મેઘાણીની સમગ્ર નવલિકા/પારસમણિ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પારસમણિ

વૃન્દાવનમાં, યમુનાને કિનારે બેઠા બેઠા સનાતન ઋષિ પ્રભુનામ રટી રહ્યા હતા. એ વખતે એક કંગાળ બ્રાહ્મણે આવીને ઋષિજીને ચરણે પ્રણામ કર્યાં. સનાતને પૂછ્યું: “ક્યાંથી આવો છો, ભાઈ? તમારું નામ શું?” બ્રાહ્મણ બોલ્યો: “મહારાજ! બહુ દૂર દેશથી આવું છું. મારું દુ:ખ વર્ણવ્યું જાય તેમ નથી. ઈશ્વરની આરાધના કરતાં કરતાં એક રાત્રીએ મને સ્વપ્નમાં જાણે કોઈ દેવ કહી ગયા: યમુનાને કાંઠે સનાતન ગોસ્વામીની પાસે જઈને યાચના કરજે; તારી ભીડ એ ભલા સાધુ ભાંગવાના.” સનાતન બોલ્યો: “બેટા! મારી આશા કરીને તું આવ્યો, પણ હું શું આપું? જે હતું તે ફેંકી દઈને ફક્ત આ ઝોળી લઈને જ હું તો જગતની બહાર ચાલી નીકળ્યો છું. પણ હાં! હાં! મને યાદ આવે છે. એક દિવસ કોઈને દેવા કામ આવશે તેટલા માટે મેં એક મણિને પેલે ઠેકાણે રેતીમાં દાટી રાખેલ છે. જા ભાઈ! એને લઈ જા. તારું દુ:ખ એનાથી ફીટવાનું. તને અખૂટ દોલત મળવાની.” પારસમણિ! આહા! બ્રાહ્મણ તો દોડતો દોડતો મુનિએ બતાવેલી જગ્યાએ પહોંચ્યો ને એણે રેતીમાંથી મણિ બહાર કાઢ્યો. પોતાના લોઢાના માદળિયાને જ્યાં મણિ અડકાડે છે ત્યાં તો માદળિયું સોનાનું બની ગયું. બ્રાહ્મણ તો આનંદમાં નાચવા લાગ્યો. ખૂબ નાચ્યો. મનમાં એણે અનેક મહેલમહેલાતો ખડી કરી દીધી. કેવા કેવા વૈભવો ભોગવશે તેની કૈં કૈ કલ્પનાઓ કરી લીધી. પછી થાકીને થોડો આરામ લેવા નદીકાંઠે બેઠો. યમુનાના પ્રવાહનું મધુર મધુર ગાન સાંભળીને એ શાંત બન્યો. ચોપાસ ફૂલો અને વૃક્ષોની શોભા નિહાળી પંખીઓના આનંદમય કિલકિલાટ સાંભળ્યા. સૂર્યાસ્ત સામે નજર કરી. બ્રાહ્મણની એક આંખ આ સુંદરતા ઉપર હતી, બીજી આંખ હતી એના મનની પેલી મહેલાતો ઉપર. એનું મન ડોલવા લાગ્યું. એને સાંભર્યા ગોસ્વામી સનાતન. એને ઘણી ઘણી વાતો સાંભરી આવી. દોડતો દોડતો બ્રાહ્મણ સનાતનની પાસે આવીને એના પગમાં પડ્યો. આંખમાં આંસુ લાવીને ગદ્ગદ્ સ્વરે બોલ્યો: “અખૂટ સમૃદ્ધિ આપનાર મણિને જેણે માટી સમાન ગણીને આપી દીધો તેના ચરણની માટી જ મારે જોઈએ. આ મણિ ન ખપે.” એમ બોલીને એણે નદીનાં ઊંડાં પાણીમાં મણિ ફેંકી દીધો. મણિ દેનાર અને મણિ લેનાર બન્ને જીતી ગયા.