રચનાવલી/૧૧૪

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧૧૪. ગુરુસંગ્રામ (ઓ. વિ. વિજ્યન્)


કુમનકાવુ ગામના બસસ્ટેન્ડ પર આવી એક બસ ઊભી રહે છે અને એમાંથી ગામની નવી ખૂલનારી શાળાનો એક માસ્તર ઊતરે છે. એક જ શિક્ષકથી ચાલનારી આ શાળા માટે જાતજાતનાં પ્રલોભનો દ્વારા થોડાક વિદ્યાર્થીઓ એકઠા કરવામાં આવે છે. ગામમાં ચાલતી મુસલમાનોની મદરેસાના મુલ્લાને એમાં પોતાના પર તરાપ મરાઈ હોય એવો અનુભવ થાય છે. માસ્તર રવિ શાળાના સંચાલનની સાથે સાથે મુલ્લાનો દત્તક દીકરો નિઝામ, મુલ્લાની દીકરી મૈમૂના, મંદિરનો પુજારી કુટ્ટાટન અને અન્ય ગ્રામજનોના પરિચયમાં આવે છે. કૉલેજકાળની મિત્ર પદ્મા પણ એને ગામમાં મળવા આવે છે તો એની સાથેનો એનો સંબંધ તાજો થાય છે. શીતળાના રોગચાળા દરમ્યાન પોતે એ રોગનો ભોગ બને છે અને છેવટે મૈમૂનાના સમાગમમાં આવે છે. આ બધા સંબંધોના પડાવ વટાવતો રવિ અંતે ગામનું પિંજર તોડી આગળ જવા ચાહે છે. ફરી કુમનકાવુ બસસ્ટેન્ડ પર બસની રાહ જોતો રવિ ઊભો રહી જાય છે. સામ્યવાદી વિચારવલણમાંથી આધ્યાત્મિક રહસ્યવાદિતા તરફ ધકેલાતા રવિ જેવા પાત્રને કેન્દ્રમાં રાખીને લખાયેલી આ ‘ખસાકનો ઇતિહાસ' (ખસાક્કિટ્ટૈ ઇતિહાસમ્)ની કથા છે. મલયાલમ ભાષામાં ઓ. વિ. વિજ્યન દ્વારા લખાયેલી આ નવલકથાની ૧૯ આવૃત્તિઓ થઈ છે અને લેખક વિજ્યન કેરાલાના યુવાવર્ગનું આકર્ષણ બન્યો છે. ૧૯૩૧માં જન્મેલા ઓ. વિ. વિજ્યનની ‘ખસાકનો ઇતિહાસ' એ પહેલી નવલકથા હતી. આ ઉપરાંત ‘ધર્મપુરાણમ્' અને ‘ગુરુસંગ્રામ' (૧૯૮૭) એમની જાણીતી નવલકથાઓ છે. ‘ધર્મપુરાણમ્’નો ‘ધ સાગા ઑવ ધર્મપુરી' નામે અંગ્રેજીમાં અનુવાદ થયો છે; તો ‘ગુરુસંગ્રામ'નો તાજેતરમાં રમેશ મેનન અને લેખકના પોતાના સંયુક્ત પ્રયત્નથી. ધ ઇન્ફિનિટી ઑવ ગ્રેસ’ નામે પેન્ગ્વિન દ્વારા અંગ્રેજીમાં અનુવાદ બહાર પડ્યો છે. આ નવલકથામાં યુદ્ધ, દેશોનો જન્મ, બાળપણનાં સ્મરણોની હાજરી અને ગુરુઓની શોધ – વગેરે વિષયોને કુશળતાપૂર્વક ગૂંથી લેવામાં આવ્યા છે. બીજી રીતે કહીએ તો આ નવલકથાના હાર્દમાં એના નાયકની શોધ પડેલી છે. એનો નાયક છે દિલ્હીનો કુશળ પત્રકાર કુનજુન્ની. એ બંગલાદેશના યુદ્ધ સમાચારને એકત્ર કરવા માટે અને પોતાની ત્યજેલી પત્નીને મળવા માટે કલકત્તાની મુસાફરી શરૂ કરે છે, એને એક દીકરી પણ છે. પણ કલકત્તા તરફની મુસાફરી કરતાં કરતાં નાયક બીજી અનેક મુસાફરીઓ પૂરી કરે છે. એની અંદર અનેક સ્મરણો અને અનુભવો આઘાપાછાં થાય છે; જેમાં ઉપમન્યુ, પરીક્ષિત અને ઋષ્યશૃંગની પૌરાણિક કથાઓ પણ આવે છે અને બંગલા દેશનું લોહિયાળ યુદ્ધ અને બંગલાદેશનું સર્જન, પોતાનું નિષ્ફળ ગયેલું લગ્નજીવન, કૅન્સરના રોગથી પીડાતી પોતાની વહાલસોયી દીકરી – વગેરે પણ ડોકાય છે. સાથે સાથે કોઈ રશિયન પત્રકારની કે મલયાળી સ્ટેનોગ્રાફરની કે કલકત્તાના બારટેન્ડરની આડકથાઓ પણ એમાં ભળતી આવે છે. નાયક અંદરથી વેદનાના વિસ્ફોટથી ભરેલો છે અને ભક્તિનો માર્ગ એને ખેંચી રહ્યો છે. આ માર્ગ પર એના સાથીસંગાથી તરીકે કાં તો ક્રાંતિ છે અને કાં તો મોક્ષ છે. પરંતુ ક્રાંતિએ હાથતાળી આપી છે. એના બિરાદરો માન્યામાં ન આવે એવા પલટાઈ ગયા છે અને લગભગ વિસરાયેલી હાલતમાં જીવી રહ્યા છે. પરંતુ બીજી બાજુ મોક્ષની શકયતા છે. નાયકને માટે મોક્ષની કલ્પના કોઈ રીતસરનો ધર્મ નથી. પણ એનો અંગત રહસ્યવાદ છે, જે એને અદ્વૈતનો અનુભવ કરાવે છે. આ દ્વારા એ બ્રહ્માવકાશનો પોતે એક અંશ હોય એવો ભાવ અનુભવે છે. સમગ્ર નવલકથાનો સંદર્ભ જોતાં લાગે છે કે એનો નાયક ક્રાંતિ તરફ નહીં પણ મોક્ષ તરફ ફંટાશે અને એ દ્વારા લેખક મહેચ્છાની સાથે સંકળાયેલી યાતનાને અળગી કરી શકાય તેમ નથી એમ સ્પષ્ટ સૂચવે છે. નાયક કુનજુન્નીની આસપાસની વેદના એટલી સાચી છે કે એને દૂર કરી શકાય તેમ નથી અને એને સમજાવી શકાય તેવી પણ નથી. નવલકથામાં અનંતની કૃપાની ક્ષણ આવે છે અને નાયકને સમયસર છોડાવે છે એ ભીતરી અનુભવ કુનજુન્નીને શાશ્વતનો અનુભવ આપે છે. નવલકથાના અંતમાં લેખકે વ્યાસની કથા મૂકી છે. વ્યાસ પોતાના પુત્ર શુકને અંતિમ જ્ઞાન આપતા પોતાને અટકાવી શકતા નથી. આ જ્ઞાન શુકને શુદ્ધ કરનારું અને જીવનથી મુક્ત કરનારું છે. એનો અર્થ એ છે કે જીવનથી શુને મુક્ત કરવો એટલે મૃત્યુ દ્વારા એને ગુમાવવો. પિતા વ્યાસ વેદનાથી ચિત્કારે છે : ‘મારા વત્સ’ અને સામે સૌ તત્ત્વો એને ‘મારા પિતા' ચિત્કારીને વૈશ્વિક આશ્વાસન આપે છે. મનુષ્ય અને જગત વચ્ચેના સંબંધ રૂપે ધર્મને સ્થાપીને નવલકથાકારે નાયકની શોધકથા દ્વારા અધ્યાત્મવાદી રહસ્યમયતા સાથે માનવીય પાસાંને ઉપસાવ્યું છે.