રવીન્દ્રપર્વ/૧૭૬. વિદાય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૭૬. વિદાય

કાળની યાત્રાનો ધ્વનિ સંભળાય છે કે? એનો રથ સદા દોડતો જ રહે છે, એ અંતરીક્ષમાં હૃદયનાં સ્પન્દન જગાડે છે, એનાં ચક્રથી પિસાઈ ગયેલા અન્ધકારની છાતી ફાડતું તારાનું ક્રન્દન જગાડે છે. હે સખે, એ દોડ્યે જતા કાળે મને એની જાળ ફેલાવીને જકડી લીધી છે, તારાથી બહુ દૂર, દુ:સાહસી ભ્રમણને માર્ગે જતા રથમાં મને ઊંચકી લીધી છે. મને થાય છે કે જાણે અજ મૃત્યુને પાર કરીને હું આજે નવપ્રભાતના શિખરને માથે આવી લાગી છું. રથનો ચંચળ વેગ મારું પુરાણું નામ હવામાં ઉડાવી દે છે, પાછા ફરવાનો માર્ગ નથી; દૂરથી તું જો મને ધારી ધારીને જોશે તોય મને ઓળખી શકીશ નહીં. હે સખે, વિદાય! કોઈ દિવસ કામકાજ વિનાની પૂરી નવરાશની વેળાએ, વસન્તની હવામાં ભૂતકાળને કાંઠેથી જે રાત્રે દીર્ઘ શ્વાસ વહી આવશે, ખરી પડેલાં બકુલનું ક્રન્દન આકાશને વ્યથિત કરી દેશે તે ક્ષણે શોધી જોજે, તારા પ્રાણની સીમાએ મારું કશું પાછળ રહી તો નથી ગયું ને! વિસરાયલી સાંજે એ કદાચ પ્રકાશ આપશે, એ કદાચ નામહીન સ્વપ્નની મૂર્તિ ધારણ કરશે. તોય એ કંઈ સ્વપ્ન નથી, એ તો મારે મન સૌથી સાચું છે, એ મૃત્યુંજય છે, એ છે મારો પ્રેમ, એને હું તારે માટેના, પરિવર્તન રહિત, અર્ઘ્ય રૂપે મૂકતી આવી છું. હું કાળની જાત્રાએ પરિવર્તનના સ્રોતે વહી જાઉં છું. હે સખે, વિદાય! તને કશી ખોટ ગઈ નથી, મારી મૃત્યુલોકની મૃત્તિકામાંથી જો તું અમૃત મૂર્તિ સર્જે તો તારી સાંજ વેળાએ એની આરતી ભલે થતી. પૂજાની એ રમત મારા રોજેરોજના મ્લાન સ્પર્શથી વ્યાઘાત પામવાની નથી; તૃષાર્ત આવેગના વેગથી તારા નૈવેદ્યની થાળમાંનું કોઈ ફૂલ ભ્રષ્ટ નહીં થાય. તારા માનસભોજમાં તેં વાણીની તૃષાએ જતનથી ભાવરસનું પાત્ર સજાવ્યું છે તેની સાથે મારી આંખનાં જળથી ભીંજાયેલું ધૂળનું ધન હું ભેળવી નહીં દઉં. આજેય કદાચ તું પોતે મારી સ્મૃતિથી સ્વપ્નાવિષ્ટ તારી વાણીને રચશે. એનો કશો ભાર રહેશે નહીં. કશી જવાબદારીય રહેશે નહીં. હે સખે, વિદાય! મારે કાજે શોક કરીશ નહીં, મારેય કામ પડ્યાં છે, મારેય આખું જગત પડ્યું છે. મારું પાત્ર ખાલી થયું નથી. શૂન્યને પૂર્ણ કરીશ, એ જ વ્રત હું સદા ધારણ કરીશ. મારે કાજે કોઈ ઉત્કણ્ઠ બનીને પ્રતીક્ષા કરશે તો તે જ મને ધન્ય કરી દેશે. શુક્લ પક્ષમાંથી રજનીગન્ધાની ડાળખી લાવીને જે કૃષ્ણપક્ષની રાતે અર્ઘ્યથાળ સજાવી શકે, જે અસીમ ક્ષમાથી સારાંનરસાં સઘળાં સહિત મને જોઈ શકે એની પૂજામાં અત્યારે હું મારી જાતનો બલિ ધરવા ઇચ્છું છું. તને જે કાંઈ મેં આપ્યું હતું તેના પર તારો નિ:શેષ અધિકાર તેં પ્રાપ્ત કરી લીધો છે. અહીં મારું કણે કણે દાન કર્યે જાઉં છું, કરુણ ક્ષણો મારા હૃદયની અંજલિમાંથી કોગળા ભરીને પાન કરે છે. અરે ઓ તું નિરુપમ છે. હે ઐશ્વર્યવાન, તને મેં જે દીધું હતું તે તો તારું જ આપેલું હતું, તેં જેટલું ગ્રહણ કર્યું છે તેટલી મને ઋણી કરી છે. હે સખે, વિદાય! (મહુયા)
(એકોત્તરશતી)