રવીન્દ્રપર્વ/૮૮. ઓ ભાઇ કાનાઇ
૮૮. ઓ ભાઇ કાનાઇ
હે ભાઈ કનૈયા, મારું અસહ્ય દુ:ખ હું કોને જણાવું? ત્રણચાર (પરીક્ષા) તો મેંય પાસ કરી છે. હું કોઈ નર્યો મૂરખ નથી. આ તુચ્છ સારેગમ મને પરસેવે રેબઝેબ કરી મૂકે છે. બુદ્ધિ મારી જેવી હોય તેવી, પણ મારા બે કાન તો સૂક્ષ્મ નથી જ. કનૈયા, આ જ મારું મોટું દુ:ખ, આ જ મારું મોટું દુ:ખ. પ્રિયતમાને ગીત સંભળાવવા માટે મારે સતીશને બોલાવવો પડે છે. ગ્રામોફોનની ડિસ્ક પર મારું હૃદય ચકરાઈ જાય છે. ગળામાં જોર છે તેથી છુપાઈને ગાવાનું સાહસ નથી કરી શકતો. મારી પ્રિયા જાતે પણ કહે છે, ‘તારું ગળું ભારે રુક્ષ છે.’ કનૈયા, આ જ તો મારું મોટું દુ:ખ, આ જ તો મારું મોટું દુ:ખ. (ગીત-પંચશતી)