મેઘાણીની સમગ્ર નવલિકા 2/લોકાચારના દાનવ સામે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
લોકાચારના દાનવ સામે

“ત્યારે હવે? આ જનારો તો જાય છે. હવે એ થોડા કલાકનો મે’માન છે.” નાનો પુત્ર બાપની ચોખ્ખી મુખમુદ્રા સામે જોઈ રહ્યો. એની આંખો ખળખળી. “અત્યારે રોવાનો વખત નથી. આપણે વિચાર કરવાનો છે. કાલે સવારથી તો આંહીં હાટડાં મંડાશે.” “હાટડાં!” “હા, વહેવારનાં હાટડાં.” “એટલે?” “એટલે ચાલીસ-પચાસ બાઈઓની ધડાપીટ, છાજિયાં, મહેમાનોના થોકેથોક, ઘીના સબડકા: ઘરની સ્ત્રીઓને માટે જીવતી નરક.” “પણ ઘરમાં બહેન માંદી છે, છોકરાં રઝળે છે, ને ભાભીનું તો હાડપિંજર જ રહ્યું છે.” “એ હાડપિંજરને સગાંવા’લાં આવીને ભુક્કો કરશે. બે’ન અને તારી વહુ બેઉ પથારીવશ છે તેનાં માળખાં રહેશે. છોકરાંનું વળી થાય તે ખરું.” “આપણે ના પાડશું તોય ધડાપીટ કરશે?” “કરશે થોડી. કરાવશે વિશેષ. આપણી પોચીપોચી ના કોઈ નહિ ગણકારે. કહેશે, કે આદુનો ધરમ છે. પરાણે પળાવશે.” “ના કહેશું તો?” “તો બોલશે કે ત્રીસ વરસનો દીકરો ભાઈ-બાપને વા’લો નહોતો; વહુને વર વધારાનો હતો.” “ત્યારે તો આપણા કરતાં એ બધાંને જ ભાઈ હૈયા સરસો હતો, એમ?” “તું ઠીક પડે તેમ વિચાર. તને સહુ વધુમાં વધુ વગોવશે. મારે તો કંઈ જ નથી.” “કાં?” “હું તો પ્રાણપોક પણ નથી મૂકવાનો ને! હું મારા પચીસ વરસના શાસ્ત્રાભ્યાસને લજવવા નથી માગતો.” “બાપુ, તમને ભાઈ વહાલો નહોતો?” “ભાઈ અને તું બે જો વહાલા ન હોત તો હું ક્યારનોય કોઈ જમાતના અખાડામાં બેસી ગયો હોત. તારી માને ભરજુવાનીમાં આ સગે હાથે ચિતા માથે સુવાડ્યા પછી આ સંસારમાં મારે બીજી કઈ ગાંઠ રહી હતી?” “તમને એકાન્તે પણ આંસુ નથી આવતાં?” “એ પણ પોતાની આંખોને દેખાડવા સારુ જ ને? બેટાની વાંસે હું રોઈ શક્યો એટલા દિલના સંતોષ માટે ને? મારે એવું નાટક એકાંતેય નથી કરવું. હું તો એને વીસ દિવસથી વિદાય દઈ રહ્યો છું. આ વખતે એણે પથારી કરી ત્યારથી જ મને દેખાયલ કે હવે એ ઊઠવાનો નથી.” “ત્યારે શું કરશું?” “તારે વિચારવાનું છે.” “હું તો બીજું કંઈ ન જાણું. હું તો મારાં ભાભીની પાસે બેસી જઈશ. કોઈને ખરખરો કરવાય એની પાસે નહિ આવવા દઉં.” “તારી વહુને લોકો પીંખી નાખશે — મે’ણાં દઈદઈને.” “તો એ પીંખાશે. પણ ભાભીના અંગને આંચ આવવા નહિ દઈએ.” “ભાભી પોતે લોકાચારમાં કૂદી પડશે તો? એ બાપડી ગામડાની છે. આંહીં પણ ગામડું જ વેઠ્યું છે. લોકાચારને હાટડે બાપડી પશુડી વેચાઈ જશે તો?” “આપણે એને તૈયાર કરીએ. તમે, બાપુ, એના આત્માને ઊંચો લઈ શકશો.” ગામડા ગામના એ બહોળા પરિવારનો મુખ્ય બોજો ઉપાડનાર ત્રીસ વર્ષની વયનો જુવાન બેભાન તો થઈ પણ ગયો હતો. વગડાનો જોરથી ફૂંકાતો પવન હવે એનાં ખાલી ફેફસાંમાં ભૂતનાદ ગજવવા ઉપરાંત કશો કાર કરી શકતો નહોતો; હવે તો ફક્ત એનો એક પછી એક શ્વાસ નીકળીનીકળીને રજા લઈ ચાલ્યો જતો હતો. માણસના જીવતરની કમાઈગુમાઈનો સરવાળો જો મરવાની રીતમાં હોય, તો આ જુવાન નિહાર થઈ જીતી જતો હતો. એની માંદગી વીસ દિવસ લંબાઈ, પણ એણે ઓયકારો કે ઊંહકારો કર્યો નહિ. હાથ ચાલ્યા ત્યાં સુધી એણે માખીઓ પણ પોતાની જાણે ઉડાડી, ને પગ ચાલ્યા ત્યાં સુધી એણે પેશાબ-ઝાડો પણ પથારીથી ઊતરીને કર્યાં; શ્વાસમાં, મોંના બળખામાં, ગળામાં નરી નરક જ ઊભરાઈ પડેલી, પણ એણે હસીને વેઠી. વડીલોને એણે કશી ભલામણ ન કરી, પત્ની કે બાળકોને એણે ગુપ્ત સૂચના-સલાહોય ન દીધી. એના મૌનની પછવાડે કશો વિચારમુંઝારો નહોતો, પણ શરીરની કારમી વેદનાનું શાંત વિષપાન હતું. છેલ્લી સાધ રહી ત્યાં સુધી પ્રત્યેક દિવસે એનું પ્રિય કાર્ય એક જ હતું: પત્નીને પોતાની પાસે બોલાવી, બેસારી, નીરખ્યા કરવી, એના હાથની થોડી ચાકરી લેવી, બુઝાઈ જતી આંખો વાટે પોતાના પ્રેમભર્યા ગૃહસંસારને છેલ્લે છેલ્લો નિહાળી લેવો. પત્ની ગામડિયણ: પોતેય ગામડિયો વેપારી: ઓળખીતાઓમાં એની શાખ બેપરવા પતિ તરીકેની. સ્નેહનાં પ્રદર્શનો, અને શો-રૂમો શણગારના, જુવાનો માંહ્યલો એ બાપડો નહોતો. એની દેખીતી બેપરવાઈના ઊંડાણમાં જે ઊમળકા હતા, તે નજીકનો મિત્ર પણ દેખી ન જાય એ એની કાળજી હતી. શો-રૂમો શણગારનારાઓ પ્રત્યેનું એનું હાસ્ય જોવા જેવું હતું. એક બાહોશ વ્યાજખાઉ વાણિયા તરીકે એની પિછાન હતી. ઘુસણિયો, ખેલાડી અને ટીખળી, એ એના નામ સાથે જોડાતાં વિશેષણો હતાં. જન્મથી કુટુંબે પહેરાવેલાં એ વ્યવહાર-વસ્ત્રોને આ જુવાન કેટલી ઝડપથી ઉતારી રહ્યો હતો તે કોઈ કળે શાનું? અંદરની આતમસાધનાને એ પવિત્ર લેખતો, માટે જ પ્રદર્શન નહોતો કરતો. સેંકડો જુવાનોનો જીવનસંસાર અત્યારે પારકાને દેખાડવા માટે જ ચાલે છે. મરતાંમરતાં એણે દુનિયા તરફ દૃષ્ટિ પણ કરી નહિ. ફક્ત નાનેરા ભાઈને ગળે એક સ્નેહભર્યો હાથ વીંટીને એણે તૃપ્તિ માની હતી. રાતના એકને સુમારે એની પત્નીની ચીસે વગડો ને ગામડું કંપાવી મૂક્યાં. પંદર વર્ષનો અકલંક અને અણઉતાર પ્યાર એ ચીસની અંદરથી બોલતો હતો. વરવહુ વચ્ચેનો આડંબર વિનાનો મૂક રંક મીઠો સંસાર એ ચીસમાં ઉઘાડો પડતો હતો. એ ચીસ સસરાને તેડી લાવી: “શું છે, બેટા? આ શું કરો છો, બાપ?” “બાપુ...જી! ઓ મારા બાપુ....જી!” ચીસે શબ્દો ટપકાવ્યા: “આ બાળકોને સંભાળી લ્યો, મારે એની સાથે જવું છે.” “બેટા, બસ? સ્નેહની સગાઈ એટલી બધી સ્વાર્થીલી કે? બહાદુર બની જા. દુ:ખની થાળી આપણે વહેંચીને ખાશું. ને અત્યારથી તું મારી પુત્રવધૂ મટી ગઈ. તું તો મારી દીકરી. ના, મારો દીકરો. મારી લાજ હવે તારે કાઢવાની હોય? લાજ ઉઘાડી નાખ, દીકરા! ભલે લોકાચાર હસે. તું મારો દીકરો છે. મરદ બની જા. જા મેડી ઉપર, એના મોંમાં પાણી મૂકીને એને વિદાય દે, કે મૂંઝાશો નહિ. જે ધામમાં જાઓ ત્યાં આનંદે રહેજો.” છેલ્લું પાણી દઈને વહુ પાછી આવી. “અને ખબરદાર હવે. અવાજ તો ન હોય, પણ આની પછવાડે પ્રગટ આંસુય શેનું હોય? તારાં સૌભાગ્ય-કંકણ તો અમર છે, બેટા! એને હું તોડવા-ભાંગવા દઉં નહિ. ભલે દુનિયા આખીનો લોકાચાર અહીં ચડાઈ કરીને ચાલ્યો આવે. તું એક મક્કમ રહીશ તો આપણે જંગ જીતી જશું.” વહેલી પરોઢે વૃદ્ધ સગાંઓ આવ્યાં. નવો જમાનો એણે મનથી તો અનુમોદ્યો હતો. પણ જૂના લોકાચારની ધર્મભાવના સિત્તેર વર્ષોથી એ ડોશીમાઓની કનેથી પૂજા લઈ રહી હતી. “વધુ નહિ, પ્રાણપોક મૂકવી જોશે. એક વાર કૂટવું જોશે. ખૂણો તો હીરચીર પહેરીને પાળવો જ જોશે. એટલું કર્યા વિના સાવ કંઈ ચાલશે? આવું કળકળતું મરણું કહેવાય.” સસરાના પગ ભાંગતા હતા. આ ગામડાંના સંસ્કારોવાળી વહુ નક્કી ફસાઇ પડશે. ગુજરાત-કાઠિયાવાડનાં લાખો ઘરોમાં પેસેલ આ લોકાચારનો દૈત્ય જેણે જેણે જોયો જાણ્યો હશે, તેને સમજ પડશે કે એણે કેટલાં કુટુંબોનાં જીવતાં લોહી પી પી ખોખાં કરેલાં છે. એણે સમજુ અને સંસ્કારીજનોને પણ હેવાન બનાવ્યાં છે. એણે સ્ત્રીજાતિને શોષી છે. કેળવાયેલા પણ એની સામે હાથ જોડી ઊભા થઈ રહે છે. બારબાર માસના એણે સ્મશાનો સરજ્યાં છે ઘરેઘરમાં. “બાઈયું, બેન્યું, માવડિયું!” સસરાએ આવીને હાથ જોડ્યા: “દીકરો મૂઓ છે તો મારો મૂઓ છે. મારાં ધોળાંમાં અત્યારે તમે કોઈ ધૂળ ઘાલશો મા.” “અને હું—” વહુએ કહ્યું: “હું મારા ધણીની વાંસે હાયકારો કરવાની નથી. બીજાં ફાવે તેમ કરે.” ગામની સો-બસો સ્ત્રીઓ શાંતિથી સ્નાન કરીને ચાલી ગઈ. બાળકોના કિલ્લોલ રૂંધાયા છતાં કકળાટ નહોતો, સહુએ નિયમિત ખાધુંપીધું ને મરનારના સદ્ગુણો સંભાર્યા. બાપે હસીને કહ્યું: “જોયો આ ઘરનો અંજવાસ? કોણ કહેશે કે આંહીં મરણું થયું છે? ને હું જ મારા મનને પૂછું છું કે દીકરો મૂઓ છે? ક્યાં મૂઓ છે? એ તો આ બેઠો જીવતો: આ શાંતિમાં, ઉજાસમાં, એના જીવનકાળની સ્મૃતિમાં, ને સહુથી વધુ તો મારા દીકરા જેવી વહુના શીતળ સંયમમાં.” “આ બાપ રોતો નથી; એના હૈયામાં ડૂમો ભરાશે, એ ગાંડો થઈ જશે.” “કોણ હું? ભૂલો છો તમે. હું ગાંડાઇનું હસતો નથી, મારા શાસ્ત્રદર્શનનો બુદ્ધિપૂર્વકનો સરવાળો કાઢું છું.” “અરરર!” લોકાચારના થાંભલાઓએ વાંધો ઉઠાવ્યો: “મેલામાં તે કાંઈ એવું લખાય કે ‘મરનાર જીવાત્માની શાંતિને માટે અમે રડવું-કૂટવું બંધ રાખેલ છે’?” “કાં, શું થાય?” “તો તો પછી કાણ્યે આવનારાઓ અટકી જ જાય ને?” “કેમ?” “રોવા-કૂટવાનું ન હોય તો પછી બૈરાંઓને આવવામાં શું પ્રયોજન રહ્યું?” “ન આવતાં હોય તો ખોટું શું?” “તો પછી મરણનો મોભો શો? અરધુંય માણસ નહિ આવે.” “તેટલો ગાડીભાડા વગેરેનો તેઓને લાભ થશે. ધંધારોજગાર મૂકીને માણસો શે સ્વાદે નીકળે છે?” “પણ તમે વગોવાશો — રોટલાના ચોર તરીકે.” “એ મે’ણું તો સહી લેશું. દીકરા જેવો દીકરો ચાલ્યો ગયો, પછી આ લોકમે’ણાનો શો ભો?” “અરે રામ! આવે અડીખમ ખોરડેથી આદુનો ચીલો લોપાશે?” “નવો ચીલો તો આવે ઘેરેથી જ પડાય. બીજાં હજારો ગરીબોને નવો કેડો મળશે.” લોકાચારના પૂજારીઓ આ બધી બંડખોરીથી ખૂબ ખિન્ન થયા. ઘરનું વાતાવરણ ઊલટાનું નવજીવને મહેકી ઊઠ્યું. કંઈક વર્ષોનાં એ રૂઢિભીરુ ગભરુડાં કુટુંબીઓની છાતીમાં સમાજની વગોવણીનો સામનો કરવાનું જોર આવી ગયું. અને પછી તો વાતાવરણના પરમાણુઓ એવા પ્રસરી ગયા, કે આઘે અને ઓરે, સહુએ આ આચરણને અનુમોદ્યું: “ભાઈ, અમને તો બીક હતી કે તમારાં પોથાં થોથાં લાજશે. પણ તમે રંગ રાખ્યો.” વધુમાં વધુ ધન્યવાદ દેવાયા એ ગામડિયણ વહુને. ગામોગામથી ડોશીઓ આવી અને વહુને પગે પડી; “બાપ, તું તો જીતી ગઈ.’ વહુએ સહુનું રક્ષણ કર્યું. વળતા દિવસથી જ કુટુંબીઓ કામે લાગી ગયાં. મૃત્યુ મરી ગયું રે લોલ.