રાણો પ્રતાપ/ત્રીજો પ્રવેશ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ત્રીજો પ્રવેશ

અંક પહેલો


         સ્થળ : બાદશાહના રાજકવિ પૃથ્વીરાજનું ઘર. સમય : પ્રભાત.


                           [પ્રભાત. પૃથ્વીરાજ અને બાદશાહના બીજા ઉમરાવો — મારવાડ, અંબર,
                           ગ્વાલિયર અને ચંદેરીના રાજાઓ તકિયા — પર પડ્યા છે.] }}

મારવાડરાજ : કાં પૃથ્વી! દોસ્ત, વાંચ તારી એ કવિતા. અંબર, પૃથ્વીએ ભારે ફાંકડી કવિતા જોડી છે ભારે ફાંકડી.
અંબરરાજ : અરે ભાઈ! માથું શા માટે પકવો છો? કવિતા-ફવિતા ઘેર ગઈ; એના કરતાં કચેરીની બે-ચાર વિનોદ-વાર્તા થવા દોને, દોસ્તો!
મારવાડરાજ : અરે, સાંભળો તો ખરા! કવિતાનું જેવું ફાંકડું નામ, તેવા જ ફાંકડા એના ભાવ; અને ભાઈ, એવો જ ફાંકડો છંદ.
ચંદેરીરાજ : શું નામ?
પૃથ્વીરાજ : ‘પ્રથમ ચુંબન.’
ચંદેરીરાજ : ખાસ્સું! નામ તો ઠીક રસભર્યું હાથ આવી ગયું છે. બહુ સારું, ચલાવો!
અંબરરાજ : અરે પણ ‘પ્રથમ ચુંબન’ ઉપર તે કવિતા કરી શકાય કદી?
પૃથ્વીરાજ : કેમ નહિ?
મારવાડરાજ : પણ અત્યારે કવિતા જ સાંભળો ને? આટલી દલીલો કરો છો તેટલી વારમાં તો કવિતા બોલાઈ રહી હોત.
અંબરરાજ : હવે યાર, મૂકોને પડતી તમારી કવિતા. બોલ, પૃથ્વી, કચેરીના શા નવીન છે?
પૃથ્વીરાજ : બીજા તો શા નવીન? નવીનમાં તો રાણા પ્રતાપસિંહનું યુદ્ધ.
અંબરરાજ : પ્રતાપસિંહ અકબરની સાથે યુદ્ધ કરે એ સંભવિત જ નથી. સંભવિત હોય તો અમે જ યુદ્ધ ન લડત?
ગ્વાલિયરરાજ : હાસ્તો. સંભવ હોત તો અમે કાંઈ લડ્યા વિના રહેત?
ચંદેરીરાજ : બરાબર છે?
મારવાડરાજ : [પૃથ્વીરાજની કવિતા વાંચે છે] ‘नव विकसितकुसुमितवनपल्लवे’ — વાહ! વાહ! પૃથ્વી! ફાંકડી કવિતા, જીત્તો રે’, દોસડા!
અંબરરાજ : હવે દેખ્યો પ્રતાપને! છે તો ફક્ત એક મેવાડનો રાણોને?
ગ્વાલિયરરાજ : એક ભૂખડી રાજ્ય! એનો એ રાજા!
ચંદેરીરાજ : અને રાજાયે ભારે! એનો મુખ્ય કિલ્લો ચિતોડ તો મોગલોને હાથ પડ્યો છે!
મારવાડરાજ : ભાઈને જરા બહાદુરી બતાવવાનો તૉર ચડ્યા છે. બીજું શું?
પૃથ્વી : હા, હમણાં પ્રતાપસિંહે જરા વધુ મિજાજ કરવા માંડેલ છે. હાલમાં એણે ફરી પાછાં મોગલ-સૈન્યને હલ્લો કરી કાપી નાખ્યાં.
અંબરરાજ : મગજમાં ખૂબ ખુમારી ભરી છે. હમણાં જ એ ખુમારીના ચૂરા થઈ જવાના.
ચંદેરીરાજ : ચાલો, ઊઠો, વળી પાછા હમણાં જ કચેરીમાં હાજર થવું જોશે. [ઊઠે છે.]
મારવાડરાજ : ચાલો.

[એ પણ ઊઠે છે.]

અંબરરાજ : હું તો કહું છું કે આ બધી પ્રતાપની રીતસરની હઠીલાઈ જ છે.
મારવાડરાજ : હું કહું છું કે એ એની રીતસર ગાંડાઈ જ છે.
ચંદેરીરાજ : અરે, એ તો રીતસર બેવકૂફી જ છે.

[બધા જાય છે.]

પૃથ્વી : આ બધામાં મારવાડરાજ બહુ સમજણો લાગે છે. કવિતાની કદર તો એને એકને જ છે. હવે એક નવી કવિતા રચવી પડશે. વિષય રાખશું ‘વિદાયચુંબન.’ કયા રાગમાં ઉતારશું? કવિતા લખવામાં રાગ નક્કી કરવો એ બહુ કઠણ કામ છે. રાગ ઉપર તો કવિતાની અરધી ખૂબીનો આધાર છે.

[પૃથ્વીરાજની પત્ની જોશીબાઈ આવે છે.]

પૃથ્વી : અરે, અરે, જોશી! તારાથી બહાર અવાય?
જોશી : આજ શું તમે દરબારમાં જવાના છો?
પૃથ્વી : ત્યારે નહિ? આજ તો બાદશાહનો જન્મદિવસ છે, અને મારો મોભો પણ કાંઈ જેવોતેવો નથી. હું કોણ? ગમે તેમ તોય મહારાજાધિરાજ ભારત-શહેનશાહ પાદશાહ અકબરનો સભાકવિ. અબુલ ફઝલની પહેલી ખુરસી, અને બંદાની પડે છે બીજી. ખબર છે?
જોશી : હાય રે! એમાં પણ અભિમાન? શરમાઈને મોં નીચું ઢાળવું જોઈએ એમાં પણ મગરૂબી?
પૃથ્વી : તારો કરુણ રસ તો છલકાઈ પડ્યો, હો જોશી! સમ્રાટ અકબર કેટલો મોટો છે તે તું જાણે છે? आसमुद्रक्षितीशानां — સમજી? આખો ભરતખંડ એના ચરણ તળે પડ્યો છે.
જોશી : ફિટકાર હોજો! એવું બોલતાં ભોંઠા ન પડ્યા? એવું બોલતાં બોલતાં શરમથી ને તિરસ્કારથી જીભ કચરાઈ ન ગઈ? આટલી બધી અધોગતિ? ના, ઠાકોર! આખું આર્યાવર્ત હજુ અકબરના ચરણતળે નથી આવ્યું. હજી તો આર્યાવર્તમાં પ્રતાપ બેઠો છે. હજી એક એવો નર જીવે છે કે જે ગુલામીના વિલાસની સામેય ન જુએ, અને પાદશાહના આદરમાનને ઠોકરે મારે.
પૃથ્વી : ખરી વાત, જોશી! કવિતા લખવામાં આ ભાવ બહુ સુંદર લાગે. એને તો ઉપમા પણ આપી શકાય. દાખલા તરીકે, જાણે મહાસાગરના પ્રચંડ જલપ્રલયની અંદર, બસ, ગામેગામ અને નગરેનગર બધાં બોળાઈ ગયાં છે; વચ્ચે અડગ ખડું છે એક દૂર દૂરનું પર્વત-શિખર! ખરું કહું તો મેં તો મહાસાગર પણ નથી જોયો, અને જલપ્રલય પણ નથી જોયો, હો! તારા સોગંદ!
જોશી : રાજમહેલ છોડીને સ્વેચ્છાથી પર્ણકૂટીમાં જઈ વસવું, ખાખરાનાં પાનમાં ખાવું, તરણાંની પથારીએ સૂવું ચિતોડગઢ જ્યાં સુધી ન જીતાય ત્યાં સુધી પોતાની મરજીથી લીધેલું આવું આકરું વ્રત! એ કેવું મહાન! કેવું ઊંચું! કેવું મહિમાવંતું!
પૃથ્વી : કવિત્વની દૃષ્ટિએ જો જોઈએ, તો ખરેખર એ ભારી સુંદર ભાવ ગણાય. અને મેં જે ઉપમા દીધી એની સાથે તો બરાબર મેળ મળી જાય. બાકી, સંસારની દૃષ્ટિએ તો એ બધું સમજ્યા જેવું!
જોશી : કેમ? શી મુશ્કેલી લાગી?
પૃથ્વી : ગરીબીમાં વૈભવની વાત જ ક્યાં કરવી! ઉપરાંત, જરૂર જોઈતી ચીજોનાં પણ સાંસાં પડે; શિયાળામાં કડકડતી ટાઢ વાય, ભૂખ્યા થઈએ ને અનાજ ન મળે એટલે પેટમાં ગલૂડાં બોલે! વળી સંસાર છે, માણસને કોઈક દિવસ કાંઈક ખરચ કરવાનુંયે મન થાય, તો ખિસ્સાં ખાલી! એમાં વળી બાળબચ્ચાંની વેજા વળગે, દિવસરાત એ બધાં ટેં ટેં કર્યા કરે! આથી વધુ મુશ્કેલી તે શી હોય?
જોશી : એ ઠાકોર! જેણે અંતરની વેદનાથી વ્રત લીધાં હોય, એને ગરીબી આટલી આકરી ન લાગે. એવી ગરીબીમાં તો એને એવી મહત્તા ને એવી સુંદરતા દેખાય કે જે સુંદરતા કોઈ રાજાના રાજમુગટમાંયે ન મળે, પાદશાહોની પાદશાહીમાં પણ ન સાંપડે! મન જેનાં મોટાં હોય એને ગરીબીની બીક ન લાગે, નાથ! એને તો ગરીબી વહાલી લાગે; એ તો ગરીબીમાં માથું નીચું ન ઢાળે, ઊંચું ઉઠાવે; એનાં તેજ ગરીબીમાં ઝાંખાં ન પડે; એ તો અધિકાં ઝળહળી ઊઠે.
પૃથ્વી : જો, જોશી, કવિતાના પ્રદેશની બહાર ગરીબી કોઈને સુંદર લાગી હોય એવો ભાગ્યશાળી તો મેં હજુ સુધી કોઈ જોયો નથી.
જોશી : ત્યારે બુદ્ધ ભગવાન રાજપાટ મેલીને સંન્યાસી થઈ ચાલ્યા ગયા, એ શી રીતે?
પૃથ્વી : ચોખ્ખી બેવકૂફીની રીતે! પોતાને ઘરબાર ન હોય અને માણસ રસ્તે ઊભો ઊભો વરસાદમાં પલળતો હોય, એ તો જાણે કે સમજી શકાય. પણ ઘરબાર હોવા છતાંયે જ કોઈ એમ જ ભીંજાતો હોય, તો જાણવું કે એનું મગજ બગડી ગયું છે, એને કોઈ વૈદની કાળી જરૂર છે.
જોશી : એવી બેવકૂફીને જ જગતમાં ધન્ય છે, સ્વામી! મહાન બનવામાં તો ત્યાગ જોઈએ.
પૃથ્વી : મહાન બનવું હોય તો ત્યાગ કરવો જોઈએ. પણ મારે એવા મહાન બનવું જ નથી ને!
જોશી : ઠાકોર! મહાન બનવું એ તમારા જેવા વિલાસીનું કામ જ નથી. એ મને ખબર છે.
પૃથ્વી : સાંભળ, જોશી! પહેલી વાત તો એ કે સ્ત્રી-જાતિ આવી સંસ્કારી ભાષામાં વાત કરે એનો અર્થ ‘વાત વંઠી’. ઉપરાંત, જો સ્ત્રી ઊઠીને આવી રીતે ન્યાયશાસ્ત્રીની માફક દલીલો ચલાવવા બેસે, તો અમારે પુરુષોએ દેશ છોડીને નાસવું જ પડે.
જોશી : મૂઠી અનાજ ખાઈને ઊંઘ્યા કરવું, એ તો કૂતરાં-બિલાડાં પણ કરે છે; પણ કોઈ પરાયાને કાજે જો ત્યાગ ન કરાય, પોતાની જનેતાનું સન્માન સાચવવા તમારાથી એક આંગળીયે ઊંચી ન થાય, તો પછી તમારી અને બીજાં પ્રાણીની વચ્ચે તફાવત શો?
પૃથ્વી : જોશી, કૃપા કરીને તું રણવાસમાં ચાલી જા. તારી વાક્ચાતુરી બહુ વધવા માંડી છે. હવે એ વાતોની વરાળ મારાં માથામાં સમાતી નથી. માથું ફાટફાટ થાય છે. પહેલાં તો તું બોલી છે તેટલું મને હજમ કરી લેવા દે; પછી નવું બોલજે. જાઓ, સિધાવો!

[જોશી ચુપચાપ ચાલી જાય છે.]

પૃથ્વી : સત્યાનાશ! મારે તો હાર કબૂલ કરવી પડી. શી રીતે એને જીતવી? મારું તો બધુંય પરખાઈ ગયું. એક તો બાયડીની ચતુર જાત, એમાં વળી જોશી જેવી ભણેલગણેલ સ્ત્રી : એ શી રીતે જિતાય? આટલા ખાતર જ હું બાયડીની જાતને વિશેષ ભણાવવા-ગણાવવાની વિરુદ્ધ છું ને! મારી આબરૂના તો કાંકરા જ થઈ ગયા.