રચનાવલી/૧૨૫

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧૨૫. પંચતંત્ર (વિષ્ણુ શર્મા)


ઓગણીસમી સદીની અધવચ અંગ્રેજી શાસન પગભર થતું આવ્યું અને ભારતમાં અને ખાસ તો ગુજરાતમાં નવી શિક્ષણનીતિ પ્રચારમાં આવી તે વખતે શાળાના અભ્યાસક્રમ માટે વાચનમાળા તૈયાર કરવા અંગ્રેજ અમલદાર હોપસાહેબે આપણા જાણીતા કવિ દલપતરામને ખાસ નિમંત્રણ આપી બોલાવેલા; અને વાચનમાળા માટે કાવ્યો લખવા કહેલું. પણ સાથે સાથે કહેલું કે ‘એમાં ગપ્પા ન આવવા જોઈએ.' અને આ સાથે જ દલપતરામ ઊભા થઈ ગયેલા. કહે તો પછી ‘મને બોલાવ્યો છે શા માટે? અમે કવિઓ તો ન હોય એને લાવીએ. અમે તો પ્રાણી અને પંખીઓને પણ બોલતાં કરીએ.' હોપસાહેબ સમજી ગયા કે કવિ દલપતરામ પંચતંત્ર કે ઈસપની કથાઓમાં બાળકોને સ્પર્શતી કલ્પનાની બાબતમાં કહી રહ્યા છે. હોપે દલપતરામને કહ્યું કે ‘એવી કવિતાઓ તો મનભરીને લખજો' દલપતરામે પછી તો અઢારવાંકાં અંગવાળા ઊંટની, માતાપિતાની આજ્ઞા ન માનીને ગરમ પાણીમાં પડી જતાં માખીના બચ્ચાની, પોતાના પડઘાને શત્રુ સમજીને બાથ ભીડતા સિંહની – વગેરેની પ્રાણીકથાઓ દ્વારા પેઢી દર પેઢી બાળકોને આનંદ સાથે બોધ આપ્યો છે. આ પ્રકારની પ્રાણીકથાઓનું મૂળ તો ઈસપની પ્રાણીકથાઓમાં કે સંસ્કૃતભાષાના ‘પંચતંત્ર'ની પ્રાણીકથાઓમાં પડેલું છે. આપણે આજે પશ્ચિમના પ્રભાવ હેઠળ છીએ પણ એક પ્રાચીન જમાનો હતો જ્યારે ભારતદેશનો પશ્ચિમ એશિયા અને યુરોપના દેશો પર પ્રભાવ પડતો. શરૂશરૂમાં વેપારધંધાને કારણે અને પછી દરિયાઈ સાહસોને કારણે સાંસ્કૃતિક સંબંધ બળવાન થતો ગયો. આને કારણે ભારતીય સાહિત્ય પશ્ચિમના દેશોમાં પ્રસરેલું. એનો મોટો પ્રભાવ ઊભો થયેલો. કહેવાય છે કે ગ્રીકભાષામાં ઈસપની કથાઓ અને સંસ્કૃત ભાષામાં ‘પંચતંત્ર'ની કથાઓને ગાઢો સંબંધ છે. એકબીજાએ એકબીજા પર અસર પહોંચાડી છે. જગતમાં કથાઓની વાત આવે છે ત્યારે ‘પંચતંત્ર’, ‘ઈસપની કથાઓ’ અને ‘અરેબિયન નાયટ્સ'ની કથાઓ તરત સ્મરણમાં ચઢે. એમાંય ‘પંચતંત્ર’ અને ‘ઈસપની કથાઓ’ સૌથી વધુ પ્રાચીન છે. છઠ્ઠી સદીમાં ‘પંચતંત્ર'ની કથાઓનો ઈરાનની પહેલવી ભાષામાં અનુવાદ થયો. ત્યારબાદ આઠમી સદીમાં અરબી ભાષામાં એ કથાઓ ઊતરી. ત્યાંથી પછી એ થાઓ યુરોપના સાહિત્યોમાં પહોંચી ગઈ, ‘પંચતંત્ર’ના અનેક ભાષાઓમાં અનુવાદ થયા છે અને અનુવાદોના પણ અનુવાદ થયા છે. પ્રાણીઓના જગતને બોલતું કરી, ટૂંકી પણ વેધક શૈલીમાં રજૂ થયેલી ‘પંચતંત્ર’ની કથાઓમાં આનંદ સાથે બોધ છે. એમાં કહેવતો જેવાં સોંસરાં વાકયો છે, બાળકોની કલ્પનાને ઉત્તેજતા એમાં જીવનઘડતરના પાઠો છે, જગતમાં જીવવા માટે જોઈતા ડહાપણનાં દૃષ્ટાંતો છે; અને જીવનના ઉત્તમ નિયમોને તારવી આપતા ઠેર ઠેર વેરાયેલા અસરકારક શ્લોક છે. ‘પંચતંત્ર', એક રીતે જોઈએ તો નીતિશાસ્ત્ર છે. 'પંચતંત્ર'માં કહેવાયું છે કે ‘પંચતંત્ર'ને જે નિત્ય વાંચે છે અને એનો અભ્યાસ કરે છે એનો ઈન્દ્ર દ્વારા પણ પરાભવ થતો નથી. ‘પંચતંત્ર’નો સંદર્ભ આ પ્રમાણે છે: દક્ષિણના મહિલારોય નગરના અત્યંત યશસ્વી અને કલાપ્રવીણ રાજા અમરશક્તિને ત્રણ દીકરા હતા : બહુશક્તિ, અગ્રશક્તિ અને અનંતશક્તિ. પણ ત્રણેના ત્રણે મહામૂર્ખ હતા. શાસ્ત્રો વાંચતા નહોતા અને વિવેક વગરના હતા. આથી રાજા અમરશક્તિને લાગ્યું કે જેમ પ્રસવ્યા વિનાની અને દૂધ ન આપતી ગાયનો અર્થ નથી તેમ વિદ્વત્તા વગરના અને વિવેક વગરના પુત્રોનો પણ કોઈ અર્થ નથી. અમરશક્તિએ પંડિતોની સભાને મૂર્ખ પુત્રોને બુદ્ધિવાન કરવા કોઈ ટૂંકો ઉપાય શોધવા જણાવ્યું. પણ પંડિતોએ કહ્યું કે વ્યાકરણ શીખતા જ બાર વર્ષ જાય. વળી ઉપરથી ધર્મશાસ્ત્ર, કામશાસ્ત્ર વગેરે શાસ્ત્રો શીખવાનાં. ત્યારે રાજ્યના સુમતિ નામના પ્રધાને કહ્યું કે આ જીવન ટૂંકું છે. ટૂંકમાં મૂર્ખને જ્ઞાન આપે એવો કોઈ ઉપાય અજમાવો. રાજાને ખબર પડી કે વિષ્ણુશર્મા નામનો એક અત્યંત પ્રતિષ્ઠિત બ્રાહ્મણ પંડિત છે, જે આ કામ કરી શકે તેમ છે; અને રાજાએ વિષ્ણુશર્માને બોલાવી કહ્યું કે ‘આ કામ પૂરું કરીશ તો સો ગામનો ધણી બનાવીશ.’ વિષ્ણુ શર્માએ કહ્યું કે ‘છ માસમાં ત્રણ પુત્રોને નીતિશાસ્ત્રમાં પારંગત ન કરું તો મારું નામ નહીં.’ આ પછી વિષ્ણુશર્માએ અમરશક્તિના ત્રણ પુત્રોને શિક્ષણ આપવા ‘પંચતંત્ર' રચ્યું. એવાં પાંચ તંત્રો છે તેથી એ ‘પંચતંત્ર’ કહેવાયું. આ પાંચ તંત્રો છે : મિત્રભેદ, મિત્રપ્રાપ્તિ, સંધિવિગ્રહ, લબ્ધપ્રણાશ અને અપરીક્ષિતકારક. દરેક તંત્રમાં મુખ્ય કથા છે અને એ મુખ્ય કથા સાથે બીજી ગૌણ કથાઓ ગૂંથાતી આવે છે. અલબત્ત પાંચમા તંત્રમાં મુખ્ય કથા જેવું ઓછું રચાયું છે. આપણે 'પંચતંત્ર'માંથી એક કથાનો નમૂનો જોઈએ. આ કથા છે જૂ અને માંકડની. કથાની શરૂઆતમાં એક શ્લોક જણાવે છે કે કોઈનું ચરિત્ર જાણ્યા વગર આશ્રય આપવો ન જોઈએ, જેમકે માંકડની ભૂલથી જૂ નાશ પામી. કોઈ એક રાજાનું સુન્દર શયનસ્થાન હતું. એમાં સફેદ ચાદરની વચ્ચે મન્દવિસર્પિણી નામની એક જૂ રહેતી હતી. રાજાનું જૂ સ્વાદિષ્ટ લોહી પી પીને એ સુખથી સમય પસાર કરતી હતી. એવામાં એ જ શયનસ્થાન પર એક અગ્નિમુખ નામનો માંકડ આવી ચડ્યો. જૂએ કહ્યું ‘આ મોટી જગ્યાએ તું કયાં આવી ચડ્યો? જલદી જતો રહે.' માંકડ કહે ‘આવેલાનું સ્વાગત કરવું જોઈએ. આ રીતે અપમાન ન કરાય.’ પછી માંકડ જૂને વિનવે છે : ‘મેં અનેક મનુષ્યોનું લોહી પીધું છે, પણ ક્યારે ય મધુર લોહી ચાખ્યું નથી. તો કૃપા કરી, વિવિધ ભોજન અને પકવાનથી મધુર થયેલું રાજાનું લોહી ચાખવાનું સુખ મને લેવા દે.’ માંકડ આગળ કહે છે ‘લોકો જૂઠું બોલે છે, ન સેવવાનું સેવે છે કે પરદેશ જઈને વસે છે તે બધું જ પેટને માટે.’ ‘તો મને ભૂખ્યાને રાજાનું લોહી ચાખવા દે.’ જૂએ કહ્યું ‘માંકડ, હું રાજા ઊંઘમાં પડે પછી જ એનું લોહી પીઉં છું.’ માંકડ કહે ‘હું એમ જ કરીશ. ભગવાનના સોગંદ સાથે કહું છું કે તું પીશે પછી જ હું રાજાનું લોહી પીશ.' જૂએ કહ્યું ‘સારું. જેમ હથેલી ઘસીઘસીને ગરમ કરી હોય તો પણ પાછી ઠંડી જ પડી જાય છે તેમ ઉપદેશથી કોઈ સ્વભાવને થોડો સુધારી શકાય છે? રાજા હજી જાગતો હતો ત્યાં જ સોય જેવા ચટકાથી માંકડ રાજાને ચડ્યો. રાજા પથારીમાં બેઠો થઈ ગયો. ચાકરોને બોલાવ્યા. ચાકરોએ ચાદરને બરાબર જોઈ અને ચાદરની ગડીમાંથી જૂ અને માંકડને પકડી મારી નાખ્યાં. આમ, માંકડ, જૂ, કાગડો, ઘુવડ, ઊંદર, હંસ, કાચબો, ટિટોડી, હરણ, વાંદરો, મગર જેવાં અનેક પ્રાણીઓની આવી જીવતી અને બોલતી કથાઓ જીવનને એનાં વિવિધ સ્વરૂપમાં રજૂ કરે છે. બાળમાનસમાં કાયમ માટે વસી જનારા આ પ્રાણીપાત્રો બાળમાનસમાં જીવનની ઊંડી સમજને ઘર કરી આપે છે, એમાં શંકા નથી અને તેથી જ જગતના ઉત્તમ સાહિત્યમાં ‘પંચતંત્ર’નું સ્થાન છે.