રાજા-રાણી/પાંચમો પ્રવેશ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પાંચમો પ્રવેશ

પહેલો અંક


         સ્થળ : દેવદત્તનું ઘર.

                                    [ગોરાણી નારાયણી ઘરકામમાં પડેલી છે. દેવદત્ત પ્રવેશ કરે છે.]

દેવદત્ત : કાં પ્રિયે, ઘરમાં કાંઈ છે કે નહીં?
નારાયણી : હા, હવે બાકી એક મારું ખોળિયું રહ્યું છે. એ પણ ન રહે તો આફત ટળે!
દેવદત્ત : વળી પાછું શું થયું?
નારાયણી : તમારે તો જાણે રસ્તામાંથી ગોતી ગોતીને રાજમાં જેટલા ભિખારી છે એ બધાને આંહીં ઉપાડી લાવવા; અને આંહીં ઘરમાં એક ઠીકરું યે નથી રહ્યું. ઢસરડા કરી કરીને મારું શરીર પણ તૂટી ગયું.
દેવદત્ત : શું હું નકામો આણું છું આ બધાને? તમને ખબર નથી, ગોરાણી, પણ હાથમાં કામકાજ હોય તો તમને પણ ઠીક રહે અને પરિણામે મને પણ ઠીક રહે. બીજું ભલે ન બને, પણ તમારી આ જીભ તો છાની રહેને?
નારાયણી : એમ! તો લ્યો આ અમે મૂંગાં મર્યાં. અમારી વાત તમારાથી ખમાતી નથી એ કોને ખબર હતી? તે તમને કોણ પાણો મૂકે છે કે અમારી વાત સાંભળો?
દેવદત્ત : તમે જ કહો છો; બીજું તે કોણ? હું એક વાત ન સાંભળું તો એક સાથે દસ સંભળાવો છો.
નારાયણી : એમ કે? એક સાથે દસ સંભળાવું છું, કાં? સારું. આ મૂંગાં મર્યાં. મૂંગી મરું તો જ તમારાથી જીવાશે. માડી, હવે કાંઈ એ દિવસ રહ્યા છે? એ દિવસો તો ગયા. હવે નવીન મોંની નવી નવી વાતો સાંભળવા મન તલપતું હશે! અમારી વાતો તો હવે જૂની થઈ ગઈ, ખરુંને?
દેવદત્ત : ઓ મારા બાપ! હવે વળી નવા મોઢાની નવી વાતો? સાંભળતાં જ પેટમાં ઝાળ થાય છે. પણ હવે તો આ જૂની વાતો સાંભળવાનો અભ્યાસ થતો આવે છે. ફિકર નથી.
નારાયણી : એમ કે? બહુ સારું. ઝાળ થતી હશે તો હવે મૂંગાં મરી રહેશું. હવે એક અક્ષરેય ન બોલવો! પહેલેથી જ કહી દેવું હતું ને! હું શું જાણું કે ઝાળ થતી હશે? જાણતી હોત તો કોણ તમને...
દેવદત્ત : અગાઉ મેં નહોતું કહ્યું? કેટલી કેટલી વાર કહ્યું છે? પણ એ તો પથ્થર પર પાણી.
નારાયણી : એમ કે? તો બહુ સારું. આજથી મૂંગા મરશું. બળ્યું! તમનેય સુખ, અને મનેય સુખ. હું શું વિના કારણે બક્યા કરું છું? તમારા આ ચાળા જોઈને...
દેવદત્ત : આનું નામ જ મૂંગા મરવું કહેવાય કે?
નારાયણી : બહુ સારું. [મોં ફેરવે છે.]
દેવદત્ત : પ્રિયે! પ્રેયસી! મધુરભાષિણી! કોકિલગંજીની!
નારાયણી : લ્યો, હવે બસ કરો. જરા શરમાઓ.
દેવદત્ત : રોષ કરો ના, પ્રિયે, કોકિલના જેવો રંગ મેં નથી કહ્યો; પણ કોકિલ સમો મીઠો કંઠ કહ્યો છે હો!
નારાયણી : જાઓ જાઓ, હવે બકો મા. પણ હું સાફ સંભળાવી દઉં છું કે હવે જો ભિખારા ઉપાડી આવશો, તો મારી મારીને કાઢી મૂકીશ, કાં હું પોતે જ બાવણ બનીને વનમાં ચાલી નીકળીશ.
દેવદત્ત : તો હુંય તમારી પાછળ આવીશ, અને આ ભિખારી બધાં પણ આવવાનાં.
નારાયણી : ખરું છે. શાસ્ત્રમાં ખોટું કહ્યું છે કે ઘરની ઊઠી વનમાં ગઈ, તો ત્યાંય લાગી આગ! મારા ભાગ્યમાં જ શાંતિ નથી.

[નારાયણી જાય છે, ત્રિવેદી માળા ફેરવતા ફેરવતા આવે છે.]

ત્રિવેદી : શિવ! શિવ! શિવ! તું રાજ-પુરોહિત થયો, એમ કે?
દેવદત્ત : થયો છું તો ખરો! પણ એમાં રોષ શીદને કરો છો, ત્રવાડીજી? એમાં મેં કાંઈ દોષ નથી કર્યો, નથી માળા જપી, કે નથી ભગવાનનું નામ લીધું, એ તો રાજાની મરજી થઈ!
ત્રિવેદી : હરિ! હરિ! પિપિલિકાનો પક્ષચ્છેદ થયો!
દેવદત્ત : મારા ઉપરનો ગુસ્સો બિચારા શબ્દ-શાસ્ત્ર ઉપર કાં ઉતારો? ‘પક્ષચ્છેદ’ ન કહેવાય, પક્ષોદ્ભેદ.
ત્રિવેદી : છેદ અને ભેદ, બધું એકનું એક. કથામાં પણ છેદ ભેદ કહેવાય છેને! હે ભવેશ્વર! ગમે તેમ હોય, બાકી તારે તો જેટલો મોટો થવાનું હતું તેટલો તું થઈ ચૂક્યો —
દેવદત્ત : ના, ત્રવાડીજી! પૂછો ગોરાણીને, હજી એમ કાંઈ મારી જુવાની નથી ચાલી ગઈ!
ત્રિવેદી : હું પણ એ જ કહું છું. જુવાનીના મદમાં ને મદમાં જ તું આટલો ચડી ગયો છે; અને હવે તું મરવાનો છે. હે...એ હરિ! હે...એ દીનબંધુ પ્રભો!
દેવદત્ત : બ્રહ્મવાક્ય મિથ્યા થાય જ નહીં, એટલે હું સાચે જ મરવાનો. પરંતુ તે માટે આપને કાંઈ ખાસ તસ્દી નહીં લેવી પડે. ત્રવાડીજી, જમરાજા પોતે જ એ બધું કરવાના. બાકી તો આપના કરતાં મારી સાથે એમને કાંઈ વિશેષ સગપણ નથી — તમામ પ્રત્યે એમની તો એકસરખી જ દૃષ્ટિ છે.
ત્રિવેદી : પણ તારા દહાડા હવે ખવાઈ રહ્યા છે, દેવદત્ત! હે...એ દયાળુ પ્રભુ!
દેવદત્ત : તે તો હવે શી રીતે જાણવું? બાકી આજકાલ તો અનેક માણસો મરે છે — કોઈ ગળે ફાંસો ખાઈને, તો કોઈ ગળે ગાગર બાંધીને; કોઈ વળી સર્પદંશથીયે મરે છે; પણ બ્રહ્મશાપથી કોઈ મર્યો સાંભળ્યો નથી. હા, બ્રાહ્મણનો ડંડો ખાઈને કોઈ કોઈ મર્યા હશે, પણ બ્રાહ્મણને બોલ્યેથી તો કોઈ ન મરે. એટલે પછી, મારાથી જો વેળાસર ન મરી શકાય, તો આપ રોષ ન કરતા, મહાશય; એમાં મારો વાંક નથી, કાળનો વાંક છે.
ત્રિવેદી : અહા, પ્રણિપાત! શિવ, શિવ, શિવ!
દેવદત્ત : બીજું કાંઈ પ્રયોજન હોય તો ફરમાવો.
ત્રિવેદી : ના, ના, આ તો તને માત્ર આટલા સમાચાર દેવા જ આવેલો. હે...એ દયાળુ! હાં, હાં, તારા વાડામાં એક-બે પતકાળાં પાક્યાં હોય તો લાવને! મારે જરા જરૂર છે.
દેવદત્ત : ત્યારે એમ જ વદોને! લ્યો, લાવી આપું.

[જાય છે.]