યુગવંદના/એક ડાંગે એક ડચકારે
એક ડાંગે એક ડચકારે
એક દી ઠાકર ભાન ભૂલ્યો
એણે તાણેલ ભેદનો લીંટો,
એકને થાપ્યો માનવી ને એણે
એકને કીધલ ઘેટો. – એક દી
માનવીને આવા ભેદ નૉ ભાવ્યા,
ભૂંસી નાખી ભેદ-રેખા;
એક ડાંગે એક ડચકારે એણે
મેઢાં ને માનવી હાંક્યાં. – એક દી
ધાનની મૂઠી દેખાડીને દૂરથી
હાંકિયાં ખાટકી-વાડે,
‘શિસ્ત’ કીધા ભેળાં શીશ ઝૂક્યાં સબ
કાતિલ કાળ-કુવાડે. – એક દી
મેઢાંનાં બાળની મૂઢતા એટલી,
નાખિયા શેષ બેંકારા:
માનવી ડાહ્યો, ન મોં જ ફાડ્યું: એના
ખોડાણા ખંભ મિનારા. – એક દી
કોણ મેઢાં કોણ માનવી એવી
હાય! નો રે’ત નિશાની:
સમરથ નીકળ્યા, શોધી કાઢી એણે
ખાંભીયું મોટી ને નાની. – એક દી
૧૯૪૦