રવીન્દ્રપર્વ/૨૧૫. કળાની કૃતાર્થતા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૨૧૫. કળાની કૃતાર્થતા

સત્યને વરવું એટલે સમસ્તને વરવું. સત્ય વિરાટ અને બૃહત્ છે એટલે એમાં કશાનો નિષેધ નથી, કેવળ સ્વીકૃતિ જ છે. વ્યવહારજગતમાં આપણે આપણી મર્યાદાઓને કારણે ઘણું નિષિદ્ધ ગણીએ છીએ. પણ સત્યને વર્યા પછી નિષેધરચિત સર્વ વિચ્છેદો સંધાઈ જાય છે. એક મહા પરિષ્વજનમાં બધું સમાઈ જાય છે. સંકુચિત સ્વ વિસ્તરીને સર્વ બની રહે છે. સાચી કળા હંમેશાં સત્યને વરેલી હોય છે. ને એથી જ એના ભોક્તાને એની અનુભૂતિનો સંકીર્ણ પરિઘ વિસ્તરીને સર્વાશ્લેષી બનતો જતો હોય એવું લાગે છે. કળામાં સંકુચિત અહમ્ એનાં બધાં બારીબારણાં ખોલી નાખીને વિરાટને આવકારે છે. પોતાને વિરાટમાં વિલીન કરી નાખે છે. સાચી કળામાં આ રીતે સસીમ અસીમને આલિંગે છે. વિજ્ઞાન વસ્તુજગતનું અન્વેષણ અનેક વિષયોમાંના સામાન્યનું ઉદ્ઘાટન કરે છે; ફિલસૂફી માનવવ્યવહારનું અવધારણ કરી રહેલા ઋતનું પર્યેષણ કરે છે. જ્ઞાતા અને જ્ઞેયની વચ્ચેનું દ્વૈત એમાં લોપાતું નથી. ફિલસૂફી અને વિજ્ઞાનમાં જેને પામીએ છીએ તે તો પરત:પ્રામાણ્ય છે; પરંતુ કળામાં જેની ઉપલબ્ધિ થાય છે તેને બહારના કશા પ્રમાણની અપેક્ષા રહેતી નથી. એ સ્વત:પ્રામાણ્ય છે. ભાવકની નિબિડ અપરોક્ષ અનુભૂતિ એ જ એનું પ્રમાણ છે. આ રીતે કળાકૃતિમાં ઉપલબ્ધ એ કોઈ આગન્તુકની પેઠે આવીને ભાવકના ભાવસદૃવથી અળગું નથી રહેતું. અહીં તો અનુભૂત અને ભોક્તાનું સમ્પૂર્ણ અદ્વૈત સધાય છે. વ્યવહારજગતની આપણી ઉપલબ્ધિને આપણે સંકુચિત અને મર્યાદિત પ્રયોજનના જ સન્દર્ભમાં મૂકીને જોઈએ છીએ એટલે એમાં આપણી વ્યક્તિતાનું સમસ્ત પામી શકાતું નથી. પરંતુ કળાનો અનુભવ આવાં કોઈ પ્રયોજનોની પૂતિર્સત્તાના સાચા સન્દર્ભમાં મૂકીને જ પામીએ છીએ. ને એથી જ કળાના અનુભવમાં આપણને આપણી વ્યક્તિતાના સમસ્તનો સાક્ષાત્કાર થાય છે. એ સમસ્ત એટલું તો બૃહત્ અને વિરાટ છે કે એની વ્યક્તિભંગીમાં વૈવિ&@e__સદ્ધિમાં એ સમસ્ત જ રહેવાનું. આપણી અંતર્ગુહામાં રહેલા શાશ્વત પુરુષને આપણી ઉપલબ્ધિનો અર્ઘ્ય આપીને, એની સ્વીકૃતિ પામીને જ કળા કૃતાર્થ બને છે. કળા જો કૃતાર્થતાને ન પામે તો વ્યષ્ટિ એ સમષ્ટિને વ્યંજિત કરી શકતી નથી. આપણું સમસ્ત પરસ્પર અસંલગ્ન એવા અનેક ખણ્ડોમાં છિન્નવિચ્છિન્ન થઈ જાય છે ને સંસ્કૃતિનો પણ ધ્વંસ થાય છે. ‘(ધ આટિર્સ્ટ’ નામના નિબન્ધને આધારે)