મેઘાણીની સમગ્ર નવલિકા 2/મંછાની સુવાવડ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
મંછાની સુવાવડ
[૧]

“આજ તો આખી રાત મંછા લવતી’તી?” “લવે નહિ? સુવાવડમાં તે કાંઈ ભાયડાના કાગળો વંચાતા હશે અને સામા જવાબ લખાતા હશે? રાત-દિ’ એક જ રટણ, માડી!” “કોનું રટણ?” “ધીરજલાલનું! બીજા કોનું! પથારીમાંથી ઊઠીઊઠીને ઊભી થવા જાય છે. એનો વર જાણે સામો ઊભો હોય એમ બોલે છે કે, ‘બારણામાં કાં ઊભા? ઓરા આવોની! મારે માથે હાથ મેલોની?’ ઠીક પડે એમ બકે છે.” “તાવ છે?” “તાવ તો ધાણી ફૂટે એવો ભર્યો છે.” “તો ધીરજલાલને તેડાવશું?” “અટાણે? સુવાવડ ટાણે? જમાઈને! જગત વાતું કરે કે બીજું કાંઈ?” “મળવા કે મોં જોવા એકબીજાંને નહિ દઈએ. આંહીં આવેલ છે એટલા વિચારથી જ દીકરીને શાતા વળશે.” “ભલે, તેડાવો ત્યારે. બાકી, કાંઈ જરૂર નથી. રે’તે-રે’તે બધું મટી જશે. કાંઈક પેટ ભરીને ખાય તો મટે ને! આજકાલનાં ચાગલાં છોકરાં: શીરો મોંમાંય ઘાલતી નથી. અમે તો બાર સુવાવડ્યું ઉડાડી મેલી! ટંકેટંકે શેર એક ઘીનો લદબદતો શીરો ખાઈને પગની આંટી નાખી એ...ય મજાનાં ઊંઘી રે’તાં.” “ત્યારે તાર કરું છું.” આવા શીરાથી બેનસીબ રહેવા સર્જાયેલ પુરુષે હોઠ ઉપર જીભ ફેરવતાં કહ્યું. “એમાં તાર શો? પત્તું લખી નાખો ને! જમાઈ ચાર દિ’ મોડો આવે તો ક્યાં વેગડી વિયાઈ જાતી’તી! કાગળ તો ચચ્ચાર દા’ડે ચાલુ જ છે ને!” મંદિર જેમ ફૂલો અને ધૂપની ફોરમથી પરખાય, અને પીરનો તકિયો જેમ પા માઈલ પરથી લોબાનની સુગંધે ધ્રમકે, તેવી જ રીતે શેરીના એક છેડાથી બીજા છેડા સુધી કેવળ ગંધ પરથી જ કળી જવાય કે ઓઘડ માસ્તરનું ઘર સુવાવડું છે. ચાર વાર શેકાતો શેરો, મંછાના ખાટલા નીચે પથરાતો બે વખતનો બકરાની લીંડીઓનાં છાણાંનો ધીકતો શેક અને એ શેકની બાફમાં બફાતાં એ સુવાવડાં ગોદડાંના ગાભા: ત્રણેયમાંથી કોઈ જુગજુગના જૂના જાણે યજ્ઞ-હોમની એક અનિર્વચનીય વાસ ફોરે છે. મકાનના એ ઓરડાએ અને ખાટલા પરના એ ગાભાએ આવીઆવી તો મંછાની બાની બાર સુવાવડો માણી છે, આશરે ૩૬૦ શેકના ધુમાડા લીધા છે; અને બે સુવાવડો વચ્ચેના ગાળામાં ત્યાં હંમેશાં ઘાસ તથા છાણાંના સંઘરા રહ્યા છે. મંછાની આ પહેલી — અઘરણીની જ — સુવાવડ હતી, ‘કંદોરાબંધ દીકરો’ તાવલેલી મંછાની ગોદમાં પડ્યો પડ્યો ધાવણ વગરના સ્તન ચૂસતો હતો. મંછાનાં માવતરે મંછાને કરિયાવર કરેલો, તેના ચાર ટ્રંક ભરાયા હતા. હજારેક રૂપિયાનું તો ઘરેણું આપેલું. લગ્ન વખતે એક ન્યાત જમાડેલી, ને પુત્રનું લગ્ન પણ એક ખેતર વેચીને ઊજવેલું; પરંતુ આ ‘કંદોરાબંધ’ ભાણેજના ફૂલ-દેહ સારુ કે તાવમાં ભૂંજાતી દીકરી સારુ એક સારું ગોદડું નહોતું અભડાવી શકાયું. “ઓહોહો! આ શું? ગોટેગોટ ધુમાડે ઓરડો ભરાઈ ગયો છે. આ ખાટલા નીચે આવો ચિતા જેવો ભાઠો શો! મંછા! મંછા!” એમ બોલતો એક જુવાન સ્ટેશનેથી આવીને છેક સુવાવડીના ખાટલા પર બેસી ગયો છે, આંખો ચોળતો ને ગૂંગળાતો ચારે મેર જોઈ બૂમો પાડે છે, અને સુવવાડી સ્ત્રીને કપાળે હાથ ફેરવીને બોલાવે છે કે, “મંછી! મારી મંછી! ઓ મંછી!” સુવાવડી શુદ્ધિમાં નથી. એ લવે છે: “હં! હં! મોડી રાતે મને એકલી મૂકીને સ્ટેશને ભાગી જાવ ને! ‘કટ! કટ! કટ! કટ!’ કરી કરીને આખી દુનિયા સાથે વાતો કરો ને! હું બધું જ સમજું છું...” એ લવારા પરથી કલ્પી શકાય કે મંછાનો વર કોઈ સ્ટેશનનો રાતની નોકરી કરનાર ‘ડેપ્યુટી’ સ્ટેશન-માસ્તર હશે. ઓચિંતી મંછા ઊઠે છે, લોચે છે, ગળું સુકાતું હોય તેમ જીભ વતી હોઠ ચાટે છે. “પાણી જોઈએ છે, મંછા?” કહીને જુવાન પાસેની માટલીમાંથી પ્યાલું ભરે છે, પાય છે, વાશી પાણી ગંધાય છે. મંછાને પાણી પિવાડીને પાછી ધીરે હાથે પંપાળે છે, મોટે અવાજે બોલે છે કે “આ ગાભા કેમ પાથર્યા છે? અરે, કોઈ એક સારું ગાદલું તો લાવો!” સાસુ આવીને ઊભાં રહે છે: “ગાદલું? સુવાવડમાં નવું ગાદલું! અમે તો આ ને આ ગાભા માથે જ બાર સુવાવડ્યો કાઢી નાખી!” હસીને એ કહે છે. જુવાન પોતાની સાસુના હેડમ્બ-દેહ ઉપર નખશિખ નીરખી રહ્યો. દરમિયાન ઘરની એક જુવાન સ્ત્રી લાજ કાઢીને આવી ઊભી રહી. એના હાથમાં એક અધોતું ગોદડું હતું. “લે જા, જા વહુ! જરાક શરમા. કે’તલ તો દીવાના પણ સુણતલ બી દીવાના!” સાસુજીના એટલા જ શબ્દે ઘૂમટાવાળી પુત્રવધૂને પાછી વાળી — કોઈ લશ્કરી અમલદાર પોતાની સામે ઊભેલા સૈનિકને ‘એબાઉટ ટર્ન: ક્વિક માર્ચ’ ફરમાવી બહાર કાઢે તે રીતે.

“જમાઈએ તો આખું ગામ માથે લીધું.” “હું બજારે બેસી શકતો નથી. મારી ફજેતી થાય છે.” “શેરીએ ને કૂવા-કાંઠે બાઈઓ પણ એ જ બોલે છે કે, આ તે કોનું ખોરડું! જમાઈ આવ્યો તો આવ્યો, પણ પરબારો સુવાવડીને ઓરડે પેઠો, ખાટલે બેસી ગયો, ખસતો જ નથી. સુવાડેય પોતે, ઉઠાડેય પોતે, મળ-મૂતર પોતે ઉપાડે: આ તો દાટ વાળ્યો!” “છોકરી સારુ નવું ગોદડું ક્યાંથી લઈ આવ્યો?” “પોતાના બિસ્તરમાંથી કાઢીને પાથર્યું.” “મળ-મૂતરનાં ઠામડાં વેચાતાં લઈને ગામમાં નીકળ્યો એ દેખીને તો આપણા ન્યાતીલાએ મારા ઉપર માછલાં ધોયાં.” એ જ વખતે ધીરજલાલ દાખલ થાય છે. એના વાળનું કે લૂગડાંનું ઠેકાણું નથી. ઉજાગરાથી એની આંખો લાલઘૂમ છે. “કેમ, ધીરજલાલ પારેખ! આ શું?” “રાજકોટથી એકેદમ મોટા દાક્તરને બોલાવવો પડશે. મંછાને ગુહ્ય ભાગે એક લાંબો ચીરો પડેલો છે, ને એમાંથી લોહી વહ્યું જાય છે. આ તમારી કોઈની નજરે કેમ નથી ચડ્યું?” લજ્જાથી ધરતીમાં સમાવા તત્પર હોય એવાં મંછાનાં બા આડું જોઈને મોં આડે છેડો ઢાંકે છે. ઓઘડ માસ્તર આભા બને છે: “ધીરજલાલ! આ તો સભ્યતા ચુકાય છે.” ધીરુ બોલ્યો: “એ ચીરો કોઈના જોવામાં જ ન આવ્યો? આ તો હમણાં મેં આંહીંની ‘મિડ-વાઇફ’ને બોલાવીને તપાસ્યું ત્યારે જ ખબર પડી. નીકર આનું શું થાત! આ લોહી વહે છે એટલે જ બેભાન છે. એને આનો જ તાવ ને સનેપાત છે. જખમ ‘સેપ્ટીક’ બની ગયો છે.” “તમે શું સમજો, ધીરજલાલ!” સાસુ કોચવાયાં: “એને તો કંઈક વળગાડ છે, બાપ! તમારી મૂએલી મા ચોંટી પડી છે, ભા! ઠાલા લોહીની અને ચીરાની વાત શીદ કરો છો?” “આપણા રામેશ્વર વૈદ અને મોતડી સુયાણી શું કહે છે?” સસરાએ પૂછ્યું. “આમાં વૈદ-સુયાણીની વાત જવા દઈએ.” જમાઈએ કહ્યું. “એમ કેમ? રામેશ્વરને તો ચરક ને સુશ્રુત બેયના શ્લોકેશ્લોક કંઠાગ્રે છે. એણે તો મડાં બેઠાં કર્યાં છે.” “અને મોતડી સુયાણીએ તો હજાર છોકરાં જણાવ્યાં છે; એ તમારે મન કાંઈ નહિ! એ તો ચોખ્ખું કહે છે કે, આ વળગાડ છે.” “ને રામેશ્વરનો પણ એ જ મત છે કે બધું માનસિક છે.” માસ્તરે તપખીરની ચપટી નાકે ચડાવી. “પણ હું મારે ખરચે દાક્તર બોલાવું.” “દીકરીની એબ જાણીબૂઝીને દાક્તર પાસે દેખાડાય?” “નહિ દેખાડીએ તો જીવની જાશે.” “હાય, માડી! તમારે તો ઠીક કે નવું માણસ મળી રહેશે; પણ આવી કાળ-વાણી કાઢીને અમારી સાત ખોટની દીકરીને કાં મરતી વાંછો!” મંછાની બા ગળગળાં થઈ ગયાં. “પણ આ ગુહ્ય ભાગના ચીરા પર ટેભા લેવાની જરૂર છે.” “અમે હાથ જોડીએ છીએ તમથી, બાપ! ઠીક પડે તેમ કરો! મેં તો બાર સુવાવડ્યો કાઢી નાખી, પણ આ તો નવાઈ!” “આ તો સુવાવડ કહેવાય, ધીરજલાલ!” ઓઘડ માસ્તરે શિખામણ આપી: “આમાં સારવાર જ ન હોય. એ બૈરાંઓનો કાર્ય-પ્રદેશ છે. તમે મર્યાદા લોપો છો. આર્યધર્મ સચવાતો નથી.” “કહું છું કે મેં બાર સુવાવડ્યો કાઢી નાખી. ટંકેટંકે શેર ઘીનો શીરો ખાઈ, બે વાર ઠીકાઠીકનો શેક લઈ અમે તો કોઈ ભાત્યના પગની આંટી વાળીને પડ્યાં રહેતાં. આઠ દિવસે તો ખાટલો ઉપાડી મેલીને હરતાંફરતાં જઈ જતાં. તમે અમારે ઘરે આવીને આ પોપલાઈ શી માંડી છે, બાપ! આ મગનાં પાણી શાં! આ માથા ઉપર બરફ ને આ પેટમાં પિચકારી શાં!” ધીરજલાલની પાસે આ દલીલોનો જવાબ નહોતો. એણે રાજકોટ દાક્તરને તાર કરી તેડાવ્યા. એ મંછાની પથારી પર જ ખોડાઈ ગયા જેવો દિવસ-રાત બેઠો રહ્યો. ગુહ્ય ભાગના લાંબા ચીરામાં મળ ન ભરાઈ જાય તે સારુ એ ત્યાં લોશનનું પોતું રાખીને મંછાને ઝાડે બેસારતો, પેશાબ કરાવતો, પખાળતો. બેભાન મંછાના કપાળ અને પેડુ પર બરફ મૂકી પ્રભુ-પ્રાર્થના કરતો હતો. દરમિયાન મંછા લવતી. મંછાનાં માવતર જમાઈની આ નફટાઈથી ત્રાહી પોકારીને જળકમળવત્ નિર્લેપ રહેતાં. સગાં અને પાડોશીઓ આ તમાશો જોવા આવતાં ત્યારે મંછાની બા પોતાની ‘બાર સુવાવડો’ની વાત ગર્વભેર કરવાનું ચૂકતાં નહિ અને ધીરુ પેલા ચીરાની વાત કહ્યા વગર રહેતો નહિ. સવાર પડે ને ધીરુ છેક રસોડા સુધી ચાલ્યો આવે; કહે કે “જરી મગનું પાણી કરી આપજો તો!” સાસુ કહે: “સારું; તમે જાઓ. હું આપી જઈશ. ચૂલો સળગાવવા દ્યો.” અડધો કલાક થાય ને ધીરુ આવીને ઊભો જ હોય: “દૂધ ગરમ થયું કે નહિ?” સાસુ કહે: “થાય છે.” થોડીવારે વળી પેશાબ-ઝાડાનાં ઠામડાં લઈને ઊભો રહે: “આમાં પાણી રેડજો તો! ધોઈ નાખું.” “જરી આ નળિયામાં દેવતા દેજો: ધૂપ કરવો છે.” “ગરમ પાણી દેજો: શરીર લૂછવું છે.” આવી આવી નાનીમોટી સતામણીઓ ધીરુ તરફથી એટલી બધી વધતી ગઈ કે મંછાની બાને જમાઈ કોઈ પૂર્વભવનો વેરી દેખાવા લાગ્યો. અને જમાઈ ઉપરની દાઝ એ દીકરાની વહુ ઉપર ઠાલવવા માંડ્યાં: “તમે શીદ મારા ઉપરવટ થઈને બધું આપો છો? તમારી દયા શીદ એટલી બધી ઊભરાઈ જાય છે!”

તાવ ઊતર્યો છે. મંછા આંખો ઉઘાડે છે. નાના બચ્ચાને ધીરજલાલ પડખામાં સુવારે, તેને ધવરાવે છે. પણ એનું મગજ ખાલી થઈ ગયું છે. એના જ્ઞાનતંતુઓ જળી ગયા છે. એને પોતાની બેહાલ દશાની જાણ નથી. એ સૂતીસૂતી સાંભળે છે કે બા કાંઈક અફસોસ કરે છે: આ સહુ સાંભળે તેમ બોલી રહેલ છે કે, “અરેરે માડી! મારી દીકરીની એબ સગે ભાયડે ઊઠીને દાક્તરને દેખાડી! દીકરીને બિચાડીને માથે એને ઘેર પણ આવા જ હવાલ હશે ને! આટલે નાનેથી દીકરીને વળી ઘર શાં ને વર શાં? — આ એના મગજમાં નવા જમાનાના વિચારો શા? એના ભાઈબંધ દોસ્તારો પણ બધા ભણેલા-વંઠેલા, એટલે મારી દીકરીનો દિ’ ઉઠાડી મૂક્યો. પરણ્યા પછી સાસરે ને સાસરે રાખી એમાં દીકરીનું ફટકી ગયું.” મંછાની ઢીલી પડેલી મગજ-શક્તિ ઉપર આ માઠા વિચારોના હથોડા પડવા લાગ્યા. ધણી તરફ એનો અણગમો શરૂ થયો. ધણીની સારવાર અને ઝીણીઝીણી ટંટાળ એને અકારી લાગી. વરે પોતાનાં માબાપને દૂભવ્યાં છે, દુનિયા ગિલા કરે એવું બેમરજાદ વર્તન કર્યું છે એવા એવા મનતરંગો એને થકવી દેતા, ને એ શુદ્ધિ હારતી; બબડતી: “તમે આમ કહો છો; મારાં બા-બાપા તેમ કહે છે: કોનું ખરું? શીરો ખાવો કે મગનું પાણી પીવું? ચોકો-પાટલો રાખવો કે આભડછેટ ન પાળવી? નાના બાબલાને પરણાવશું? કે કુંવારો રાખશું?... તમારી ખાદીને ચૂલામાં નાખો ને! હું મારાં હીરચીર શીદ હોળીમાં નાખું? ગાંધીના પંથ કરતાં મારા બાપનાં ગુરુનો પંથ ચડિયાતો છે!” “મંછા! ડાહી થા! શાંત થા! લે, પરસેવો લૂછી નાખું. પગ દાબું?” એવું કહીને ધીરુ મંછાને પંપાળતો હતો. સાસુ બહાર બેઠી બેઠી નિસાસો નાખીને બોલતી કે “ફટકી ગયું: બાપ રે, દીકરીનું ફટકી ગયું! આણે કોણ જાણે શું કરી નાખ્યું!”

[૨]

“તમે ઝટ જાઓ, રામવાડીના બાવાજીને તેડી આવો.” “પણ ઓલ્યો આવી જશે તો?” “ના રે ના, એ તો ગયો છે ગોદડાનો ગાભો લઈને ધોવા. નદી ગાઉ એક છેટી છે. આવશે તે પે’લાં તો પતાવી લેશું.” ઓઘડ માસ્તર રામવાડીના બાવાને લઈને આવ્યા. બાવાજીની ઘનશ્યામ અઘોરી નગ્નતા તો સ્ત્રી-પુરુષ સર્વને તીર્થસ્વરૂપ વંદનીય હતી. પ્રથમ તો એમની ચલમને માટે સારામાં સારો ગાંજો તૈયાર રાખ્યો હતો, તેના ગોટેગોટ ધુમાડાનો ધૂપ દઈને પછી બાવાજીએ મંછાને પોતાની સામે બેસારી. રામ-કવચ, હનુમાન-કવચ અને ચંડીપાઠના એક પછી એક પાઠ બોલ્યા. પાણીની એક વાટકી ભરી, તેમાં પોતાના પગનો અંગૂઠો બોળી, મંત્ર ભણી એ પાણી મંછાને પાયું. કોઈ ગંધક જેવા પદાર્થનો ધૂપ દીધેલ એક ધાગો પોતાની જટાની એક લટ સહિત મંછાને કાંડે બાંધ્યો. તોય મંછા અર્ધબેભાનમાં આડુંઅવળું લવતી જ રહી. “તારે નથી જાવું, એ....મ! ચંડાળ ડાકણી તારે આ દેહ નથી છોડવો, એમ? ઊભી રહે. ભૂતનાથનો પરચો દેખાડું છું.” એવી ત્રાડ નાખીને બાવાજીએ દેવતા પર એક મૂઠી ભરી મરચાંનો ભૂકો ભભરાવ્યો. ઓરડો ધુમાડે ઢંકાઈ ગયો. મંછાનો દેહ, માત્ર કાળા ઓળા જેવો, ‘અં...અં...અં...અં...’ એમ ગૂંગળાટ કરે છે. ને બાવાજી જમીન પર હાથ પછાડી ત્રાડ મારે છે કે “બોલ, રંડા! તું કોણ છે? એની સાસુ છે કે! બોલ, નીકળ છ કે નહિ?” હાય! આવી ખરાખરીની જમાવટને ટાણે જમાઈ કાં આવી ચડ્યો! મંછાની બા ખડકીએ જ ધ્યાન રાખી બેઠાં હતાં, તેણે દોડી જઈને બાવાજીને બીજે બારણેથી બહાર કાઢ્યા. અજ્ઞાત ધીરજલાલ અંદર ગયો ત્યારે હજુ મરચાંના ધુમાડાનાં છેલ્લાં ગૂંચળાં ઓરડામાં સર્પાકરે ભમતાં હતાં. મંછા ઉધરસે બેવડી વળી ગઈ હતી. શો મામલો બની ગયો તે કહેનાર કોઈ નહોતું. તેણે મંછાને હળવે હાથે સુવારી. મંદવાડ વધે છે એ જાણ જેમજેમ પ્રસરતી ગઈ તેમ તેમ દૂરથી અને નજીકથી સગાંવહાલાં પણ ઊતરી પડવા લાગ્યાં. “દુ:ખમાં ભાગ લેવા આવવું તો જોવે જ ને, બાઈ!” “સગાં થઈને આ ટાણે કામ ન લાગીએ તો પછી શું ઘસીને ગૂમડે ચોપડવાનાં સગાં છીએ!” “અરેરે! આણાત દીકરીએ હજી મન મોકળું મેલીને ઓઢ્યાંપેર્યાંય નથી. આ ચાર-ચાર પેટીઓ ભરીને કરિયાવર પડ્યા છે...” એવી વાતો ચાલ્યા કરતી, ગળાં ગદ્ગદિત થતાં, ને નિસાસા ઉપર નિસાસા પડતા. ઓઘડ માસ્તર માસ્તર મહેમાનોનાં ઘોડાં તથા ગાડાં સારુ ઘાસચારો અને પરોણાઓ સારુ ઘી, તેલ, શાક લાવવામાં દોડધામ કરતા; દીકરાની વહુ દળણાંપાણીમાં તેમ જ રસોઈમાં દટાતી; બા સહુને મોંએ વલોપાત કરવામાં રોકાતાં; છોકરાં ખા-ખા કરી ચીસો દેતાં; ગામ-લોક મળવાહળવા હલકતું: એ રીતે, હંમેશાં બનતું આવ્યું છે તેમ, એક ઘરની માંદગી એ અનેક લાગતાંવળગતાંઓને માટે વરાનો, ઉત્સવનો, ગામડામાંથી શહેરમાં હટાણું કરવા આવવાનો ને વેવિશાળ-વિવાહ શોધવાનો અવસર બની ગયેલ છે. રાગી દીકરીની ખદખદતી પથારી ઉપર પ્રેત જેવો ને સહુએ અવગણેલો એક ફક્ત ધીરજલાલ જ બેઠો છે. ઘરમાં સાંકડ ઘણી, તેથી રાત્રિએ છેક મંછાના ઓરડાના બારણા સુધી ઠાંસોઠાંસ પથારીઓ પડતી. પથારીમાં પડ્યાં પડ્યાં કોની કોની વહુ-દીકરીઓને કેવીકેવી જાતના વળગાડ લાગુ પડી ગયા હતા તેની જ ઝીણી ઝીણી કથનીઓ ઊખળતી. મંછાની બા પોતાની નણંદને, કાકીજીને, જેઠાણીને વગેરેને હાથ દાબીને કહેતી કે, “આનેય એની સાસુ વળગી છે, બાપ! માતાજી એને હેમખેમ ઊભી કરે તો હું પાણી પીવાય રોકાણા વગર પહેલી પ્રથમ એને વઢવાણ બૂટ-મા પાસે લઈ જઈશ. ત્યાં પહોંચ્યા પછી જ મારે અડદ-મગની અને ઘીની આખડી છૂટશે. આંહીંના બાવાજીની તો કારી ન ફાવી.” મહેમાનો કહેતાં: “બૂટ-મા પાસેય ઠીક છે; નીકર સાળંગપર હડમાનજીય ઝોડ તો ભારે કાઢે છે. પારસીઓ પણ ત્યાં તો પારંપાર આવે છે. ગોરાઓ પણ ત્યાં જોવા ઊતરે છે.” “પણ ભૂવો તો બૂટ-માનો હો! કાળભેરવનો જ અવતાર. એના હાથની બે અડબોથ પડશે, એટલે મંછીની કાયામાં રાંડ ડાકણ્ય કે શાકણ્ય એક ઘડીય ઊભી નહિ રહે!” “પણ આ રાફડે ભોરિંગ બેઠો છે ને, બાઈ!” મંછીની બાએ ગુપચુપ અવાજે ધીરજલાલને ઉદ્દેશીને કહ્યું: “પથારી જ ક્યાં છોડે છે!” “ઈ તો બાળબુદ્ધિ કે’વાય. એને ગણકાર્યા વિના ઝટ છોકરીને બાપડીને કાં બૂટ-મા ભેળી ને કાં સાળંગપર ભેળી કરો; નીકર જમાઈ એનો જીવ ચૂસી જાશે ક્યાંક.” ઓરડામાં સૂતેલા ધીરજલાલની કાગાનીંદરમાં આ બધી વાતો અરધીપરધી સંભળાઈ, અને એના મગજ ઉપર વિકરાળ ઓળા અધ્ધરથી લટકવા લાગ્યા. જેઠ મહિનાના નિર્જળ આકાશમાં નિષ્પ્રાણ વાદળાં વાયુને રૂંધી રૂંધી જગતને ગૂંગળાવી રહે તેવું એના ચિદાકાશમાં થયું. સાળંગપરના હનુમાન અને વઢવાણનાં બૂટ મા બન્ને જાણે મંછાના રક્તમાંસહીન શરીર સારુ બાથંબાથા લડતાં દેખાયાં. બન્નેના ભૂવાઓ મંછાના ભયભીત ચહેરા સામે ભમ્મર ચડાવી ડોળા તાણી એના હાડપિંજર પર અડબોથો લગાવતા એકબીજાના જોરની હોડ કરતા ધીરુને દેખાયા. સવારે જ્યારે મંછાને બૂટ-મા પાસે અથવા સાળંગપર હનુમાને લઈ જવાની વાત ચર્ચાવા લાગી ત્યારે ધીરજલાલ સાસુ-સસરાને પાયે પડી વારવા લાગ્યો. એણે કહ્યું કે, મને મારું માણસ પાછું આપો. હું મારે ઘેર લઈ જઈ એની સારવાર કરીશ, પણ એને દૈત્યોના હાથમાં ન સોંપો. ને મંછાને બીજી કશાની નહિ, શાંત સારવારની, મીઠી હૂંફની જરૂર છે. એને વળગાડ નથી. મારી મા હલકટ નહોતી. હું એની છબીને હજુ રોજ મારી આંખે અડકાડું છું. છબીમાંથીયે એ તો નિરંતર મંછા સામે મીઠું મીઠું મલક્યા જ કરે છે. અને મારી કંચન પર મંછા પેટની પુત્રી જેવું હેત રાખે છે, એથી તો એ મૃત આત્મા બહુ પ્રસન્ન રહે છે. ભલા થઈને મારું ઘર ન ભંગાવો. હું જીવતરમાં હવે કેટલાંક થીગડાં દઈશ?” મંછાની બા ધીરજલાલની આ હુજ્જતથી બેહદ કચવાટ પામ્યાં: “તમારે મન વૈદ ખોટા, સુયાણી ખોટી, લાજમરજાદ ઢોંગ, અમારાં સગાંવહાલાં શત્રુ, અમે શત્રુ, અને છેવટ બૂટ-મા ને હડમાન પણ દૈત ઠર્યાં! તમે અમારી છોકરીનો જીવ લેવા કાં ફર્યા છો? દેવસ્થાનાંને વગોવ્યે શી સારાવાટ થશે?” “તમે જો મારી મંછાને ત્યાં લઈ જશો તો હું ઝેર ખાઈને મરીશ.” “ઝેર ખાવાની બીક બતાવો છો? અમને કાળી ટીલી ચોંટાડવી છે! ઝેર ખાવાની ડરામણી? હાય હાય, માડી! આ તે કયા ભવનાં વેર?” સાસુએ મોં ઢાકી રુદન માંડ્યું. ગામ ગાજી ઊઠ્યું.

“તમે હવે ઘેર જશો?” મંછાએ વાત ઉપાડી. “જઈને શું કરું?” “નોકરી કરો.” “નોકરી — હં...” ધીરજલાલ વાત પી ગયો. એની નોકરી રદ થઈ હતી. સ્ત્રીની સુવાવડ કરવા પુરુષ જાય, અને બબ્બે વાર તારથી રજા વધારવાની અરજી આપે, એ વસ્તુમાં ‘ટ્રાફિક સુપરિન્ટેન્ડેન્ટ’ને નોકરીની બેપરવાઈ તથા દાંડાઈ લાગવાથી, ‘ખાતાને આવી સુવાવડોના વૈભવ — ‘લક્ઝરી’ — ન પોસાય’ એવી ટીકા સાથે, બરતરફી ફરમાવી હતી. આ વાત એણે મંછાથી છુપાવી હતી. એણે આટલું જ કહ્યું: “નોકરી મારે નથી કરવી. તું ન ઊઠે ત્યાં સુધી મારે તારી પથારી નથી છોડવી.” “પણ મારે બૂટ-માની માનતાએ જઈ આવવું છે. કાલે મને ચાળીસ વાસા થાશે. હું નહાઈ નાખીશ.” “આ દશામાં નવાય? કોલન-વૉટરથી હું તારા શરીરને માલિસ કરી નાખું. નહાવું રહેવા દે. અને, મંછા, તું ઊઠીને બૂટ-માતાના વહેમમાં ફસાઈશ! આ તારું હાડપિંજર એ દૈત્યની થપાટો ખમી શકશે?” ભૂવાઓના ભયાનક ઓળા ધીરજલાલની કલ્પનામાં આકાર ધરવા લાગ્યા. મૃત્યુ સાથેની — અંધકાર સાથેની — દારુણ લડતમાં એ જુવાન જીત્યો નહિ. આખું ગામ મૃત્યુની ભેરે ઊભું થયું. ઘરમાં બંધિયાર સ્નાનાગાર તો નહોતું, ચોકડી પણ નહોતી. સાંકડા, ઉઘાડા ફળીમાં બે બાજુ ખાટલા મૂકીને વચ્ચે મંછાને નવરાવી. બીજે જ દિવસે મંછાને ‘ડબલ ન્યુમોનિયા’ ઊપડ્યો. દાક્તરે આવીને જાહેર કર્યું કે, “ઉઘાડી હવામાં નવરાવવાનું આ પરિણામ છે. મારા હાથમાં કારી નથી.” સન્નિપાતમાં મંછા બહુ લવી. પથારી પરથી ઊઠી ઊઠી નાસવા લાગી. ભાંગ્યુંતૂટ્યું લવવા લાગી કે, “ચાલો, ઝટ આપણે ઘેર. ચાલો, પૂનમનો ચાંદો ઊગ્યો: આપણે બન્ને સ્ટેશન પર ફરશું: લો, બબલાને ઉછાળો! ચાંદા સુધી ઉછાળો! જો, બૂટ-માનો ભૂવો એને વચ્ચેથી ઝીલવા આવે છે. આપશો નહિ. લઈને ભાગી જાઓ — મને ભલે પકડી જતા. હું મોડી રાતે પણ આવીશ જ! બબલાને ધવરાવવા આવીશ: ચાંદો ઊગ્યો. ચાલો ફરીએ: ફૂલ-ફૂલ-ફૂલ ઊગ્યાં.” ત્રણ દિવસમાં તો આત્માએ દેહનું પિંજર ખાલી કર્યું. યમરાજ સાથેના યુદ્ધમાં ધીરજલાલ હાર પામ્યો. યમનો પક્ષ જબ્બર હતો. માબાપને ખાતરી થઈ કે દીકરી વળગાડથી, જમાઈની અવળચંડાઈથી અને દેવસ્થાનોની ઠેકડીથી જ મૂઈ. ગામ-લોકોએ ધીરજલાલની જડતા ઉપર પીટ પાડી. સહુએ સામસામા દોષ દીધા. મંછા તો માબાપને અને વરને બેઉને વહાલી હતી. બેઉ પક્ષે જાણે કે એને ખેંચાખેંચીમાં જ ખતમ કરી.