રાજેન્દ્ર પટેલની કવિતા/પેસ્ટકન્ટ્રોલ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૮. પેસ્ટકન્ટ્રોલ

કેટકેટલી વાર કરાવું
પેસ્ટકન્ટ્રોલ?
ગમે એટલું કરું
આવી જાય છે ચૂપચાપ ઊધઈ
સદીઓથી ચાલતી એ પળમાં ઘૂસી જાય છે
બારસાખમાં, બારણામાં, બારીમાં...
ક્યારેક તો લાગે છે
આ ઊધઈની ભોમમાં શું
રચ્યું હશે અમે અમારું ઘર કે પછી
આ હાડ કે પછી આ શબ્દો પણ...
એ પ્રવેશી જાય છે
એનીય ખબર પડતી નથી.
અચાનક, એકાએક લાગે
અરે આ ઊધઈ અહીં પણ?
કબાટમાં, પુસ્તકોમાં, લખાણમાં અને વિચાર
સુધ્ધાંમાં!
બધો રોષ કાઢું છું
આ ઊધઈવાળા પર.
અલ્યા શું કરે છે?
આટઆટલી દવા આપું છું
આટઆટલા પૈસા વેડફું છું
બધું એનું એ?
લાગે છે તું ટ્રીટમેન્ટ બરોબર કરતો નથી.
એ હાથ જોડી ઊભો વીલા મોઢે
જાણે હું જ ઊભો મારી સામે.
જલદમાં જલદ દવા નાખ
દર ફૂટે કાણાં પાડી આખી ફર્શ ભરી કાઢ
પણ આ ઊધઈ કાઢ.
આમ તો દેખીતી રીતે એ કશું કરતી નથી
પણ અદૃશ્યપણે કરોળિયાના જાળા જેવું
બધું કરી મૂકે છે.
જાળાં હોય તો ઝટ સાફ થાય
પણ આ ન દેખાતાં
નટખટ નાનકડા આ જીવનો વિસ્તાર તો જુઓ!
તમે નહીં માનો
દર વરસે કરાવું છું પેસ્ટકન્ટ્રોલ
એટલું ઓછું હોય
બાપુજીનો આગ્રહ દર માસનો રહેતો
ને પત્નીનું કહેવું છે
દરરોજ કરાવો
ને મારી નેવું વરસની ઘરડી બાનું ચાલે તો
દરેક ઘડીએ કરાવે
પેસ્ટકન્ટ્રોલ.
પણ ગમે એટલું કરું
કશું જ કન્ટ્રોલ થતું નથી, મારા દોસ્ત.
ચશ્માંના મોંઘા કાચ પર લીસોટા પડે ને
દેખાવાનું ઝાંખું થાય એમ
સાલ્લું આ ઊધઈના રાફડાથી તો
આખેઆખું માળખું આછું ને આછું
થતું જાય છે
ને છતાંય
લાગે બધું ઓ.કે. છે.
પણ શું કરું?
ગમે એટલી વાર કરાવું ટ્રીટમેન્ટ,
બધે ઘૂસી જાય છે ઊધઈ.
છાપાંઓ વાટે
ટી.વી. વાટે
એ એવી રીતે આવીને ગોઠવાઈ જાય છે
જાણે એ ન હોવા છતાં હોય છે
આપણા પહેલાંથી.


ફર્નિચરમાં તો ઠીક છે
એ પ્રવેશી ગઈ છે
લખાણ વાટે અર્થ સુધી.
એટલે શું કહેવું તમને
આજકાલ પાનખરનાં ખરતાં પાનય
વ્હાલાં લાગે છે.
છેક મૂળમાં ઘૂસી ગઈ છે મારી બેટી.
પહેલાં તો એ જમીન વાટે પ્રવેશતી
હવે તો જાણે પાણી ને હવા વાટેય
જમાવટ કરતી લાગે છે.
યજ્ઞથી અગરબત્તી સુધી ને
ડીડીટીથી તેજાબ સુધી સઘળું અપનાવ્યું
તોય સાલ્લી એ આવી જાય છે
બધે ચૂપચાપ આપણા પડછાયાની જેમ.
લેટેસ્ટ વાત એમ છે
ગઈકાલે મારી દીકરીએ મારું ધ્યાન દોર્યું’તું
આ મેટલની તમારી નેમપ્લેટ પરય
ચડી ગઈ છે આ ઊધઈ.
‘કઢાવ્યા વગર છૂટકો નથી આ નેમપ્લેટ’
હું મનોમન બબડેલો.
ખરું કહેવાય
તસુંય બાકી નથી રાખ્યું આ ઊધઈએ
કોઈને ખબર ન પડે એમ
અંગત કબાટથી હવે આખા શહેરમાં
છવાઈ ગઈ છે એ.
શું કહેવું
ગઈકાલે જે પંચતારક હોટેલનું ઉદ્‌ઘાટન થયેલું
એ તો આખેઆખી ઊધઈના રાફડામાં જ
જાણે ઊભી હોય એમ લાગતું’તું
–ને એની પછીતનું મંદિર
એનો ગુંબજ એની પરનો કળશ
બધુંય બધુંય ઓ
બહારથી ઝળાંહળાં
અંદર રાખ રાખ.
પણ, બે વસ્તુઓને આંચ આવવા દીધી નથી
એક તો બાપુજીનાં ઘસાયેલાં ચપ્પલે
અને બીજું
આ નવા નવા છોકરાઓનાં
થનગનતાં પગલાંઓએ
પેસ્ટકન્ટ્રોલની એસીતેસી કરતી
આ ઊધઈ તો વધારી છે
આપણા ઠાલા શબ્દોએ...
એવું કહ્યા કરે છે
બાની માળાનો સાવ ઘસાયેલો છેલ્લો મણકો.
એક વાર કોઈક માળીએ
સર્જનહારની અદાથી કહેલું :
કાપી કાઢો, કાપી કાઢો એ ભાગ
જ્યાં જામી છે ઊધઈ
નવા ફણગા ફૂટશે ધરાર ઊધઈ વચ્ચે.
મારાવાલા માળીને શી ખબર
અમારે ને આ બગીચાઓને શું લેવા દેવા?
અમે તો આ ભોમને ભૂલી ગયા છીએ સદંતર
ખેડે રાખવાનું ને સીંચે રાખવાનું પાણી
એ વળી શું બલા છે ભઈલાઓ?
લો, કરો વાત
હવે શું કરવું? એમ?
ગમે તે હોય
આજકાલના છોકરાઓ
ભમરડાંની જેમ ભમે છે એવા
ખબર જ ન પડે
એ સ્થિર છે કે ગતિમાં.
આ ઊધઈના અનુભવ પછી
એક વાત કહું
‘જે હંમેશાં ગતિમાં હોય એ જ રહે છે સ્થિર
અને જે હોય છે સાવ સ્થિર એ જ રહે ગતિમાં’

એ વાત ઊધઈને ખબર નથી.