રચનાવલી/૧૭૪

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧૭૪. પ્રેમી (હેરલ્ડ પિન્ટર)


સંસ્કૃતમાં એક શ્લોક છે ઃ એમાં નાયિકા કહે છે કે મારું કૌમાર્ય હરેલું એનો એ પતિ છે, એની એ ચૈત્રી રાત્રિ છે, એની એ ખીલેલી મધુમાલતીની સુગંધ છે, એની એ કદંબ વૃક્ષોમાંથી આવતી પવન લહેરી છે. હું પણ એની એ છું અને છતાં આ રેવાકાંઠે વૃક્ષ હેઠળ પતિ માટે મારું હૃદય કેમ આતુર બન્યું છે! નાયિકાને આશ્ચર્ય થાય એ સ્વાભાવિક છે. કારણ જગતમાં અતિ પરિચયથી તિરસ્કાર ઊપજે કે લાગણી બુઠ્ઠી થઈ જાય એવું આપણે સતત જોતા આવ્યા છીએ. જીવનનો સ્વભાવ છે. મૃત્યુ કે યુદ્ધનો વારંવારનો અનુભવ માણસને કેવો સંવેદનવગરનો બનાવી દે છે! એ જ રીતે રોજિંદી ઘટનાઓમાં પણ માણસ યાંત્રિક રીતે જીવતી થઈ જાય છે. જડતા એ માણસને મળેલો શાપ છે. અંગારાને રાખ વાળ્યા વગર રહેતી નથી. અને એટલે લગ્નસંસ્થા જેવી લગ્ન સંસ્થામાં પણ પતિ અને પત્ની ટેવવશ જીવતાં થઈ જાય છે. બંને એકબીજાની નોંધ લેવાનું પણ ભૂલી જાય છે. યુજિન યોનેસ્કોના કોઈક નાટકમાં માનો કે એક સ્ત્રી અને પુરુષ મળે છે. પુરુષ પૂછે છે : ‘તમે ક્યાં રહો છો?’ સ્ત્રી જવાબ આપે છે : ‘અમદાવાદમાં’ પુરુષ કહે : ‘હું પણ અમદાવાદમાં રહું છું. પણ અમદાવાદમાં ક્યાં આગળ?’ સ્ત્રી કહે છે : ‘આંબાવાડીમાં.’ પુરુષ કહે છે : ‘હું ય આંબાવાડીમાં રહુ છું પણ આંબાવાડીમાં ક્યાં આગળ?' સ્ત્રી કહે છે : ‘સમર્પણ ફ્લેટ્સ’માં પુરુષ કહે છે : "ઓહો, હું ય સમર્પણ ફ્લેટ્સમાં રહુ છું. તમારો ફ્લેટનો નંબર શો?" સ્ત્રી કહે છે : ‘બી-૧૭.’ પુરુષ કહે છે : ‘ઓહો, હું પણ એમાં જ રહું છું. આપણે પતિ-પત્ની તો નથી ને?’ સગવડ ખાતર અહીં અમદાવાદનો પરિવેશ લીધો છે પણ જગતના કોઈ પણ ખૂણે રહેતાં પતિ-પત્નીની આ કથા હોઈ શકે. સાથે સાથે જીવવાની ટેવ યાંત્રિકતાની ચુંગાલમાં માણસને માણસની ઓળખ ભુલાવી દે છે. પતિ-પત્નીના સતત સાથે રહેવાના અને અતિપરિચયમાંથી આવતી આવી ઉપેક્ષાનો કોઈ ઉપાય ખરો? હેરલ્ડ પિન્ટરના નાટક ‘પ્રેમી’ (‘લવર’)માં એનો નુસ્ખો છે. ૧૯૩૦માં લંડનમાં જન્મેલા હેરલ્ડ પિન્ટર આધુનિક નાટકકારોમાં પ્રસિદ્ધ છે. એમના શરૂનાં ‘ધ રૂમ’, ‘ધ ડમ્બ વેઇટર’, ‘ધ બર્થ-ડે પાર્ટી’ જાણીતાં નાટકો છે પણ એને સૌથી વધુ સફળતા મળી ૧૯૬૦માં રજૂ થયેલા ‘ધ કેરેક્ટર’ નાટકમાં એમનાં શરૂનાં નાટકોમાં ખાસ તો માણસોનો એકબીજાથી કપાઈ ગયેલો વ્યવહાર બતાવાયો છે પછી તો ધ હોમકમિંગ ઑલ્ડ ટાઇમ્સ અને ‘નો મેન્સ લૅન્ડ’ જેવા લાંબાં નાટકો પણ હેરલ્ડ પિન્ટરે લખ્યાં. રંગમંચ, રેડિયો અને ટેલીવિઝન પરના નાનાં નાટકો પણ એમણે લખ્યાં. ટેલિવિઝન માટે લખેલાં ટૂંકાં નાટકોમાં ‘પ્રેમી’નું સ્વપ્ન છે. ‘પ્રેમી’ ટેલિપ્લે (દૂરદર્શન નાટક) છે. ‘પ્રેમી’ બે જ પાત્રોનું નાટક છે, પણ બે પાત્રો ચાર જણની ભૂમિકા કરે છે. પતિ એ પ્રેમી પણ છે અને પત્ની એ રખાત પણ છે. પતિ અને પત્ની, પતિ અને પત્ની ઉપરાંતની ભૂમિકા કરીને પોતાના સંબંધ પર રાખ વળતી અટકાવી સંબંધને જીવંત રાખવા માંગે છે અને તેથી એક રમત શરૂ થાય છે. નાટક ખુલતાં જ પતિ પત્નીને પૂછે છે : ‘આજે તારો પ્રેમી આવવાનો છે?’ પત્ની હા પાડે છે. પતિ પૂછે છે : ‘કેટલા વાગે?’ પત્ની જવાબ આપે છે ‘ત્રણ વાગ્યે’ પતિ આગળ પૂછે છે : ‘તમે બંને ઘરમાં જ રહેવાનાં છો કે પછી બહાર જવાનાં છો?’ આ પછી એવી ગોઠવણ થાય છે કે સાંજે છ વાગ્યા પહેલા પતિએ ઘેર ન આવવું એક દિવસ પતિ પૂછે છે : ‘આ રીતે બેવફા થઈને બપોર તું તારા પ્રેમી સાથે ગુજારે છે. ત્યારે હું ત્યાં ઑફિસમાં બેલેન્સશીટ અને ગ્રાફ સાથે દટાયેલો હોઉં છું. તને એનો કોઈ વિચાર આવે છે?’ પત્ની કહે છે : ‘હું તમને કેવી રીતે ભૂલું? તમારા ઘરમાં રહું છું.’ પતિ ઉમેરે છે : હા પણ બીજા સાથે પણ પત્ની કહે છે ‘ચાહુ છું તમને.’ એક દિવસ પત્ની પતિને કહે છે કે : ‘હું જાણું છું કે તમે તમારી રખાત સાથે રહો છો.’ પતિ કહે છે કે : ‘એ રખાત નથી વેશ્યા છે.’ પત્ની કહે છે : ‘તમે આટલું જલ્દી કબૂલી લેશો એવું મેં નહોતું ધાર્યું’ પતિ કહે છે : ‘તેં પહેલાં આવું સીધું ક્યારેય પૂછેલું પણ નહીં ને! કોઈ પણ ભોગે નિખાલસતા. નિખાલસતા તંદુરસ્ત લગ્નજીવન માટે અનિવાર્ય છે તું સંમત નથી?’ આ પછી પત્ની કહે છે : ‘તમે તો ઉત્તમ રુચિવાળા છો. પછી આવી વેશ્યા સાથે તમારો સંબંધ હોય એ શક્ય નથી.’ આના જવાબમાં પતિએ આપેલો જવાબ નાટકની કૂંચી છે. પતિ કહે છે કે : ‘હું કોઈ તારા જેવી સ્ત્રીની પ્રતિમૂર્તિની શોધમાં નહોતો. તને જે રીતે આદર આપી શકું, તને જે રીતે ચાહી શકું એવી કોઈ સ્ત્રીની શોધમાં હું નહોતો.’ પત્ની કહે છે ‘તમારા આ લફરામાં કોઈ ગૌરવ નથી.’ પતિ કહે છે : ‘મારા લગ્નમાં ગૌરવ છે.’ એક તબક્કે પતિ અને પત્ની એકબીજાને પૂછે છે કે બંનેએ પોતપોતાનાં વેશ્યા અને પ્રેમીને એકબીજા વિશે કશુંક કહ્યું છે કે નહિ. પતિ કહે છે : ‘મેં તારે વિશે વાત કરી છે પણ બહુ નાજુકાઈથી. આપણે કોઈ જૂનું પુરાણું મ્યુઝિક બોક્સ જે સંભાળથી વગાડીએ એવી સંભાળથી મેં તારી વાત કરી છે.’ પતિ પ્રશ્ન કરે છે : ‘હું કોક દિવસ વહેલો આવી પડું તો?’ પત્ની કહે છે : ‘હું કોક દિવસ તમારી પાછળ પાછળ આવી ચડું તો?’ એક દિવસ પતિ જાહેર કરે છે કે એણે બહુ ચલાવ્યું, હવે એ પ્રેમીને બપોરે પોતાના ઘરમાં નહીં મળવા દે, બહાર મળવું હોય તો છૂટ છે. પત્ની કહે છે કે ‘તમે હંમેશાં સમજ બતાવી છે તમારા જેવી સમજ તો ભાગ્યે જ કોઈનામાં હોય.’ આમ પતિ અને પત્ની એકબીજા સાથે રહીને અન્યના વેશમાં મળ્યા કરી પોતાના જીવનને ધબકતું રાખે છે એની નાટકના અંત ભાગમાં ખાતરી થાય છે. લગ્નસંસ્થાને ઉગારવાનો આ નુસખો હોય તો નુસખો પણ આ નુસખો મોટો સંદેશ આપી જાય છે. સતત સાથેસાથે રહેનારે એકબીજાથી ટેવાઈ જવાની જરૂર નથી. સંબંધ એ કોઈ હંમેશ માટે મળી ગયેલી વસ્તુ છે એમ માનીને ચાલવાની ભૂલ ન કરી શકાય. સંબંધ હરક્ષણની જાળવણી માગે છે, રક્ષણ માંગે છે. લગ્નજીવનની તંદુરસ્તી ઝંખતુ આ નાટક એના સફળ નુસ્ખાથી છેવટ સુધી ટકાવી રાખે છે.