રાણો પ્રતાપ/છઠ્ઠો પ્રવેશ2

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
છઠ્ઠો પ્રવેશ

'અંક ત્રીજો


         સ્થળ : આગ્રામાં માનસિંહનું ભવન. સમય : સંધ્યા.

[માનસિંહ એકલો ઓરડામાં ટહેલી રહ્યો છે.]

માનસિંહ : [સ્વગત] બાપુએ રેવાને મારી પાસે મોકલી છે તે મને લાગે છે કે એનાં લગ્નને માટે. અને હું ધારું છું કે બાપુની ઇચ્છા આ મોગલપરિવારમાં જ એના વિવાહ કરવાની છે. ઓહ! અમે કેટલા અધોગામી બન્યા છીએ! મેં માન્યું હતું કે મેવાડના પવિત્ર વંશગૌરવની અંદર આ કલંક સાફ કરી નાખીશ. એ આશા તો એળે ગઈ. પ્રતાપસિંહ! તારા દંભના તો હવે ચૂરા કરીશ. અમે અમારાં કુળગૌરવ ગુમાવી બેઠા, અને તેં તારું સર્વસ્વ ગુમાવીને પણ એ ગૌરવ સાચવી રાખ્યું છે. પરંતુ હવે જોઉં છું, એક દિવસ તારા એ ઉચ્ચ મસ્તકને પણ અમારી સાથે એક સપાટી પર ઉતારી શકું છું કે નહિ! તને હું વનેવન રઝળાવીશ, તારા માથા પર આકાશ સિવાય બીજું એકેય છાપરું નહિ રહેવા દઉં.

[શસ્ત્રબંધ સલીમ આવે છે.]

માનસિંહ : [ચકિત બની] શાહજાદા તમે! અત્યારે! શાહજાદા!
સલીમ : માનસિંહ! હું તમારું કોઈ પ્રિય કાર્ય કરવા નથી આવ્યો. હું આવ્યો છું બદલો લેવા.
માનસિંહ : બદલો?
સલીમ : હા; માનસિંહ, બદલો.
માનસિંહ : શાનો?
સલીમ : તમારા વધી પડેલા દંભનો. મામુદ!

[મામુદ બે ખુલ્લી તરવારો લઈને આવે છે.]

સલીમ : [માનસિંહ પાસે બન્ને તરવારો ધરીને] ઉઠાવી લો બેમાંથી એક.
માનસિંહ : યુવરાજ, આજ આપનું માથું ભમે છે કે શું? આપ દિલ્હીશ્વરના પુત્ર છો; હું એનો સેનાપતિ ઊઠીને આપની સામે યુદ્ધ કરું?

સલીમ : હા, હા, યુદ્ધ કર. તું શહેનશાહના સાળાનો પુત્ર! તારા પિતાની સાથે શહેનશાહને ભલે હૈયાનાં હેત હોય; મારે નથી. તું શહેનશાહનો અજેય સેનાપતિ! શહેનશાહ ભલે તારો દંભ સાંખી શકે, મારાથી ન સંખાય. ચાલ, ઉઠાવ એક તરવાર! માનસિંહ : યુવરાજ, કબૂલ કે આપની મારા પર બહુ મહેરબાની નથી. છતાં આપ યુવરાજ છો. આપના પર મારાથી ઘા ન કરાય. મેં શહેનશાહનું અન્ન ખાધું છે.

સલીમ : નામર્દાઈનાં બહાનાં જવા દે. આજ હું નથી છોડવાનો. માનસિંહ, શસ્ત્ર ઉઠાવ! ભલે આજે આંહીં જ ફેંસલો થઈ જાય કે કોણ મોટો — માનસિંહ કે સલીમ?
માનસિંહ : યુવરાજ, ઠંડા પડો, વાત સાંભળો.
સલીમ : નકામાં છે એ ફાંફાં. શસ્ત્ર ઉપાડ! મેં પ્રતિજ્ઞા લીધી છે. આજ કશી વાત નહિ સાંભળું.

[માનસિંહના હાથમાં તરવાર આપે છે.]

માનસિંહ : [તરવાર લઈને] યુવરાજ, તમે શું દીવાના બન્યા છો?
માનસિંહ : હા હા! દીવાનો બન્યો છું, મહારાજા!

[માનસિંહ પર સલીમ હુમલો કરે છે. માનસિંહ સામા દાવ ચલાવે છે.]

માનસિંહ : [લડતાં લડતાં] હજુ કહું છું કે ઠંડા પડો.
સલીમ : [ફરી વાર આક્રમણ કરીને] હવે તો મર્યો સમજજે.
માનસિંહ : [પોતાના પગ પર ઝટકો પડતાં ધીરજ હારી ગર્જના કરી.] ઠીક, ત્યારે તેમ થાઓ! યુવરાજ! હવે માથું સંભાળી લેજો!

[માનસિંહ સલીમ પર હુમલો કરે છે. સલીમ જખમ ખાઈને પાછો હઠે છે.]

માનસિંહ : હજુ કહું છું કે ઠંડા પડો, નહિ તો પલવારમાં માથું ઊડીને મારા પગમાં રોળાશે.
સલીમ : એટલો બધો તૉર!

[સલીમ ફરી હુમલો કરે છે. એ સમયે છૂટા કેશવાળી, અસ્તવ્યસ્ત વસ્ત્રોવાળી રેવા દોડતી આવીને ઊંચા હાથ કરી બન્નેની વચ્ચે ઊભી રહે છે.]

રેવા : શસ્ત્ર નમાવો! આ ઘર છે; રણાંગણ નથી.

[એ રૂપના અંબારને જોતાં જ સલીમ અંજાઈને ઘડીભર પોતાની આંખો આડે હાથ ધરે છે. બીજા હાથમાંથી તરવાર નીચે પડી જાય છે. આંખો ખોલે ત્યાં તો એ જ્યોતિ અદૃશ્ય થઈ જાય છે.

સલીમ : [ધીરે સ્વરે] એ કોણ! દેવી કે માનવી!