યોગેશ જોષીની શ્રેષ્ઠ વાર્તાઓ/બીજો સંન્યાસ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


આઠ
બીજો સંન્યાસ

સ્વામી નિત્યાનંદ દર્ભાસન પર બેઠા છે, આંખો બંધ છે, તેજસ્વી ચહેરો એક પણ લહર વિનાના જળ જેવો શાંત છે. એમની સામે બેઠેલા ઘણા બધા સાધુઓ કશીક પ્રતીક્ષા કરી રહ્યા છે. એ બધાયની આંખોમાં વ્યાકુળતા છે ને ચહેરા ૫૨ ચિંતાની રેખાઓ. કોઈ કોઈ મુંડન ખંજવાળે છે તો કોઈ અંગૂઠાનો નખ કરડે છે, કોઈ કશા ગહન વિચારમાં ડૂબી ગયા છે તો એકાદના મનમાં વળી આશ્રમની કુલ મિલકત બધું મળીને કેટલી થાય એનું ગણિત ચાલે છે, પણ મોટા ભાગના સાધુઓ ચિંતામાં ડૂબેલા છે. ગુરુજી બચશે કે નહિ? ગુરુજી તો ‘ના’ જ પાડતા હતા, છતાં એમને ઑપરેશન માટે મદ્રાસ લઈ જવાયા છે. ઑપરેશન સફળ થવાની શક્યતા નહીંવત્ છે. નિકટના ત્રણ શિષ્યોમાંથી બે જણા ગુરુજીની સાથે જ પ્લેનમાં મદ્રાસ ગયા છે અને સ્વામી નિત્યાનંદ આશ્રમની જવાબદારી સંભાળવા અહીં જ રહ્યા છે. આમ તો નિત્યાનંદ પંદર-વીસ મિનિટ આંખો બંધ રાખતા, પછી ધીમેથી આંખો ખોલીને બીજા શિષ્યોને ગુરુજીની તબિયતના સમાચાર જણાવતા રહ્યા હતા, પણ આ વખત દોઢ કલાક થઈ ગયો છતાં હજી એમણે આંખો ખોલી નથી. સામે બેઠેલા બધાયની ચિંતા વધતી જાય છે. ત્યાં જ નિત્યાનંદે આંખો ખોલી. એમની મોટી મોટી આંખો બુદ્ધનાં નયન જેવી જ શાંત હતી. એમના હોઠ ઊઘડ્યા. શાંત, ધીમા, ગંભીર સાદે તેઓ બોલ્યા – ‘હું ક્યારનો ગુરુજીની નાડી પકડીને બેઠો 'તો... ધીરે ધીરે બધી નાડીઓ તૂટતી જતી હતી. છેવટે પલ્સ ધીમા થતા ગયા અને બંધ પડ્યા. હૃદય બંધ પડ્યું, પણ મગજ તેજ ચાલતું હતું. છેલ્લે એમની બધી જ ચેતના મસ્તિષ્કમાં હતી. છેવટે આજ્ઞાચક્રમાંથી જીવ નીકળી ગયો અને તેઓ મહાચેતનાઓમાં ભળી ગયા..' આટલું બોલ્યા પછી નિત્યાનંદે આંખો મીંચી. એમનો ચહેરો હજીયે એવો જ શાંત છે પણ બીજા શિષ્યોમાં રડારોળ શરૂ થઈ ગઈ. ઘણાએ તો પોક મૂકી – ‘ગુરુજી અમને છોડીને જતા રહ્યા... અમે અડધે રસ્તે રહી ગયા રે... હવે અમારું કોણ?' થોડી વાર પછી બધાનું રુદન ધીમું પડ્યું ત્યાં જ આશ્રમના ફૅક્સ ૫૨ મૅસેજ આવ્યો. એમાં ગુરુજીના અવસાનના જ સમાચાર હતા! ગુરુજીના દેહત્યાગનો સમય પણ નિત્યાનંદે કહેલો એ જ હતો! ફૅક્સ-મૅસેજ સાંભળીને વળી બધા બમણા જોરથી રડવા લાગ્યા. કેટલાક એકમેકને સાંત્વન આપવા લાગ્યા. ત્યાં કોકે ગુસ્સે થઈને ઘાંટો પાડ્યો: ‘આપણે તો સંન્યાસ લીધો છે! ગુરુજી માટેય વળી મોહ-માયા શા માટે? સંસારીઓની જેમ આમ રડવું આપણને શોભે?' ત્યાં બીજું કોક બોલ્યું – ‘કોણે કહ્યું ગુરુજી હવે નથી? ગુરુજી હંમેશાં આપણી સાથે જ છે. દેહરૂપે ન હોય તેથી શું? આ ક્ષણે હું એમની હાજરી અનુભવી રહ્યો છું.’ આ સાંભળી કેટલાકની ભીતર ઝીણી ઝણઝણાટી થઈ. પગના તળિયેથી જાણે સખત ખાલી ચઢી હોય એવું લાગ્યું. પછી જાણે કોઈક અદૃશ્ય શક્તિનો શરીરમાં સંચાર થતો હોય એવું અનુભવાયું. ગુરુજીના શબને લેવા માટે ઍરપોર્ટ જવાની તૈયારીઓ થવા લાગી. આશ્રમની ત્રણ-ચાર વાન હતી, પણ બધા એમાં સમાય તેમ નહોતા. બધા જ પડાપડી કરતા હતા. કોઈ રોક્યું રોકાતું નહોતું. ‘ધીરજ ધરો.. સંયમ રાખો...' – ના ઉદ્ગારો કોઈ સાંભળતું નહોતું. છેવટે ટૅક્સીઓ કરી કરીનેય બધા શિષ્યો ઍરપોર્ટ પહોંચ્યા. ગુરુજીનાં દર્શન માટે, સેવા માટેય પડાપડી, ધક્કાધક્કી. જાણે બીજા કશોક લહાવો લૂંટી જવાના હોય અને પોતે રહી જવાના હોય એમ. ગુરુજીને આશ્રમમાં લાવ્યા. એમને નવડાવી, બધી વિધિ કરીને પછી બરફની પાટ પર સુવડાવ્યા. ગુરુજીના બધા જ શિષ્યોએ વિધિવત્ સંન્યાસ લીધો હતો પણ ગુરુજી સંન્યાસી નહોતા. એમણે લગ્ન નહોતાં કર્યાં, પરંતુ વિધિવત્ સંન્યાસ પણ નહોતો લીધો. આથી કેટલાક શિષ્યોનું કહેવું હતું એમને બાળવા, જ્યારે અડધા ઉપર કહેતા – ગુરુજીને દાટવા. વિવેકાનંદની જેમ અદબ વાળીને નિત્યાનંદ મૌન ઊભા ઊભા આ બધું જોઈ રહેલા. તે વખતે જ કોઈ સંસારી જણ તેમની પાસે આવ્યો અને મૃદુ અવાજે એકદમ ધીમેથી બોલ્યો – ‘તમારા બાપુજી હવે જાય એવા છે. ડૉક્ટરોએ બે-ત્રણ કલાક કહ્યા છે... છેલ્લે દર્શન કરવાં હોય તો સિવિલ હૉસ્પિટલ આવી જજો .’ તરત કોઈ જવાબ આપવાને બદલે નિત્યાનંદ એની સામે નિર્મળ પ્રેમભરી દૃષ્ટિથી જોઈ રહ્યા. જવાબની રાહ જોયા વિના જ પેલા ભાઈએ આમતેમ જોતાં પૂછ્યું – ‘આશ્રમમાં આ શાની ધમાલ છે?' ‘ગુરુજીએ દેહત્યાગ કર્યો.' ‘ઓહ! એમનાં દર્શન થશે?' ‘હા, ધ્યાનહૉલમાં.’ ‘અંતિમસંસ્કાર ક્યારે, ક્યાં?' ‘નક્કી નથી. પણ અંતિમ દર્શનાર્થે બે દિવસ તો રાખશે.' ‘તો... બાપુજીને જોવા તમે નહિ આવી શકો?' ‘સંન્યાસ લીધા પછી કોણ મા ને કોણ પિતા?' ‘તો, તમે નહિ આવો ને?' ‘ના, હું આવીશ...'

*

બાપુજી કૉમામાં છે. માત્ર ગળું અને પેટ જરીક જરીક હાલે છે. ત્રુટક ત્રુટક શ્વાસ ચાલે છે. પલંગની આજુબાજુ બંને દીકરાઓ અને વહુઓ ટોળે વળીને ઊભાં છે ને રાહ જોઈ રહ્યાં છે – બાપુજી ક્યારે જાય ને ક્યારે આમાંથી છૂટીએ? નીચલા મધ્યમ વર્ગનું કુટુંબ. ચાર દીકરા. મોટાને ધંધામાં ખોટ ગઈ ને સખત દેવું થઈ ગયું તે એ અમેરિકા ભાગી ગયો હતો. વચલા બંને ખાસ ભણ્યા નહોતા તે બે-ત્રણ ઠેકાણે નામું લખવાની મામૂલી પગારની નોકરી કરે છે. એકની વહુ કોઈક સાડીના શો-રૂમમાં કામ કરે છે ને બીજી, મહિલાઓની કોઈક સંસ્થામાં વડી- પાપડ-અથાણાં વગેરે કરવા જાય છે. સાત સાંધે ત્યાં ચૌદ તૂટે એવી સ્થિતિ છે. નાના દીકરા પાસે મોટી આશા હતી. દેવું કરીનેય એને એમ.બી.બી.એસ.-એમ.ડી. સુધી ભણાવ્યો, સિવિલ હૉસ્પિટલમાં નોકરીય મળી. ઘર હવે બે પાંદડે થશે એવી આશા બંધાઈ હતી. ત્યાં જ એ ઘર છોડીને ચાલ્યો ગયો ને સંન્યાસી થઈ ગયો. મા તો હંમેશાં માંદી રહે છે. કોઈ એને દવાખાનેય લઈ નથી જતું. માત્ર ઘરગથ્થુ દેશી ઉપચારોથી જ ચલાવે. મોટી વહુ તો બોલીય હતી, ‘રોજ રોજ દાક્તરનો ખર્ચ કરીએ તો પછી ખાઈએ શું?' માનાં ઝાડો-પેશાબ પણ પથારીમાં જ. બધાં નોકરીએ જાય તેથી ઘરમાં એકેય વહુ હાજર ન હોય તે આવું કામ પણ બાપુજીએ જ કરવું પડતું. મા હંમેશની માંદી, પણ બાપુજી આ ઉંમરેય તંદુરસ્ત હતા. એમણે ક્યારેય ઇંજેક્શનનો ગોદો ખાધો નથી પરંતુ એક વાર બાપુજી માળા કરતાં કરતાં પડી ગયા ને ઓચિંતો પૅરેલેસિસ ને કૉમા... મગજનીય કોક નસોને નુકસાન થયેલું. ક્યારેક ક્યારેક તેઓ આંખો ખોલે. કીકી આમથી તેમ હાલે. કોઈને ઓળખી ન શકે, પત્નીનેય નહિ! પીડાના ઊંહકારા કે અસ્પષ્ટ બૂમો સિવાય બોલીય ન શકે. જીભ થોથવાય. ટોટી દ્વારા ચાંગળું પ્રવાહી પેટમાં જાય તો જાય. ટોટીઓ ભરાવેલો દેહ પંદર દિવસથી કૉમામાં છે. ડૉક્ટરે તો અડતાલીસ કલાક કહેલા, પણ આજે સોળમો દિવસ છે! છેલ્લા બાર કલાકથી એમના હાથ-પગ જરીકે હાલ્યા નથી કે આંખોય ખૂલી નથી કે હોઠ પણ ફફડ્યા નથી. ક્યારેક ક્યારેક શ્વાસ જરી અટકી જાય, માત્ર ગળું જ હાલે, માથું ડાબે-જમણે ફંગોળાય — જાણે જીવ નીકળી જવા મથતો હોય પણ દેહમાંથી નીકળી ન શકતો હોય... વળી શ્વાસ-હાંફ ચાલવા લાગે. ગળા તરફની પાંસળીઓ ઊછળવા લાગે... પેટ ને પીઠ એક થઈ ગયાં છે. હાથ-પગ લાકડીની જેમ પથારીમાં પડ્યા રહ્યા છે... પગ તો બરફ જેવા ટાઢાબોળ થઈ ગયા છે... હાથમાંય નાડીના ધબકારા સિવાય જાણે બીજો કશો જ સંચાર નથી. કોઈ કોઈ કહે છે – ‘એમનો નાનો દીકરો સાધુ થઈ ગયો છે તે એનામાં જીવ ભરાઈ રહ્યો છે... એને જઈને બોલાવી લાવો, નહીંતર જીવ જશે નહીં...’ નાનકો ભણતો ત્યારે ક્યારેક ક્યારેક કોઈક આશ્રમમાં કોઈ ગુરુજી પાસે જતો એટલી જાણ બાપુજીને હતી, પણ ડૉક્ટર થયા પછી, નોકરીય મળ્યા પછી, છોકરી જોવાની વાત ચલાવી કે તરત એ આમ સંન્યાસ લઈ લેશે એની તો કોઈને કલ્પના સુધ્ધાં નહોતી. તે એ વખતે એકના એક દીકરાના મરણ કરતાંયે વધારે આઘાત લાગ્યો હતો. કહે છે બાપુજી કોઈ કોઈ વાર દર્શનાર્થીઓ ભેગા આશ્રમમાં જતા ને નાનકાને મળી આવતા. મા પણ શરૂ શરૂમાં તો આશ્રમની બહાર ક્યાંક દૂર ઊભી રહીને અવારનવાર એના નાનકાનું મોં જોઈ લેતી, પણ કાયમી માંદગી આવ્યા પછી... વળી કોઈક બોલ્યું – “આ અવસ્થામાં આટલા દી કોઈ નોં કાઢે... નક્કી એમનો જીવ ક્યાંક કશામાં ભરાઈ રહ્યો હશે...’ ‘લ્યો, સ્વામીજી આવ્યા...' નિત્યાનંદને જનરલ વૉર્ડમાં પ્રવેશતાં જોઈને કોઈ બોલ્યું. બાપુજીના પલંગની આજુબાજુ ઊભેલાં થોડે દૂર ખસી ગયાં. નિત્યાનંદ નજીક આવ્યા. હિમાંશુએ કેમ કરતાં આ બધું થયું ને બાપુજી કેવા રિબાય છે એની પૂરી ટૅપ સંભળાવી પછી ઉમેર્યું : ‘કેટલીય વાર અંતકાળનો દીવોય કરી દીધો ને ગંગાજળેય એમની મોંફાડમાં રેડ્યું... ડૉક્ટરો તો ક્યારનાય છૂટી પડ્યા છે, પણ બાપુજીનો જીવ કેમેય જતો નથી...' સુરેશે માત્ર સ્વામીજી જ સાંભળે એમ કહ્યું, ‘રોજનો બે હજારનો ખર્ચો થાય છે. આશ્રમમાંથી તમે જો થોડો ટેકો...’ ‘આશ્રમનાં પૈસા અંગત કામમાં વપરાય?' બધાયને થયું, આને બોલાવવાનો કશો અર્થ નહિ સરે. બાપુજી કોઈનેય ઓળખી શકતા હોય તો એનું મોં જુએ ને? તો એમનો જીવ જાય ને? પલંગમાં પડી રહેલા ઘરડા દેહની બંધ આંખો પર નિત્યાનંદની દૃષ્ટિ સ્થિર થઈ, સ્થિર રહી. થોડી ક્ષણ પછી બાપુજીની આંખો ખૂલી. બાપુજીની આંખોય નિત્યાનંદ તરફ સ્થિર હતી, પણ નજર છેક પહોંચતી હશે? ત્યાં જ બાપુજીની આંખો મિંચાઈ. માથું ડાબી બાજુ ફંગોળાયું ને મોં ખૂલી ગયું... સૌથી મોટો દીકરો અમેરિકા અને નાનાએ તો સંન્યાસ લઈ લીધેલો. વચલા કશા કામમાં ન આવે. અગ્નિદાહ કોણ દે? સ્વામીજી બોલ્યા, “મેં સન્યાસ લીધો તે ક્ષણથી જ સંસાર સાથેનો મારો સંબંધ પૂરો થયો. આથી સુરેશ જ હવે નાનો દીકરો ગણાય.’ આમ બોલતાં સ્વામીજીને યાદ આવ્યું. પોતે કૉલેજમાં ભણતા ત્યારે એક વાર બાપુજીએ કહેલું – ‘મને અગ્નિદાહ તારે જ દેવાનો છે...’ બાપુજી ગયા ત્યારથી બાની આંખોમાં એક ટીપુંય આવ્યું નહોતું. જડ જેવાં થઈ ગયેલાં. બા, ઢીંચણ પર હડપચી ટેકવી, માથે ઓઢેલું જરી વધારે આગળ ખેંચી બેસી રહેલાં. પણ જેવું શબ કાઢ્યું કે તરત જાણે બાના જડ શરીરમાં કશો પ્રાણસંચાર થયો. તેઓ આવા અશક્ત દેહેય ઊભાં થઈને ડગુમગુ દોડ્યાં ને નિત્યાનંદને, ના, એમના નાનકાને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યાં. નાનકો સાધુ થઈને જતો રહેલો એનું દુઃખેય આંખોમાંથી ઊમટતું રહ્યું. નિત્યાનંદનો જમણો હાથ એ વૃદ્ધાની પીઠ પર ફરતો રહ્યો.

*

બે દિવસ ગુરુજીને અંતિમ દર્શન માટે રાખ્યા. પરદેશથીય કેટલાક શિષ્યો આવી ગયા. છેવટે આશ્રમના જ વિશાળ મેદાનમાં ગુરુજીના અગ્નિસંસ્કાર કરવાનું નક્કી થયું. સંધ્યાસમયે ગુરુજીને ચંદનની ચિંતા પર સુવડાવ્યા. નિત્યાનંદને વિચાર આવ્યો, ગુરુજી જીવતા ત્યારે જો કોઈએ એમના અંતિમ સંસ્કાર કઈ રીતે કરવા એ અંગે પૂછ્યું હોત તો તેઓ ચંદનની ચિતા માટે કદી ‘હા' પાડત? એમને કદાચ દેહદાન વધારે પસંદ હોત. મોટે મોટેથી વૈદિક મંત્રોચ્ચાર શરૂ થયા. સૌપ્રથમ નિત્યાનંદે અગ્નિદાહ દીધો. ત્યાર બાદ કેશવાનંદે અને ત્યાર પછી બીજા શિષ્યોય સળગતો પૂળો એકબીજા પાસેથી ઝૂંટવી ઝૂંટવીને અગ્નિદાહનો લહાવો લેવા પડાપડી કરવા લાગ્યા. નિત્યાનંદ ચિતાની ભડભડતી રાતી જ્વાળાઓ અને એની પાછળ ઘેરા ભૂરા આકાશમાં ખીલેલી સંધ્યાને શૂન્ય નજરે તાકી રહ્યા. થોડાં ઝળઝળિયાં પાંપણ સુધી આવીને અટક્યાં. એમાં સાંધ્ય આકાશ અને ચિતાની જ્વાળાઓના રંગોની ઝાંય ઝલમલતી રહી. કેટલાક શિષ્યો તાંબાના પાત્રમાંથી ચોતરફ પરચૂરણ ઉછાળતા હતા. એ વીણવા માટેય પડાપડી. એકાદ સિક્કોય જેને મળે એ જાણે ધન્ય ધન્ય. છેવટે ગુરુજીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં ભળી ગયો. એક મોટા તામ્રકુંડમાં અસ્થિફૂલ એકઠાં થઈ રહ્યાં છે. અસ્થિફૂલો સામે લાલચથી તાકી રહેલા એક સાધુએ બીજાના કાનમાં કહ્યું – ‘એકાદ અસ્થિફૂલ આપણી પાસેય રાખીએ તો? કદાચ શક્તિપાત થતો રહે...' પછી સાધુઓમાં અંદરઅંદર ધીમો ગણગણાટ શરૂ. અસ્થિફૂલોને અલગ અલગ નદીઓમાં પધરાવવાનું નક્કી થયું. આમ છતાં, એક જણે એક અસ્થિ લીધું. ગરમ હોવાથી આંગળીઓ દાઝી, છતાં ઝટ ઝટ ભગવા વસ્ત્રમાં બાંધી દીધું. એ પછી બીજો, પછી ત્રીજો... અસ્થિફૂલ માટેય, ચપટી ભસ્મ માટેય પડાપડી, ઝૂટમઝૂટ! રાજકારણીઓ ખુરશી માટે કાવાદાવા ૨મે એમ આશ્રમમાંય બે-ત્રણ શિષ્યોએ ગાદીપતિ થવા માટેના દાવપેચ શરૂ કરી દીધા. આ બધું જોઈ નિત્યાનંદને થતું, સાધુઓનો પણ આ એક સંસાર જ છે ને?! મોટા ભાગના શિષ્યો ઇચ્છતા હતા કે નિત્યાનંદ ગાદીપતિ થાય, પણ તેઓ –આશ્રમનો કાર્યભાર સંભાળવામાં મને શો વાંધો હોઈ શકે? પણ જો અન્ય એકાદ જણનેય ગાદીપતિ થવાની ઇચ્છા હોય તો હું સ્પર્ધામાં રહીશ નહિ – એવું કહીને અળગા રહ્યા. સ્વરૂપાનંદ અને કેશવાનંદ વચ્ચે ગાદીપતિ થવા માટે ગળાકાપ હરીફાઈ શરૂ થઈ. આમ છતાં બહુમતી શિષ્યો આશ્રમના ભલા માટે ગાદીપતિ થવા નિત્યાનંદને સમજાવતા રહ્યા. આ બધી ધમાલ ચાલતી હતી ત્યાં વળી એક દિવસ પેલો સંસારી જણ આવ્યો અને એણે નિત્યાનંદને બધી વાત કરી – ‘બાપુજીના ગયા પછી માંદાં બાને રાખવા કોઈ તૈયાર નથી. બાને ઘરડાઘરમાં નાખી આવવા સુધી વાત પહોંચી છે. અમેરિકાવાળો બાને રાખવા તૈયાર છે, પણ બાને ઘરના ઘરમાં જ મૃત્યુ પામવું છે... બાએ જ મને અહીં મોકલ્યો. બાએ કહેલું, મારો નાનકો મને સંઘરશે... હું મારે આશ્રમના એક ખૂણામાં પડી રહીશ...' આ વાક્ય કાને પડતાં જ ધીમા પગલે ત્યાંથી પસાર થઈ રહેલા સ્વરૂપાનંદ સહેજ અટક્યા, જરી મલકાયા ને બોલ્યા – ‘સંસાર છોડ્યા પછીયે વળી માનું વળગણ કેવું? અને આશ્રમમાં કોઈ સ્ત્રીને રાખવાનું તે કદી વિચારાય?' નિત્યાનંદ મૌન રહ્યા. પછી, ‘બા માટે હું કશુંક વિચારીશ...' – એમ કહી પેલા માણસને વિદાય કર્યો. એમના વિશાળ કપાળમાં બે ઊભી અને ઘણીબધી આડી કરચલીઓ પડી. બાપુજીના અવસાન બાદ મા બંને દીકરાઓ અને એમની વહુઓમાંથીય કોઈને નહિ અને પોતાને જે રીતે બાઝીને ભાંગી પડી 'તી એ યાદ આવ્યું. નિત્યાનંદ એમના ખંડમાં ગયા. ધ્યાનમાં બેઠા. ગુરુજીને મનોમન પ્રશ્ન કર્યો –અત્યારે મારો સ્વધર્મ શો? થોડી ક્ષણ પછી એમના કપાળની કરચલીઓ દૂર થઈ. ચહેરો નિર્મળ બન્યો. પછી તેઓ ઊભા થયા. એક ભગવા થેલામાં બે-ત્રણ પુસ્તકો લીધાં. પણ પછી એ થેલો પાછો મૂકી દીધો. પહેરેલાં વસ્ત્રોમાં જ એ ચાલી નીકળ્યા. આશ્રમના ઉંબર પર ઘડીક અટક્યા. થયું – આ ભગવાં ત્યજી દેવાં?! અંદરથી જ જવાબ આવ્યો – શ્વાસ ભગવા થઈ જાય પછી વસ્ત્રો ગમે તે હોય, શો ફેર પડે? ધીમા પણ મક્કમ ડગ ભરતાં તેઓ આશ્રમ છોડીને ચાલી નીકળ્યા...