રાજેન્દ્ર પટેલની કવિતા/વિડિઓગ્રાફર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૦. વિડિઓગ્રાફર

મશાલ હાથમાં પકડીને, ઊભો હોય કોઈ દિવેટિયો એમ
હાથમાં કેમેરો લઈ ઊભો છે
વિડિઓગ્રાફર.
એક એવી પળને પકડવા મથે છે સમય પહેલાંના સમયથી
જેને કેદ કરી, મુક્ત થાય વિડિઓગ્રાફર.
જેને કંડારીને કંડારી શકે પોતાની જાત.
પણ હજુ સુધી જડી નથી એવી ક્ષણ,
જડ્યું નથી એવું સ્થળ.
આગમન અને વિદાયની બે પળ વચ્ચેના
સૂર્યોદય અને સૂર્યાસ્તને
પકડવા મથતો એ ઊભો છે
ઘણી વાર જાણે કેમેરા સમો
પોતે જ પોતાની સામે.
બધી દિશામાં નજર ફેરવતો
રાખે છે બરાબર ધ્યાન
રખેને છટકી ન જાય એક સુખની પળ
પણ લાખ પ્રયત્ને એ સફળ થયો નથી આજ સુધી.
અંધારા-અજવાળાને એકબીજાનો પર્યાય સમજતા વિડિઓગ્રાફરને
અંધારા વગર ઘડી ન ચાલે
તોય એ ફાંફાં મારે છે અજવાળાને પકડવા
જેમ જેમ એ મથે જાય છે
અંધારું વધુ ને વધુ ઘેરું થતું જાય છે
નજર સમક્ષ.
અંધારાનેય અજવાળું માની પાડે છે ફિલ્મ
અને
માણસોની વચ્ચે એ શોધે છે પોતાને
કેમેરાની આંખમાંથી એ ખોળે છે પોતાની આંખ
પોતાનો ચહેરો, પોતાની કાયા ને મલકની માયા.
એથી
વિડિઓગ્રાફરને લાગે છે
જે જુએ છે સામે એ નહીં
જે ખોળે છે અંદર એ જ એ જ
પાડી શકે છે સાચો ફોટો.
મશાલ કે દિવાસળીનું
ફ્લેશ કે મીણબત્તીનું અજવાળું
એને લાગે સૂરજ જેવું.
ખોવાવું અને ખોળવું એ જ જાણે
માત્ર વિડિઓગ્રાફરનું કામ.