રચનાવલી/૨૦૫
‘જો ઈશ્વર હયાતી ન ધરાવતો હોય તો એને ક્યાંકથી ઊભો કરવો જોઈએ’; ‘તમે જે કહો છો એની સાથે હું સંમત નથી પણ તમારા એ કહેવાના અધિકારનો હું મરીને પણ બચાવ કરું’, ‘કલમનો ઉપયોગ કરો અને યુદ્ધ શરૂ કરો’— આ પ્રસિદ્ધ ઉક્તિઓ બીજા કોઈની નથી પણ આન્દ્રે મારો જેને ફ્રાન્સનો આધ્યાત્મિક પિતા’ કહે છે એ ફ્રેન્ચ ફિસૂફ, ઇતિહાસકાર, નિબંધકાર, કથાકાર વૉલ્તેરની છે. આ વૉલ્તેરને ફ્રાન્સના ક્રાન્તિવીરોએ પાછળથી પોતાનો નાયક જાહેર કરેલો, કારણ વિચારોના સ્વાતંત્ર્ય માટે અને માનવ અધિકાર માટે વૉલ્તેર છેવટ સુધી એક સક્રિય બુદ્ધિજીવી તરીકે ઝઝૂમતો રહેલો. આખી જિંદગી પોતાની મુક્ત બૌદ્ધિક ચેતના સાથે વૉલ્તેર સંસ્થાઓને, નિયમોના માળખાંઓને, રાજ્યોના સત્તાધીશોને તિરસ્કારતો રહેલો. ચર્ચ સાથે, સરકાર સાથે, કાયદા સાથે અને એ જમાનાના સ્થાપિત બુદ્ધિજીવીઓ સાથે એકસરખો એનો સંઘર્ષ ચાલુ રહેલો. વક્રતા, સંક્ષેપ અને વિશેષ પ્રકારના તરંગિત તર્કથી એનાં લખાણો, લાલિત્ય, જાળવીને પણ આઘાતજનક રીતે કઠોર બની શકતાં. પાદરીઓ વિશે એ ત્રાટકીને લખે છે : ‘એ વર્ણસંકર ઓલાદો છે. ઈશ્વરનાં હજારો રૂપ ઉત્પાદિત કરે છે. ઈશ્વરને ખાય છે, ઈશ્વરને પીએ છે. ઈશ્વરને મૂતરે છે અને ઈશ્વરને હંગે છે’ આમ વૉલ્તરે આખી જિંદગી દુશ્મનો ઊભા કર્યા કર્યા. વૉલ્તેર અપૂર્વ યુરોપીય પરંપરાનો પાયો નાંખ્યો. વૉલ્તરની ચેતના જ હ્યુગો અને ઝોલા મારફતે છેક સાર્ત્ર અને કામૂ સુધી પમાય છે. વૉલ્તરે બતાવ્યું કે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમની જેમ નીતિમત્તાનો નિયમ પણ વિશ્વમાં બધે જ લાગુ પડે છે. સારાં કર્મ, બરાબર લીધેલો નિર્ણય અને સાચું કૃત્ય, એ સફરજનના પડવા જેટલું જ અફર છે. અલબત્ત વૉલ્તરે એ બતાવ્યું નથી કે લડાઈ કેવી રીતે જીતી શકાય પણ એણે એ ચોક્કસ બતાવ્યું છે કે લડાઈનું મેદાન કર્યું છે એને મતે સભ્યતાના બે મોટા અભિશાપ છે અને તે છે : કટ્ટર જાતિવાદ અને કટ્ટર વર્ગવાદ, વોલ્તેરના ચાલી ગયાને બસો વર્ષ વીતી ગયાં તેમ છતાં વૉલ્તેરની વાત હજી પણ એટલી જ સાચી છે. આજે પણ નરસંહાર થાય છે, મૃત્યુદંડના ફતવાઓ બહાર પડે છે, રંગભેદને નામે સફાયા છે, જાતિદ્વેષથી લૂંટફાટ વિફરે છે. વૉલ્તેરનો આ બધા પરનો વ્યંગપૂર્ણ વિષાદ ભૂલાઈ એવો નથી. વૉલ્તેરની સાહિત્યિક પ્રતિભામાં કવિની કપોલવૃત્તિ છે તો વકીલની દલીલ કરવાની આવડત પણ છે. એ એને એના સફળ વકીલ પિતા ફ્રાન્સવા આરુએના સંસ્કારરૂપે મળેલી છે. ઈ.સ. ૧૯૭૪માં જન્મેલો વૉલ્તેર કાયદાના અભ્યાસ બાદ ઈ.સ. ૧૭૧૭માં કૉર્ટના અપમાન બદલ જેલમાં જાય છે અને ત્યાંથી પદ્યમાં કરુણાન્તિકા લખીને બહાર આવી પોતાનું નામ કમાય છે. પછીના દાયકામાં ફ્રાન્સમાં વૉલ્તેરની કીર્તિ ટોચે પહોંચે છે. ૧૦૨૬માં એક ઉમરાવને હાથે માર ખાતા વૉલ્તેર ગાંઠ બાંધે છે કે બદ્ધિજીવીએ અન્ય શસ્ત્રો દ્વારા સામનો કરવો જોઈએ. આનો આઘાત વૉલ્તેરની જિંદગીના માર્ગને બદલી નાખે છે. વૉલ્તેર પ્રવાસો શરૂ કરે છે. એનું મોટા ભાગનું જીવન ફ્રાન્સની બહાર ઇંગ્લૅન્ડ, હોલેન્ડ, સ્વિટઝર્લેન્ડ, જર્મનીમાં વીત્યું પણ ફ્રાન્સમાં એની હાજરી ધબકતી રહે છે. જીવનના છેલ્લા મહિનાઓમાં એ ફ્રાન્સ પાછો ફરે છે. મૃત્યુશૈય્યા પર પાદરી એના શયતાનને છોડી દેવાનું કહેતાં વૉલ્તેર જવાબ આપે છે : ‘આ નવા દુશ્મનો ઊભા કરવાનો સમય નથી.’ ૧૭૭૮માં એના દેહને શેમ્પેન વિસ્તારની ગુપ્ત જગામાં દફનાવવામાં આવે છે. પરંતુ ૧૩ વર્ષ બાદ ૧૭૯૧માં ફ્રાન્સની ક્રાન્તિના નાયક તરીકે ફરી એને પેરિસ પૉંતેઓન (જ્યાં પ્રસિદ્ધ ફ્રેન્ચોને દફનાવવામાં આવે છે.)માં દફનાવવામાં આવ્યો. આમ વૉલ્તેરે મર્યા પછી પણ બે વાર વંટોળ ઊભો કર્યો. વૉલ્તેરનાં લખાણો ‘ધ વૉલ્તેર ફાઉન્ડેશન’ મારફતે ૧૫૦ ગ્રંથમાં સંઘરવામાં આવ્યાં છે. એમાંથી એની બે કથાઓ ખાસ સંભારવા જેવી છે. ‘સફેદ સાંઢ' (૧૭૩૩)માં એની અન્ય કથાઓની માફક ધર્માંધો આવે છે, રઝળપાટો આવે છે અને સાચું બોલતાં પ્રાણીઓ આવે છે. અહીં રૂપાળી રાજકુંવરી આમાસિદા એક મોટામસ સાંઢના પ્રેમમાં પડે છે. ધર્મપુરોહિતો બંને પર સજા ફટકારે છે પણ કુંવરી પોતાને અને સાંઢને બચાવવામાં સફળ થાય છે. આ કથામાં રાજકુંવરીના સહાયક તરીકે ફિલસૂફ મામ્બ્રેનું પાત્ર આવે છે એ વૉલ્તેરનું પોતાનું જ ઠઠ્ઠાચિત્ર છે. મામ્બ્રે કુંવરી અને સાંઢને આવી પડતી આફતોમાંથી બચાવે છે અને સાંઢ એક રૂપાળા રાજકુંવરમાં પલ્ટાઈ જાય છે એ જુએ છે. આ ફેરફાર મામ્બુ સિવાય બધાને નવાઈ પમાડે છે. મામ્બ્રે એના મહેલમાં પાછો ફરે છે અને બની ગયેલી ઘટનાઓ પર વિચારે છે ત્યાં બહારથી લોકો ‘રાજા ઘણું જીવો’, ‘રાજા હવે મૂંગા નથી’—ના નારાઓ લગાવે છે. આ કથામાં જેમ ધાર્મિક અસહિષ્ણુતાની વાત છે તેમ એની બીજી કથા ‘નિખાલસ’ (‘કાંદિદ’, ૧૭૫૯)માં પણ અન્યાય, રોગચાળો, અજ્ઞાનતા, ક્રૂરતાની સાથે ધાર્મિક ઝનૂનને વૉલ્તરે વ્યક્ત કર્યું છે ‘કાંદિદ’ વૉલ્તરની સમર્થ કૃતિ ગણાય છે જેમાં એનાં બધાં જ સાહસોનો સાર સમાયેલો છે. કાંદિદ એક યુવાન છે, એના ચહેરા પર એનો આત્મા દેખાય એવો એ નિખાલસ છે. કાંદિદ જર્મની, પોર્ટુગલ, ઇંગ્લેન્ડ, ઓલ્ડોરાડો, કોન્સ્ટેન્ટિનોપલ, ઈટલી, વગેરે સ્થળોએ પ્રવાસ કરે છે અને યાતનાઓનો સામનો કરે છે તેમજ જીવનની ભયંકરતાનો સાક્ષી બને છે, એમાં લિસ્બનનો ધરતીકંપ, સ્પેનની અદાલતી તપાસ, જર્મનયુદ્ધો, ઈંગ્લૅન્ડમાં તૂતક પર મારી નંખાતો નૌકાધિકારી જેવી ઐતિહાસિક ઘટનાઓ પણ આવે છે. કાંદિદના આ પ્રવાસમાં એની સાથે આશાવાદી પોંગ્લાસ અને નિરાશાવાદી માર્તિ છે. આ બે સાથે કાંદિદનો સંવાદ ચાલતો રહે છે. એક સ્થળે કાંદિદ પૂછે છે ‘પણ આ જગત કયા હેતુ માટે રચાયું છે?’ તો જવાબમાં માર્તિ કહે છે ‘આપણને પાગલ કરવા માટે’ એ જ રીતે પોંગ્લાસ થોડો સમય માટે કાંદિદથી અલગ થઈ પાછો મળે છે ત્યારે એનું અડધું ખવાયેલું નાક, જોઈ કાંદિદ એનું કારણ પૂછે છે તો પૉગ્લાસ કાંદિદને સ્ત્રીઓ દ્વારા ફેલાતા ચેપી રોગનો સિલસિલાબંધ ઇતિહાસ કહી સંભળાવે છે. આશાવાદી પૉંગ્લાસ આ રોગ સામે ટકી તો જાય છે પણ આ જીવલેણ ચેપ એ જગતમાં જરૂરી સામગ્રી છે એવું આગ્રહપૂર્વક હસાવવા માટે જીવી જાય છે. વૉલ્તેરનો વ્યંગ અહીં વાંચી શકાય છે. બુદ્ધિસ્વાતંત્ર્યનું હાર્દ વ્યંગમાં રહ્યું છે અને વ્યંગમાં બુદ્ધિ અને હાસ્ય બંને વણાયેલાં છે અને વ્યંગ એ મનુષ્યનો જન્મસિદ્ધ અધિકાર છે એવું દૃઢપણે જણાવતા વૉલ્તેરે એકમાત્ર મનુષ્ય જ રોઈ શકે છે અને હસી શકે છે એમ કહી મનુષ્યને અન્ય પ્રાણીઓથી અલગ દરજ્જો આપ્યો છે.