રવીન્દ્રપર્વ/૧૬૪. હવે મને પાછો વાળો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૬૪. હવે મને પાછો વાળો
(એબાર ફિરાઓ મોરે)

સંસારમાં બધાંય જ્યારે આખો વખત સેંકડો કામમાં રચ્યાંપચ્યાં રહે છે ત્યારે તેં જ માત્ર બાધાઓને ટાળીને નાસી છૂટેલા બાળકની જેમ મધ્યાહ્ને મેદાનમાં એકાકી વિષાદભરી વૃક્ષની છાયામાં દૂરના વનની ગન્ધ વહી લાવનાર થાકેલા મન્દગતિ ગરમ પવનમાં આખો દિવસ બંસી વગાડ્યા કરી. અરે તું ઊઠ, આજે ઊભો થા! આગ ક્યાં લાગી છે? જગતજનોને જગાડવાને કોનો શંખ બજી ઊઠ્યો છે? શૂન્ય (આકાશ) આ તે કોના ક્રન્દનથી ગાજી ઊઠ્યું છે? આ તે કયા અન્ધકારભર્યા કારાગૃહના બન્ધનમાંથી જર્જરિત થઈ ગયેલી અનાથા સહાય યાચી રહી છે? ફૂલેલી કાયાવાળું અપમાન અશક્તની છાતીમાંથી લોહી શોષીને લાખ લાખ મુખે પાન કરે છે. સ્વાર્થોદ્ધત અન્યાય વેદનાની હાંસી ઉડાવે છે. ખરીદેલા ગુલામ ભયભીત બનીને સંકોડાઈને છૂપા વેશે લપાતા ફરે છે. જો પણે બધા નીચી મૂંડીએ મૂગા બનીને ઊભા છે. એમનાં મ્લાન મુખ પર સેંકડો શતાબ્દીની માત્ર કરુણ કથની લખાયેલી છે. એમના ખભા પર જેટલો ભાર લાદવામાં આવે છે તેટલો ભાર પ્રાણ ટકે ત્યાં સુધી ધીમે ધીમે વહેતા રહે છે. ત્યાર પછી પેઢી દર પેઢી સંતાનોને એ સોંપતા જાય છે. એ નથી દૈવનો વાંક કાઢતા કે નથી દેવતાનું નામ લઈ એમની નિન્દા કરતા, એ માણસોનેય દોષ નથી દેતા. રોષ તેઓ જાણતા નથી. માત્ર ધાનના બે કોળિયા ગમેતેમ ભરીને દુ:ખથી પીડાતા પ્રાણ ટકાવી રાખે છે. એ કોળિયો કોઈ ઝૂંટવી લે, ગર્વાન્ધ બનીને નિષ્ઠુર અત્યાચારથી એના પ્રાણને કોઈ આઘાત કરે, ત્યારે ન્યાયની આશા રાખીને કોને બારણે ઊભા રહેવું તેનીય એને ગતાગમ નથી, દરિદ્રના ભગવાન આગળ દીર્ઘ શ્વાસે ઘડીભર ધા નાખીને એ મૂગો મૂગો મરણશરણ થાય છે. આ બધા મૂઢ, મ્લાન, મૂક મુખમાં વાણી મૂકવી પડશે; આ બધા થાકેલા, શુષ્ક, ભાંગી પડેલાના હૃદયમાં આશાનો ઉચ્ચાર કરવો પડશે; એમને સાદ દઈને કહેવું પડશે, ‘માથું ઊંચું રાખીને બધા એકઠા થઈને ઘડીભર ઊભા થાઓ જોઉં, જેનાથી તમે ભયભીત થાઓ છો તે અન્યાય તો તમારાથીય વધુ ભીરુ છે. તમે જેવા જાગશો તેવો એ પલાયન કરી જશે. તમે એની સામે ઊભા રહેશો કે તરત જ એ રસ્તા પરના કૂતરાની જેમ ભયનો માર્યો સંકોચથી અલોપ થઈ જશે. દેવતાએ એનાથી મોઢું ફેરવી લીધું છે. એનો કોઈ મદદગાર નથી, એ મોઢેથી બડાશ હાંકે છે, પણ મનમાં ને મનમાં પોતાની હીનતાને જાણે છે.’ કવિ, તો ઊઠ, ઊભો થા, જો તારામાં પ્રાણ હોય તો તે સાથે લે — તો એનું જ આજે દાન કર. ભારે દુ:ખ છે, ભારે વ્યથા છે, તારી સામેનો આ કષ્ટભર્યો સંસાર ખૂબ જ દરિદ્ર, શૂન્ય, ખૂબ જ ક્ષુદ્ર, બંધિયાર ને અન્ધકારભર્યો છે. એને જોઈએ છે અન્ન, એને જોઈએ છે પ્રાણ, એને જોઈએ છે પ્રકાશ, મુક્ત વાયુ, બળ, સ્વાસ્થ્ય, આનન્દથી ઉજ્જ્વલ દીર્ઘાયુ, હંમિતથી ફૂલેલી છાતી. આ દૈન્ય વચ્ચે હે કવિ, એક વાર સ્વર્ગમાંથી શ્રદ્ધાની મૂર્તિ લઈ આવ! હે કલ્પના, હે રંગમયી, હવે મને પાછો વાળ, મને સંસારને તીરે લઈ જા. વાયુની લહરી લહરીએ ને તરંગે તરંગે મને ઝુલાવીશ નહીં. મોહિનીમાયામાં ભુલાવીશ નહીં. દિવસ જાય છે, સાંજ પડવા આવી છે, અન્ધકાર દિશાઓને ઢાંકે છે. આશ્વાસનહીન ઉદાસ પવનમાં વન નિસાસા નાંખીને રડી ઊઠે છે. આ હું અહીંથી ખુલ્લા આકાશતળે, ધૂળિયા રાજમાર્ગ પર જનતા વચ્ચે ચાલ્યો! ક્યાં જાય છે, પથિક, તું ક્યાં જાય છે? હું અજાણ્યો છું. જરી મારા ભણી નજર કર. મને તારું નામ કહે. મારા પર અવિશ્વાસ રાખીશ નહીં. આ દુનિયામાં ન હોય એવી દુનિયામાં હું ઘણો વખત સંગીહીન રાતદિવસ રહ્યો છું; તેથી જ મારો વેશ અવનવો છે, મારો આચાર ઓર તરેહનો છે; તેથી મારી આંખમાં સ્વપ્નનો આવેશ છે. હૃદયમાં ક્ષુધાનો અગ્નિ જલે છે. જે દિવસે જગતમાં ચાલ્યો આવ્યો હતો તે દિવસે કઈ માએ મારા હાથમાં માત્ર રમવાની બંસી આપી હતી? એથી તો એને બજાવતાં બજાવતાં પોતાના જ સૂર પર મુગ્ધ થઈને સંસારની સીમા છોડીને લાંબા દિવસ ને લાંબી રાત હું દૂર દૂર એકાન્તમાં ચાલી ગયો હતો. એ બંસીમાં જે સૂર શીખ્યો છું, તેના ઉલ્લાસમાં જો ગીતશૂન્ય અવસાદ રૂપી મહેલને ગજાવી શકું, મૃત્યુંજયી આશાના સંગીતે કર્મહીન જીવનના એક ખણ્ડને કેવળ એક ક્ષણભર પણ તરંગિત કરી શકું: જો દુ:ખને એની વાણી મળે, અન્તરની ઊંડી પિપાસા સ્વર્ગના અમૃતને માટે ઊંઘમાંથી જાગી ઊઠે — તો મારું ગીત ધન્ય થશે. સેંકડો અસંતોષ એ મહાગીતમાં નિર્વાણ પામશે. તું શું ગાઈશ, શું સંભળાવીશ? બોલ, કેવળ પોતાનું સુખ મિથ્યા છે, કેવળ પોતાનું દુ:ખ મિથ્યા છે. સ્વાર્થમગ્ન જે માણસ બૃહત્ જગતથી વિમુખ થઈને રહે છે તે કદી જીવતાં શીખ્યો નથી. મહાવિશ્વજીવનના તરંગો પર નાચતાં નાચતાં નિર્ભય બનીને, સત્યને ધ્રુવતારા તરીકે સ્થાપીને દોડી જવું પડશે. મૃત્યુનો ડર હું નહીં રાખું; દુદિર્નની અશ્રુજલધારા મારે માથે વરસશે, તેમાં થઈને હું તેની પાસે અભિસારે જઈશ — જેને મેં જન્મોજન્મથી જીવનનું સર્વસ્વ અર્પી દીધું છે. એ કોણ? કોણ તે હું જાણતો નથી. એને હું ઓળખતો નથી. માત્ર એટલું જાણું છંુ કે એને કાજે રાત્રિના અન્ધકારમાં માનવયાત્રી ઝંઝાવાત ને વજ્રપાતમાં અન્તરના પ્રદીપને સળગાવીને અને સાવધપણે ઉપાડીને એક યુગથી બીજા યુગ તરફ ચાલ્યો આવું છે. માત્ર એટલું જાણું છું કે જે કોઈએ એનું આહ્વાનગીત કાને સાંભળ્યું છે તે નિર્ભીક પ્રાણે, સંકટના આવર્તમાં થઈને દોડ્યો છે, એણે સર્વસ્વનું વિસર્જન કર્યું છે, એણે છાતી પર સિતમને ઝીલ્યો છે, મૃત્યુનું ગર્જન સંગીતની જેમ સાંભળ્યું છે. એને અગ્નિને બાળ્યો છે, શૂળે વીંધ્યો છે, કુહાડીએ છેદ્યો છે. એની સર્વ પ્રિય વસ્તુનું જરાયે ખંચકાયા વિના એણે ઈંધણ કરીને એને કાજે જીવનભર હોમહુતાશન પ્રગટાવ્યો છે. હૃદયપિણ્ડને છિન્ન કરીને રક્તપદ્મના અર્ઘ્યઉપહાર ભક્તિભાવે દઈને જીવનમાં છેલ્લી વાર એની અંતિમ પૂજા કરીને મરણથી પ્રાણને કૃતાર્થ કર્યા છે. સાંભળ્યું છે કે એને કાજે રાજપુત્રે વિષય પરત્વે વૈરાગ્ય ધારી રસ્તાનો ભિક્ષુક બની ફાટીતૂટી કંથા પહેરી છે. મહાત્માએ પળેપળે સંસારની ક્ષુદ્ર યાતનાઓને સહી છે. રોજરોજના કુશાંકુરે એનાં ચરણનાં તળિયાં વીંધ્યા છે; મૂઢ ડાહ્યાઓએ એનો અવિશ્વાસ કર્યો છે — અંતરમાં નિરુપમ સૌંદર્યપ્રતિમા સ્થાપીને નીરવ કરુણનેત્રે સૌને એ માફ કરી ગયો છે. એનાં ચરણમાં માનીઓએ માન સોંપ્યું છે. ધનિકે ધન ધરી દીધું છે, વીરે પોતાના પ્રાણ સોંપ્યા છે; એને ઉદ્દેશીને કવિઓ લાખ લાખ ગીત રચીને દેશદેશમાં ફેલાવી રહ્યા છે. હું માત્ર એટલું જાણું છું, જે એનો ગંભીર મંગલધ્વનિ સમુદ્રમાં ને સમીરમાં સંભળાય છે, એના વસ્ત્રનો છેડો આકાશને આવરીને આળોટી રહ્યો છે; એની વિશ્વવિજયી પરિપૂર્ણ પ્રેમમૂર્તિ શ્રેષ્ઠ ક્ષણે પ્રિયજનના મુખમાં વિકસી રહી છે. હું માત્ર એટલું જાણું છું જે એ વિશ્વપ્રિયાના પ્રેમમાં ક્ષુદ્રતાનું બલિદાન દઈને જીવનનાં બધાં અસન્માન દૂર ત્યજી દેવાં પડશે; ઉન્નત મસ્તક ઊંચું કરીને સામે ખડા થઈ જવું પડશે — જે મસ્તક પર ભયે લેખ લખ્યા નથી, દાસત્વની ધૂળે કલંકતિલક આંક્યું નથી; એને અન્તરમાં રાખીને જીવનના કાંટાળા માર્ગે સુખેદુ:ખે ધૈર્ય ધરી એકાન્તમાં આંસુ લૂછી દરરોજના કામકાજમાં આળસ વગર મંડ્યા રહી સર્વને સુખી કરી મૂંગા મૂંગા એકલા ચાલી નીકળવું પડશે; ત્યાર પછી દીર્ઘ પન્થને અન્તે પ્રાણયાત્રા પૂરી થતાં થાકેલા પગે લોહીભીના વેશે એક દિવસ શ્રાંતિ હરનાર શાંતિની શોધમાં દુ:ખહીન વિશ્રામસ્થાને પહોંચીશ. પ્રસન્ન વદને, મંદ હસીને મહિમાલક્ષ્મી ભક્તને કંઠે વરમાળા પહેરાવશે, એના કરપદ્મના સ્પર્શથી સર્વ દુ:ખ અને ગ્લાનિ, સર્વ અમંગળ શમી જશે. એનાં રાતાં ચરણમાં લેટી પડીને આખાયે જન્મના રૂંધેલા અશ્રુજળથી હું એને ધોઈશ. લાંબા વખતથી સેવેલી આશા એની આગળ પ્રગટ કરીને, જીવનની અશક્તિનું રડીને નિવેદન કરીશ, અનંત ક્ષમા માગીશ, દુ:ખની રાતનો કદાચ અન્ત આવશે. એ એક પ્રેમથી જીવનની બધી પ્રેમતૃષા તૃપ્ત થઈ જશે. (ચિત્રા)
(એકોત્તરશતી)