ ચાલી. આખરે એક ખૂણામાં એની આંગળી ગઈ: “એ જ મારો ને?” હા, એનો જ હતો એ. પછવાડે ચાલી આવતી દાઈને દેખતાંની વાર જ બાળકે દોટ મૂકી. “મા, મા,” કહેતો એ દાઈને બાઝી પડ્યો. દાઈએ એને પંપાળીને કહ્યું: “બચ્ચા, આમને પણ તું મળ. એ તારી.......” “હું તારી બાની ઓળખીતી છું, ભાઈ!” એમ વચ્ચે બોલી ઊઠીને મા છોકરાની નજીક આવી. પહોળું માથું, ચપટાં સીધાં લમણાં, રેશમિયા વાળ, ચોખ્ખી સુડોળ મુખમુદ્રા ઉપર જાણે કાલે જ ઊગી નીકળી હોય તેવી તાજી તેજીલી આંખો: પાતળિયો, ઊંચો કંડાર્યો હોય તેવો દેહ. બાળકને પોતાની મા સિવાયનું કોઈ બહુ પંપાળે તે નથી ગમતું. આ માતાને એ વાતની ખબર હશે. એણે પોતાનું પરાયાપણું જાળવી રાખ્યું. ગોદમાં લેવા મરું મરું થતી લાગણીઓને એણે રૂંધી રાખી. “મારી બાને તમે ઓળખતાં હતાં?” પૂછીને પુત્ર તાકી રહ્યો. “હા ભાઈ, તારી બા પણ તારા જેવાં જ રૂપાળાં હતાં.” “મને બધા એ જ કહે છે. દાઈ-મા પણ બાના રૂપની વાતો કરે છે. પણ બીજા બધા મને ખીજવે છે કે તારી બા તો જેલમાં પડી છે! હું પૂછું છું કે એમ કેમ બને? બા જેવું રૂપાળું હોય તે જેલમાં કેમ જ પડે? કોઈએ બાને ખોટેખોટી જેલમાં નાખી હશે.” માતાએ માંડ માંડ આંસુ રોક્યાં. પોતાની બાની બહેનપણી સામે બાળક કંઈક સ્પષ્ટીકરણની આશાએ તાકી રહ્યો. એણે પૂછ્યું: “બાને તમે જેલમાં મળી આવ્યાં? એ મજામાં છે?” “ભાઈ!” માતાએ શાંતિ ધરીને જવાબ દીધો: “તારી બા તો જેલમાં ગુજરી ગયાં.” “ગુજરી ગયાં? એટલે શું મરી ગયાં?” માએ મોં હલાવ્યું. બાળકની હડપચી પંપાળી. બાળકે નીચું માથું ઢાળ્યું. એનું મોં પ્રાર્થનામય બન્યું, “કેમ મને કોઈએ અત્યાર સુધી ન કહ્યું — બા મરી ગયાં, એમ?” “ભાઈ, આ ખાઈશ ને?” કહી માએ સકર-લકડી કાઢીને ધરી. બાળકે એના બે ટુકડા કર્યા, કહ્યું: “લ્યો, અરધું હું ખાઉં, અરધું તમે ખાઓ.” બેઉ ખાવા લાગ્યાં. બાળક ખાતો ખાતો કહે છે: “તમે મને બહુ ગમો છો.” સકર-લકડીના ટુકડા બેઉએ ગલોફાં ફુલાવીને ખાધા. જાણે ખૂબ ખાઈ નાખ્યું હોય તેવી સામસામી ચેષ્ટા બેઉ કરતાં હતાં. જમવાનો ઘંટ બજ્યો. તમામ બાળકો જવા લાગ્યાં. દાક્તર અને દાઈ પણ ચાલતાં થયાં. માએ બાળકને એક બચી ભરી. બાળક ચાલતો થયો. મા હજુ સ્થિર જ હતી. એણે અવાજ કર્યો: “ભાઈ!” બાળક ઊભો રહ્યો. મા સામે જોયું. મોં મલકાવ્યું. માએ હાથ લંબાવ્યા. કહ્યું: “એક વાર.” “પણ ઘંટ બજી ગયો.” “એક જ વાર.” કહી માએ હાથ પહોળા કર્યા. બાળકે ચોગમ નજર કરી, ત્યાં બીજું કોઈ નહોતું. ચોરની માફક દોડીને એ પેલા પહોળાયલા હાથની બાથમાં સમાયો. માએ છેલ્લી ચૂમી ચોડીને કહ્યું: “ભાઈ, આ ચૂમી તારાં બાની વતી.” મૂએલી બા મૃત્યુને સામે પારથી ઘડીભર હેત કરતી હોય, તેવું સુખ પામતો બાળક, પોતે એક નિયમબદ્ધ છાત્રાલયમાં ભણે છે એવું ભાન થતાં જ મૂઠીઓ વાળીને ત્યાંથી દોડી છૂટ્યો. “ત્યારે તો એની બા મરી ગઈ!” દાક્તરે માતાને છાત્રાલયની બહાર લઈ જતાં જતાં ઉદ્ગાર કાઢ્યો. એ સમજી ગયો હતો. માતાએ જે વેળા છોકરાની પાસે બા ગુજરી ગયાની ખબર આપી પોતાની પિછાન છુપાવી દીધી, તે જ ક્ષણે દાક્તરે દીઠું હતું કે માએ પુત્રના કલ્યાણને ખાતર જ જીવતી સમાધ લઈ લીધી હતી. એ અણદીઠ બલિદાનનાં દર્શને દાક્તરની આંખો ભીની કરી હતી. “દાક્તરસાહેબ!” માતાએ વાત બદલી નાખી: “છોકરો ભણવામાં કેવો નીકળશે?” “દાક્તરી વિદ્યામાં ભારી ઝળકે તેવો છે, પણ એનું ખર્ચ કોણ ઉપાડી શકે?” “દાક્તરીમાં કેટલું ખર્ચ થાય?” “ઓ બાપ! લખલૂટ ખર્ચ. એ તો વિચાર જ કરવા જેવો નથી.” “દાક્તરીમાં મારો દીકરો બહુ ઝળકી ઊઠશે?” “ગજબ.” દાક્તરે હાથ પહેળાવ્યા: “સર્વને ઢાંકે તેવો દાક્તર બને. મહાપુરુષ નીવડે.” મા થોડી વાર થંભી ગઈ. એના હોઠ છાનું છાનું બબડતા હતા: ‘મહાપુરુષ, મહાપુરુષ’: એની આંખો ભાવિનાં શિખરો ઉપર એક પાતળા ઓછાયાને છલંગો દેતો ભાળી રહી હતી. એણે વિદાય માગતાં કહ્યું: “દાક્તરસાહેબ, મારા કાગળની વાટ જોજો.”

[૬]

થોડાક જ મહિના ગયા, પછી માસે માસે એ દાક્તર ઉપર નાણાંનાં પરબીડિયાં આવવા લાગ્યાં. અને એ છૂપી મદદથી માતાનો પુત્ર દાક્તરી અભ્યાસનાં પગથિયાં પછી પગથિયાં ચડવા લાગ્યો. કોના તરફથી આ પૈસાની ટપાલ આવે છે તે પુત્રને જણાવવાની ના લખાઈ આવેલી. એ નોટોના થોકડા ચાલ્યા આવતા હતા સામા તીરની સૃષ્ટિમાંથી, જ્યાં પુત્રની માતા ફરી વાર પોતાના શરીરને શણગારી, ગાલના ખાડામાં સુવાસિત પાઉડરનાં પુરાણ કરી હોઠ રંગી, હવસનાં પૂતળાંને રમાડતી હતી. મધરાત પછીની મદભભકતી મહેફિલોમાં પોતાના લૂંટાતા યૌવનને એ જાણે એમ કહેતી કહેતી રોકતી હતી કે, ‘પાંચ જ વર્ષ ઠેરી જા! મારો બેટો ભણીગણીને મહાપુરુષ બની જાય ત્યાં સુધી તું થોભી જા!’ પરંતુ જોબન કાંઈ કોઈના બેટાને મહાપુરુષ બનાવવા સારુ રોકાયું છે કદી? એ તો ચાલતું થયું — માના ભરપૂર દેહમાંથી-માંસ રુધિરના લોચા ને લોચા તોડીને એ તો ચાલ્યું. એક બાજુ દાક્તરી વિદ્યાલયના ભવ્ય વ્યાખ્યાન-મંદિરમાં વીસ વર્ષનો પુત્ર એક હાડપિંજરની પાંસળીઓ ગણી રહ્યો છે, ત્યારે એ મોડી રાતની રંગસૃષ્ટિમાં માતાનાં હાડકાંનું માળખું પણ ભમે છે. જોબન ગયું, પફ-પાઉડરના થથેડા પણ કદરૂપતાને ઢાંકવા અશક્ત નીવડ્યા, અને પુત્ર ‘મહાપુરુષ’ની નિસરણીને વચગાળે પગથિયે પૈસાની જોગવાઈ વિના અટકી પડ્યો હોવાના સમાચાર આવ્યા. એટલે પછી માતા સીધેસીધી દ્રવ્યચોર બની. જુગારખાનામાં, જલસાઓમાં ને પીઠાઓમાં એની ત્રાંસી નજરની ચાતુરીએ પરાયાં ગજવામાંથી પાકીટો સેરવવા માંડ્યાં; અને રહ્યુંસહ્યું શરીર પણ જે કોઈ પલીતને વા પિશાચને વેચી શકાય તેને વેચી એણે પુત્રને નિસરણીનાં છેલ્લાં પગથિયાં ચડાવ્યો. છેલ્લું રૂ. ૪૦૦ની નોટોનું પરબીડિયું ઉઠાવીને જ્યારે એ એક જુગારખાનામાંથી નાસી, ત્યારે એને અને ભયાનક મોતને હાથવેંતનું છેટું હતું. એની લાશ સુધ્ધાં હાથ ન આવવા દ્યે એવી ટોળી એનો પીછો લઈ રહી હતી. એક અંધાર-ગલીના ખૂણામાં બેસીને માએ જ્યારે ફફડતે હૈયે એ નોટો ગણી, ત્યારે એની ઊંડી ગયેલી આંખોમાં સંતોષની ઝલક ઝલકી ઊઠી, જાણે કોઈ હિંસક જાનવર લપાઈને બેઠું બેઠું ભૂખ્યાં બચ્ચાં માટે ભીષણ યુદ્ધ કરીને આણેલા શિકાર ઉપર આંખો તગતગાવતું હતું. બીજે દિવસે જ્યારે દાક્તરે આવીને એ થોકડો પુત્રના હાથમાં મૂક્યો, ત્યારે પુત્ર એટલું જ બોલ્યો: “ઓહો! આજ આ ખરચી ન મળી હોત તો મારી આખી કારકિર્દી પર પાણી ફરી વળત.”

[૭]

કમ્મરેથી ભાંગી ગયેલી, વાંકી વળેલી, ડગુમગુ ચાલતી એક ડોશી એક સંધ્યાએ વનિતા-વિશ્રામને દ્વારે આવી ઊભી રહી. કાળાં વસ્ત્રોમાં એ પોતાનું શરીર સંકોડતી હતી — હાડકાં અને ચામડીના માળખાને જો શરીર કહી શકાય તો એ શરીર હતું. એના માથા પરથી વાળ ખરી ગયા હતા. એના મોં પર કોઈ પાગલીના જેવું હાસ્ય હતું. “તારે આંહીં દાખલ થવું છે, ડોશી?” વનિતા-વિશ્રામની ઉપરી બાઈએ પૂછ્યું. ડોશીએ ડોકી ધુણાવી પૂછ્યું: “મને પાછી બહાર ક્યારે નીકળવા દેશો?” “અહીં દાખલ થનારને મરણ સુધી બહાર નીકળવાનું નહીં મળે.” “ત્યારે તો રહો, રહો.” ડોશીએ કાલીઘેલી ચેષ્ટા કરતાં કહ્યું: “હું એક જણને મળીને પછી આવું.” “સારું; રાતના બાર બજ્યા સુધી અહીં દાખલ થઈ શકાય છે.” “હો.” એટલું કહીને ડોશી ત્યાંથી ચાલતી થઈ. ઘણું લાંબું અંતર ચાલી. સાંજના ધમધોકાર વાહન-વ્યવહારની ભીડમાં કચરાતી-છૂંદાતી એ કેમ બચી ગઈ હશે એ હરકોઈ જોનારને વિસ્મય પમાડે તેવી વાત હતી. જે મોટા મકાનને દરવાજે એ ઊભી રહી, ત્યાં પિત્તળનું એક સુંદર ચગદું ચોડેલું હતું. રસ્તા પરની બત્તીને અજવાળે એની નિસ્તેજ આંખોએ નજીક જઈને ચગદા પરનું નામ વાંચ્યું: ‘ડૉ...’ આગળપાછળ કોઈ જ નથી એ તપાસીને આ ખંધી જેવી લાગતી બુઢ્ઢીએ ધારીધારીને એ ચગદું ઉકેલ્યું. એ નામના એક પછી એક અક્ષર ઉપર એણે એના ધ્રૂજતા હાથની બન્ને હથેળીઓ પસારી. પોતાના કરચલિયાળા ગાલ એ ચગદા સાથે ચાંપીને છૂપી શીતળતા અનુભવી. પછી એણે પોતાના ફાટેલા કપડા વતી અક્ષરો લૂછી સાફ કર્યા. અને એ અક્ષરોની પછવાડે પોતાના મોંનું પ્રતિબિમ્બ નીરખ્યું. પારકા સાઈન-બોર્ડના એ લીસા પિત્તળને, અરીસો કરી એ ડોશીએ પોતાના મોં પરની કરચલીઓ લૂછી, આંખો લૂછી, માથાના રહ્યાસહ્યા કેશ સરખા કર્યા, માથે ઓઢેલું ઓઢણું સરખું કર્યું, અને પછી એ ઊપડતે પગલે એ મકાનમાં દાખલ થઈ. “કોણ છો તમે? કેમ આવ્યાં છો?” દરવાજા ઉપર આવેલી એક સુશોભિત, કદાવર નર્સે એને પ્રશ્ન કર્યો. ડોશી કશું બોલી ન શકી. “તમે દાક્તરસાહેબને મળવા આવ્યાં છો?” નર્સે ફરી પૂછ્યું. ડોશીથી કશું બોલાયું નહીં. એણે યંત્રવત્ ડોકું હલાવ્યું. “પણ દાક્તરસાહેબને મળવાનો આ સમય જ નથી.” નર્સે કહ્યું. ડોશી જડવત્ ઊભી રહી. “તમને દાક્તરસાહેબે અત્યારનો સમય આપ્યો છે?” ડોશીએ ડગમગતી ડોક ધુણાવી. “હા.” નર્સ અને કમ્પાઉન્ડર સામસામાં જોઈ રહ્યાં. એ દૃષ્ટિમાં સંદેહ હતો. આખરે નર્સે કહ્યું: “ઠીક ત્યારે, આવો અંદર, બેસો અહીં.” બારણા પાસે બતાવેલી બેઠક ઉપર ડોશી પોતાનાં કપડાં સંકોડતી, જાણે ઠંડીમાં ધ્રૂજતી હોય એ રીતે બેઠી. નર્સ અને કમ્પાઉન્ડર જ્યારે પાછાં બીજા ઓરડામાં જઈ કામે લાગી ગયાં, ત્યારે ડોશીના શરીરમાં ફરી સંચળ શરૂ થયો. એણે એક વાર તો ત્રાંસી નજરે જોઈ લીધું કે આગળપાછળ ત્યાં કોઈ છે કે નહીં. કોઈ જ નહોતું, એટલે એણે માથું હલાવી, ધારીધારીને એ બેઠકનો ખંડ તપાસ્યો. અવતાર ધરીને કદી દીઠું જ ન હોય તેમ આભી બનીને એ જોઈ રહી. પછી સામેની બાજુએ આવેલા એક બારણા પર એની નજર પડી. લપાઈને એ ઊઠી. ચોરના જેવી સિફતથી એ ત્યાં પેસી ગઈ. ઓરડાની શોભા, સ્વચ્છતા, રિદ્ધિસિદ્ધિને જોતી જોતી એ છેક મોટા ટેબલ પાસે પહોંચી, ટેબલની પછવાડે ખુરસી હતી ત્યાં પેસીને ખુરસીના લીસા લાકડા પર ને મખમલની ગાદી પર એણે હાથ ફેરવ્યા. અનંત સુખની લાગણી થતી હોય તેવી એની મુખાકૃતિ બની ગઈ. પછી એ બીતી બીતી ઝટપટ ખુરસી પર બેસી ગઈ. લહેરથી, રૂવાબથી, ગંભીર મોં કરીને બેઠી. કબાટોમાં સોનેરી પૂઠાંવાળાં દળદાર પુસ્તકો ગોઠવાયેલાં હતાં તે દીઠાં. અને આખરે શું દીઠું? એક છબી: એ સુંદર ખુરસીની ડાબી બાજુએ એક નાના મેજ ઉપર, વીજળીની લીલી બત્તી નીચે, અગરબત્તીનાં બે ધૂપિયાંની વચ્ચે ધરેલી, કોઈ ભક્તના ઘરની દેવપ્રતિમા જેવી એક છબી, છબીમાં એક ભરયૌવના અને ઐશ્વર્યમયી મા બેઠી છે. માના ખોળામાં, માના બે હાથના કૂંડાળાની અંદર બે વર્ષનો એક બાળક બેઠો છે. મા હસે છે. બાળક પણ હસે છે. પચીસેક વર્ષોની ઝાંખપ એ છબી ઉપર વળી ગઈ હતી. છતાં મા અને બાળકના મોં પરનું હાસ્ય મોજૂદ હતું. ડોશીએ એ છબી ઉપાડી. છબીને છાતીસરસી ચાંપીને એ ઊભી થઈ રહી. ત્યાં તો બારણા ઉપર અવાજ સંભળાયો: “જુઓ સાહેબ, આ રહી એ ડોશી.” ડોશીએ ઊંચે જોયું. ત્રણ જણાંને દીઠાં. એક નર્સ, બીજો કમ્પાઉન્ડર, ને ત્રીજો એક સત્તાવીસ વર્ષનો પાતળો, સીધો સોટા સરખો, નમણો, કદાવર જુવાન. ત્રણેય જણ નજીક આવ્યાં. ડોશીએ જુવાનને પાસેથી નિહાળ્યો.ચકચકિત બૂટજોડી: ઘડીદાર, રાખોડી રંગનું અકબંધ પાટલૂન: એવો જ ઘડીદાર બંધબેસતો ડગલો: ટાઈ, કૉલર: સાફ સુંવાળું મોં: અને છેલ્લીછેલ્લી એની આંખો ત્યાં ઠરી, જ્યાં એક સીધો લાંબો સેંથો એ યુવાનના રેશમી વાળને બંને બાજુએ વહેંચતો હતો. બુઢ્ઢીની આંખમાં ડર નહોતો. અતિ હર્ષની વેવલાઈ હતી. “કેમ, ડોશીમા!” એ યુવાને સહેજ કડકાઈથી છતાં સભ્ય રહી પૂછ્યું: “કેમ આવ્યાં છો?” ડોશીમાએ કાંઈ ન કહ્યું. એ તો હજુ એ જુવાનને નીરખવામાં જ મશગૂલ હતી. પણ નર્સે કહ્યું: “સાહેબ, એ તો કહે કે આપે એને અત્યારે અહીં મળવાનો સમય આપ્યો છે.” “હં-હં-હં, એમ કે?” દાક્તર સહેજ હસ્યો. “ડોશીમા, તમે આવડી ઉમ્મરે જૂઠું બોલ્યાં કે?” પણ ડોશીની બેફિકરાઈભરી નિરુત્તર સ્થિતિ દાક્તરને વધુ ને વધુ વિસ્મયમાં નાખવા લાગી. “ઠીક, પણ હેં ડોશીમા, તમે આંહીં અંદર શું કરવા આવ્યાં? જોઉં, એ શું છે તમારા હાથમાં?” ડોશીના હાથમાંથી લઈને દાક્તરે જોયું. પોતાની પ્યારામાં પ્યારી એ તસવીર હતી. એણે ફરી પૂછ્યું: “આ છબી શા માટે લીધી હતી તમે? તમારે એને લઈ જઈને શું કરવી હતી?” અબોલ ઊભેલ ડોશીના હાથ જાણે હજુ એ છબીની માગણી કરતા ઊંચા થઈ રહ્યા હતા. “હં-હં,” દાક્તરે પૂર્તિ કરી: “તમારી દાનત તો આ રૂપાની ફ્રેમ ઉપર બગડી લાગે છે, નહીં કે ડોશીમા?” ડોશીના હાથ હજુ છબી તરફ લંબાયેલા હતા. એની ચૂપકીદીએ દાક્તરના અવાજમાં તેમ જ મુખમુદ્રામાં પલટો આણ્યો. દાક્તરે ફરીથી ડોશીના દિદાર નિહાળીને પૂછ્યું: “તમે ખાધું છે કે નહીં, ડોશીમા? ક્યારે ખાધું છે?” “કાલે.” ડોશીએ ઠંડો જવાબ આપ્યો. દાક્તરે થોડો વિસામો ખાધો. પછી એણે નોકરને કહ્યું: “ખાવાની થાળી તૈયાર કરીને લાવ જલદી.” અને નર્સને કહ્યું: “તમે બહાર જાઓ અને દરવાજો બંધ રખાવો. હમણાં કોઈને અંદર આવવા ન દેશો, તમે પણ બહાર જ રહેજો.” “પણ – ઠ્ઠપણ – સાહેબ –” નર્સ ગભરાટમાં પડી. “કશો જ ભય નથી. જાઓ તમે તમારે.” દાક્તરને કોઈ ડાકણના સાથમાં મૂક્યા હોય તેવી ગભરાટભરી મનોદશામાં નર્સે અને નોકરે બહાર નીકળી બારણું વાસ્યું. દાક્તર અને ડોશી એકલાં પડ્યાં. દાક્તરે પોતાના આ વિલક્ષણ દર્દીની શરીર-પરીક્ષા શરૂ કરી. “કહો હવે, માડી! શું છે તમને?” ડોશી તો મૂંગી મૂંગી દાક્તરનો કંઠ-રણકાર અને રોગ-પરીક્ષાની છટા નિહાળી રહી. “લાવો, તમારા હાથ જોઉં?” કહેતાં દાક્તરે ડોશીના હાથ પોતાના હાથમાં લીધાં. દાક્તર તો તપાસી રહ્યા છે ડોશીના નખ: નખ ઉપરથી કંઈક રોગ પારખવા માગે છે. પણ બુઢ્ઢીને તો દાક્તરના હાથનો સ્પર્શ કોઈ સ્વર્ગીય શીતળતા આપી રહ્યો છે. બુઢ્ઢીના અંગેઅંગમાં ટાઢા શેરડા પડ્યા. “હા, હવે જોઉં તમારી આંખો?” કહીને દાક્તરે એ કાળાં કૂંડાળાંમાં પડેલી, ઓલવાતા બે દીવા જેવી, ઊંડા ખાડામાં ઊતરેલી વૃદ્ધ આંખોની નીચલી પાંપણો જ્યારે આંગળી વતી પહોળી કરી, ત્યારે બુઢ્ઢીના નિસ્તેજ તારલા દાક્તરના મોંને તદ્દન નજીકથી જોઈ શક્યા. “હા, જોઉં તમારાં ફેફસાં કેમ છે?” કહી દાક્તરે નીચા વળી બુઢ્ઢીની છાતીએ કાન માંડ્યો. ડોશીની ધીરજ તૂટી પડવાની તૈયારી હતી. એના બેઉ હાથ ઊંચા થયા. પોતાના હૈયા ઉપર પેટના બાળકના માથાની પેઠે ઢળી પડેલું એ માથું ઝાલી લેવા જેટલા નજીક એના હાથ જઈ પહોંચ્યા. પરંતુ એને કશુંક વારતું હતું. એ સુંદર માથાના વાળને સ્પર્શ્યા પહેલાં એક જ પળે એ બેઉ જર્જરિત હાથ પાછા નીચા ઢળી ગયા. “પણ-પણ.” દાક્તર પૂછે છે: “તમારું કાળજું આટલું બધું થડકે છે શાનું, હેં ડોશીમા? આટલા ગજબ ધબકારા કેમ ઊઠે છે!” ડોશી કશું નથી બોલતી, દાક્તર એની છાતી પરથી માથું ઉઠાવી લઈને પાછા ટટ્ટાર બન્યા. પૂછ્યું: “તમારે કેટલાં છોકરાં છે, ડોશીમા?” “એક.” જરા મોડો જવાબ આવ્યો. “દીકરો કે?” ડોશીએ માથું હલાવ્યું. “શું કરે છે?” “મહાપુરુષ છે.” “હં-હં! બધી જ માતાઓ પોતાના પુત્રો વિશે એમ માને છે. કઈ જાતનો મહાપુરુષ છે તમારો દીકરો?” “ખબર નથી.” “હં... ડોશીમા! એ ખબર નથી કે? ઠીક લ્યો, હવે તમે અહીં બેસો, નિરાંતે બેસજો, હાં કે? જુઓ, તમારો રોગ મેં પારખ્યો છે ને હવે હું તમારા સારુ દવા બનાવું છું. સરસ દવા. એક વાર પીશો ને, એટલે તમને તરત જ આરામ આવી જશે. બેસો અહીં.” ડોશીના દુર્બલ શરીરને ઝાલીને દાક્તરે એક સુંદર ખુરસી ઉપર બેસાડ્યું: ને પછી એણે દવાના કબાટો પાસે જઈ, આજ સુધી કોઈ દર્દીને માટે પોતે નહીં કરી આપ્યું હોય તેવું ઔષધ બનાવવા માંડ્યું. જાતજાતની માત્રાઓ રેડતો રેડતો એ આ બુઢ્ઢીને ‘સમજ્યાં ને, માડી?’ ‘સમજ્યાં ને, માડી?’ એવા મધુર ટૌકારથી કશી જ ચિંતા ન કરવાનું કહેતો જાય છે, ને કબાટમાંથી ઊપડતી શીશીઓ એક પછી એક રણકાર પૂરતી જાય છે, પ્યાલીમાં ટપકતાં ઔષધિઓનાં ટીપાં પણ કોઈ અતીત સંગીતના સૂરો કાઢે છે. એક-બે વાર વાતો કરતાં કરતાં દાક્તરે ડોશીની સામે જોયું, પણ પછી તો ‘મિક્સ્ચર’ બનાવવામાં પોતે એટલો મશગૂલ બન્યો, નવી નવી એટલી માત્રાઓ એને સૂઝવા લાગી, અને ગુમ થયું માનેલું કશુંક જીવન સર્વસ્વ આ બુઢ્ઢીને રૂપે એને પોતાના ઓરડામાં એટલું તો સલામત જણાયું, કે બુઢ્ઢી તરફ નિહાળવું એ ચૂકી ગયા. ફક્ત એ કશીક અસંબદ્ધ વાતો બબડતો જતો હતો: ‘સમજ્યાં ને માડી?’ ‘તમે માડી, સમજ્યાં ને?’ એ એક જ વાક્ય એના બબડાટમાં વિરામચિહ્ન જેવું બની ગયું, અને પછી ‘સમજ્યાં ને, માડી!’નો છેલ્લો ટૌકો કરી, ‘મિક્સ્ચર’ બની ગયે, એણે જ્યારે ડોશીની ખુરસી તરફ નજર કરી, ત્યારે ખુરસી પર કોઈ નહોતું બેઠું. ‘માડી’ ચાલી ગઈ હતી. ક્યાં ચાલી ગઈ, એ પત્તો કોઈને ન મળ્યો. દાક્તરના જીવનમાં ‘માડી’ શબ્દ ભણકારરૂપે રહી ગયો.