રિલ્કે/10

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સર્જનની પૂર્વભૂમિકા

હવે હું દુનિયાને થોડી થોડી જોતાં શીખ્યો છું એટલે મને લાગે છે કે હવે મારે કશુંક કામ શરૂ કરી દેવું જોઈએ. મને અઠ્ઠાવીસ તો થયાં ને હજુ મારાથી ખાસ કશું જ બની શક્યું નથી. મેં શું શું કર્યું તે જરા સંભારી લઉં : કાર્પાસિયોના પર એક અભ્યાસપૂર્ણ નિબન્ધ લખ્યો – જરાય સારો કહેવાય એવો નહીં; ‘લગ્ન’ નામનું એક નાટક લખ્યું – અપ્રતીતિકર સાધનોની મદદથી સાવ ખોટી વાતને પ્રમાણિત કરવાનો પ્રયત્ન! આ ઉપરાંત થોડી પદ્યરચના. પણ કાચી વયે માણસ લખે ત્યારે એનું મૂલ્ય પણ શું હોય! માણસે જરા ધીરજ ધરવી જોઈએ, જીવનભર- ને જીવન સુદીર્ઘ હોય તો વળી વધુ સારું – એણે સમજ ને માધુર્યનો સંચય કર્યે જવો, તો કદાચ લગભગ અન્તવેળાએ સારી દસેક લીટી લખી શકાય; કારણ કે, ઘણાં માને છે તેમ, કવિતા કેવળ લાગણીની વસ્તુ નથી (લાગણી તો હરઘડીએ થતી હોય છે!); એ તો અનુભૂતિમાંથી આકાર લે છે. કાવ્યનો શ્લોક માત્ર લખવાને માટે માણસે ઘણાં શહેરો જોયાં હોવાં જોઈએ, ઘણા માણસો ને વસ્તુઓના સમ્પર્કમાં આવવું જોઈએ; પ્રાણીઓને ઓળખવાં જોઈએ, પંખીનાં ઉડ્ડયનને ઓળખવું જોઈએ; પ્રભાતમાં ખીલતી વેળાએ નાજુક ફૂલના પર જે મુદ્રા હોય છે તેનાથી પરિચિત થવું જોઈએ. અજાણી કેડી, અજાણ્યા પ્રદેશો, અણધાર્યા પ્રસંગો, લાંબા વખતથી મન જેની કલ્પનામાત્રથી ભીતિથી ફફડી ઊઠતું હતું તે વદાય, બાલ્યકાળના ધૂંધળા દિવસો, વાત્સલ્યપૂર્ણ માતાપિતા – આપણને આનન્દ થાય એવી રીતે વર્તવાનો જેમણે પ્રયત્ન કર્યો પણ જેમને ન સમજી શકવાને કારણે આપણે દુભવ્યા (એ આનન્દની બીજાને મન કેટલી કિમ્મત હોત!); બાલ્યકાળની માંદગીના પ્રસંગો – જેની શરૂઆત હંમેશાં ગંભીર પરિવર્તનો સાથે જ થતી; કોઈક ઓરડીમાં બધાંથી વિખૂટા પડીને એકાન્ત ને શાન્તિમાં ગાળેલા દિવસો; સાગરકાંઠે બેસીને માત્ર સાગર સાથે જ ગાળેલાં પ્રભાતો; તારાઓની સાથે હોડ લગાવીને દોડીને ગાળેલી પ્રવાસની રાત્રિઓ – આ બધાંને કલ્પનાથી ફરી સજીવ કરવાની શક્તિ હોવી જોઈએ – ને છતાં, આ બધું કલ્પી શકીએ એટલું જ પૂરતું નથી. પ્રેમની અનેક રાતો – એક રાત બીજી રાતથી સાવ જુદી; – પ્રસવવેદના સહેતી સ્ત્રીઓના આર્ત ચિત્કાર, એમના ફિક્કા ચહેરા, પથારીમાંનું એમનું એકાકીપણું, એમની ક્લાન્તિભરી નિદ્રા – આ બધાંની સ્મૃતિ ચિત્તમાં તાદૃશ બની ઊઠવી જોઈએ. મરવા પડેલા માણસનો સહવાસ, મરેલાંની પાસે ખુલ્લી બારીવાળી ઓરડીમાં બેસીને બહારની જીવતી દુનિયાનો સાંભળેલો કોલાહલ – એનો પણ અનુભવ હોવો જોઈએ. ને છતાં, આ બધાંની સ્મૃતિ હોવી તે પણ પૂરતું નથી. એ સ્મૃતિનો સંચય વધી પડે ત્યારે તેને ભૂલવાની શક્તિ પણ હોવી જોઈએ, ને એના પ્રત્યાગમનની પ્રતીક્ષા કરવાની અખૂટ ધીરજ પણ હોવી જોઈએ; કારણ કે મહદૃવની વસ્તુ તો છે સ્મૃતિ. જ્યારે એ સ્મૃતિ આપણા લોહીમાં લોહી બનીને ભળી જાય, એનાં નામ અને આકારને આપણામાં ઓગાળી નાંખીને અભિન્ન બની રહે ત્યારે એમાંથી પહેલો અક્ષર આકાર ધારણ કરી શકે.