રવીન્દ્રપર્વ/૫૭. શેષ ચુમ્બન
૫૭. શેષ ચુમ્બન
દૂર સ્વર્ગે બજે જાણે નીરવ ભૈરવી,
પ્રભાતે કરુણ ચન્દ્ર શીર્ણ મુખચ્છવિ.
મ્લાન થઈ ગયા તારા; પાણ્ડુર વિધુર
પૂર્વ દિગ્વધૂનું કપોલ શિશિરસિક્ત.
ધીરે ધીરે હોલવાઈ ગઈ દીપશિખા
સરી ગઈ યામિનીની સ્વપ્નજવનિકા.
પ્રવેશ્યો બારીએ મારી પરિતાપસમ
રક્તરશ્મિ પ્રભાતનો આઘાત નિર્મમ.
તે જ ક્ષણે ગૃહદ્વારે સત્વર સઘન
અમારું બંનેનું શેષ વિદાયચુમ્બન
ઘડીકમાં ધણધણી ઊઠ્યો ચારે બાજુ
કર્મનો ઘર્ઘર રવ સંસારને પથે
મહારવે સિંહદ્વાર ખૂલ્યાદ્વ વિશ્વપુરે
અશ્રુજલ લૂછી નાંખી ચાલી ગઈ દૂરે.