યુગવંદના/અદીઠી આગના ઓલવનારા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
અદીઠી આગના ઓલવનારા
[‘પવન-પૂતળી રમે ગગનમાં નૂરત સૂરતે નરખો’ – એ ભજનનો ઢાળ]

અદીઠી આગના ઓલવણહાર, જીવો!
અમૃત-ઘોળ્યા ઘણેરા રંગ હો!
રે કલેજા-રંગ હો!
આતમ-બેડીઓના ભાંગણહાર જી જીવો!
આલમ-ગાયા અનેરા રંગ હો!
હો કલેજા-રંગ હો!
બાહેર જલન્તા દાવાનળ બૂઝવીને
દુનિયાને કૈંક કરે દંગ હો!
રામ દંગ હો!
ભીતરની ભઠ્ઠિયુંના ભડકા જળેળે, એની
ભાળ્યું લેનાર! ખરા રંગ હો!
લાખ લાખ રંગ હો!
હો ઘણેરા રંગ હો!
તનડાંની બેડી તણાં તાળાં ખોલન્ત તેના
કવિઓએ લલકાર્યા છંદ હો!
રામ છંદ હો!
આતમની ચીસભરી તોડે તુરંગ તેના
કાળને નગારે પડછંદ હો
તોડનાર રંગ હો!
હો ઘણેરા રંગ હો!
સાતે સિંધુને પાર લાર ને કતાર ઊભાં
બેનડી પ્રજાનાં મહાવૃંદ હો
માનવીનાં વૃંદ હો!
તારા સાફલ્ય તણે જમરખ* દીવડે
જલજો જી જ્યોત અણભંગ હો
રોમે રોમ રંગ હો!
હો ઘણેરા રંગ હો!
કોટિ કોટિ આતમની અંધારી કોટડીમાં
પાથરજો તેજના ઉમંગ હો
જીવો જી ઉમંગ હો!
ઓલવવા આવનાર સળગી જાજો રે ફૂદાં
સ્વારથનાં કીટ ને પતંગ હો
હો ઘણેરા રંગ હો!
હો કલેજા-રંગ હો!
૧૯૩૯