યુગવંદના/વધુ ન માગું

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
વધુ ન માગું
[ભજન]

એક પરદેશી હતો મૂરખડો
કબરમાં ય નવ પતો
આજ કોઈ કબરમાં ય નવ પતો,
પીંજરાં એનાં કીડલે ભરખ્યાં
શબદ રહ્યો એક રમતો
રે ભાઈ! શબદ રહી ગયો રમતો.
એ રે શબદના પડછંદા કોઈ
ઝીલે ધણીના બંદા
રે ભાઈ! ઝીલે કોઈ બાજંદા;
ડમરાં ને ડાહ્યાં દાંત કાઢતાં,
કબર દિયે પડછંદા
ભાઈ! એની કબર દિયે પડછંદા.
“ડમરા ને ડાહ્યા, વીરા દેશીડા!
“કાયદા કાનૂન ઘડજો
“રે ભાઈ! કાયદા ને કાનૂન ઘડજો,
“મને એકને ગળું ફુલાવી
“ભજન સુણવવા દેજો
“રે ભાઈ! ભજન ગજવવા દેજો.
“ટુકડો રોટી, જળનો પ્યાલો,
“મિટ્ટીનું આખર બિસ્તર
“રે ભાઈ! મસાણ આખર બિસ્તર,
“વતન કને બસ વધુ ન માગું
“ગાવા દો મને ઘર ઘર
“રે ભાઈ! ગાવા દો મને ઘર ઘર.
“કફન વગરનો નગન જનાજો, –
“વધુ ધૂમ નવ ખપતી
“રે ભાઈ! વધુ ધૂમ નવ ખપતી; –
“ગલી બીચ કોઈ ગૉખ ખૂલે તો
“નવ કરજો કોઈ ખફગી
“રે ભાઈ! નવ કરજો કોઈ ખફગી.”
૧૯૪૦