રવીન્દ્રપર્વ/૧૬૧. ઘોષણા
૧૬૧. ઘોષણા
ઘણા દિવસથી લખતો આવ્યો છું, જીવનના અનેક પર્વે, અનેક અવસ્થાએ. શરૂ કર્યું’તું ઘણી કાચી વયે — ત્યારે હું જાતને ઓળખતો નહોતો. તેથી મારા લખાણમાં બાહુલ્ય છે ને વર્જનીય અંશો પણ ઠીક ઠીક છે, એ વિશે સંદેહ નથી. આશા રાખું છું કે એ આવર્જનાને બાદ કરતાં જે રહે તેમાં ઘોષણા તો સ્પષ્ટ જ છે: મેં ચાહ્યું છે આ જગતને, પ્રણામ કર્યા છે મહત્ને, કામના કરી છે મુક્તિની — જે મુક્તિ રહી છે પરમ પુરુષની પ્રત્યેના આત્મનિવેદનમાં. મારા ચિત્તમાં વિશ્વાસ પ્રકટ્યો છે કે મનુષ્યનું સત્ય મહામાનવમાં જ રહ્યું છે — જે સદા જનાનાં હૃદયે સન્નિવિષ્ટ:| ક્ષિતિજ : મે ૧૯૬૧