રચનાવલી/૨૦૪

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૨૦૪. ફીદ્રા (રેસિન)


અંગ્રેજી નાટકકાર શેક્સપિયરને તો ઘણા બધા ઓળખે છે. પણ જાણકારો ફ્રેન્ચ નાટકકાર ઝાં રેસિનને પણ ઓળખે છે. સત્તરમી સદીમાં ફ્રાન્સમાં મોલિયેર સાથે ઝાં રેસિનનું નામ પણ જાણીતું છે. મોલિયેર સુખાન્ત નાટકો લખતો. મનુષ્યને સમાજનું ફરજંદ સમજતો અને સામાજિક પરિસ્થિતિમાંથી ઊભી થતી મનુષ્ય સ્વભાવની અને એની નબળાઈઓની ઠેકડી ઉડાડતો, જ્યારે ઝાં રેસિન દુઃખાન્ત કે કરુણાન્ત નાટકો લખતો. માણસના ઊંડાણમાં રહેલી લાગણીઓ અને સંવેદનાઓના વિરોધોની ભવ્ય ભાષામાં રજૂઆત કરતો. શેક્સપિયરનાં નાટકોની સરખામણીમાં ઝાં રેસિનનાં નાટકો વધારે ચુસ્ત છે અને એમાં સમય, સ્થળ અને મનુષ્યોનાં વર્તનની એક ચોક્કસ પ્રકારની વધુ પાબંદી જોવાય છે. અલબત્ત તેમ છતાં શેક્સપિયર શેક્સપિયર છે અને રેસિન રેસિન છે. ફ્રાન્સમાં ૧૬૩૯માં જન્મેલાં રેસિન પેરિસ આવીને કવિ ફોન્તેનના પરિચયમાં આવે છે અને ફોન્તેન અને નાટકો લખવા માટે પ્રોત્સાહિત કરે છે. પરંતુ એનાં શરૂનાં નાટકો નિષ્ફળ જાય છે. આથી રેસિન કોઈ એકાન્ત જગાએ લાંબા ગાળા માટે જતો રહે છે. ફરી પેરિસ આવીને રાજદરબારમાં સ્થાન મેળવે છે અને નાટકકાર તરીકે એની ચડતી શરૂ થાય છે. રેસિન એ સમયના મોલિયેર અને કોર્નેય જેવા મોખરાના નાટકકારોની પંગતમાં બેસે છે. એ જાહોજલાલીમાં જીવ્યો. વારંવાર પેરિસ આવતો. થોડો સમય એણે લૂઈ ચૌદમા માટે ઇતિહાસકાર તરીકે પણ કામ કર્યું. રેસિન ૧૬૯૯માં અવસાન પામ્યો ત્યારે એના નામે બારેક જેટલાં નાટકો ચઢેલાં હતાં. એમાં ગ્રીક નાટકકાર યુરિપિડિઝને અનુસરીને રેસિને ‘ઈજનિયા’ અને ‘ફીદ્રા’ જેવાં બે નાટકો પણ આપ્યાં છે. એમાં ‘ફીદ્રા’ નાટક તો મોલિયેરના હરીફો દ્વારા ચલાવાતા રંગમંચ પર ભજવાયેલું અને ખૂબ સફળ રહેલું. રેસિને ‘ફીદ્રા’ નાટક લખવામાં યુરિપિડિઝના ‘હિપોલિટ્સ’ નાટકની મદદ લીધી છે, તો પ્લુતાર્કના થીસૂસ પરના જીવનચરિત્રની પણ મદદ લીધી છે. સાવકા પુત્રના પ્રેમમાં પડતી માતાના પાત્રની આસપાસ વણાયેલા આ નાટકમાં રેસિને માણસના ઊંડા મનનાં દબાણો અને માણસની બુદ્ધિ પરનો કાબૂ - આ બે વચ્ચેનો સંઘર્ષ બતાવ્યો છે. એક નારી કઈ રીતે પોતાની જાત પર કાબૂ રાખ્યા વિના અનુચિત પ્રેમમાં પડી, ઇર્ષ્યાથી પ્રપંચો રચી એક કરતાં અનેકનાં મૃત્યુ નોતરે છે અને પશ્ચાત્તાપથી કબૂલાત આપી અંતે પોતાનું પણ મૃત્યુ નોતરે છે, એનું ભયજગત અને કરુણજગત રેસિને હૂબહૂ ખડું કર્યું છે. રેસિનની ખૂબી એ છે કે મૂળ ગ્રીક નાટકમાં પુત્ર કેન્દ્રમાં હતો જ્યારે અહીં માતા કન્દ્રમાં છે. મૂળ નાટકમાં અધવચ્ચે માતા મૃત્યુ પામે છે, જ્યારે અહીં માતા છેવટ સુધી જાત સાથે સંઘર્ષ કરતી રહી છે. મૂળમાં તો એ એકાદ બે દૃશ્યોમાં જ રજૂ થઈ છે; જ્યારે આ નાટક માતાની આસપાસ ફરે છે. રેસિનની સ્ત્રીપાત્રો રજૂ કરવાની ફાવટ હંમેશા વખણાયેલી છે. ‘ફીદ્રા’ નાટક પાંચ અંકમાં અને ઓગણત્રીસ દૃશ્યોમાં વહેંચાયેલું છે. પહેલા અંકનાં પાંચ દૃશ્યોને બાદ કરતાં બાકીના ચારે ય અંકોમાં છ દૃશ્યો છે અને એમાં ય દરેક અંકમાં એકાદ દશ્ય તો સાવ જ ટચુકડું રજૂ થયું છે. પહેલા અંકમાં પુત્ર હિપોલિટસ શૂરવી૨ પિતા થીસૂસને શોધવા નીકળવાની તૈયારીમાં છે અને પિતાએ એથેન્સ પર કબજો મેળવેલો એ શત્રુની બહેન આરિસિયાના પ્રેમમાં છે. આ બાજુ સાવકી માતા ફીદ્રાને પુત્ર તરફની વાસના પીડી રહી છે. ત્યાં રાજા થીસૂસના મૃત્યુના સમાચાર આવતા લગ્નનું બંધન ન રહ્યું હોવાથી ફીદ્રાને મોકળું મેદાન દેખાય છે. પણ પુત્ર હિપોલિટસનો આરિસિયા તરફનો પ્રેમ એના માર્ગમાં રૂકાવટ છે. બીજા અંકમાં આરિસિયાને શંકા છે કે એની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવશે. થીસૂસે એને કારાગારમાં મૂકી છે પણ હિપોલિટસ એની આગળ પ્રેમનો એકરાર કરે છે : ‘ઓહ કુંવરી હું સમુદ્રમાં ઝંપલાવું કે ઊડવા માટે ઈકરસની પાંખો ચોરી લાવું? પ્રેમ જાણે મિડાસનો સ્પર્શ છે જે મારા જગતને સુવર્ણમાં પલટી રહ્યો છે.’ હિપોલિટસનું આરિસિયા તરફનું આકર્ષણ અપૂર્વ છે. માતા ફીદ્રાનું પુત્ર હિપોલિટસ તરફનું આકર્ષણ વધતું જાય છે પણ હિપોલિટસ એનો અસ્વીકાર કરે છે. ત્રીજા અંકમાં થીસૂસ મર્યો નથી, જીવે છે એવા સમાચાર આવે છે અને દાસી ઈનોની ફીદ્રાને વેર લેવા ઉશ્કેરે છે. ચોથા અંકમાં દાસી ઈનોની મારફતે ફીદ્રા હિપોલિટસે પોતા પર બળાત્કાર કર્યો છે એવું આળ ચડાવે છે. પિતા સળગી ઊઠે છે. હિપોલિટસ કહે છે કે જો તમે પુરાવાઓ વગર મને તિરસ્કારવા માગતા હો તો મારે કોઈ બચાવ કરવો નથી. હિપોલિટસ દેશવટે જતાં પહેલાં આરિસિયાને મળીને પતિ-પત્ની તરીકે શપથ લે છે. તિરસ્કારનો તિરસ્કારથી બદલો લેવા જતાં ફીદ્રાને શાણપણ આવે છે અને દાસી ઇનોનીને કાઢી મૂકે છે. દાસી ઈનોની આપઘાત કરે છે. પાંચમાં અંકમાં હિપોલિટસનું એના રથના ઘોડા ખડક સાથે અથડાતા મોત થાય છે. રાણી ફીદ્રા પણ ઝેર લઈને થીસૂસ ઓગળ હિપોલિટસની નિર્દોષતા જાહેર કરે છે. એકલો રહી ગયેલો રાજા થીસૂસ હિપોલિટ્સની અંતિમ ઇચ્છા પ્રમાણે શત્રુની બહેન આરિસિયા તરફનો વર્તાવ બદલીને એનો દીકરી તરીકે સ્વીકાર કરે છે, અને રાજ્યની વારસ જાહેર કરે છે. નૈતિક વ્યવહાર અંગેની જવાબદારીનો ઇન્કાર કરતાં એક નારી દ્વારા સર્જાતી પરિવારની દારુણ અને કરુણ કથા રજૂ કરતું આ નાટક જગતનાં કેટલાંક ઉત્તમ નાટકોમાંનું એક છે. ઇર્ષ્યાના આવેગ-ઘેલછાને અનુસરીને મનુષ્ય ચેતનાના અંધારા પ્રદેશોને ઉઘાડવામાં અને તે ય ઉત્તમ કોટિના પઘ દ્વારા ઉઘાડવામાં આ નાટકે એના સમકાલીનોનો ઉગ્ર વિરોધ સહન કર્યો છે. ૧૭મી સદીની કોર્નેલિયસ યેન્સેનની ધાર્મિક વિચારણાના મહત્ત્વના તંતુઓને રેસિને સ્ત્રી-પુરુષના સંબંધમાં અહીં વણી લીધા છે. યેન્સેન કહે છે પ્રકૃતિથી જ મનુષ્યનું ચિત્ત વિકૃત હોય છે અને શુભને જીરવવા સમર્થ હોતું નથી. ઈશ્વર પ્રીતિ માટેની શક્તિ તો કેળવવી પડે છે. જેને ઈશ્વરકૃપા પ્રાપ્ત થાય છે તે વ્યક્તિને આ શક્તિ મળી રહે છે. ફીદ્રાના પાત્રને વિકૃત અને અશક્ત બતાવ્યા છતાં રેસિને પેન્સનના સૂત્ર મુજબ એને પ્રયત્નપૂર્વક અંતે શુભને વળગતું બતાવ્યું છે. આનો અર્થ એ થયો છે કે નાટકમાં ઉપર ઉપરથી દેખાતા અકલાત્મક વાસ્તવવાદની નીચે એક કલાત્મક સંઘટન પડેલું છે અને એ જ આ નાટકનો ચિરંજીવી અંશ છે.