રાણો પ્રતાપ/પાંચમો પ્રવેશ3

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પાંચમો પ્રવેશ

અંક ચોથો


સ્થળ : અકબરનું મસલતખાનું. સમય : મધ્યાહ્ન.

[અકબર હાથમાં કાગળ લઈને ઉત્તેજિત ભાવે ઓરડામાં ટહેલે છે. મહારાજા માનસિંહ ઊભેલ છે.]

અકબર : શાબાશ, માનસિંહજી! તમારાથી શું ન બની શકે? તમારાથી ન જિતાય એવો કોણ દુશ્મન છે? પ્રતાપ સરખા ટેકીલા શત્રુને પણ તમે ડગાવી દીધો. પૃથ્વીસિંહ હજુ કેમ ન આવ્યો?

[મહોબતખાં આવે છે.]

મહોબત : દિલ્હીશ્વરનો જય હો!
અકબર : મહોબત! આજ આજ્ઞા આપી દો કે શહેરના પ્રત્યેક મહેલ પર રેશમી પતાકા ચડાવી દે, રાજમાર્ગો ઉપર સંગીતના જલસા થાય, દિલ્હીના વિશાળ ચોકમાં રજપૂતો અને મુસલમાનો મહેફિલો ઊજવે, મંદિરોમાં ને મસ્જિદોમાં ઈશ્વરની બંદગી થાય, આગ્રા નગરીમાં રોશની કરી, ને ગરીબોને છૂટે હાથે પૈસા વહેંચે! આજ તો રાણા પ્રતાપે અકબરની તાબેદારી સ્વીકારી છે. સમજ્યો, મહોબત? જા જલદી.
મહોબત : જેવો જહાંપનાહનો હુકમ.

[જાય છે. પૃથ્વીરાજ આવે છે.]

અકબર : [સામે જોઈને] પૃથ્વીરાજ! બહુ ખુશખબર! તમારે આ વિષય પર એક કવિતા તો લખવી જ પડશે.
પૃથ્વીરાજ : શા ખબર, જહાંપનાહ
અકબર : રાણા પ્રતાપસિંહે શિર નમાવ્યું.
પૃથ્વીરાજ : આપ મશ્કરી તો નથી કરતા ને?
અકબર : જુઓ આ પત્ર.

[પૃથ્વીરાજને પત્ર આપે છે. પૃથ્વીરાજ એ વાંચે છે.]

અકબર : માનસિંહજી! કહો જોઉં, રાણા પ્રતાપને શો જવાબ લખશું?
માનસિંહ : લખીએ કે શહેનશાહની હજૂરમાં સુખેથી પધારો. મેવાડના રાજાને છાજતું સન્માન તૈયાર છે. [સ્વગત] પરંતુ ઓ પ્રતાપ! આજ જે સન્માન તું ખોઈ બેઠો, એની પાસે આ નવું સન્માન કેવું શોભશે? સાચાં મોતીની સામે બનાવટી મોતી જેવું!
પૃથ્વીરાજ : જહાંપનાહ! આ પત્ર બનાવટી છે.
અકબર : [ચમકીને] શી રીતે જાણ્યું કે બનાવટી?
પૃથ્વી : વિશ્વાસ નથી આવતો તેથી. હું અગ્નિને શીતળ, સૂર્યને શ્યામ વર્ણ, કમળને કદરૂપ, અને સંગીતને કર્કશ કલ્પી ન શકું; પરંતુ પ્રતાપ આ સંકલ્પ કરે એવું કલ્પી ન શકું; આ પ્રતાપના હસ્તાક્ષર જ નહિ.
અકબર : પ્રતાપસિંહના જ છે, પૃથ્વીરાજ! કાલ સવારથી તે અધરાત સુધી તો આગ્રા નગરીમાં ઉત્સવ કરવાનો મેં હુકમ કાઢ્યો છે. બસ, જનાનામાં જાઉં છું — માનસિંહજી, જોજો, ઉત્સવમાં ક્યાંય ખલેલ ન આવે.

[ઉતાવળથી અકબર ચાલ્યો જાય છે.]

માનસિંહ : શું ધાર્યું, પૃથ્વીરાજ!
પૃથ્વીરાજ : આપણી આશાનો છેલ્લો દીવો ઓલવાઈ ગયો. આજથી હવે શહેનશાહના સ્વેચ્છાચાર રોકાયા રોકાશે નહિ.
માનસિંહ : પૃથ્વીરાજ, તારો મનોભાવ હું સમજી ગયો છું. અકબર ઉપર કોપ કરવાનું કારણ છે. જો મેવાડ જઈને રાણાને ફરીવાર ઉશ્કેરવાની મરજી હોય તો હું તને નહિ રોકું — વાત બહાર નહિ પાડું.
પૃથ્વી : માનસિંહ! તું મહાન છે.

[જાય છે.]

માનસિંહ : આ તેં શું કર્યું, પ્રતાપ? આજ મેવાડનો સૂર્ય આથમી ગયો. આજ પહાડનું શિખર ખળભળી પડ્યું.

[ધીરે ધીરે જાય છે.]