The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સ્થળ : માનસિંહના મકાનનો એકાંત ઓરડો. સમય : રાત્રિ.
[મારવાડ, બિકાનેર, ગ્વાલિયર અને ચંદેરીના રાજાઓ તથા માનસિંહ બેઠા છે.]
ચંદેરીરાજ :
|
ધિક્કાર છે, મહારાજા માનસિંહ! તારા મોંમાં આવાં વેણ?
|
માનસિંહ :
|
મહારાજા! હું શું ખોટું કહું છું? જો આ બેકાયદેસરનું રાજ્ય હોત તો હું તત્કાળ આપ સહુની સાથે આ સલ્તનતની સામે ખડો થાત. પરંતુ મોગલ રાજનીતિમાં લૂંટફાટ નથી, વ્યવસ્થા છે; જુલમ નથી, રક્ષણ છે; અહંકાર નથી, પ્રીતિ છે.
|
બિકાનેરરાજ :
|
પ્રીતિ તો ખરી, પણ જરા વધુ પડતી. એ પ્રીતિ છેક કુલીન ઘરનાં અંત :પુરો સુધી પહોંચી ગઈ છે.
|
માનસિંહ :
|
એ વાતની હું ના નથી પાડતો. અકબર પાદશાહ હોવા છતાંયે આખરે મનુષ્ય જ છે. તેનો ઉદ્દેશ મહાન હોય છતાં, તે ષડ્રિપુનો ગુલામ છે. બાકી, અન્યાય અપરાધ તો વચમાં વચમાં તમામ માણસો કરી બેસે. અકબરે તો એ અપરાધ કબૂલ પણ કર્યો. માફી માગી છે અને ભવિષ્યમાં હિન્દી મહિલાઓની ઇજ્જત રક્ષવા સોગંદ ખાધા છે. બીજું શું કરી શકે?
|
માનસિંહ :
|
અકબરનો હેતુ તો લાગે છે હિન્દુ મુસલમાન બેઉ કોમોને એક કરવાનો, મિલાવી દેવાનો, પ્રજામાં સમાન તત્ત્વો દાખલ કરવાનો.
|
ગ્વાલિયરરાજ :
|
એનું તો કોઈ ચિહ્ન દેખાતું નથી.
|
માનસિંહ :
|
એક નહિ પણ સેંકડો ચિહ્નો! અકબર મુસલમાન છે, છતાં કોને ખબર નથી કે એ હિન્દુ ધર્મના અનુરાગી છે! જો મુસલમાનને હિન્દુ થવાની છૂટ હોત તો અકબર ક્યારનોયે જગદંબાનો ભક્ત બન્યો હોત. પણ તે ન થઈ શક્યું. એટલે જ એ પંડિતો અને મુલ્લાંઓની મદદથી એક એવો ધર્મ સ્થાપવાની કોશિશ કરે છે, કે જે બન્ને કોમો ગ્રહણ કરી શકે. બીજું, મુસલમાન તેમ જ હિન્દુ બન્નેને ઊંચી નોકરીઓ મળે છે. ત્રીજું, હિન્દની સામ્રાજ્ઞી પોતે જ હિન્દુ રમણી છે.
|
ગ્વાલિયરરાજ :
|
એમ જ કહોને કે હિન્દની ભાવી સમ્રાજ્ઞી પણ હિન્દુ રમણી છે, એટલે કે મહારાજા માનસિંહની બહેન છે! પછી [મારવાડરાજા તરફ જોઈને] મેં નહોતું કહ્યું કે માનસિંહજીને હાથ કરવાની આશા નકામી છે : અને ભારતની સ્વતંત્રતા એ ખાલી સ્વપ્નું જ છે.
|
માનસિંહ :
|
સ્વતંત્રતા! મહારાજ! પ્રજા જીવતી હોય તો સ્વતંત્રતાની વાત કરાય ને! એ પ્રજાજીવન તો ઘણા દિવસથી ગયું છે. પ્રજા તો હવે સડે છે.
|
માનસિંહ :
|
એની પણ સાબિતીઓ જોઈશે કે? આ અસીમ આળસ, નિરાશા અને જડતા એ જીવનનાં લક્ષણો નથી. દ્રાવિડનો બ્રાહ્મણ બનારસના બ્રાહ્મણ સાથે ખાય નહિ; દરિયાપાર જવામાં તો વટલી જવાય; અને પ્રજાના પ્રાણ સમો જે ધર્મ, તે તો આજ ફક્ત બાહ્ય આચારોમાં જ આવી વસ્યો — એ બધાં પ્રજાનાં લક્ષણો નથી. ભાઈ-ભાઈ વચ્ચે ઇર્ષ્યા, લડાલડી, અહંકાર — આ બધાં પ્રજાનાં લક્ષણો નથી. એ દિવસો હવે ગયા, મહારાજ!
|
બિકાનેરરાજ :
|
ફરી પાછા આવી શકે — જો હિન્દીઓ એક થાય તો.
|
માનસિંહ :
|
પણ એ જ નથી બનવાનું. હિન્દીના પ્રાણ એટલા તો સુકાઈ ગયા છે, એટલા જડ બની ગયા છે, એટલા છિન્નભિન્ન બની ગયા છે કે હવે એ એક થાય નહિ.
|
ગ્વાલિયરરાજ :
|
કદીયે નહિ થાય?
|
માનસિંહ :
|
થશે — જે દિવસે હિન્દુ આ લુખ્ખા, પોલેપોલા, જીર્ણ આચારોના ખોખામાંથી બહાર નીકળીને જીવતો જાગતો, વીજળીના બળથી કંપતો નવીન ધર્મ ગ્રહણ કરશે તે દિવસે.
|
મારવાડરાજ :
|
માનસિંહજી ઠીક કહે છે.
|
માનસિંહ :
|
આપ સહુને શું એમ લાગે છે, મહારાજાઓ, કે હું આ પારકી ગુલામીનો ભાર હસીને ઉઠાવી રહ્યો છું? આપ શું એમ ધારો છો કે આ પરદેશીઓનાં સ્નેહબંધનો હું ગર્વથી મારે ગળે વીંટી રહ્યો છું! આપ શું એમ માનો છો કે હું રાણા પ્રતાપની મહત્તા સમજતો નથી? શું હું એટલો બધો નાલાયક? ના, મહારાજાઓ! એ પ્રજાભાવ જાગવાનો નથી; તેના સ્વપ્નાં જોયા કરવાને બદલે જે છે તેનો લાભ લેવામાં જ સાર છે.
|
[દ્વારપાળ આવે છે.]
દ્વારપાળ :
|
શહેનશાહની ચિઠ્ઠી છે.
|
બિકાનેરરાજ :
|
હું તો પ્રથમથી જ જાણતો હતો.
|
ગ્વાલિયરરાજ :
|
મેં પણ નહોતું કહ્યું?
|
બિકાનેરરાજ :
|
આપણે માનસિંહજીની મદદ નથી જોઈતી, આપણે પ્રતાપસિંહને મળી જઈશું. વિદ્રોહ જગવશું.
|
માનસિંહ :
|
મહારાજો! પાદશાહ આપ સહુને સલામ લખાવે છે અને મસલત-ઘરમાં બોલાવે છે. બીજું લખે છે કે ‘કુમાર સલીમની શાદીને નિમિત્તે આપ સહુ મારી કસૂરો દરગુજર કરો.’
|
ચંદેરીરાજ :
|
વાહ, સારું થયું.
|
મારવાડરાજ :
|
અને આ શાદીને નિમિત્તે શહેનશાહે પોતે શું કર્યું?
|
માનસિંહ :
|
પોતાના મહાન શત્રુ પ્રતાપને ક્ષમા આપી છે, અને પ્રતાપ જીવે ત્યાં સુધી ફરી મેવાડ પર ફોજ લઈ જવાની મને મના કરી છે. મને લખે છે કે ‘જોજો હો મહારાજ! ભવિષ્યમાં કોઈ મોગલ સૈનિક એ વીર નરનો વાળ પણ વાંકો ન કરે. પ્રતાપસિંહ મારો મુખ્ય શત્રુ હોવા છતાં આજ તો એ મારો પરમ પ્રિય મિત્ર છે’.
|
બિકાનેરપતિ :
|
આ દયા તો ઉલટી ગળે પડવા જેવી લાગે છે.
|
માનસિંહ :
|
મને પાદશાહ અત્યારે બોલાવે છે. હું રજા લઉં છું.
|
[માનસિંહ જાય છે.]
મારવાડરાજ :
|
ગમે તેમ કહો, પણ પાદશાહનું મન મોટું!
|
ચંએદરીરાજ :
|
હા, દુશ્મનને પણ ક્ષમા આપે છે.
|
ગ્વાલિયરરાજ :
|
અરે, ક્ષમા માગે પણ ખરા!
|
મારવાડરાજ :
|
ને હિન્દુ રાજાઓ ઉપર વિશ્વાસ રાખે છે.
|
ચંદેરીરાજ :
|
માનસિંહે ખરું કહ્યું કે પાદશાહ હારેલા-જીતેલાની વચ્ચે ભેદ નથી રાખતા.
|
મારવાડરાજ :
|
ને વળી હિન્દુ ધર્મ પ્રત્યે પક્ષપાત રાખે છે.
|
ગ્વાલિયરરાજ :
|
બાકી તો ખરેખર હિન્દુ પ્રજામાં સ્વતંત્ર બનવાનું બળ જ નથી.
|
મારવાડરાજ :
|
સ્વતંત્રતા તો વાતોડિયાનું સ્વપ્નું છે, ભાઈ!
|
[બધા જાય છે.]