મેઘાણીની સમગ્ર નવલિકા/તુચ્છ ભેટ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
તુચ્છ ભેટ

યમુનાનાં પાણી ઘૂમરી ખાતાં દોડ્યાં જાય છે. બન્ને કિનારે ઊંચા પહાડોની શિખરમાળા ઊભી છે. ગુફાના સાંકડા માર્ગમાં ચાલ્યો જતો પ્રવાહ પાગલની પેઠે દિવસ-રાત ગરજ્યા કરે છે. નદીની એ વાંકીચૂકી વેણી વીંખતા વીંખતા આસમાની પહાડો એક પછી એક આઘે — કેટલેય આઘે — ચાલ્યા જાય છે, શિખર બધાં અચળ ઊભાં છે તો યે જાણે ચાલતાં જણાય છે, અને નદી ચાલી જાય છે તો યે જાણે સાંકળે બાંધેલી સ્તબ્ધ ઊભી હોય તેવું લાગે છે. પહાડો ઉપર ઊંચાં ઝાડો ઊભાં છે: કેમ જાણે હાથ લંબાવીને પહાડો પેલી વાદળીઓને બોલાવતા હોય! આવા પ્રદેશમાં પર્ણકુટી બાંધીને શીખ ગુરુ રહેતા હતા. એક દિવસ ગુરુજી પ્રભુલીલા વાંચી રહ્યા છે તે સમયે રાજા રઘુનાથ પધાર્યા. ગુરુદેવને ચરણે નમન કરીને રાજા બોલ્યા: “હે પ્રભુ! દીન સેવક થોડી ભેટ લાવ્યો છે.” હાથ લંબાવીને ગુરુજીને રાજાના મસ્તક પર મેલ્યો, આશિષો આપી કુશળ ખબર પૂછ્યા, બે સોનાંનાં કંકણો રઘુનાથે ગુરુદેવને ચરણે ધરી દીધાં. ભોંય પરથી કંકણ ઉઠાવીને ગુરુદેવ આંગળી ઉપર ચક્કર ચક્કર ફેરવવા લાગ્યા. કંકણના હીરાની અંદરની હજારો કિરણો નીકળતાં હતાં: કેમ જાણે હજાર-હજાર કટારો છૂટતી હોય! લગાર મોં મલકાવીને ગુરુએ કંકણો નીચે ધર્યાં ને પાછા એ તો પુસ્તકની અંદર આંખો માંડીને વાંચવામાં મશગૂલ બન્યા. સામે રાજા રઘુનાથરાવ બેઠા છે તેની પણ એ સાધુને પરવા ન રહી. ત્યાં તો અચાનક એ પથ્થર પરથી એક કંકણ લપસી ગયું ને દડતું દડતું યમુનાના ઊંડા પાણીમાં જઈ પડ્યું. “અરે! અરે!” બૂમ પાડી રઘુનાથ રાજાએ એમ ને એમ પાણીમાં ઝંપલાવ્યું. બે હાથ લંબાવીને રાજા ચોમેર કંકણને શોધવા લાગ્યા. ગુરુજીના અંતરમાં તો પ્રભુની વાણીને પરમ આનંદ જાગ્યો હતો. પુસ્તકમાંથી એમણે તો પલવાર પણ માથું ઊંચું ન કર્યું. યમુનાનાં શ્યામ જળ ચોમેર ઘૂમરી ખાઈખાઈને જાણે રાજાને ટગાવી રહેલ છે ને કહે છે: “જો, આંહીં પડ્યું છે કંકણ!” રાજાજી એ જગ્યાએ પાણી ડખોળી ડખોળી થાકે, ત્યાં તો એ મસ્તીખોર નદી બીજે ઠેકાણે ઘૂમરી ખાઈને ફોસલાવે: “જો, જો ત્યાં નહિ, આંહીં પડ્યું છે તારું કંકણ!” આખરે દિવસ આથમ્યો. આખો દિવસ પાણી ફેંદ્યાં, પણ રાજાજીને કંકણ ન જડ્યું. ભીંજાયેલ વસ્ત્રે અને ઠાલે હાથે રાજાજી ગુરુની પાસે આવ્યાં. એના મનમાં તો શરમ હતી કે કંકણ તો મળ્યું નહિ! ગુરુજી મને શું કહેશે? હાથ જોડીને રઘુનાથે કહ્યું: “મહારાજ! કંકણ કયે ઠેકાણે પડ્યું એ બતાવો તો હમણાં જ ગોતી કાઢું,” “જોજે હો,” એમ કહીને ગુરુજીને યમુનાની અંદર બીજા કંકણનો પણ ઘા કર્યો ને કહ્યું: “એ જગ્યાએ!” શરમિંદો રાજા દિગ્મૂઢ બનીને ગુરુની સામે જોઈ રહ્યો. ગુરુજીનું મોં મલકતું જ રહ્યું.