યુગવંદના/તોય મા તે મા!
તોય મા તે મા!
અપમાનિતા-અપયશવતી તું: તોય મા તે મા!
પરવશ-પરાજિત-લથડતી તું: તોય મા તે મા!
તુજ પરાજયની ધૂળને
ધરશું અમારે મસ્તકે:
ચરણો વીંધાયલ કંટકે ચૂમી લઈશું, મા!
મધરાત મારગમાં પડી,
આકાશ ઝીંકે છે ઝડી:
તું મૂર્છિતા ને આંધળી: દોરી જઈશું, મા!
તુજ ખોળલા ભરિયલ હતા,
ત્યાં લગી મીઠા લાગતા!
ખાલી પડી! – આપી ખતા ચાલ્યા ન જાશું, મા!
ચાલ્યા જનારા છો જતા –
અણસમજના શા ઓરતા!
પણ તને ઠોકર મારતા ક્યમ જવા પામે, મા!
તું તો નવલ યુદ્ધે ચડી,
આલમ બધી જોવા ખડી:
તે સમે તારી ઠેકડી કપૂતો જ કરશે, મા!
હીણાયલી-રોળાયલી તું: તોય મા તે મા!
જે હતી તે-ની તે જ છે તું દિલ અમારે, મા!
૧૯૩૪