રચનાવલી/૭૬

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૭૬. છાયા રેખાઓ (અમિતાભ ઘોષ)



૭૬. છાયા રેખાઓ (અમિતાભ ઘોષ) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ

ભારતીય લેખક જ્યારે અંગ્રેજીમાં લખે છે ત્યારે એ ભારતીય સાહિત્ય કહેવાય છે; જ્યારે ભારતીય લેખક ભારતની ભાષામાં લખે છે ત્યારે એ પ્રાદેશિક સાહિત્ય કહેવાય છે – એવો આક્ષેપ શશી દેશપાંડે નામની મરાઠી લેખિકાએ અંગ્રેજીમાં લખનારા ભારતીય લેખકોને લક્ષમાં રાખીને કર્યો છે; અને પોતાનો આક્રોશ પણ વ્યક્ત કર્યો છે. આ વાત સાચી છે પણ એ વાત પણ સાચી છે કે ભારતીય લેખક અંગ્રેજીમાં લખે છે ત્યારે એને જગતના અંગ્રેજી સાહિત્યમાં પણ મુકાવાનું છે. આવી પરિસ્થિતિમાં એની સામે બે વિકલ્પ હોય છે. કાં તો એ બહારની વ્યક્તિ તરીકે મુખ્ય અંગ્રેજી સાહિત્યનાં ધોરણોને પોતાનાં બનાવે અને કાં તો એ અંદરની વ્યક્તિ તરીકે જે તે પ્રદેશની વિશિષ્ટતાઓને અને લહેકાઓને એમાં ઉતારે અને નવાં ધોરણો ઊભાં કરે. પરદેશી તાબા હેઠળ રહેલા અને હવે સ્વતંત્ર બનેલા જે તે દેશોના લેખકોએ હવે પોતાની ઓળખ ઊભી કરવા માટે અંગ્રેજી ભાષાને પોતાની રીતે પોતાના લહેકાઓથી લખવા માંડી છે. આફ્રિકામાં લેખકોએ તો અંગ્રેજી ભાષા સામે રીતસરનો બળવો પોકારી પોતાની પ્રાદેશિક સંસ્કૃતિ અને ભાષાના સંસ્કારોને કોઈપણ જાતની પરવાહ કર્યા વગર દાખલ કર્યા છે. ઇજિપ્તમાં નજીબ મહસ જેવાં નૉબેલ ઈનામ જીતનાર લેખકે પણ નવલકથાનું અરબી માળખું ઊભું કર્યું છે. આપણે ત્યાં ભારતમાં પણ હવે અંગ્રેજી ભાષા અંગ્રેજી શાસનકાળમાં એ હતી તેવી રહી નથી. આજે અંગ્રેજી ભાષાનો, ભારતની અનેક માન્ય ભાષાઓમાંની એક ભાષા તરીકે સ્વીકાર થયો છે. અને લેખકો પોતાની રીતે અંગ્રેજી ભાષામાં સાહિત્ય સર્જી રહ્યા છે. એમની ભાષા અને એમની શૈલીની મૌલિકતાની નોંધ વિદેશમાં અને ખાસ તો ઇંગ્લૅન્ડ અને અમેરિકામાં પણ લેવાવા લાગી છે. સલમાન રશદીની નવલકથા ‘મિડ નાઈટ્સ ચિલ્ડ્રન'થી આખી આબોહવા બદલાઈ ગઈ છે. સલમાન રશદીની જેમ વિક્રમ સેઠ અને રોહિન્ટન મિસ્ત્રી પણ નોંધપાત્ર બન્યા છે. આ બધામાં અમિતાભ ઘોષનું નામ પણ સામેલ છે. અમિતાભ ઘોષે ૧૯૮૬માં ‘ધ સર્કલ ઑવ રીઝન' નવલકથાથી પ્રવેશ કર્યો. અને ત્યારબાદ ‘ધ શૅડો લાઈન્સ’, 'ઈન એન ઍન્ટિક લૅન્ડ’, ‘ધ કલકત્તા ક્રોમોસોમ' જેવી નવલકથાઓ આપી છે. ‘છાયા રેખાઓ' (ધ શૅડો લાઈન્સ)ને સાહિત્ય અકાદમી દિલ્હીનું પારિતોષિક મળેલું છે. અને હવે એનો ભારતની અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પણ અનુવાદ થઈ રહ્યો છે. શાલિની ટોપીવાલાએ સાહિત્ય અકાદમી, દિલ્હીની શ્રેણીમાં એનો ગુજરાતી અનુવાદ કર્યો છે. ‘ધ શેડો લાઈન્સ'માં નાયક પોતે પોતાની કથા માંડે છે. એનાં આકર્ષણનાં ત્રણ પાત્રો છે : એની નિવૃત્ત શિક્ષિકા દાદી, પિતાની માશીનો દીકરો ત્રિદીપ અને ત્રિદીપની ભત્રીજી ઈલા. આ ત્રણ મુખ્ય પાત્રની આસપાસ નાયકનાં સ્મરણ ચાલ્યાં કરે છે. અલબત્ત, આ સ્મરણો કોઈ ચોક્કસ ક્રમમાં ચાલતાં નથી અને કથા સીધેસીધી રચાતી નથી. પણ ધીરે ધીરે જેમ જેમ નવલકથા આગળ વધે છે તેમ તેમ આ સ્મરણો એકબીજામાં ગૂંથાતાં જઈ એક મહત્ત્વ ઊભું ફરે છે. વળી આ સ્મરણોની વચ્ચે અંગત ઇતિહાસની સાથે સાથે રાષ્ટ્રીય ઇતિહાસની ઘટના અને એ ઘટનાના આઘાત પણ ગૂંથાયા છે. નવલકથાના બે ભાગ છે: ‘ઘરથી દૂર’ અને ‘ઘર ભણી’. નાયક અભ્યાસ માટે લંડન જાય છે અને અભ્યાસ કરીને પાછો ફરે છે. આ બે ગાળામાં જીવનનાં મહત્ત્વનાં બીજાં વર્ષો, અન્યનાં સ્મરણો પણ અહીં પથરાયેલાં છે. કલકત્તા અને લંડન આ બે ઘટનાઓનાં કેન્દ્ર છે. બીજા વિશ્વયુદ્ધમાં લંડનમાં થયેલા હવાઈ હૂમલાઓનો અને યુદ્ધની ખાનાખરાબીનો ચિતાર જેટલો તાદશ છે તેટલો જ તાદશ ચિતાર દેશના ભાગલાઓનો, સરહદોનો અને કોમી રમખાણોનો છે. ભાગલા પહેલાં બાંગ્લાદેશમાં વસતી દાદીમાનું પાત્ર એ રીતે મહત્ત્વનું છે; તો બાંગ્લાદેશનાં કોમી રમખાણોમાં એક વૃદ્ધ વડીલને બચાવવા દોડી જતી પ્રેયસીની પાછળ હુલ્લડખોરોને હાથે કરપીણ રીતે કપાઈ જતાં ત્રિદીપનું પાત્ર પણ મહત્ત્વનું છે. નવલકથાના અંતમાં ત્રિદીપની પ્રેયસીએ ત્રિદીપના મૃત્યુનું પોતે કારણ બની છે એવા અપરાધભાવને નાયક સમક્ષ ઉતારે છે. પણ આ બધું નાયક દ્વારા સીધું રજૂ થયું નથી પણ પાત્રોનાં સ્મરણમાંથી રોચક રીતે ઉકેલાતું આવ્યું છે. નાયકના બાળપણમાં થયેલું કોમી હુલ્લડ, સ્કૂલની ચાર ઊંચી દીવાલો ભીતર ઊભી થયેલી તંગ ચૂપકીદી, રસ્તા પરથી પસાર થતાં ટોળાંઓની હિંસક ચીચીયારીઓ વગેરેનું વિગતપૂર્ણ સંવેદન ચિત્તમાં જડાઈ જાય તેવું છે. આ બધા સરંજામ વચ્ચે નાયકની ઈલા માટેની ઝંખના અને પોતાની ઉપેક્ષા કરી ઈલા નીકને પરણી જાય છે એની વેદના માર્મિક રીતે મુકાયેલી છે. અભિતાભ ઘોષ અત્યારે ‘ધ ન્યૂ યોર્કર’ અને ‘ગ્રાન્ટા’ સાથે સંકળાયેલા એક સજાગ પત્રકાર છે. અને એ સજાગ પત્રકારનું સજીવ સંવેદન એમને અનેક સરહદો સાથે, અનેક સંસ્કૃતિઓ સાથે સાંકળે છે. અમિતાભ ઘોષની ચેતના આંતરરાષ્ટ્રીય છે. ભાષા અને શૈલીની મૌલિકતાને કારણે એમની ખાસ નોંધ લેવાયેલી છે. એન્થની બર્ગેસ કહે છે કે એમની સિદ્ધિ નોંધપાત્ર છે અને રચનારીતિએ લાગે વળગે છે ત્યાં સુધી આપણે અમિતાભ ઘોષ પાસેથી ઘણું બધું શીખી શકીએ તેમ છીએ. વિશ્વના મુખ્ય અંગ્રેજી ધારાના લેખકોને પણ જો એમની લેખનશૈલી અનુસરવા માટે લલચાવતી હોય તો એ વાત એમની નવલકથા સિદ્ધિ માટે નાનીસૂની નથી.