યાત્રા/ભવ્ય સતાર
ભવ્ય સતાર
અહોહો ઝનઝન ભવ્ય સતાર!
રણઝણે તાર તાર પર તાર!
અધર ગગનમાં ચડી પૃથ્વીનું તુંબ ગ્રહ્યું તેં ગોદ,
સપ્ત તેજના તંતુ પરોવી તે છેડ્યો કામોદ.
અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણેo
કુંજ કુંજ કોયલ ગૈ થંભી, થંભી ગ્રહઘટમાળ,
ક્ષીર સિંધુએ તજી સમાધિ, જાગ્યો બ્રહ્મમરાળ,
અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણેo
અમે પૂછતા કોણ વરસતું, નહિ વાદળ નહિ વીજ,
તેં તારો મુખચંદ દરસિયો, મુજને પડી પતીજ.
અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણેo
દૂર દૂર ભીતરની ભીતર, એ જ એક ઝંકાર,
કૈંક કળ્યો, કૈં અકળિત તો યે મીઠો તુજ મલ્હાર.
અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણેo
સૌ માગે છે લલિત વસંતે ભૂપ ભવ્ય કલ્યાણ,
હું માગું આછી આસાનું મંજુલ મંજુલ ગાન.
અહોહો ઝનઝન ભવ્ય સતાર! રણઝણેo
સપ્ટેમ્બર, ૧૯૪૫