રાજા-રાણી/ચોથો પ્રવેશ4

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ચોથો પ્રવેશ

પાંચમો અંક


         સ્થળ : ત્રિચૂડ : રણવાસ. ઇલા અને સખીઓ.

ઇલા : જૂઠી વાત, ચુપ કરો, બહેનો! હું એના અંતરને ઓળખું છું, એ આવશે, આવશે, આવ્યા વગર નહીં રહે. આવો, બહેનો, મારો અંબોડો ગૂંથી દો, અંદર ફૂલવેણી બાંધો, વાદળી રંગનું મારું ઓઢણું લાવો! સોનાના થાળમાં, સખીઓ, તાજાં માલતીનાં ફૂલ ભરી આવો. આ ઝરણાને કાંઠે પેલા બકુલને છાંયે બેસવું એને બહુ ગમતું; માટે ત્યાં જ, એ શિલાની ઉપર જ ગાલીચો બિછાવો. રોજ રોજ હું ખાંતેથી આવા શણગાર સજવાની; રોજ રોજ હું આંહીં બેઠી રહેવાની; કોને ખબર મારો પ્રિયતમ અચાનક ક્યારે આવીને ઊભો રહેશે! અમારા મિલાપને જોવા આવીને ઉપરા-ઉપરી બબ્બે પૂર્ણિમા તો ઊગી ગઈ, ને નિરાશ બની આથમી ગઈ, પણ હવે તો, બહેનો, આવતી પૂર્ણિમા અફળ નહીં જાય, જરૂર એ મળવા આવવાના, ને ન આવે તો તેમાં તમારે શું? કાં ન ભૂલે? ભૂલીયે જાય! મારામાં એવું શું છે તે સાંભરે? ભૂલીને એ સુખી થતા હોય તોય સારું! ચાહીને સુખી થતા હોય તોય સારું! ખાલી લવારો કરશો મા, બહેનો! ચુપ કરો જરા!

[ઇલા ગાય છે.]

[મૈં તો પિયાકે મન માની ન માની]
હું તો સદા તને ચાહીશ, પ્રીતમ,
તું મન માને તો ચાહે ન ચાહે,
હું તો સદા જોઈ વાટડી બેસીશ,
તું મન માને તો આવે ન આવે,
માઝમ રાત હું સેજ બિછાવી
જાગીશ તારે કાજે રે,
તું પલભર આવીને પ્રભાતે
નિરખી વદન હસી જાજે રે — હું તો સદા.
મનમાન્યા ફૂલના, ફળના, મધુ-
વનના મારગ સહાજે રે,
હે પરદેશી! સદા સુખસરિતાના
નીરમાં નેહે તણાજે રે — હું તો સદા.
હુંય કદી પડી એ જ પ્રવાહે
આવું તો સાથી કરજે રે,
દૂર પડી રહું તોય શું દુઃખ છે?
રાંક સખીને વિસરજે રે — હું તો સદા.