રમણીક બલદેવદાસ અરાલવાળા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

અરાલવાળા રમણીક બલદેવદાસ, ‘સાંદીપનિ' (૬-૯-૧૯૧૦, ૨૪-૪-૧૯૮૧): કવિ. જન્મ ખેડા જિલ્લાના ખેડાલમાં. વતન અરાલ. સાતમા ધોરણ સુધીનું શિક્ષણ વતન પાસેના છીપડી ગામે. નબળી આર્થિક સ્થિતિને કારણે પિતાના ધીરધાર ને ખેતીના ધંધામાં જોડાયા. ૧૯૩૧માં અમદાવાદ આવી જ્યુપિટર મિલ્સ ઇત્યાદિ મિલોમાં ફેન્સી જોબર તરીકે કામ કર્યું. અહીં ‘કુમાર'માં ચાલતી બુધસભાના સંસર્ગે કાવ્ય-લેખન આરંભાયું. ૧૯૪૦થી ફરી અંગ્રેજી શિક્ષણ આરંભી ૧૯૪૪માં મૅટ્રિક ને ૧૯૪૮માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે સ્નાતક થયા. દરમિયાન ‘ગુજરાત સમાચાર' અને ‘પ્રજાબંધુ’ સમાચારપત્રોમાં પત્રકાર. છેક ૧૯૫૧માં ભો. જે. વિદ્યાભવનમાંથી સ્નાતક થઈ ૧૯૫૨માં શિક્ષકના વ્યવસાયનો આરંભ. ૧૯૫૪માં બી.એડ્. થઈ માધ્યમિક શાળાના શિક્ષક તરીકે છ વર્ષ કામ કર્યું. ૧૯૬૦માં મોડાસાની આર્ટ્સ અને સાયન્સ કૉલેજમાં તેમ જ ૧૯૬૨થી થોડોક સમય અમદાવાદની પી. ડી. ઠક્કર કૉલેજમાં અધ્યાપક. સાત વર્ષ ‘પ્રભાત’માં ભાષાંતરકાર તરીકેની કામગીરી. અમદાવાદમાં અવસાન. ચાલીસીના દસકામાં અત્રતત્ર પ્રકાશિત થતાં રહેલાં એમનાં કાવ્યો ‘પ્રતીક્ષા' રૂપે ૧૯૪૧માં ગ્રંથસ્થ થયાં. એમનાં કાવ્યોમાં દીનજનસમભાવ, દેશપ્રેમ અને પ્રકૃતિપ્રેમ જેવા વિષયો છે; ને છંદોવિધાન પર કાબૂ જોવા મળે છે. ‘નગીનાવાડી' (૧૯૪૧)માં સુગેય અને બાળકોને સ્પર્શે એવાં બાળકાવ્યો છે. ઋતુ, નદી, ગામ, પશુ જેવાં પ્રકૃતિતત્ત્વો અને દિવાળી-જન્માષ્ટમી જેવાં પર્વોના સંદર્ભમાં બાળમાનસની અસર ઝીલતાં બાળકાવ્યો ‘રસપોળી' (૧૯૪૫)માં સંગ્રહાયાં છે. ભિન્ન વર્ગ અને પ્રકૃતિ ધરાવતા માનવોનાં ચરિત્રો તેમ જ પ્રસંગાલેખનોનો સંગ્રહ ‘સાંદીપનિનાં રેખાચિત્રો’ (૧૯૪૫) વાર્તારસ પોષે એવી શૈલી ધરાવે છે. દેશ-વિદેશની વૈવિધ્યપૂર્ણ સાહસકથાઓનો અનુવાદ ‘સાહસકથાઓ' (૧૯૪૬) અને ટૉલ્સ્ટૉયની બોધક ટૂંકી વાર્તાઓનો અનુવાદ ‘સાચી જાત્રા' એમનો ભાષાંતરકાર તરીકેનો પરિચય આપે છે.