રિલ્કે/5

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ભય

હવાના એકેએક કણમાં ભયાનકનો સ્પર્શ! એ કશુંક પારદર્શી હોય તેમ તમે એને શ્વાસ સાથે અંદર લઈ લો છો; પણ અંદર જતાંની સાથે જ એ ઘનીભૂત થવા માંડે છે, કઠિન બને છે, તમારા અવયવો વચ્ચે એ અણીદાર ભૌમિતિક આકારો ધારણ કરીને વ્યાપી જાય છે. કારણ કે ફાંસીના માંચડા પર, સિતમ ગુજારવાની કોટડીઓમાં, પાગલખાનામાં, શસ્ત્રક્રિયાના ઓરડામાં શિશિરની ઢળતી સાંજે પુલની કમાનોની નીચે જે કાંઈ યાતનાયંત્રણા માનવીએ સહ્યાં હોય છે તે જિદ્દી બનીને અવિનાશી થવા મથે છે; એની ભયાનક વાસ્તવિકતાને, બીજું જે કાંઈ વાસ્તવિક છે તેને માટેની પ્રચણ્ડ ઈર્ષ્યાપૂર્વક, બાઝી પડીને એ સૌ ટકી રહેવા મથે છે. લોકોને તો આમાંનું ઘણું ઘણું ભૂલી જવાતું હોય તે ગમે; આ બધાંએ મગજમાં જે આંકા પાડ્યા હોય છે તેને નિદ્રા કાનસ ઘસીને સપાટ કરી દે છે; પણ સ્વપ્નો નિદ્રાને દૂર ભગાડી મૂકે છે ને બધા આંકાની ફરી ધાર કાઢે છે. ને પછી આપણે સફાળા ધડકતી છાતીએ જાગી ઊઠીએ છીએ; દીવાની ઝાંખી શી જ્યોતને અન્ધકારમાં ઓગળી જવા દઈએ છીએ ને સાંજ વેળાની નિ:સ્તબ્ધતાને શરબતની જેમ ગટગટાવી જઈએ છીએ. પણ આ સહીસલામતી કેવી તો સાંકડી ધાર પર ટકી રહી હોય છે! સહેજસરખાં હલનચલનની સાથે જ આપણી દૃષ્ટિ પરિચિત અને આત્મીય લાગતી વસ્તુઓને ઉલ્લંઘી જઈને અગોચરમાં ડૂબકી મારી જાય છે. ઘડી પહેલાં જે આકારો હૃદયને ધરપત આપતા હતા તેના ભયાનક રૂપની રેખાઓ સ્પષ્ટ ઊપસી આવતી દેખાવા લાગે છે. અવકાશને વધુ પોકળ બનાવતા પ્રકાશથી હંમેશાં સાવધ રહેે’ઢ્ઢ તમે બેઠા થવા જતા હો ત્યારે તમારી સાથે જ કોઈક પડછાયો પણ બેઠો થઈને તમારા પર એનો દોર ચલાવતો નથી ને એવા કુતૂહલને વશ થઈને તમારી આજુબાજુ નજર ફેરવશો જ નહીં. એના કરતાં તો અંધારામાં પડ્યા રહેવું સારું. એમાં તમારું વણપુરાયેલું હૃદય, ભાર શેનો છે તે જાણ્યા વિના, એને આખો ને આખો ઉપાડી લેવા તૈયાર હોય છે. પછી તમે કંઈક સ્વસ્થ બનો છો; તમારા પોતાના હાથ આગળ જ તમારા અસ્તિત્વની સરહદ પૂરી થતી લાગે છે. કંઈક અનિશ્ચિતતાથી તમારા મુખની રૂપરેખાને તમે રહીરહીને ઉકેલવા મથો છો; તમારામાં ભાગ્યે જ ઝાઝી ખાલી જગ્યા રહી હોય છે; એટલા સાંકડા અવકાશમાં બહુ મોટું કશું પોતાને પ્રસારીને રહી નહીં શકે એ જાણીને તમે વિશ્વાસી બનો છો. જેને વિશે પહેલાં કશું સાંભળ્યું નથી એવું કશુંક પણ જો તમારામાં પ્રવેશવા ઇચ્છતું હોય તો આ સાંકડા પરિમાણમાં સમાઈ શકે એ માટે એને પણ પોતાની જાતો સંકોચીને જ પ્રવેશ કરવાનો રહે. પણ બહાર – બહાર તો એને કશી મર્યાદા નડતી જ નથી. ને બહારની સપાટી જ્યારે ઊંચે વધતી જાય છે ત્યારે તમારામાં પણ એ ઊંચી આવી રહી હોય એવો અનુભવ થાય છે – રગમાં નહીં (એના પર તો તમારો કંઈક કાબૂ હોય છે), પ્રમાણમાં નિષ્ક્રિય એવા તમારા બીજા અવયવોમાં નહીં, પણ તમારી કેશવાહિનીઓમાં : એ કેશવાહિનીઓ દ્વારા તમારા અનન્ત શાખાપ્રશાખાવાળા અસ્તિત્વના બાહ્યતમ અંશોમાં પણ એ વિસ્તરી જશે. અહીં એ ઊંચે ચઢે છે તો વળી બીજે ક્યાંક એ અમારા ઉપર થઈને ચાલી જાય છે, તમારા શ્વાસથીય ઊંચે ચઢે છે – ને એ તો તમારે માટે ભાગી છૂટવાનો છેલ્લો છેડો છે! પછી ક્યાં જવું? ક્યાં ભાગવું? તમારું હૃદય તમારામાંથી તમને બહાર ભગાડી મૂકે છે, તમારો પીછો પકડે છે, તમે લગભગ બેબાકળા બની જાવ છો, ને તમે ફરી પાછા તમારામાં પ્રવેશ કરી શકતા નથી. કચડાઈ ગયેલા જીવડાની જેમ તમે તમારા કાચલાની બહાર નીકળી આવો છો ને તમારી એ કઠિન ત્વચા તથા પ્રતિકૂળતા સામે ટકી રહેવાને કેળવેલી શક્તિનો કશો જ અર્થ રહેતો નથી. હે શૂન્ય રાત્રિ! બહાર નજર નાંખતી ઝાંખી બારી! કાળજીથી વાસેલાં દ્વાર! દીર્ઘ કાળથી ચાલી આવતી રીતરસમો (જેને અનુકૂળ બનાવીને સ્વીકારતા આવ્યા છીએ પણ કદી પૂરેપૂરી સમજી શક્યા નથી), વાવની અંદરની નિ:સ્તબ્ધતા, બાજુના ઓરડામાંની નીરવતા ઉપરની છત સુધી પ્રસરેલી શાન્તિ! ઓ માતા, તું જ એકલી એ બધી શાન્તિને બાજુએ હડસેલીને મારી પાસે આવતી, એને માથે લઈને કહેતી : ‘ભય પામીશ નહીં; એ તો હું છું.’ ભયથી છળી મરતા બાળક આગળ, મધરાતે, ખુદ શાન્તિ બનીને ઊભા રહેવાની તારામાં મગદૂર હતી. તું દીવો પ્રકટાવતી ને ત્યારે એ અવાજ તે તું પોતે જ હતી તેની ખાતરી થતી. તું દીવો ધરીને કહેતી : ‘એ તો હું છું; ભય પામીશ નહીં. પછી તું દીવો ધીમે ધીમે નીચે મૂકી દેતી, ને ત્યારે એ તું જ છે એ વિશે મનમાં શંકા રહેતી નહીં. આ પરિચિત આત્મીય વસ્તુઓને ઘેરી વળતી તું પ્રકાશમય પૂરી નિશ્ચિન્તતાથી આમ સરળ અને ભલી બનીને અસંદિગ્ધ રૂપે ઊભી રહી છે. ને દીવાલ પર કશુંક સળવળી ઊઠે છે કે કોઈકનાં પગલાં સંભળાય છે ત્યારે તું સહેજસરખું સ્મિત કરે છે – તારી તરફ વળીને એ અવાજનો અર્થ શોધતી ભયગ્રસ્ત દૃષ્ટિએ તાકી રહેલા એ શિશુના મુખ આગળ તું, પ્રકાશના એ પરિવેશ વચ્ચે તારું પારદર્શી સ્મિત ધરી દે છે. કેમ જાણે તું, કશીક ગુપ્ત યોજનાનુસાર, એ બધા દબાયેલા અવાજો સામે સંતલસમાં નહીં હોય! આ પૃથ્વીના શાસન કરનારાઓ પાસે તારામાં છે એવી શક્તિ છે ખરી? જોને, રાજાઓ પોતે પણ ભયથી સડક થઈને લાકડાં જેવા પડ્યા છે; ભાટચારણની કથાઓથી પણ એમનો ભય ભાંગતો નથી. એમની પટરાણીઓની સુખભરી હૂંફવાળાં વક્ષસ્થળમાં લપાવા છતાં ભય એમનામાં પ્રસરતો જ જાય છે. ને એમને સાવ લૂલા ને અશક્ત બનાવી દે છે. પણ તું તો આવતાંવેંત એ રાક્ષસને તારી પીઠ પાછળ ધકેલી દઈને, એને પૂરેપૂરો ઢાંકી દઈને (પડદાના જેમ ઢાંકીને નહીં, એ તો પવન આવતાં ખસી જઈને એની પાછળ રહેલી વસ્તુને છતી કરી દે છે) મારી આગળ ઊભી રહે છે. તને સાદ દઈને બોલાવતાંની સાથે જ દોડી આવીને તું એે રાક્ષસને પકડી પાડીને પાછળ પાડી દે છે. કશુંય બને કે સંભવે તે પહેલાં, ક્યારનીય, તું અહીં આવી પહોંચે છે; તારી પાછળ હોય છે કેવળ અહીં દોડ્યા આવવાની અધીરાઈ, એક અનંત કેડી, તારા વાત્સલ્યની દોડ. ક્ષિતિજ : જુલાઈ, ૬૨