મેઘાણીની સમગ્ર નવલિકા/નિવેદન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
નિવેદન

કાઠીઓની ઘોડીનાં રૂપગુણ વર્ણવાય ત્યારે કહેવાય કે નાની એક થાળીમાંય ઘોડી ચારેય પગે રમી જાણે. નવલિકાનું શ્રેષ્ઠ રૂપ કાઠીની ઘોડી સમું હોય. નાના એવા પ્રસંગને કૂંડાળે વાર્તા હળવે પગે રમણ કરે. [૧૯૩૬]
ટૂંકી વાર્તાનો લખનાર ગંજીપો રમનાર કાબેલ ખેલાડી જેવો હોય, એ પોતાનાં પાનાં બતાવી ન આપે. પોતે કઈ ચાલ ચાલી રહેલ છે તેની સામા ખેલાડીને ખબર પડવા દીધા વગર ખરે ટાણે આખરી દાવ અજમાવે. કથાલેખનની એ કલા ઉત્તમ કહેવાય... પરાકાષ્ટા આવે ત્યારે સામટું સંવેદન નીપજાવે, ન આવે ત્યાં સુધી વાચકનું હૃદય તીવ્ર કુતૂહલ અને ‘હવે પછી શું આવશે’ તેની ઉત્કટ જિજ્ઞાસાના તારે ઝૂલી રહે. એને કહીએ છીએ ‘ટેન્સ સસ્પેન્સ’. આ પરાકાષ્ટા જ્યારે આવે ત્યારે પાછી એ આગલા બનેલા તમામ પ્રસંગોનો આખરી સ્વાભાવિક પરિપાક લાગવી જોઈએ. પણ ટૂંકી વાર્તા તો વિધવિધ રૂપિણી છે. કોઈ પૃથક્કરણકારનું એ રસાયન બને છે, કોઈ દર્શકનું એક નર્યું શબ્દચિત્ર પણ બની રહે છે. ને કવિહૃદયનું ઉદ્ગાર-કાવ્ય પણ બને છે. આ છેલ્લું સ્વરૂપ જોખમભર્યું છે, કેમકે એમાં લેખક શરૂથી જ પોતાનાં રમત-પાનાં બતાવતો જાય છે. પણ એની સફલ અજમાયશ શીખવા જેવી યે છે. [૧૯૩૭]
વાર્તા એવું જેને તમે નામ અને સ્વરૂપ આપો છો તેના નિરૂપણમાં વસ્તુવેગ તો હોવો જ જોઈએ. મનોવિશ્લેષણને મુખ્ય સ્થાને બેસાડતી વાર્તા પણ ઘટના-પ્રવાહને મંદ પાડવાનો દાવો ન રાખી શકે. મનોવિશ્લેષણે પોતે જ ઘટનાઓના પ્રવાહરૂપે વેગ પકડવો રહે છે. વિચારો ને મંથનો જ સમર્થ કલમની અણીએ પ્રસંગોની પરંપરા બની શકે છે. દરેક વાર્તાને વેગવાળી બનવા માટે બાહ્ય બનાવોની જ મારમાર કરતી પરંપરા ખપે છે એવું નથી. વેગ એની આંતરિક, માનસિક ક્રિયા છે. [૧૯૪૧]
ઝવેરચંદ મેઘાણી