રવીન્દ્રપર્વ/૧૬૫. સ્વપ્ન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૬૫. સ્વપ્ન

દૂર, બહુ દૂર, સ્વપ્નલોકમાં ઉજ્જયિની નગરીમાં ક્ષિપ્રા નદીને કાંઠે એક વાર હું મારી પૂર્વજન્મની પ્રથમ પ્રિયાની શોધમાં ગયો હતો. એને મુખે લોધ્રરેણુ, હાથમાં લીલાપદ્મ, કર્ણમૂળમાં કુન્દની કળી, માથામાં કુરુબકનું ફૂલ; પાતળી એની કાયા પર રક્તાંબર નીવીબંધથી બાંધેલું; એના ચરણમાં આછો આછો નૂપુરનો રણકાર. વસન્તના એ દિવસે રસ્તો ઓળખતો ઓળખતો હું બહુ દૂર સુધી રખડ્યો હતો. મહાકાળના મન્દિરમાં ત્યારે ગમ્ભીર રવે સાંજવેળાની આરતી થતી હતી. બજારના રસ્તા સૂમસામ હતા, ઉપર નજર કરતાં અંધારી હવેલી પર સન્ધ્યાના કિરણની રેખા અંકાયેલી દેખાતી હતી. પ્રિયાનું ભવન વાંકા સાંકડા દુર્ગમ માર્ગ પર એકાન્તમાં હતું. એને દ્વારે શંખચક્ર આંક્યાં હતાં. એની બંને બાજુએ કદમ્બનાં બે નાનાં વૃક્ષ પુત્રવત્ સ્નેહ પામીને ઊછરી રહ્યાં હતાં. તોરણના શ્વેતસ્તમ્ભ પર સંહિની ગમ્ભીર મૂર્તિ રૂઆબથી બેઠી હતી. પ્રિયાનાં કબૂતરો ઘરે પાછા વળી ગયાં છે, સુવર્ણદંડ પર મયૂર નિદ્રામાં મગ્ન છે. એવે વખતે હાથમાં દીપશિખા લઈને મારી માલવિકા ધીરે ધીરે નીચે ઊતરી આવી. સાન્ધ્યતારકને હાથમાં ધારણ કરનાર સન્ધ્યાલક્ષ્મીની જેમ એણે બારણા આગળ પગથિયા પર દેખા દીધી. એના અંગ પરના કુંકુમની સુગન્ધે તથા એના કેશમાં કરેલા ધૂપની સુવાસે મારાં બધાંયે અંગ પર એનો રાગાવેશભર્યો નિ:શ્વાસ નાખ્યો. એના અર્ધા સરી પડેલા વસ્ત્રમાંથી એના વામ પયોધર પર આલેખેલી ચન્દનની પત્રલેખા દેખાવા લાગી. નગરનો કોલાહલ શાન્ત પડી ગયો છે એવી શાન્ત સન્ધ્યાએ તે મારી આગળ પ્રતિમાની જેમ ઊભી રહી. મને જોઈને પ્રિયા ધીમેથી દીપને બારણા આગળ હેઠો મૂકીને મારી સામે આવી, મારા હાથમાં હાથ રાખીને નીરવે કરુણ દૃષ્ટિએ માત્ર પૂછ્યું, ‘હે સખા, કુશળ તો છે ને?’ એના મુખભણી જોઈ હું બોલવા ગયો, પણ હોઠે શબ્દ આવ્યા નહીં. એ ભાષા હું ભૂલી ગયો હતો. અમે બંનેએ બંનેનાં નામને ખૂબ યાદ કરી જોયાં, પણ કશું યાદ આવ્યું નહિ. અમે બંને એકબીજા ભણી મીટ માંડીને જોતાં વિચારે ચઢી ગયાં. અમારાં અપલક નયનોમાંથી ઝર ઝર અશ્રુ સર્યે ગયાં. આંગણામાંના વૃક્ષની નીચે અમે બંને કોણ જાણે શું શું વિચારતાં ક્યાં સુધી ઊભાં રહ્યાં! ક્યારે, શા મિષે એનો સુકોમળ હાથ, સાંજ વેળાએ માળામાં પાછા ફરતા પંખીની જેમ, મારા જમણા હાથમાં આવીને લપાઈ ગયો. એનું મુખ, નમી પડેલી દાંડીવાળા પદ્મની જેમ ધીમેથી મારી છાતી પર ઝૂકી પડ્યું, વ્યાકુળ ઉદાસ નિ:શ્વાસ આવીને નિ:શ્વાસ સાથે નિ:શબ્દે મળી ગયો. રાત્રિના અન્ધકારે ઉજ્જયિનીને એકાકાર કરીને લુપ્ત કરી દીધી. બારણા આગળનો દીપ પવનની ઝાપટથી કોણ જાણે ક્યારે હોલવાઈ ગયો. ક્ષિપ્રા નદીને તીરે શિવના મન્દિરમાં આરતી થંભી ગઈ. (કલ્પના)
(એકોત્તરશતી) (આ જ રચનાનો પદ્યાનુવાદ આગળ આવી ગયો છે. ગદ્ય અને પદ્યની તુલના માટે આ અનુવાદ અહીં ફરી મૂક્યો છે) (કલ્પના)