The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સ્થળ : પૃથ્વીરાજનું અંત :પુર. સમય : રાત્રિ.
[પલંગ પર પૃથ્વીરાજ પડ્યો છે. સામે એની સ્ત્રી જોશીબાઈ ઊભી છે.]
જોશીબાઈ :
|
પ્રતાપ અને અકબર વચ્ચે તો ધીંગાણું મંડાણું. અહા! એક બાજુ એક ગરીબડા રાજ્યનો રાજા, અને બીજી બાજુ પૃથ્વી પરનો મોટામાં મોટો પાદશાહ.
|
પૃથ્વી :
|
વાહ! કેવો સુંદર દેખાવ! કેવો ઊંચો ભાવ! મને લાગે છે એના ઉપર એકાદ કવિતા જોડી કાઢું.
|
જોશીબાઈ :
|
તમે તો રાજકવિ, એટલે લાગે છે કે પાદશાહને જ વખાણી કાઢશો.
|
પૃથ્વી :
|
કેમ ન વખાણું? એક તો એ પાદશાહ અને વળી હું એનો પગાર ખાઉં છું. આ કલિયુગ છે એટલે શું હું ઊઠીને એની નિમકહરામી કરીશ?
|
જોશીબાઈ :
|
કલિયુગ તો ખરેખરો! નહિ તો પ્રતાપનો સગોભાઈ શક્તસિંહ અને એનો ભત્રીજો મહોબતખાં આજ કાંઈ મોગલોના પડખામાં રહીને એની સામે તરવાર ખેંચે? કલિયુગ ન હોય તો કાંઈ અંબરનો ધણી શૂરો માનસિંહ રજપૂતાનાના બાકી રહેલા એકના એક સ્વતંત્ર રાજ્ય મેવાડને માથે ઘા કરે? કલિયુગ ન હોય તો કાંઈ બિકાનેરના રાજવીનો સગો બાંધવ ક્ષત્રિય પૃથ્વીરાજ મોગલ શહેનશાહની ભાટાઈ કરે? હાય રે! ચંદ કવિ બિચારા બરાબર કહી ગયા છે કે હિન્દુનો ભયંકર વેરી તો હિન્દુ પોતે જ બનશે.
|
પૃથ્વી :
|
તેં ખરેખરી વાત કહી નાખી, હો જોશી! હિન્દુનો ભયંકરમાં ભયંકર વેરી તો હિંદુ જ! [વિચાર કરે છે.] વાહ! ભયંકર વેરી હિંદુ જ! ઓહો! હં ઠીક!
|
[એટલું બોલીને એ પલંગમાંથી ઊટીને માથું ઘુણાવવા લાગે છે, અને વાંસે હાથ રાખીને ઓરડામાં ટહેલવા માંડે છે.]
પૃથ્વી :
|
આ બાબત ઉપર એક ભારે સરસ કવિત લખી શકાય : હિન્દુનો ભયંકર વેરી હિન્દુ! એને એક ઉપમા પણ આપી શકાય. દાખલા તરીકે, માણસને વેરી તો ઘણા છે; જેવા કે વાઘ, રીંછ, સાપ, બાજ વગેરે! પણ એમાંયે મુખ્ય વેરી તો મનુષ્ય! કારણ, વાઘ રીંછ તો વગડામાં વસે; સાપ ભોંયમાં રહે, અને બાજ તો આકાશમાં. એટલે એ બધાની દુશ્મનાવટની કાંઈ બહુ બીક નહિ. પરંતુ મનુષ્ય તો પડખોપડખ રહેનારો! એ જો વેરી બને તો મામલો ગંભીર બને અથવા તો બીજી ઉપમા-અજ્ઞાનનો મુખ્ય વેરી અહંકાર જ. અથવા બીજી એક —
|
જોશી :
|
અરે ઠાકોર! આખો જન્મારો શું એકલી ઉપમા ગોતવામાં જ કાઢી નાખશો?
|
પૃથ્વી :
|
એ તો ભારે સુંદર ધંધો છે, જોશી! ઉપમાઓ તો જગતનાં કંઈ કંઈ નિગૂઢ તત્ત્વોની વ્યાખ્યા કરી બતાવે છે. ઉપમાઓ તો બતાવી આપે છે કે સત્ય જગતમાં, સંસારક્ષેત્રમાં અથવા મનોરાજ્યમાં સર્વત્ર વિકાસ તો એકધારો જ ચાલી રહ્યો છે. જે જુદાંજુદાં જગત વચ્ચેનો સંબંધ બતાવી શકે એ જ સાચો કવિ. અને એ બતાવવાનો ઉપાય એક જ — ઉપમા! કાલિદાસ મોટા કવિ કહેવાય એ શાથી? ઉપમાથી — उपमा कालिदासस्य! ઓહોહોહો! કવિ કાલિદાસ પણ થઈ ગયાને! વંદન! કોટિ કોટિ વંદન હજો તને, કાલિદાસ! — અરે હાં! જોશી! મારી છેલ્લી કવિતા — પાદશાહની કચેરીના વર્ણનની — તેં સાંભળી કે નહીં? સાંભળ —
|
જોશી :
|
ઓ ઠાકોર, આવી માલ વિનાની કવિતાનો લખવી છોડી દો, છોડી દો!
|
પૃથ્વી :
|
[ચમકીને ઊભો રહે છે. પછી ડોળા પાડીને] કવિતા લખવી છોડું? એના કરતાં તો તરવાર લઈને મારું માથું કાપી નાખને! હું કવિતા લખવી છોડી દઈશ? તું આ શું બોલી, જોશી?
|
જોશી :
|
તમે એક ક્ષત્રિય ઊઠીને — બિકાનેરપતિ રાજસિંહના સગા ભાઈ ઊઠીને — પાદશાહની ખુશામત કરવા બેઠા! ટાયલી ટાયલી વાતો જોડીને તમે આ દુર્લભ માનવ જન્મારો ગુમાવી બેઠા! શરમ નથી આવતી?
|
પૃથ્વી :
|
[ટહેલતો ટહેલતો] એ તો કાલિદાસ કવિ પોતે જ કહી ગયા છે ને કે मिन्नरुचिहि लोक : અર્થાત્, માણસ માણસની રુચિમાં ફેર હોય છે. અને તે ખરું છે : જેવું કે કોઈને ગાવું ગમે, તો કોઈને સાંભળવું ગમે, તો વળી કોઈને રાંધવું ગમે; કોઈને વળી ખાવું જ ગમે, એવી રીતે પ્રતાપને લડાઈ કરવાનું ગમે; તો મને લખવાનું ગમે છે. પ્રતાપ ચલાવે છે અસિ, તો હું ચલાવી રહ્યો છું મસિ! એમાં તને અઠીક શું લાગ્યું?
|
જોશી :
|
બહુ રૂપાળો ધંધો! શું ત્યારે આ કર્તવ્યમય સંસારમાં આવીને બે-ચાર અસાર વાતો શોધીને બીજી બે-ચાર માલ વિનાની વાતો સાથે જોડી દેવી અને, બસ, બેસી ફૂંકી ફૂંકીને જીવતર પૂરું કરી નાખવું. એમ જ નક્કી કરી બેઠા છો?
|
પૃથ્વી :
|
ઇચ્છા તો એવી જ છે. જે પંથ ઉપર કાલિદાસ, માઘ અને ભવભૂતિ ચાલ્યા ગયા, તે જ પંથે હું પણ પળ્યો છું. એમાં શરમાવા જેવું છે? કવિતા લખવી એ કાંઈ નીચ ધંધો નથી.
|
જોશી :
|
તમારી સાથે માથાફોડ કરવી નકામી છે.
|
પૃથ્વી :
|
હં — હવે ઠેકાણે આવી ખરી! તો પછી આવો નકામો વાદવિવાદ છોડીને મારો પિત્તો કંઈક ઠંડો રહે એવું ભોજન તૈયાર કરોને! પધારો! ખબર કાઢો કે ખાવાને શી વાર છે?
|
[જોશી ચાલી જાય છે. પૃથ્વી એકલો ઓરડામાં ટહેલે છે.]
પૃથ્વી :
|
[સ્વગત] પ્રતાપ! મૂરખા! ઘરબાર છોડીને ઠાલે હાથે; એકલે પંડે, તું આ વિશ્વવિજયી પાદશાહની સામે ખડો થવામાં શો સાર કાઢવાનો છે? જે સાધના નિષ્ફળ જ જવાની છે, તે સાધના આદરવી જ શા માટે? આવીને અમારા ટોળામાં ભળી જાને! પેટ ભરીને રોટલો પામીશ, રહેવા રાજમહેલ મળશે, કચેરીમાં માનપાન મળશે. શા માટે હઠીલો થાય છે? અને આવા આદર્શ ખડાં કરીને રજપૂતોનાં ઘરમાં બાયડીભાયડાં વચ્ચે ઠાલો કજિયો શા માટે સળગાવે છે!
|
[પૃથ્વીસિંહ જાય છે.]