રમણીક સોમેશ્વરની કવિતા/મા (૨)
૫૮ . મા
માના કાન ગયા
ને ભાળતી આંખ એક જ
પણ ઝીણું ઝીણું જોઈ લે બધું જ
સાવ ચોખ્ખું
બોખા મોઢે બોલે બળુંકું
હજમ થાય એટલું ખાય
તોય ચડે જો આફરો
કે ઊંચા અવાજે
ઓકી નાખે બધું
એકવીસમી સદીના ઓરડે
ટેકણઘોડીના ટેકે ઊભા
એના પગ
થંભી ગયા હોય
એના જનમથી યે પહેલાંના
કોઈ અજાણ ખૂણે
તે વખતના તાણા
એ અબઘડીના વાણામાં
ગોળ ગોળ વીંટે
અને પછી
ચોરખાનામાં મૂકેલા
પોતાના દાબડામાં
ભરી રાખે
આંગળાંના વેઢા જેટલું ગણિત
ફાવી ગયું છે એને
તે એટલાથી જ માપી લે
જે કંઈ માપવું હોય તે
ઘરને ઉંબરે –
ઉંબરેય શાની
ખૂણાને કોઈ ખાટલે બેઠાં
જોયેલા
અને બહેરા કાને સાંભળેલા
સંસારને
એમ જોગવતી રહે
માના કાન ગયા
ત્યારથી અમે
ઉકેલી રહ્યા છીએ અમને
સંકેતોની ગૂંચમાં