યુગવંદના/’૪૩નાં પારણાં

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
’૪૩નાં પારણાં
[ભજન]

પારણિયાં પીરસાવો હરનાં સતની આજે પર્વણી હો જી.
પારણિયાંમાં લાવ્યા સૂરજ કેસર કેરા ખૂમચા હો જી;
પીરસ્યા પીરસ્યા પ્રભુજીના પવને સંદેશ,
‘આયુષની પુરાંતું, બાપુ! પ્હોંચી મારે ચોપડે હો જી.’
‘માગી લેશું ભીડ પડ્યે ભગવાન!’
વળતા તે કાગળિયા બાપુ મોં મલકાવી મોકલે હો જી.
પારણિયાંમાં પીરસો જગની માતાઓનાં દૂધડાં હો જી.
જગ-બાળકના પીરસો મોહન-મલકાટ,
ક્રોડ્યું જનનાં મનની પીરસો પલ પલ લીલી પ્રાર્થના હો જી.
એ પીરસણાં ઘૂંટીને દેજો બાને હાથ,
હળવા હળવા પીજો, બાપુ! જોજો આવે હેડકી હો જી.
પારણિયાંમાં એ કુણ બેઠું ઓઢી કાળા ઘૂમટા હો જી!
‘ઓરાં! ઓરાં!’ કહીને બોલાવ્યાં પોતા પાસ,
માથે કર મેલીને બાપુ પૂછે કશળાં કાળનાં હો જી.
ભુજ લંબાવી કીધા છે ખૂબ જુહાર,
ઘૂંઘટડા ખોલીને, બાપુ, મૃત્યુ લ્યે છે મીઠડાં હો જી.
૧૯૪૩