રઘુવીર ચૌધરી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

ચૌધરી રઘુવીર દલસિંહ, ‘લોકાયતસૂરિ', ‘વૈશાખનંદન’ (૫-૨-૧૯૩૮) : કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર, ચરિત્રકાર, વિવેચક. જન્મ બાપુપુરામાં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ માણસામાં. ૧૯૬૦માં હિંદી વિષય સાથે બી.એ.માં પ્રથમ વર્ગમાં પ્રથમ આવી અધ્યાપનકાર્યનો આરંભ. ૧૯૬૨માં એમ.એ. ૧૯૭૯માં હિંદી-ગુજરાતી ધાતુકોશ વિષય પર પીએચ.ડી. બી. ડી. આર્ટ્સ કૉલેજ, ગૂજરાત વિદ્યાપીઠ અને હ. કા. આર્ટ્સ કૉલેજ, અમદાવાદમાં લાંબો સમય અધ્યાપન. ૧૯૭૭ થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં હિંદીના અધ્યાપક. ૧૯૬૫માં કુમારચંદ્રક, ૧૯૭૫માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને ૧૯૭૭માં સાહિત્ય અકાદેમી, દિલ્હીનો પુરસ્કાર તેમ જ ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક. આ લેખક નવલકથાકાર તરીકે સવિશેષ પ્રતિષ્ઠિત છે. એમણે નવલકથા સ્વરૂપની શક્યતાઓને સારી પેઠે તપાસી છે, એટલે જ એમની પાસેથી મોટી સંખ્યામાં અને વસ્તુ તથા રચનારીતિનું વૈવિધ્ય ધરાવતી કૃતિઓ મળી છે. ‘પૂર્વરાગ’ (૧૯૬૪) એમની પહેલી નવલકથા છે, જેને એમણે સમયાંતરે ‘પરસ્પર’ (૧૯૬૯) અને ‘પ્રેમઅંશ’ (૧૯૮૨) રૂપે આગળ ચલાવી છે; એ રીતે આ કથા વ્યક્તિથી સમાજ કે સ્નેહથી સંસ્કૃતિ સુધી વિસ્તરે છે. એમની બીજી નવલકથા ‘અમૃતા’ (૧૯૬૫) સીમાચિહ્નરૂપ લેખાયેલી છે; એમાં વૈયક્તિક મૂલ્યોને અસ્તિત્વવાદી તેમ જ ભારતીય દર્શનના પ્રકાશમાં અભિવ્યક્તિ મળી છે. અલબત્ત, પાત્રોના સંવેદનના સંદર્ભમાં ‘પૂર્વરાગ’માં વાસરીનો આધાર લેતી પ્રથમ પુરુષ પ્રયોગરીતિ યોજાઈ હતી, તો ‘અમૃતા’’માં આંતરચેતનાપ્રવાહ, સ્વપ્ન, વ્યાખ્યાન-એમ એકાધિક કથનરીતિઓનો અને સમય કે પાત્રોની વિભિન્ન સ્થિતિઓનો પ્રયોગ થયેલો છે. એમની નવલકથાઓમાં માનવસંબંધની – ખાસ કરીને સ્ત્રીપુરુષસંબંધની – સંકુલતાનું આલેખન ધ્યાન ખેંચે છે. ‘આવરણ’ (૧૯૬૬) અને ‘શ્રાવણ રાતે’ (૧૯૭૭) તથા લઘુનવલો ‘તેડાગર’ (૧૯૬૮) અને બાકી જિંદગી’ (૧૯૮૨) આ વિષય પર જ મંડાયેલી છે. ‘આવરણમાં સ્થળકાળનો વિશિષ્ટ વિનિયોગ, ‘તેડાગર’માં વસ્તુના સ્વતંત્ર ઘટકોનું આયોજન અને ‘બાકી જિંદગી'માં પાત્રોની સ્મૃતિમાં કેન્દ્રસ્થ ચરિત્રને ક્રમશઃ ઉપસાવતી ટૅક્નિક જેવા વિશેષો અસરકારક નીવડ્યા છે. વેણુવત્સલા’ (૧૯૭૨) તથ્યમૂલક મનોવૈજ્ઞાનિક નવલકથા છે. વિચાર અને સંવેદન વચ્ચે કશાય વિરોધ વિના અસ્તિત્વનો પ્રશ્ન એ છેડે છે. આંતરચેતનાપ્રવાહની નિરૂપણરીતિનો એમાં અસરકારક પ્રયોગ થયો છે. વ્યંગ અને વિનોદનાં તત્ત્વો લેખકની અભિવ્યક્તિનું આગળ પડતું અંગ છે. શિક્ષણક્ષેત્રની વરવી બાજુ પ્રગટ કરતી ‘એકલવ્ય’ (૧૯૬૭) અને ગ્રામસમાજના પ્રપંચોનું નિરૂપણ કરતી ‘પંચપુરાણ’ (૧૯૮૧) નવલકથાઓમાં આ તત્ત્વો મુખ્ય ઓજાર તરીકે વપરાયાં છે. ‘વચલું ફળિયું’ (૧૯૮૩) પણ ગ્રામસમાજની નવલકથા છે. ‘ઉપરવાસ'– ‘સહવાસ’–‘અંતરવાસ’ (૧૯૭૫) બૃહત્કથામાં સ્વાતંત્ર્ય પછીની પચીશીમાં સામાજિક, આર્થિક, રાજકીય પરિવેશ સાથે ગ્રામસમાજમાં થયેલાં-થતાં પરિવર્તનનું પાત્રોનાં સંવેદનોના સંદર્ભમાં આલેખન થયેલું છે. બીજી આવૃત્તિ વખતે લેખકે એમાં કરેલા ફેરફાર એમની સર્જક તરીકેની નિસબતનું સૂચન કરે છે. આ કથાત્રયી તેમ જ લઘુનવલ ‘લાગણી’ (૧૯૭૬) પણ સ્પષ્ટ કરે છે કે આ લેખક પોતાની કથાઓમાં સામાજિક સંદર્ભ સાચવતા હોવા છતાં એની પરિણતિ માનવીય સંવેદનમાં થાય છે. ઐતિહાસિક પરિવેશમાં કલાકારના મનોજગતને વર્ણવતી ઐતિહાસિક નવલકથા ‘રુદ્ર-મહાલય’ (૧૯૭૮), વિશિષ્ટ સામાજિક નવલકથા ‘કંડક્ટર’ (૧૯૮૦) અને ત્યાર પછી ‘ગોકુળ’, ‘મથુરા', ‘દ્વારકા’ (૧૯૮૬), ‘મનોરથ’ (૧૯૮૬), ‘ઇચ્છાવર’ (૧૯૮૭), ‘અંતર’ (૧૯૮૮) અને ‘લાવણ્ય’ (૧૯૮૯) નવલકથાઓ પણ એમણે લખી છે. ‘આકસ્મિક સ્પર્શ’ (૧૯૬૬), ‘ગેરસમજ (૧૯૬૮), ‘બહાર કોઈ છે?’ (૧૯૭૨), ‘નંદીઘર’ (૧૯૭૭) અને ‘અતિથિગૃહ’ (૧૯૮૮) એમના વાર્તાસંગ્રહો છે. ‘બહાર કોઈ છે’ અને ‘નંદીઘર’માંથી કેટલીક વાર્તાઓ ચૂંટીને ‘ગેરસમજ’ નામે સંકલિત આવૃત્તિ ૧૯૮૩માં પ્રગટ થયેલી છે. પૂર્ણ સત્ય’, ‘ચિતા’, ‘તમ્મર’), ‘પક્ષ-ઘાત', ‘એક સુખી કુટુંબની વાત', ‘સાંકળ’, ‘પોટકું', ‘નષ્ટજાતક’ વગેરે એમની યાદગાર વાર્તાઓ છે. એમની વાર્તાઓમાં રચનારીતિનું વૈવિધ્ય સારા પ્રમાણમાં છે; પણ એમાં કેન્દ્રવર્તી તત્ત્વ છે ચરિત્રગત સંવેદન. ક્યારેક એ જાગતિક સંદર્ભમાં વ્યક્ત થાય છે, તો ક્યારેક ઊંડી સમજમાંથી પ્રગટ થાય છે. એને માટે કોઈ એક વાર્તામાં એક ભાવસ્થિતિ, તો કોઈ અન્ય વાર્તામાં વિશિષ્ટ પરિસ્થિતિનું અવલંબન હોય છે. ક્યારેક સમકાલીન સામાજિક યા રાજકીય ઘટના કે પ્રવૃત્તિનો સંદર્ભ લઈને પણ તેઓ આવું પરિણામ સરજે છે. ‘રાજકુમારી’ કે ‘નષ્ટજાતક’ જેવી લઘુકથાથી માંડીને ‘લાંબી ટૂંકી વાર્તા’ સુધીનું સ્વરૂપવૈવિધ્ય અહીં છે. વાર્તાના રૂપવિધાનમાં પ્રતીક, કલ્પન જેવાં ઉપકરણો પ્રયોજીને તેઓ ‘અર્થ’ની શક્યતાઓને વિસ્તારે છે. ખપલાધ્યું કાવ્યતત્ત્વ અહીં ઉપકારક નીવડે છે. તળપદી તેમ જ શિષ્ટ ભાષાનું સૌંદર્ય જુદી જુદી વાર્તાઓમાં અનુભવાય છે, સાથે જ પ્રતીત થાય છે એની કાર્યસાધકતા પણ. વર્ણનની જેમ સંવાદ પણ વાતાવરણ રચવામાં સહાયભૂત થાય છે. એમના ‘તમસા’ (૧૯૬૭; સંવ. આ. ૧૯૭૨) અને ‘વહેતાં વૃક્ષ પવનમાં’ (૧૯૮૪) કાવ્યસંગ્રહોમાં છાંદસ-અછાંદસ, ગીત-ગઝલસ્વરૂપની રચનાઓ છે. ગદ્યકાવ્યના સ્વરૂપમાં કવિની ઉત્તરોત્તર ગતિ થતી રહી છે. ગદ્યલયના વિવિધ પ્રયોગો એમની બીજા સંગ્રહની રચનાઓમાં વિશેષ છે. નગરસંસ્કૃતિના વિકાસને કારણે થતો સાંસ્કૃતિક વિચ્છેદ, મનુષ્યની કેન્દ્રચ્યુત સ્થિતિ અને તરડાતા માનવસંબંધોએ જન્માવેલી વેદના એ એમની કવિતાનું પ્રમુખ કથ્ય છે. એમાં સંવેદન અને ચિંતનનું રસાયણ છે; તો કલ્પન-પ્રતીકનું સુગ્રથિત સંયોજન, ઐતિહાસિક સંદર્ભોનો વિનિયોગ અને નૂતન અલંકારવિધાન આદિથી નીપજતું સૌંદર્યમંડન પણ છે. પદાવલિ મોટે ભાગે પ્રશિષ્ટ છે, ક્વચિત્ બોલચાલની. ‘મને કેમ ના વાર્યો?’, ‘ઇતિહાસ’, ‘ચીલો’, ‘રાજસ્થાન’, ‘આ એક નદી’, ‘જુગ જુગના જીવણ’, ‘મીના’ વગેરેમાં સુરેખ કવિપરિચય મળે છે. અશોકવન’ અને ‘ઝૂલતા મિનારા’ (૧૯૭૦) તથા ‘સિકંદર સાની’ (૧૯૭૯) જેવાં નાટકો તેમ જ ‘ડિમલાઇટ’ (૧૯૭૩) તથા ‘ત્રીજો પુરુષ’ (૧૯૮૨) જેવા એકાંકીસંગ્રહો પણ એમની પાસેથી મળ્યાં છે. માનવજીવનને જાગતિક સંકેત રચતું વસ્તુ, વ્યક્તિત્વદ્યોતક માર્મિક સંવાદો તથા ભાષા તેમ જ સુરેખ દૃશ્યરચના જેવા વિશેષો ધરાવતી આ નાટ્યકૃતિઓમાંની કેટલીક રંગમંચ પર ભજવાઈ પણ છે. ‘સહરાની ભવ્યતા’ (૧૯૮૦) એમણે આલેખેલાં સારસ્વતોનાં લાક્ષણિક રેખાચિત્રોનો સંચય છે. એમના ‘અદ્યતન કવિતા’ (૧૯૭૬), ‘વાર્તાવિશેષ’ (૧૯૭૬), ‘ગુજરાતી નવલકથા’ (રાધેશ્યામ શર્મા સાથે, ૧૯૭૨, ૧૯૭૭) જેવા ગ્રંથો સાહિત્યના સ્વરૂપવિશેષો અને કૃતિઓ પરનું વિવેચન આપે છે; તો ‘દર્શકના દેશમાં’ (૧૯૮૦) અને ‘જયંતિ દલાલ’ (૧૯૮૧)માં એમનું તે તે સર્જક પરનું વિવેચન છે. એમની વિવેચનશૈલી આસ્વાદમૂલક છે. એમણે ‘તુલસીદાસ’ નામની પરિચયપુસ્તિકા પણ લખી છે. એમનાં પ્રકીર્ણ સર્જનમાં ‘મુક્તાનંદની અક્ષર આરાધના (૧૯૮૦) સંતકવિ મુક્તાનંદની કવિતાનું રસદર્શન છે; ‘સ્વામી નારાયણ સંત સાહિત્ય’ (૧૯૮૧) તે સંપ્રદાયના સાહિત્ય-વિવેચનનું સંપાદન છે; તો ‘રંગભર સુંદર શ્યામ રમે’ (૧૯૮૧) તે કવિઓની હિંદી કવિતાનો સંચય છે. ‘નરસિંહ મહેતા – આસ્વાદ અને સ્વાધ્યાય’ (૧૯૮૩), ‘જયંતિ દલાલનાં પ્રતિનિધિ એકાંકી’ (બકુલ ત્રિપાઠી, વિનોદ અધ્વર્યુ સાથે, ૧૯૭૧), ‘મેઘાણીની નવલિકાઓ’ (યશવંત શુક્લ, મહેન્દ્ર મેઘાણી સાથે, ૧૯૭૨) એમણે કરેલાં નોંધપાત્ર સંપાદનો છે. વિશ્વનાથ ભટ્ટરચિત ‘પારિભાષિક કોશ’ (સંવ. આ. ૧૯૮૬) પણ એમનું સંપાદન-પ્રદાન છે.