લાલકિલ્લાનો મુકદ્દમો/‘આપણે જાપાનીઓની તાબેદારી નથી કરવાની!'

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
‘આપણે જાપાનીઓની તાબેદારી નથી કરવાની!'

જાહેરનામુ વંચાઈ રહ્યા બાદ શ્રી ભુલાભાઈએ આગળ ચલાવેલી ઊલટતપાસ દરમિયાન સાક્ષીએ જણાવ્યું કે :- ‘૧૯૪૪ના એપ્રિલમાં હું રંગુન ગયો ત્યારે આઝાદ હિંદ બેન્કની મને જાણ થઈ. કામચલાઉ સરકારના કાર્ય માટે પૂર્વ એશિયાના હિંદીઓએ મોટી રકમો ભેટ આપી હતી; અને એ આઝાદ હિંદ બેન્કમાં રાખવામાં આવતી હતી. પૈસા ઉપરાંત એજ કાર્ય માટે ચીજવસ્તુઓના રૂપમાં પણ મોટી ભેટો આપવામાં આવતી હતી. બેન્કમાંની રકમ અંદાજે કેટલી હશે તે હું જાણતો નથી પણ એ કરોડોની અને ઘણી મોટી રકમ હતી. ચીજવસ્તુઓની કિંમત પણ ઘણી મોટી હતી… આઝાદ હિંદ દળવાળા લેo કર્નલ એહસાન કાદિરને હું મળ્યો હતો. આo હિંo ફો૦ના કબજામાં આવે તે પ્રદેશનો વહીવટ આ દળને કરવાનો હતો. દળ નાગરિકોનું બનેલું હતું. સિંગાપુરમાં અને પછી રંગુનમાં નાગરિક વહીવટ માટેની તાલીમ એમને આપવામાં આવેલી. આo હિંo સરકારના કબજામાં આવનારા પ્રદેશના ભાવિ ગવર્નર લેo કર્નલ ચેટરજી હતા. કબજે કરાયેલા પ્રદેશના વહીવટ માટેની એક યોજના મને લેo કર્નલ ચેટરજીએ આપી હતી અને મેં એ તપાસી હતી. આઝાદ હિંદ દળમાં બસોએક માણસો હતા એમ હું ધારું છું. કામચલાઉ સરકાર તરફથી એક 'ગેઝેટ' બહાર પાડવામાં આવતું હતું. લશ્કરમાં થતી નિમણુકોની વિગતો એમાં આવતી હતી. એ વિગતો 'લશ્કરી ગેઝેટ'માં પણ આવતી હતી.' સવાલ : આo હિંo ફોo અને જાપાનીઓ વચ્ચેના સબંધ વિષે તમે કાંઈ જાણો છો? જવાબ : હા. બે મિત્રો તરીકે એ કાર્ય કરતાં હતાં… જાપાની ​લશ્કરમાં એક સંકલન-ખાતું હતું તે આo હિંo ફોo સાથે સંપર્ક જાળવતું… આo હિંo સરકારની સ્થાપના પછી બ્રિટન અને અમેરિકા બેઉ સામે લડાઈ જાહેર કરવામાં આવી હતી. જાપાની સરકારે આo હિંo સરકાર ઉપર એક એલચી મોકલ્યો હતો. એનું નામ હાચિયા. ધરી રાજ્યો અને થાઈલેન્ડ, ફિલિપાઈન્સ, ક્રોશિયા અને મુંચુકુઓ સહિત તેમના બીજા સાથીઓએ કામચલાઉ સરકારનો સ્વીકાર કર્યો હતો … . આo હિંo ફોo નો મુખ્ય ઉદ્દેશ હિંદુસ્તાનની મુક્તિ માટે અંગ્રેજો સાથે લડવાનો હતો. બીજો ઉદ્દેશ હતો મલાયા. બરમા અને દૂર પૂર્વમાંના હિંદીઓનું રક્ષણ કરવાનો … . પહેલી આo હિંo ફોo ને ૧૯૪૨ના ડીસેંબરમાં વિખેરી નાખવામાં આવી હતી. પહેલી આo હિંo ફો૦ના ઉપરી અફસર હતા કૅo મોહનસીંધ. ડીસેંબર ૧૯૪૨માં જાપાનીઓએ એમની ધરપકડ કરી હતી. જાપાનીઓ સાથે અમારે મતભેદો હતા પણ કૅ. મોહનસીંઘની ધરપકડ પછી જ આo હિંo ફો૦ને વિખેરી નાખવામાં આવેલી. સo : કે. મોહનસીંઘે એવી જાહેરાત કરેલી ખરી કે, જરૂર પડ્યે હું અંગ્રેજો ઉપરાંત જાપાનીઓ સામે પણ લડીશ? જo : સિંગાપુરની એક સભામાં એમણે એમ કહેલું કે, મારા રસ્તામાં જે કોઈ આવશે તેની સાથે હું લડીશ… કૅo મેાહનસીંઘ તરફથી અમને લેખિત સૂચના અપાયેલી હતી કે એમની ધરપકડ થાય તો આo હિંo ફોo વિખેરી નાખવી. આ સૂચના એક સીલબંધ કવરમાં હતી. એમની ધરપકડ પછી જ એ ખોલવાનું હતું … શરૂઆતથી જ સહુમાં સામાન્ય લાગણી હતી કે આપણે જાપાનીઓની તાબેદારી નથી કરવાની… સુભાષબાબુ આવ્યા પછી બધાને થયું કે, હવે આપણને એક એવા આગેવાન મળ્યા છે કે જે જાપાનીઓની તાબેદારી સ્વીકાર્યા વિના આપણને સાચે માર્ગે દોરી જશે. તે પછી એ બે ​લશ્કરો મિત્ર બન્યાં. આ૦હિં૦ફો૦ને જાપાની અફસરો નહિ પણ હિંદી અફસરો તરફથી તાલીમ અપાતી. એના તમામ અફસરો હિંદીઓ હતા. આo હિંo ફો૦ના વાવટામાં હિંદી રાષ્ટ્રીય મહાસભાના વાવટાના જ રંગો હતા : કેસરી સફેદ અને લીલો. એના બિલ્લા જાપાની બિલ્લાઓ કરતાં જુદા હતા. સo : બિલ્લા ઉપરના બજરિયા રંગના એક તારાને કાઢી નાખવામાં આવ્યો હતો કારણ કે એ જાપાનના ઊગતા સૂરજ જેવો લાગતો, એ વાત સાચી છે? જ૦: હા, બીજી આo હિંo ફો૦એ એને કાઢી નાખ્યો હતો. ૧૯૪૪ના ઓકટોબરની ૨૧ મી પછી સિંગાપુરમાં મળેલી એક સભામાં સુભાષચંદ્ર બોઝે કહેલું કે જેને આo હિંo ફોo માંથી નીકળી જવું હોય તે જઈ શકે છે. આo હિંo ફો૦ના સૈનિકો આ સભામાં હાજર હતા. … આઝાદ હિંદ સરકાર તરફથી બહાર પડતું 'જય હિંદ' અથવા 'આઝાદ હિંદ' નામનું એક અઠવાડિક મેં સિંગાપુરમાં જોયું હતું… આઝાદ હિંદ ફોજમાં ખોરાક-પોષાક ઉપરાંત લેફ્ટેનન્ટને માસિક રૂ. ૮o અને કૅપ્ટનને રૂ. ૧૭૫ ભથ્થા તરીકે અપાતા હતા. મેજરને મલાયામાં રૂ. ૧૮o અને બારમામાં રૂ. ૨૩o મળતા. એજ રીતે લેફ્ટેનન્ટ કર્નલને રૂ. ૩૦o અને કર્નલને રૂ. ૪૦o અપાતા. આઝાદ હિંદ સરકારને એક જંગી સોગાદ આપવા માટે રંગુનમાં હબીબને 'સેવક-એ-હિંદ'નો ચાંદ એનાયત કરવામાં આવ્યો ત્યારે હું હાજર હતો. એ સોગાદ રૂપિયા એક કરોડની હતી તેની મને ખબર નથી. આઝાદ હિંદ સરકાર તરફથી બીજા માનચાંદ પણ આપવામાં આવતા હતા.

૨૨ મી નવેંબર : ગુરુવાર

ફરિયાદપક્ષના બીજા સાક્ષી કૅ. ઘરગાલકરની જુબાની આજે શરૂ થઈ. સરકારી વકીલના સવાલોના જવાબ દરમિયાન તેમણે જણાવ્યું કે– ‘૧૯૩૧ માં હું હિંદી લશ્કરમાં જોડાયેલો. મલાયાની લડાઈમાં મેં ભાગ લીધો છે. ૧૯૪૨ ની ૧૬ મી ફેબ્રુઆરીએ સિંગાપુરમાં અંગ્રેજો જાપાનીઓને શરણે થઈ ગયા ત્યારે હું ત્યાં હતો. અાo હિંo ફોo સાથે અગાઉ મારે કાંઈ સંબંધ નહોતો. મારી રેજિમેન્ટના અને બીજા માણસોને આo હિંo ફો૦માં જોડાતા રોકવા મેં પ્રયત્નો કરેલા બીજા હજારેક યુદ્ધકેદીઓની સાથે મને થાઈલેંડમાં મજૂરી કરવા મોકલેલો.' સરકારી વકીલ : એ છાવણીમાં તમને કેટલા દિવસ રાખવામાં આવેલા? સાક્ષી : ૮૮ દિવસ સુધી. સo વo : ત્યાં તમારી સાથે કેવું વર્તન રાખવામાં આવતું હતું? ભુલાભાઈ : એ વાતને આરોપીઓ સાથે કોઈ સંબંધ છે. ખરો? એમાં જો કોઈ ફરિયાદ હોય તો એ જાપાનીઓ સામે છે. આથી સરકારી વકીલે સવાલ આગળ પૂછવાનું માંડી વાળ્યું. તે પછી યુદ્ધકેદીઓની છાવણીમાંની પરિસ્થિતિ વિષે એમણે સંખ્યાબંધ સવાલો પૂછ્યા. જવાબમાં સાક્ષીએ છાવણીના નાયક શીંગારાસીંઘ અને ફત્તેહખાન ઉપર આક્ષેપો કર્યો. શીંગારાસીંધ અને ફત્તેહખાન ઉપર ચાલતા બીજા એક ખટલામાં શ્રી અસફઅલી એમના વકીલ હેાવાથી એની સામે એમણે વાંધો ઉઠાવ્યો કે એ અફસરો સામે આ અદાલતમાં આક્ષેપો કરીને તેમની સામેના ખટલામાં પૂર્વગ્રહો ઊભા કરવા એ ઘણું અયોગ્ય છે. અદાલતે દસ મિનિટ સુધી ખાનગીમાં મંત્રણા કરીને જાહેર કર્યું કે એ બે અફસરોના નામ લેવાવાં ન જોઈએ. આગળ ચાલતાં સાક્ષીએ કહ્યું કે, 'શાહનવાઝ અને સેહગલ એ છાવણીમાં આવતા હતા તે મને યાદ છે. એ બેઉ અફસરોને હું એાળખું છું.' ​ તરત જ જજ-એટવોકેટે સાક્ષીને સુચના આપી કે એમનો ઉલ્લેખ 'અફસરો' તરીકે નહિ પણ 'આરોપીઓ' તરીકે કરવો વધુમાં સાક્ષીએ જણાવ્યું કે- ‘આo હિંo ફો૦ના કબજા હેઠળની એક છાવણીમાં યુદ્ધકેદીઓને ખરાબ વર્તન અને મારનો ભોગ થતા મે જોયા છે … . સિંગપુરમાં લેo કર્નલ હંટે હિંદી લશ્કરને મેજર ફ્યુજીવારાને શરણે સોંપી દીધા પછી જાપાનીઓએ અંગ્રેજો અને હિંદીઓને જુદા પાડેલા, આo હિંo ફો o માં જોડાવા જે તૈયાર થયા એમને બીજાઓથી વિખૂટા પાડવામાં આવ્યા હતા. ન જોડાનારાઓ જાપાનીઓના કબજામાં રહ્યા હતા … મને જે છાવણીમાં રાખવામાં આવ્યેા હતો તેમાં કોઈની સાથે ખરાબ વર્તન ચલાવેલું હોવાની મને જાણ નથી. ખોરાક સારો નહોતો પણ બરોબર હતો… . છાવણીમાંના અફસરોને આo હિo ફો૦માં જોડાવાનું કૅ. શાહનવાઝે કહ્યું હતું કે નહિ તે મને ચોક્કસ યાદ નથી.' તે પછી ફરિયાદપક્ષના ત્રીજા સાક્ષી સુબેદાર મેજર બાબુરામ આવ્યા એમને અંગ્રેજી બરોબર નહોતું આવડતું તેથી એક દુભાષિયાને પણ બોલાવવામાં આવ્યો. અદાલતે આરોપીએાને પૂછ્યું કે, દુભાષિયાની સામે કોઈને વાંધો છે? કૅ. શાહનવાઝ અને કૅ. સહેગલે ના પાડી. પણ લે. ધિલને કહ્યું કે, અત્યારે મને કાંઈ વાંધો નથી પણ એ જો પૂરી આવડતવાળો નહિ જણાય તો હું વાંધો ઉઠાવીશ. જજ-એડવોકેટે કહ્યું કે આવડત છે કે નહિ તે અદાલત નક્કી કરશે. પાછળથી સાત ન્યાયાધીશેમાંના એક મેજર બનવારીલાલ દુભાષિયા બન્યા. સાક્ષીએ જુબાનીમાં જણાવ્યું કે- ‘સિંગાપુરની શરણાગતિ પછી કૅo કિયાંનીના તાબા હેઠળની અમારી બેટેલિયન ફેરર પાર્કમાં ગઈ. ત્યાં સોળેક હજાર યુદ્ધકેદીઓ ભેગા થયા હતા… લે. કર્નલ હંટે ધ્વનિવર્ધક યંત્ર ઉપરથી ત્યાં ભાષણ કર્યું કે, 'બ્રિટિશ સરકારના પ્રતિનિધિ તરીકે હું તમને બધાને યુદ્ધકેદીઓ તરીકે જાપાનીસ સરકારના હાથમાં સોપી દઉં છું. જે રીતે તમે બ્રિટિશ સરકારના હુકમોનું પાલન કરતા હતા ​ એજ રીતે જાપાનીસ સરકારના હુકમ ઉઠાવજો નહિ તો તમને સજા થશે.' તે પછી લેo કo હંટે મેજર ફ્યુજીવારાને કેટલાંક કાગળીઅાં સોંપ્યાં. પછી મેજર ફ્યુજીવારાએ જાપાનીસ ભાષામાં ભાષણ કર્યું. તેનો અંગ્રેજી અને હિન્દુસ્તાનીમાં તરજૂમો પણ કરવામાં આવ્યો હતો. એમણે કહ્યું કે, 'જાપાનીઝ સરકારના પ્રતિનિધિ તરીકે હું તમારો કબજો સંભાળી લઉ છું, પણ મારી સરકાર તમને યુદ્ધકેદીઓ નહિ ગણે. તમે સ્વતંત્ર માનવીઓ છો. અમારી પાસે ખોરાકની તંગી છે અને યુદ્ધકેદીઓ પાસે મજૂરી કરાવવી પડશે. હું તમને કૅo મોહનસીંઘના હાથમાં સોંપું છું. એ તમારા સર-સેનાધિપતિ રહેશે.' કૅ. મોહનસીંઘે કહ્યું કે, 'અંગ્રેજોએ આપણને જાપાનીઓના હાથમાં સોંપી દીધા છે. પણ જાપાનીઓ આપણને યુદ્ધકેદી ગણાતા નથી, તેમજ તેમની પાસે ખેારાકની તંગી છે. આપણે એક આઝાદ હિંદ ફોજ ઊભી કરીએ કે જે હિંદને સ્વતંત્ર કરવા માટે લડે. તમે આo હિંo ફો૦માં જોડાવા તૈયાર છો?' જવાબમાં સભાના માણસોએ પોતાનાં હથિયારે ઊંચાં કર્યાં, પાઘડીઓ હવામાં ઉડાડી અને ઘણો આનંદ દેખાડ્યો. કૅo મોહનસીંઘે કહ્યું કે, 'તમને આનંદ પામતા જોઈને હું ખુશ થાઉં છું પણ બરાડા પાડવાથી આપણને આઝાદી નહિ મળે. અંગ્રેજોએ એવો આક્ષેપ કર્યો છે કે હિન્દી લશ્કર મલાયામાં બરાબર લડ્યું નથી. પણ હિન્દી લશ્કર પાસે કેવાંક હથિયાર હતાં તે આપણે જાણીએ છીએ. આપણી પાસે કેટલી ટેન્કો હતી? કેટલાં વિમાનો હતાં?… ….' કૅ. કિયાનીના હુકમ પ્રમાણે બેંગકોક પરિષદમાં મેં હાજરી આપી હતી. એમાં કેટલાક ઠરાવો પસાર થયા હતા. આઝાદ હિંદ ફોજ અને હિંદી સ્વાતંત્રય સંઘની સ્થાપના કરવાનું આ પરિષદમાં નક્કી થયું હતું. સિંગાપુર મલાયા, બર્મા, થાઈલેંડ, જાવા, સુમાત્રા, ​ફિલિપાઈન્સ અને જાપાનમાંની સંઘની શાખાઓ તરફથી આo હિંo ફોo માટે પૈસા, કપડાં અને રંગરૂટ ભેગા કરવાનું પણ નક્કી થયું હતું. આo હિંo ફોo માટેનાં હથિયારો દારૂગોળો અને સામગ્રી જાપાનીસ સરકાર તરફથી પૂરાં પાડવામાં આવશે અને પછી રચાનારી હિન્દી સરકાર તરફથી એની કિંમત રોકડી ચૂકવવામાં આવશે એવું નક્કી થયું હતું… બેંગકોક પરિષદમાંથી પાછા ફર્યા બાદ હું મારી પોતાની મરજીથી આ૦હિંo ફો૦માં જોડાયો હતો. ૧૯૪રની ૧લી સપ્ટેમ્બરે આo હિંo ફો૦ની સ્થાપના થઈ હતી. એની પહેલી પાયદળ બેટેલિયનમાં મને મૂકવામાં આવ્યો હતો. બે ત્રણ દિવસ પછી અમે કવાયત કરવા માંડી. થોડા દિવસ પછી અમને મશીનગન, મોર્ટાર પિસ્તોલ અને રાયફલો મળ્યાં. સિંગાપુરમાં શરણે થયેલા હિંદી લશ્કરનાં એ હથિયારો હતાં. અમારી બેટેલિયન હિંદી લશ્કરનો ખાખી પોષાક પહેરતી પણ અમારાં બાવડાં ઉપર આo હિં૦ફો૦ના બિલ્લા હતા. એમાં જ કાંગ્રેસનો વાવટો અને “આ૦હિં૦ફો૦” એવા અક્ષરો હતા… કૅ. મોહનસીંઘના ફરમાન મુજબ આo હિંo ફો૦ને વિખેરી નાખવામાં આવેલી. આગળ ઉપર નવી આo હિંo ફોo ઊભી કરવાની ચળવળ આવેલી. એમાં હું ન જોડાયો. એમાં ન જોડાનારાઓને જાપાનીઓએ ૧૯૪૩ની પ મી મેને દિવસે ન્યુ ગિની મેકલી દીધા. ત્યાંની જાપાની છાવણીમાંથી એક દિવસ હું નાસી છૂટ્યો.' શ્રી ભુલાભાઈની ઊલટતપાસમાં સાક્ષીએ જણાવ્યું કે- ‘સિંગાપુરની શરણાગતિ પહેલાં હું કૅo શાહનવાઝના તાબા હેઠળની બેટેલિયનમાં હતો. બ્રિટિશ અફસરોના તાબા હેઠળની કંપનીઓ ભાગી ગઈ ત્યારે પણ અમારી કંપનીએ લડવાનું ચાલુ રાખેલું… .. નીસૂનની યુદ્ધકેદીઓની છાવણી કૅo શાહનવાઝના કબજા હેઠળ હતી. આo હિંo ફો૦માં જોડાયેલા ​અને ન જોડાયેલા બેઉને એ છાવણીમાં રાખ્યા હતા. એમની સાથેના વર્તનમાં કોઈ ભેદભાવ નહોતો. અમે સાથે જ રહેતા અને એક જ ખેારાક ખાતા, હું ત્યાં પહોંચ્યો ત્યારે પાણી, દીવા વ. ની કાંઈ સગવડ ત્યાં હતી નહિ. કૅ. શાહનવાઝે એ પૂરી પાડેલી. કૅo શાહનવાઝે છાવણીનો કબજો સંભાળ્યો તે પછીથી પરિસ્થિતિ સુધરતી જતી હતી. ઈસ્પિતાલમાં મળતી સારવારમાં કોઈ જાતનો ભેદભાવ નહોતો રખાતો. કૅo શાહનવાઝ અને બીજા અફસરોએ ઈસ્પિતાલ માટે પૈસા આપેલા. કૅo શાહનવાઝની અપીલને લીધે ઈસ્પિતાલના દરદીઓને કોઈ જાતના ભેદભાવ વિના ફળો અને દવાઓ પૂરાં પાડવાં રપ૦o ડોલરનો ફાળો કરાયેલો… પહેલી આo હિંo ફોo ની ચળવળ હિંદની આઝાદી માટેની હતી તેથી હું એમાં સ્વેચ્છાએ ભરતી થયેલો. હિંદુસ્તાન ઉપર ચઢાઈ કરવા માટે જાપાનીઓ આo હિંo ફો૦નો પાંચમી કતાર તરીકે ઉપયોગ કરવા માગતા હતા, તેથી સેનાપતિ મોહનસીંગ અને જાપાની વચ્ચે મતભેદ ઊભા થયા, અને પરિણામે આo હિંo ફો૦ને વિખેરી નાખવામાં આવી. બીજી વારની આo હિંo ફો૦માં જોડાવાની મેં ના પાડી, કારણકે મને થયું કે પોતાના ઉપયોગ માટે ફરીવાર જાપાનીઓ આo હિંo ફો૦નો ઉપયોગ પાંચમી કતાર તરીકે કરશે.'

ર૩ મી નવેમ્બર : શુક્રવાર :

ફરિયાદપક્ષના ચોથા સાક્ષી જમાદાર અલ્તાફ રઝાકે કહ્યું કે- હિંદી લશ્કરમાં હું ૧૯૨૨ ની સાલમાં જોડાયો. ૧૯૪૧ના જાન્યુઆરીમાં હું મલાયામાં હતો ત્યારે મને જમાદાર બનાવવામાં આવેલો. સિંગાપુરમાં હું યુદ્ધકેદી બન્યો હતો અને એક વરસ સુધી મલાયાની જુદી જુદી છાવણીઓમાં રહેલો. પોર્ટ ડિકસનમાંની યુદ્ધકેદીઓની છાવણીની મુલાકાતે કૅo શાહનવાઝ આવ્યા ત્યારે એમણે ચોક્‌ખું કહેલું કે, તમારે તમારી ​પોતાની મરજીથી જ આo હિંo ફો૦માં જોડાવું. આઠ મહિના પછી હું આo હિંo ફો૦માં જોડાયો, કારણકે મને અને બીજાઓને લાગ્યું કે જાપાનીઓના યુદ્ધકેદીઓ તરીકે મરવા કરતાં હિંદની આઝાદી માટે મરવું બહેતર છે. આo હિંo ફો૦ની મારી રેજિમેન્ટ ઑગસ્ટ ૧૯૪૪ સુધી ઉત્તર મલાયામાં હતી. ત્યાંથી પછી ૧૯૪૫ ના જાન્યુઆરીમાં અમને રંગુન નજીકના એક સ્થળે લઈ જવામાં આવેલા. અમારી રેજિમેન્ટ કૅo સેહગલના તાબામાં હતી. એમણે અમને કહ્યું કે આ રેજિમેન્ટને હવે આગળ વધીને પોપા ટેકરી જવાનું છે… સુભાષચંદ્ર બોઝે રેજિમેન્ટની મુલાકાત લીધેલી અને અમે એમને સલામી આપેલી. સુભાષચંદ્ર બોઝે રેજિમેન્ટને કહ્યું કે, ગયે વર્ષે આo હિંo ફો૦એ જેવો ભાગ ભજવ્યો હતો એવો જ તમે પણ ભજવજો. આo હિંo ફો૦માંથી કેટલાક માણસો ભાગી ગયા છે. પણ હવે એવું ન બનવું જોઈએ. જે લોકો મોરચા સુધી કૂચ કરી શકે તેમ ન હોય એ પાછળ રહી શકે છે. એ પ્રસંગે કેાઈ પાછળ રહ્યું નહોતું.' ફરિયાદપક્ષના પાંચમા સાક્ષી સતોખસીંઘે જણાવ્યું કે- ‘૧૯૩૬માં હું લશ્કરમાં જોડાયો. જાપાન સાથેની લડાઈ શરૂ થઈ ત્યારે હું મલાયામાં એક હોદા પર હતો. જાપાનીઓનો કેદી બન્યા પછી ૧૯૪૨ના સપ્ટેંબરમાં આo હિંo ફો૦માં જોડાયો. કૅ. સેહગલે અમને આo હિંo ફો૦માં મરજિયાતપણે ભરતી થવાનો આગ્રહ કરેલો. પણ એમણે કહેલું કે, હું કોઈને બળજબરીથી ભરતી કરવા નથી માગતો. એ વખતે હું ભરતી ન થયો. મને અને બીજા ભરતી ન થનારાઓને બીજી છાવણીમાં લઈ ગયા. એ છાવણીમાં કૅo શાહનવાઝે ભાષણ કરેલું કે “હિંદની આઝાદી માટે આo હિંo ફો૦માં જોડાવું એ દરેક હિંદીની ફરજ છે. ગુરુ ગોવિંદસિંહે પોતાનો પંથ શરૂ કર્યો ત્યારે પાંચ જ માણસો એમાં જોડાયા હતા. બહાદુર માણસોએ આ બીજી આo હિંo ફો૦માં જોડાઈ જઈને હિંદના રાષ્ટ્રધ્વજ નીચે ઊભા રહેવું જોઈએ,'