રવીન્દ્રપર્વ/૫૦. સ્થાયી-અસ્થાયી
૫૦. સ્થાયી-અસ્થાયી
મેં તારાં કુસુમ ચૂંટ્યાં હતાં
હે સંસાર, હે લતા.
માળા પહેરતાં કાંટો વીંધી ગયો
હૃદય વ્યથિત થઈ ઊઠ્યું
હે સંસાર, હે લતા.
સમય જ્યારે વીતી ગયો
અન્ધકાર છવાઈ ગયો
ત્યારે નજર માંડીને જોયું તો
તારાં ગુલાબ ગયાં છે, રહી છે
માત્ર મારા હૃદયની વ્યથા.
હે સંસાર, હે લતા.
હજુયે તારાં અનેક કુસુમ
પહેલાંની જેમ જ ખીલશે
વિવિધ ગન્ધ મધુ અને
કોમળતા સાથે.
હે સંસાર, હે લતા.
એ ફૂલો ચૂંટવાનો સમય તો હવે
મારા હાથમાં રહૃાો નથી.
આજે અંધારી રાતે
મારાં ગુલાબ ગયાં છે, કેવળ
રહી છે હૃદયની વ્યથા.
હે સંસાર, હે લતા.