રાણો પ્રતાપ/બીજો પ્રવેશ3

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
બીજો પ્રવેશ

અંક ચોથો

         સ્થળ : ખુશરોજ મેળાનું આભ્યંતરિક દૃશ્ય. સમય : સંધ્યા.

[માનસિંહજીની બહેન રેવા એકાકી, માળાના ગુચ્છ ધરી રાખીને ઊભી છે. રમણીઓ વિધવિધ વેશ ધરીને ત્યાંથી આવજા કરે છે. મેજ ઉપર ડાબા હાથની કોણી રાખીને ડાબી હથેળી પર લમણું ટેકવી રેવા એ દેખાવ જોઈ રહી છે. તેટલામાં બહુ કીમતી શણગાર સજેલી એક સ્ત્રી આવે છે.]

સ્ત્રી : આંહીં શું વેચાય છે?
રેવા : ફૂલોની માળા.
સ્ત્રી : જોઉં એક માળા; શાના ફૂલની છે?
રેવા : અપરાજિતા ફૂલ.
સ્ત્રી : નામ મોટું; પણ માળા નાની છે. આની કેટલી કિંમત?
રેવા : પાંચ સોનામહોર.
સ્ત્રી : લ્યો આ પાંચ મહોર; આપો એક માળા. શહેનશાહના ગળામાં પહેરાવી દઈશ.

[માળા લઈ જાય છે.]

રેવા : આ સમ્રાજ્ઞી લાગે છે; પણ શહેનશાહને તો ક્યાંય ન જોયા!

[બીજા વેશમાં બીજી સ્ત્રી આવે છે.]

બીજી સ્ત્રી : આંહીં ફૂલોની માળા મળે છે!
રેવા : હા.
બીજી સ્ત્રી : જોઉં! [જોવા લાગે છે.] આ માળા કયા ફૂલની?
રેવા : કદમ્બ ફૂલની.
બીજી સ્ત્રી : લ્યો આ પૈસા.

[માળા લઈને રવાના થાય છે.]

રેવા : કેવો અજબ મેળો! એવી એક પણ વસ્તુ નથી કે જે આંહીં ન વેચાતી હોય. કાશ્મીરી શાલ, જયપુરનાં સ્ફટિકનાં વાસણ, ચીનાઈ માટીનાં પૂતળાં, તુર્કસ્તાની જાજમો ને સિંહલદ્વીપના શંખ; બધી ચીજો મળે. આવો મેળો તો કદી નથી જોયો.

[ગળામાં માળા પહેરીને અકબર આવે છે.]

અકબર : આ માળા કોના હાથની ગૂંથેલી?
રેવા : મારા.
અકબર : તમે મહારાજા માનસિંહનાં બહેન કે?
રેવા : હા.
અકબર : [સ્વગત] સલીમ આની પાછળ પાગલ બન્યો છે એનું કારણ હવે સમજાયું. ભારતની આવી સામ્રાજ્ઞી બનવાને લાયક તો ખરી! [પ્રકટ] તમારી બીજી માળાઓ જોઉં! આ બધી માળાનું સામટું કેટલું મૂલ?
રેવા : એક હજાર મહોર.
અકબર : લ્યો આ દામ. હું બધી માળા ખરીદી લઉં છું.

[માળા લે છે. દામ આપે છે.]

રેવા : આપ શહેનશાહ અકબર કે!
અકબર : તમે સાચી અટકળ કરી.

[જાય છે.]


દૃશ્યાન્તર
સ્થળ : ખુશરોજ મેળાનું અંદરનું આંગણું. સમય : રાત્રિ.

[નૃત્યગીત : રાગ ભૈરવી]


         ઓહો! દીપમાલા પ્હેરી મલકી મલકી આ મહાનગરી રાજે,
         ઓહો! નિશીથ પવને ભવને ભવને બાંસુરીના સૂર ગાજે.
         આહા! કુસુમ-ગંધ ભભકે મંદ તોરણે સ્થંભે પ્રાંગણે,
         ઓહો, રૂપ-સમુદ્ર ઝરૂખે ઝરૂખે છલકી ઊઠ્યો છે આજે. — ઓહો.
         ગાય ‘જય જય મોગલરાજ, ભારત ભૂપતિ જય!’
         દક્ષિણે નીલ ફેનિલ સિંધુ, ઉત્તરે હિમાલય.
         આજ એનું ગૌરવ કરે ગર્જન નગરે નગરે ભુવને,
         આજ એને ગૌરવે સુમહોજ્જ્વલ ગગને ગ્રહો વિરાજે. — ઓહો.