યોગેશ જોષીની કવિતા/કિલ્લો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કિલ્લો

(દીર્ઘકાવ્ય ‘જેસલમેર’માંથી અંશ)

|| એક ||

અહીં આ
આડી લાંબી ટેકરી પર
કંઈ કેટલાય કાળથી
પાંચ-સાત ઊંટ
બેસી રહ્યાં અડોઅડ,
પથ્થર થઈ.

તપતી-ઊડતી-વીંઝાતી
રેતીના મારથીયે
કેટલાંક ઊંટોના
તો તૂટી ગયા છે
ક્યાંક ક્યાંકથી
થોડા થોડાક ઢેકા....
વીંઝાતો જાય તડકો
દારૂગોળાની જેમ
ને
ખરતાં-તૂટતાં જાય છે
પથરાળ ઊંટોનાં
કાન
નાક
હોઠ
અઢારે અંગ
નિઃશ્વાસ...
ખર ખર ખરતા કાંગરાની જેમ
તડાક્‌ તડાક્‌ તૂટતા બુરજની જેમ!
ક્યારે થશે
આ પાંચ-સાત ઊંટનો
જીર્ણોદ્ધાર?!

લાવ,
મારી હથેળીમાં
ચાંગળુંક જળ.
મંત્ર ભણીને છાંટું
અને
ગાંગરતોક
થઈ જાય બેઠો
આ કિલ્લો!
આળસ મરડતો
ઊભો થઈ જાય
આ કિલ્લો!
ને
ચાલવા લાગે
પણે
ચાલી જતી
ઊંટોની
હારની પાછળ પાછળ...
દૂ...ર
પ્રગટી રહેલા પેલા
પૂર્ણ ચંદ્ર ભણી....

|| બે ||

કિલ્લો
કેવળ મારો.
એમાં પ્રવેશવાનો
કોઈને અધિકાર નથી.
કિલ્લો
મારી બહાર
મારી આસપાસ
મારી અંદર....
મારી અંદર
દો...ડે...
ઊંટોની હારની હાર
અને
એનાં પગલાં પડે
બહાર
વિસ્તરતા જતા રણમાં...
રણ
કેવળ મારું.
એની રેતી ઉપર
પગલાં પાડવાનો
કોઈનેય
કોઈ જ અધિકાર નથી.

રણને
આગળ વધતું રોકવા
મેં જ ઉગાડ્યા છે
અસંખ્ય બાવળ
મારી અંદર!

મારા બાવળનાં
પીળાં પીળાં ઝીણાં ઝીણાં ફૂલો ૫ર
નજર નાખવાનો
કોઈને અધિકાર નથી....

ઝાંઝવાં તો
વહી ગયાં ક્યારનાંયે
ઊંટની
ખડકાળી-તડકાળી આંખમાંથી...
ડોક ઊંચી કરીને
ગરમાગરમ તડકો ચગળતાં ઊંટ
તો ક્યારનાંયે ચણાઈ ગયાં કિલ્લામાં..

ત્યારથી
સતત
ખરતા જાય છે કાંગરા.....
કાંગરે કાંગરે
ખરતા જાય હોંકારા...
ને સોરાતી જાય
કિલ્લા તળેની માટી...

કિલ્લાના
સમારકામ માટે
ટોચ પર
પથ્થર પર પથ્થર પર પથ્થર
મુકાતા જાય
ચણાતા જાય
પણ
પાયામાં જ
તિરાડો પડેલા પથ્થરો
તરડાતા જાય
તૂટતા જાય...
પાયાના
પથ્થરો તળેની ધરતી
કંપે...
કોણ જાણે કયા અજંપે?
થર થર થર થર કંપે...

ક્યાં છે
કશુંયે સલામત
એકેય કિલ્લામાં?!
ધસમસતા હાથી જેવા સવાલો
મને ના પૂછો.
બંધ છે યુગોથી
મારા કિલ્લાના
કટાયેલા તોતિંગ દરવાજા.
બંધ દરવાજાની
બહાર પણ હું છું
ને અંદર પણ.

આ ઝરૂખાઓ તો
રાહ જોઈ જોઈને
ઊંડી ઊતરી ગયેલી
મારી આંખો છે આંખો..!

કોઈક કાળે
થીજી ગયેલો સમય
હવે ગંધાયા કરે છે
કિલ્લાના ગર્ભાગારોમાં

હજીયે
કિલ્લાના રંગમંડપમાં
અધરાતે-મધરાતે
રહી રહીને
રણકી ઊઠે છે એક ઝાંઝર!

સૂમસામ રાણીવાસમાં
હજીયે
હરે છે
ફરે છે
રાતીચટ્ટાક ચૂંદડીઓ....

કિલ્લામાં
હજીયે
આમતેમ રઝળે છે
કેસરિયા સાફા પહેરેલા કાળા ઓળા!

હજીયે
કેસરી લહેરિયું
માથે ઓઢેલી
કાળી કાળી આંખો
ચમકી ઊઠે છે
ખંડિત ઝરૂખાઓમાં,
વીજ-ઝબકારની સાથે સાથે,

કિલ્લામાં
ધસી આવેલા દુશ્મનો સાથે
હજીયે
ખેલાય છે યુદ્ધ
ને કપાય છે ડોકાં
જનોઈવઢ
વઢાય છે ધડ...

હજીયે
કિલ્લામાં
હરે છે ફરે છે લડે છે
અધરાતે મધરાતે
માથાં વગરનાં ધડ!
ઊતરી આવતા ઓળાઓ
બૂમો પાડે છે —
ખમ્મા... ખમ્મા...
ઘણી ખમ્મા...!
કોઈક કાળે
ઝળહળ ઝળહળતો
સોનેરી કિલ્લો
હવે ભેંકાર
કેવળ ખંડેર!

ખંડેરની ભવ્યતા
રૂપેરી ચંદ્ર બનીને ઊંચે ચઢે છે
રણની કાળી ક્ષિતિજે...

|| ત્રણ ||

કિલ્લાની અંદર
કદાચ હું કેદ હોઉં
એમ ધારી
કિલ્લાની ફરતે
ઘેરો ઘાલ્યો છે મેં...

આગળ વધું છું હું
કિલ્લામાંની તોપોમાંથી છૂટતા
અગનગોળાઓની
મરણઝાળ સામે ઝઝૂમતો ઝઝૂમતો...

કિલ્લાના
તોતિંગ બંધ દરવાજા ભણી
ધસી જાઉં છું હું હાથી બનીને
ને જોરથી
અફળાઉં છું
વચમાંના ઊંટને....

બંધ દરવાજા પરના
મસમોટા અણિયાળા ખીલા
થઈ ઊઠે છે લોહીલુહાણ!
ફરી ફરી
વળી વળી
ધસું છું
અફળાઉં છું
વચમાંના ઊંટને....

છેવટે
ચીસ સાથે
ઢળી પડે ઊંટ.
ફાટેલ એના ડોળામાંથી
ઢળી પડે ઝાંઝવાં..
ઢળી પડે
પેલે પાર બજતા
મોરચંગના સોનેરી સૂર....

છેવટે
તોતિંગ દરવાજો
કડડડભૂસ...
ચિચિયારીઓ, કિકિયારીઓ...
ધસી જાઉં હું અંદર...
જરીક આગળ જતાં જ
એક વળાંક.
વળાંક વળતાં જ
ફરી તોતિંગ દરવાજો.
ફરી પાછા અણિયાળા મસમોટા ખીલા
વળી હાથી થઈને હું ધસમસું
વળી પાછો અફળાઉં
વચમાંના ઊંટને...

વળી પાછા
અણિયાળા ખીલા લોહીલુહાણ...
વળી પાછું
ઢળી પડે ઊંટ
ઢળી પડે ઝાંઝવાં
અને ત્યાં તો
તૂટી પડે દરવાજો કડડડ ભૂસ!
વળી પાછો
ધસી જાઉં અંદર...

જરી આગળ જતાં જ
વળી પાછો વળાંક.
વળાંક વળતાં જ
ફરી પાછો દરવાજો તોતિંગ!

ફરી પાછો અફળાઉં હાથી બની
ફરી પાછું
વચમાંનું ઊંટ
ઢળી પડે લોહીલુહાણ...

બસ, આમ
તોડ્યા કરું
દરવાજા એક પછી એક...
ધસ્યા કરું આગળ અને આગળ અને આગળ...

છતાં
વળાંકે વળાંકે
આવ્યા જ કરે દરવાજા તોતિંગ!
એક પછી એક...!

ક્યારે આવશે
છેલ્લો દરવાજો?!

|| ચાર ||

કિલ્લો મારો.
કિલ્લાના તોતિંગ
બંધ દરવાજાય મારા.
દરવાજે ખોડેલા
મોટા મોટા અણિયાળા
ખીલાય મારા,
ધસમસતા હાથીય મારા
ને વચમાંનાં
ઊંટ પણ મારાં...
કિલ્લો
મારી આજુબાજુ
અને અંદર પણ...!
આમ જુઓ તો
તોતિંગ દરવાજા બંધ કરીને
કિલ્લામાં બેઠો છું હું
ને દરવાજા તોડવા
બહારથી મથ્યા કરનાર પણ
હું જ!
ને આમ જુઓ તો
કિલ્લાની અંદર પણ હું નથી
ને બહાર પણ!

ને આમ જુઓ તો
ક્યાં છે હવે કિલ્લો?!
નથી બુરજ, નથી કાંગરા
નથી સૂરજ, નથી ઝાંઝવાં
નથી તોતિંગ દરવાજા

નથી ઊંચી ઊંચી દીવાલો
ને તે છતાંયે
ઝરૂખા છે...!
હવામાં ઝૂલતા ઝરૂખા....!
ઝરૂખામાં ઝૂરે–
ઊંડી ઊતરી ગયેલી
ઝાંખ વળેલી
ટમટમતી આંખો...!