યાત્રા/હૃદયદર્પણ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
હૃદય દર્પણ

ઘણાક વદતા જ કે હૃદય નિર્મળું આરસી
સમાન નિત ધારવું, પણ નિતાન્ત નૈર્મલ્ય એ
પ્રભુનું વરદાન કે ન સમજું હું એ શાપ છે.

હવે નથી જ એહ પાસ નિજ લેશ છાયા રહી,
ન આકૃતિ, ન ભાવ; નિર્મળ બની અહીં બેઠું છેઃ
અનંત જગમાર્ગમાં પળત એની પાસે થઈ
પ્રવાસી નરનારની છબી ગ્રહે છ, કંજૂસ શું
રહે છ મથી સર્વને ચપસી રાખવાને કને.

અરે જગતનાં પરંતુ પળનાર તે કોણને
પડી જ કંઈ કે અહીં વિરમી લેશ વાસો કરે?
હશે કંઈક માર્ગમાં અણગણ્યા અરીસા સમું
અહીં ય પણ આ ઉભેલું લલચાવવા-માનીને
લિયે નિજ સ્વરૂપ જોઈ, હરખી, ઠસો કૈં કરી,
બધાં નિજ પળે પળે; હૃદય આ દિનાન્તે અને
અટૂલું રહી જાય છે, ગહન રાત્રિની માત્ર ત્યાં
અનંત પુલકાવલીભરી લલામ કાયા તણો
રહે છ કટકો વસી સઘન શ્યામ રંગે ભર્યો.

નવેમ્બર, ૧૯૩૮