લાલકિલ્લાનો મુકદ્દમો/‘હિંદુસ્તાનની સાચી તસ્વીર અમે ભાળી?'

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
‘હિંદુસ્તાનની સાચી તસ્વીર અમે ભાળી?'

ફરિયાદીનો પક્ષ પૂરો થયો તે પછી ત્રણેય આરોપીઓએ અદાલત સમક્ષ પોતાનાં જુદાં જુદાં નિવેદનો કર્યો. ચાલીસ મિનિટ સુધી ચાલેલું કૅ. શાહનવાઝખાનનું નિવેદન આ રહ્યું: ‘જંજુઆ રજપુતોના કુળમાં મારો જન્મ થયો છે. મારા પિતાએ હિંદી લશ્કરમાં ત્રીસ વરસ સુધી નોકરી કરી હતી. પહેલા અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મારા કુટુંબનો એકેએક સશક્ત માણસ લશ્કરમાં જોડાઈ ગયો હતો. અત્યારે એમાના એંશી જેટલા હિંદી લશ્કરમાં અફસરો તરીકે કામ કરી રહ્યા છે. ટૂંકમાં હું અણિશુદ્ધ લશ્કરી વાતાવરણમાં ઊછર્યો છું, અને ૧૯૪૩ના જુલાઈમાં સિંગાપુરમાં નેતાજી સુભાષચંદ્ર બોઝને હું મળ્યો ત્યાં સુધી રાજકીય દ્રષ્ટિએ હું લગભગ અભણ હતો. જુવાન અંગ્રેજ અફસરોની આંખો વડે હિંદુરતાન જોતાં મને શીખવવામાં આવેલું, અને મને એક સિપાહીગીરી અને બીજી રમતગમત સિવાય કોઈ ત્રીજી વાતમાં રસ નહોતો. ૧૯૪૨ની ૨૯મી જાન્યુઆરીએ હું સિંગાપુર પહોંચ્યો ત્યારના સંજોગો ઘણા કટોકટીભર્યા હતા. તેમ છતાં બહાદુરીથી લડવાનું મેં નક્કી કરેલું. ૧૯૪૨ની ૧૩, ૧૪ ને ૧૫મી ફેબ્રુઆરીની સિંગાપુરની લડાઈ દરમિયાન મારી જમણી અને ડાબી પાંખ પરના બ્રિટિશ અફસરો પોતાની ટુકડીઓ સહિત નાસી ગયા હતા ત્યારે પણ, મારા ઉપરી અફસરે શરણે જવાનો હુકમ ન આપ્યો ત્યાં સુધી હું મારી જગ્યાએ ટકી રહ્યો હતો. આ હુકમ મને ઘણો અકારો લાગ્યો, કારણકે મને થયું કે દુશ્મન સામે લડવાનો સરખો મોકો મને આપવામાં આવ્યો નહોતો. લડાઈમાં આમ મને મોડે મોડે સિંગાપુર લાવીને તરતજ હથિયાર ​હેઠાં મૂકવાનું અને બિનશરતી શરણાગતિ સ્વીકારવાનું ફરમાન કરવામાં આવ્યું એમાં મને મારી જાત પ્રત્યેનો અને એક સિપાહી તરીકેના મારા સ્વમાન પ્રત્યેનો મોટો ગેરઈન્સાફ જણાયો. ૧૯૪૨ના ફેબ્રુઆરીની તા: ૧૫-૧૬ની શરણાગતિવાળી રાતે અમને ફરમાન પહોંચ્યું કે 'કિંગ્ઝ કમિશન્ડ અફસરો' સહિત તમામ હિંદીઓએ ફેરર પાર્કમાં ભેગા થવાનું છે; અને તમામ બ્રિટિશ અફસરો અને બિન-અફસરોએ ચાંગીમાં એકઠા થવાનું છે. અમે બધા અને ખાસ કરીને તો અફસરો આ હુકમ સાંભળીને ઘણી નવાઈ પામ્યા, કારણકે સુધરેલી લડાઈના કાનૂન મુજબ હિન્દી કે બ્રિટિશ તમામ કેદી-અફસરોને તેમની ટુકડીએથી અલગ પાડ્યા બાદ એક સ્થળે ભેગા રાખવામાં આવે છે. ૧૬ મી ફેબ્રુઆરી ૧૯૪૨ની સવારે અમે અમારે એકઠા થવાના સ્થળ તરફ જઈ રહ્યા હતા, ત્યારે અમારા કમાન્ડિંગ અફસર મેજર મકાદમ અને બીજા બ્રિટિશ અફસરો બેટેલિયનને મળવા આવ્યા અને મારી સાથે હાથ મિલાવતા બેાલ્યા, ' હું ધારું છું કે આપણા રાહ જુદા પડવાની વેળા હવે આવી ગઈ છે.' અમને હિન્દીઓને રઝળતા છોડવામાં આવ્યા છે એવી માન્યતાને આ શબ્દોએ ટેકો આપ્યો. ફેરર પાર્કમાં બ્રિટિશ સરકારના પ્રતિનિધિ કર્નલ હંટે અમને જાપાનીસ જાસૂસી ખાતાના કમાન્ડર મેજર ફ્યુજીવારાના હાથમાં સોંપી દીધા. સોંપતી વેળા, કર્નલ હંટે આખી પરેડને 'હોંશિયાર' નો હુકમ આપી ઊભા - રાખી અને કહ્યું: ' હું તમને જાપાનીસ સરકારના હાથમાં સોંપું છું. જેમ તમે અમારા હુકમ પાળતા હતા તેમ એમના પણ પાળજો.' ૧૯૪૨ની ૧૫મી ફેબ્રુઆરીથી તે મેની આખર સુધી હું આo હિo ફોo ઊભી કરવાની વિરૂદ્ધમાં હતો. ૧૯૪૨ના જૂનથી ૧૯૪૩ના ​જુલાઈ સુધી હું આo હિંo ફો૦માં રહેલો પણ તે એવા જ ઈરાદાથી કે જો તે પરદેશીઓની સ્વાર્થસાધકતા આગળ નમી પડે તો અંદરથી તેમાં ભંગાણ પડાવવું. પણ ૧૯૪૩ના જુલાઈમાં મને પૂરી ખાત્રી થઈ કે એ સ્વાધીનતાની એક સાચી સેના છે અને એની પ્રવૃત્તિઓમાં મેં પૂરા દિલથી ભાગ લીધો. શરૂઆતમાં જ્યારે હું નીસૂન છાવણીનો કામાન્ડર હતો ત્યારે એમાં રહેતા યુદ્ધકેદીઓ માટેની આરોગ્યની વ્યવસ્થા, પાણી, રહેવા-જમવાની વ્યવસ્થા, તબીબી સારવાર, વ૦માં મેં સુધારો કર્યો હતો. હું કમાન્ડર હતો તે સમય દરમિયાન મારા હાથ નીચેનાં માણસોના દુર્ભાગી સંજોગોમાં સુધારો કરવો એ જ મારી મુખ્ય ઉમેદ રહી હતી. સિંગાપુરમાંની યુદ્ધકેદીઓની છાવણીઓની મુલાકાતે હું જતો અને આo હિંo ફો૦માંથી મને મળતા ખિસ્સાખર્ચ, કપડાં અને દવાદારૂ એ કેદીઓમાં વહેંચતો. કુલાલુમ્પુરમાં હિંદી યુદ્ધકેદીઓ માટે રહેવાની સારામાં સારી સગવડો હું મેળવી શક્યો હતો દૂર પૂર્વમાંના કોઈપણ કેદીઓને અપાયેલી સગવડો કરતાં એ કદાચ વધુ સારી હશે. હું ત્યાં હતો તે દરમિયાન નિરાધાર હિંદીઓને પણ મેં મારાથી બનતી મદદ કરેલી. એમાંના કુડીબંધ માણસો ભૂખથી મૃત્યુ પામી રહ્યા હતા. બધા યુદ્ધકેદીઓને મેં એક દિવસ ઉપવાસ કરવાની અને એ રીતે બચાવેલો ખોરાક એ લોકોને મોકલાવવાની વિનંતી કરી હતી. નેતાજી સુભાષચંદ્ર બોઝ આo હિંo ફો૦ની આગેવાની લેવા સિંગાપુર આવવાના છે એવું જાણ્યા પછી ૧૯૪૩ ના ફેબ્રુઆરીમાં હું આo હિંo ફો૦માં જોડાયો. નેતાજી સિંગાપુર આવ્યા ત્યારે મેં એમનું ઝીણવટથી નિરીક્ષણ કર્યું. અગાઉ કદી મેં એમને જોયેલા નહિ અને હિંદુસ્તાનમાંની એમની પ્રવૃત્તિઓ વિષે હું ઝાઝું જાણતો નહોતો. મલાયામાં મેં એમનાં કેટલાંક જાહેર ભાષણો સાંભળ્યાં. એની ​મારી ઉપર ઊંડી અસર થઈ. એમના વ્યક્તિત્વે અને ભાષણોએ મને વશીકરણ કર્યું એમ કહેવું ખોટું નથી. હિંદુસ્તાનની સાચી તસ્વીર એમણે અમારી સામે રજૂ કરી, અને જિંદગીમાં પહેલી જ વાર મેં હિંદુસ્તાનને એક હિંદુસ્તાનીની આંખે નિહાળ્યું. એમની નિઃસ્વાર્થભાવનાએ, આપણા દેશ પ્રત્યેના એમના સંપૂર્ણ ભક્તિભાવે, એમની નિષ્કપટતાએ અને જાપાનીઓની ઈચ્છાને આધીન થવાના એમના ઈન્કારે મારી ઉપર સૌથી વધુ છાપ પાડી. મને સમજાયું કે અમને ગમે કે ન ગમે પણ જાપાનીઓ જરૂર હિંદમાં જવાના છે. મને એ પણ સમજાયું કે મોટે ભાગે તે લડાઈ હિંદની ધરતી ઉપર ઘસડી જવામાં આવશે કારણકે બ્રિટિશ દળો જાપાનીસ આગેકૂચને રોકી શકે એમ હું માનતો નહોતો. મલાયા પરની ચઢાઈ મેં જોઈ હતી અને એવું હિંદમાં બને એમ હું નહોતો ઈચ્છતો. મને થયું કે મલાયામાંના એક નિઃસહાય યુદ્ધકેદી કરતાં હાથમાં એક રાયફલ સાથે હિંદીઓના જાનમાલ અને સ્વમાન જાળવવામાં મારા દેશને હું બહુ વધારે ઉપયોગી થઈ પડીશ. આo હિંo ફોo માટે સૈનિકોની ભરતી કરતી વખતે મેં એવા જ માણસો ને ભેગા કરેલા કે જે, જો જાપાનીઓ અપ્રમાણિક માલૂમ પડે તો એમની સાથે પણ લડવા તૈયાર હોય. આ હકીકત તો ફરિયાદપક્ષના સાક્ષીઓએ પણ બિલકુલ શંકારહિતપણે સાબિત કરી આપી છે. આo હિંo ફો૦માં જોડાવા માટે યુદ્ધકેદીઓ ઉપર કોઈપણ જાતનું દબાણ થયું હોવાનો હું ઈન્કાર કરું છું. ફરજિયાત ભરતીની તો મેં મનાઈ કરી હતી, અને અસફરોને સાચે જ ચેતવણી આપેલી કે આo હિo ફો૦માં કોઈને બળજબરીથી જોડાશો તો તમને સજા થશે. નેતાજીમાં મેં એક આગેવાન નિહાળ્યો, અને એમને પગલે પગલે ચાલવાનો મેં નિર્ણય કર્યો. મારે માટે તો એ મારી જિંદગીનો સૌથી મોટો અને સૌથી મુશ્કેલ નિર્ણય હતો. બ્રિટિશ હિંદી લશ્કરમાંના ​મારા જ અનેક કુટુંબીજનો કે જેમને હું મારા મતે કદી પલટાવી શકું તેમ હતો નહિ. એમની સામે લડવાને એ નિર્ણય હતો. મારું કુટુંબ અને મારું કુળ હિંદમાંના વિશિષ્ટાધિકારો માણતા વર્ગમાંનાં હતાં. એ બધા સમૃદ્ધ અને સંતોષી હતા. ખરી રીતે તો મારા આo હિંo ફોo માં જોડાવાથી એમને સહન કરવું પડે તેમ હતું. બીજી બાજુ, અંગ્રેજોને હાથે જે નિર્દયપણે શોષાઈ રહ્યાં છે, અને આ શેાષણ સહેલું બનાવવા માટે જેમને જાણી જોઈને અભણ અને અજ્ઞાની રાખવામાં આવે છે એ ભૂખ્યાં કરોડોનો વિચાર મેં કર્યો, ત્યારે અન્યાય ઉપર રચાયેલા હિંદમાંના રાજતંત્ર માટે મારા દિલમાં અત્યંત ધિક્કારભાવ પેદા થયો. આ અન્યાયને દૂર કરવા માટે મારું સર્વસ્વ - મારી જિંદગી, મારું ઘર, મારુ કુટુંબ અને મારી કુલપરંપરા હોમી દેવાનો મેં નિશ્ચય કર્યો. મારો ભાઈ મારા માર્ગમાં ઊભો રહે તો એની સામે પણ લડવાનું મેં નક્કી કર્યું. અને તે પછી ૧૯૪૪માં જે યુદ્ધ ખરેખર લડાયું તેમાં અમે એકબીજાની સામે લડ્યા હતા. એમાં એ જખમી બન્યો હતો. ચિન ટેકરીઓમાં બે મહિના સુધી રોજેરોજ હું અને મારા પિત્રાઈ સામસામા લડી રહ્યા હતા. ટૂંકમાં મારી સામે “રાજધર્મ કે રાષ્ટ્રધર્મ?” એ સવાલ હતો. મારા રાષ્ટ્રને વફાદાર રહેવાનું મેં નક્કી કર્યું, અને નેતાજીને મેં મારા ઈમાનનો કોલ દીધો કે દેશને ખાતર હું મારી જાતનું બલિદાન આપીશ. બીજી જે એક વાતે મને હંમેશા પરેશાન કરી મૂક્યો હતો તે છે હિંદી અને બ્રિટિશ સિપાહીઓ સાથેના વર્તાવમાંનો ભેદભાવ, મેં મારી નજરે જોયેલું છે કે લડવાને લાગેવળગે છે ત્યાંસુધી એ બે વચ્ચે કોઈ તફાવત નથી. પોતાના છેલ્લા શ્વાસ સુધી હિંદી સિપાહી ​પોતાના સ્થાને ટકી રહે છે અને લડતો હોય છે, તે પછી એમનાં પગાર, ભથ્થાં, ખેારાક અને રહેવાની સગવડોમાં આટલો બધો તફાવત શા માટે હોવો જોઈએ એ મને કદી સમજાયું નથી. મને એ ઘણું જ અન્યાયી લાગ્યું. ઉપરાંત હું એ વાત તરફ ધ્યાન દોરવા માગું છું કે આo હિંo ફો૦ને ઊભી કરવાનું, તાલીમ આપવાનું અને રણમેદાન ઉપર દોરી જવાનું કામ એકલા હિંદીઓએ જ કર્યું છે. બીજી બાજુ હિંદી લશ્કરના પચીસ લાખ હિંદીઓમાંથી એકેયને કોઈ ડિવિઝનનો કાબૂ સોંપાયો નથી અને બ્રિગેડનો કાબૂ ફક્ત એક હિંદીને જ અપાયો છે. આo હિંo ફો૦માં હું ફક્ત દેશપ્રેમી ઈરાદાઓથી જ જોડાયો હતો. અવિચળ મુશ્કેલીઓનો સામનો કરીને પણ રણમેદાનમાં હું સાફ, સીધું અને માનભર્યું યુદ્ધ ખેલ્યો છું. પૂરતી તબીબી સગવડ, વાહનવ્યવહાર અને સાધનસામગ્રીના અભાવે મને પાંગળો બનાવ્યો હતો; અને લાંબી મુદતો સુધી કમોદ તથા જંગલી ઘાસ ઉપર અમારે જિંદગી ગુજારવી પડી હતી. મીઠું પણ ત્યારે અમારે માટે વૈભવ સમાન હતું. આ સમય દરમિયાન બર્મામાં ત્રણ હજારથીય વધુ માઈલોની કૂચ અમે કરેલી. આo હિંo ફોo તરફથી બ્રિટિશ સૈનિકો કેદ પકડાતા ત્યારે એમની સાથે સારો વર્તાવ રાખવામાં આવતો. અમે જ્યારે યુદ્ધકેદીઓ તરીકે શરણે થયા ત્યારે અમારી પ્રત્યે પણ એવાજ વર્તાવની આશા રાખેલી. હિંદુસ્તાનની સ્વતંત્રતા માટે લડેલી આo હિંo ફો૦એ જેવી મુસીબતો સહન કરી છે તેવી કોઈ ભાડૂતી કે પૂતળા લશ્કરથી ન સહી શકાઈ હોત. લડાઈમાં ભાગ લીધાને હું ઈન્કાર નથી કરતો. પણ, પોતાના દેશની સ્વાધીનતા ખાતર સુધરેલી લડાઈના કાનૂનોને ​અનુસરીને યુદ્ધ ચલાવનાર આઝાદ હિંદની કામચલાઉ સરકારના એક સભ્ય તરીકે મેં એમ કરેલું. ખૂન કરાવવાના આરોપ સંબંધે મારે એ કહેવાનું છે કે, જે હકીકતોના આક્ષેપો કરાવામાં આવ્યા છે એ સાચી હોય તો પણ હું ગુનાનો અપરાધી ઠરતો નથી. મહમ્મદ હુસેન આo હિંo ફો૦માં સ્વેચ્છાથી જોડાયેલા અને એમણે સ્વેચ્છાએ પોતાની જાતને એની શિસ્તને આધીન બનાવેલી. આo હિંo ફો૦માંથી જો એ નાસી જઈ શક્યા હોત તો અંગ્રેજો પાસે એ કિંમતી માહિતી લઈ ગયા હોત. એના પરિણામે અમારી સંપૂર્ણ ખાનાખરાબી થઈ હોત. આઝાદ હિંદ ફોજ કાનૂન હેઠળ અને તમામ સુધરેલા દેશોના લશ્કરી કાનૂન હેઠળ એનો અપરાધ ભારે ગંભીર હતો. અને મોતની સજાને પાત્ર હતો. પણ મેં એને મોતની સજા કરી હતી, કે એ સજાના પાલનરૂપે એને ઠાર મારવામાં આવ્યા હતા એ વાત ખોટી છે. એને તો મારી સમક્ષ અવિધિસર રીતે હાજર કરવામાં આવેલ અને મેં કહેલું કે પછી એને મારી સમક્ષ યા યોગ્ય સત્તાવાળા સમક્ષ વિધિસરની રીતે હાજર કરજો. પણ એમ કરવામાં આવ્યું નહોતું.' તે પછી પોતાનું નિવેદન કરતા કૅપ્ટન સેહગલે કહ્યું કે - ‘મારી ઉપર મૂકાયેલા કોઈપણ આરોપસર અપરાધી હોવાનો હું ઈન્કાર કરુ છું. હું એમ પણ માનું છું કે આ અદાલત સમક્ષ ચાલેલો મારો ખટલો ગેરકાયદેસર છે. ૧૯૪૨ની ૧૭મી ફેબ્રુઆરીએ સિંગાપુરના ફેરર પાર્કમાં મળેલી સભામાં બ્રિટિશ સરકારના પ્રતિનિધિ તરીકે લેo કર્નલ હંટે હિંદી અફસરો અને સિપાહીઓને ઘેટાંના એક ટોળાની માફક જાપાનીઓના હાથમાં સોંપી દીધા. અમને બધાને આથી એક ભારે ફટકો લાગ્યો આકરામાં આકરી મુસીબતોનો સામને કરી હિંદી લશ્કર લડ્યું ​હતું; અને બદલામાં સર્વોચ્ચ બ્રિટિશ અફસરદળ અમને જાપાનીઓની દયા ઉપર છોડીને જતું રહ્યું. અમને લાગ્યું કે, બ્રિટિશ તાજ સાથે અમને બાંધતાં તમામ બંધનો બ્રિટિશ સરકારે પોતાની મેળે જ તોડી નાખ્યાં છે. આo હિંo ફોo ના જી.ઓ.સી. તરીકે ઓળખાતા કૅપ્ટન મોહનસીંધના હાથમાં જાપાનીઓએ અમને સોંપી દીધા. એની નીચે રહીને અમારું તકદીર ઘડવાની અમને સ્વતંત્રતા હતી. અમે સાચા દિલથી એમ માન્યું કે બ્રિટિશ તાજે અમને જરા પૂરતું રક્ષણ આપવું બંધ કર્યું હોઈને હવે તે અમારી વફાદારી માટે દાવો કરી શકે નહિ. ૧૯૪૨ના જૂનમાં મને બેંગકોક પરિષદમાં આમંત્રણ આપવામાં આવ્યું, પણ મેં એ આમંત્રણ નકાર્યું. પણ ૧૯૪રના જૂનથી ઑગસ્ટના અંત સુધીમાં એવા મહત્વના બનાવો બન્યા કે જેથી આo હિંo ફો૦ની બહાર રહેવાના મારા આગલા નિર્ણયને ફરી વિચારવાની મને ફરજ પડી. એક તો લડાઈના દરેક મોરચા ઉપર જાપાની દળેાએ ચોંકવનારા વિજયો મેળવ્યા હતા. અને હિંદુસ્તાન ઉપરના આક્રમણની ઘડીઓ ગણાઈ રહી હતી. બધાને એમ થતું હતું કે થોડાજ વખતમાં હિન્દુસ્તાન સામે જાપાની ધસારાનો ભય ખડો થશે. બી. બી. સી. (લંડન રેડીઓ)એ પણ એ આવતી આપત્તિઓમાં સહાનુભૂતિ દર્શાવતો સંદેશો મોકલ્યો હતો. સિંગાપુરમાં પૂરવણી તરીકે આવેલા છેલ્લા સિપાહીઓમાં એકલા કાચા રંગરૂટ હતા; અને હિંદના સંરક્ષણ માટે કેવાક સિપાહીઓ મોજૂદ હશે તેનો ઠીક ઠીક ખયાલ એ આપી રહેતા હતા. સિંગાપુરની શરણાગતિ અગાઉ થોડાજ વખત પહેલાં ત્યાં આવેલા અફસરો એમ કહેતા હતા કે હિન્દુસ્તાનમાં લશ્કર પાસે આધુનિક ​સરંજામ હતો નહિ. મને કહેવામાં આવ્યું કે લાકડાની રાયફલો અને હળવી મશીનગનોથી સિપાહીઓને તાલીમ અપાઈ રહી હતી, અને હિંદના ઉત્તર-પૂર્વના સીમાડા ઉપર સંરક્ષણ જેવી કોઈ વસ્તુ લગભગ હતી જ નહિ. અમારામાંના દરેકને ખાતરી થઈ કે જે જાપાનીઓ હિંદ ઉપર ચડાઈ કરે તો એમનો ધસારો રોકનારું ત્યાં કોઈ છે નહિ. અમારે માટે તો આ સૌથી વધુ દુ:ખની વાત હતી. બીજું, ૧૯૪૨ ની ૮મી ઑગસ્ટે હિંદી રાષ્ટ્રીય મહાસભાએ 'હિંદ છોડો'નો વિખ્યાત ઠરાવ પસાર કર્યો; અને એ પસાર થયા પછી દેશભરમાં દેખાવો થયા. ઑલ ઈન્ડીઆ રેડીઓ અને બી. બી. સી.એ હિંદુસ્તાનમાંના બનાવો ઉપર પડદો ઢાળી દીધો. તેમ છતાં હિંદની અંદર ક્યાંકથી કામ કરતાં કેટલાંક છૂપાં રેડીઓ-મથકો અને જાપાનીઓ તથા ધરી રાજ્યોનાં કબજા હેઠળનાં હિંદ બહારનાં બીજાં રેડીઓ-મથકો એ બનાવ વિષે તેમજ આઝાદીની ચળવળને કચડી નાખવા સરકારે લીધેલાં પગલાં વિષે મોકળે મોઢે બ્રોડકાસ્ટ કરતાં હતાં. આ મથકો તરફથી બ્રોડકાસ્ટ થતી વિગતો ઉપરથી એમ લાગતું કે ૧૮૫૭ના બળવા પછીના કાળ દરમિયાન પ્રસરેલું તેવું જ એક ત્રાસરાજ શરૂ થઈ ચૂક્યું હતું. બ્રિટિશ અને હિંદી વર્તમાનપત્રોએ તથા સત્તાવાર 'બ્રોડકાસ્ટિંગ' ખાતાએ એ વિષય ઉપર જાળવેલા અત્યંત સંયમને કારણે આ રેડીઓ-જાહેરાતોની સચ્ચાઈ વિષે શંકા લાવવાનું અમારે માટે કોઈ કારણ નહોતું. કહેવાની જરૂર નથી કે, અમે જેમને પાછળ મૂકીને આવ્યા હતા તે સગાંવહાલાં વિષે એક ભયંકર ચિંતા, અને અમને તથા અમારા દેશને સદાને માટે ગુલામીમાં રાખવાની જેણે ગાંઠ વાળી હોય તેવું લાગતું હતું તે બ્રિટિશ શાહીવાદ પ્રત્યે ઉગ્ર પુણ્યપ્રકોપ અમારા દિલમાં આથી પેદા થયો. ​ હિંદના સંરક્ષણની જવાબદારી એકલા પોતાના હાથમાં બ્રિટિશ સરકારે રાખી અને એ સંરક્ષણનું કાર્ય ઉપાડી લઈને તેનું સંચાલન કરવાની અમારા પોતાના નેતાઓની માગણીને એણે તિરસ્કાર- પૂર્વક નકારી હતી. હિંદમાં સંરક્ષણ અંગેની તૈયારીઓ વિષે અમને જે માહિતી મળતી હતી તે જરાય ઉત્સાહપ્રેરક નહોતી, અને અંગ્રેજો જાપાનીસ ધસારો અટકાવી શકશે કે કેમ તેની ખાત્રી અમારામાંના સૌથી વધુ આશાવાદીઓને પણ હતી નહિ, નાગરિક પ્રજા તો જરાય સામનો કરવાનો વિચાર સરખો પણ કરી શકે તેમ નહોતી; અને તેણે તો અકથ્ય યાતનાઓ અને મુસીબતોનો ભેાગ બનવું જ રહ્યું હતું. ધીખતી ધરાની નીતિ અપનાવવાનો નિર્ણય અંગ્રેજો કરી ચૂક્યા હતા, અને તેનો અમલ પણ શરૂ કરી દીધો હતો, તેથી તો એ વિનાશમાં અધિક ઉમેરો થવાનો હતો. લાંબી ચર્ચાઓ પછી અમને એકજ ઉકેલ સૂઝ્યો કે એવું એક મજબૂત અને શિસ્તબંધી લશ્કરી દળ ઊભું કરવું કે જેનામાં અત્યારની પરદેશી હકૂમતની સામે લડવાની સાથે સાથે, જાપાનીઓના હાથે અમારા દેશબંધુએાની લાજ લૂંટાય તો તેમનું રક્ષણ કરવાની, અને અંગ્રેજોની જગ્યાએ દેશના રાજકર્તા બનવાના જાપાનીઓના કોઈપણ પ્રયાસનો સામનો કરવાની તાકાત હોય અને તૈયારી પણ હોય. મલાયા અને બરમામાંના હિંદીઓના જાનમાલ અને ગૌરવનું જે રક્ષણ આઝાદ હિંદ ફોજ કરી ચૂકી હતી તેણે એમાં જોડાવા માટેનું વધુ એક સબળ કારણ આપ્યું. દિવસોના દિવસ સુધી હું એક ઘોર માનસિક યુદ્ધમાંથી પસાર થયો. જેમની સાથે ખભેખભા મિલાવીને હું લડ્યો હતો એ મારા આગલા સાથીઓ પ્રેત્યેની વફાદારી એક તરફ હતી, અને બીજી બાજૂ ​મારી માતૃભૂમિની સામે દાંતીઆં કરતી ભયાનકતાઓથી એને બચાવવાની તમન્ના હતી. ઘણા જ ઝીણવટભર્યા વિચારો અને ચર્ચાઓ પછી હું એવા નિર્ણય ઉપર આવ્યો કે મારે આo હિંo ફો૦માં જોડાવું; અને એ ફોજે હિંદના હિતને ખાતર મથનારી એક બળવાન, સશસ્ત્ર સુસજજ અને શિસ્તબદ્ધ તાકાત બનવું. એક ઉન્નત ધ્યેયને ખાતર હું આo હિંo ફો૦માં જોડાયો અને કોઈને પણ પોતાની ઈચ્છા વિરૂદ્ધ આo હિંo ફોo માં જોડાવાનું દબાણ કરવાની કે સમજાવવાની સુદ્ધાં નાનપ મેં કદી વહોરી નથી. મને ખ્યાલ છે ત્યાં સુધી તો કોઈએ ય પણ આo હિંo ફો૦માં જોડાવા માટે કોઈના ઉપર દબાણ કર્યું નથી. હું જાણું છું ત્યાં સુધી આo હિંo ફો૦માંનું ભરતીકામ પૂરેપૂરું સ્વેચ્છાપૂર્વકનું હતું. આ મુદ્દા ઉપર ફરિયાદપક્ષે રજુ કરેલા પૂરાવા ખોટા છે. અને એ ગમે તેમ હોય તો પણ કહેવાતા અત્યાચારો સાથે મારે તો જરાય સંબંધ નથી અને એ વિશેની કાંઈ જાણ પણ મને છે નહિ. પહેલેથી જ મને ખાતરી હતી કે અમારી તાકાત અમારા ધ્યેય પ્રત્યેની નિઃસ્વાર્થ અનુરક્તિમાં છે, અને મારી નેમ હતી કે હિંદમાતાને ખાતર પોતાનું ખૂન વહાવવા જે તૈયાર થાય એવા જ માણસોની બનેલી અમારી ફોજ હોવી જોઈએ. આ એક જ કારણસર, મોરચા ભણી રવાના થતા પહેલાં જે ઉન્નત આદર્શો ખાતર આo હિંo ફોo ઊભી કરવામાં આવી હતી તે મેં મારા તાબા નીચેના અફસરોને અને સિપાહીઓને લંબાણપૂર્વક સમજાવ્યા હતા; અને એ આદર્શોને પરિપૂર્ણ કરવાના માર્ગમાં રહેલાં જોખમો મુશ્કેલીએ અને યાતનાઓની વાત મેં એમને કરી હતી. લડાઈમાં ભાગ લેવા માટે પોતાનામાં શારિરિક કે માનસિક તૈયારી નથી એવું જેમને લાગ્યું એવા ઘણાએ પાછળ રહેવાનું નક્કી કરેલું. મોરચા ઉપર પહોંચ્યા પછી પણ જેને મેરચા ઉપર ન રહેવું ​હોય તેને પાછલા મથક ભણી પાછા વળવાની વધુ એક તક મેં આપેલી. આ તકનો લાભ જેમણે લીધો તેમને કાંઈ પણ સજા કર્યા વિના રંગુન પાછા મોકલવામાં આવેલા. મારા તાબા નીચેની ટુકડીઓમાં કોઈને એની ઈચ્છા વિરૂદ્ધ રાખવામાં આવે અને એની પાસે લડાઈ લડાવવામાં આવે એ વાતને હું ગૌરવશાળી નહોતો માનતો. તેથી હું પોપા પહોંચ્યો ત્યારે મારા સિપાહીઓને મેં ભારપૂર્વક અને જાહેરમાં કહ્યું હતું કે એમનામાંથી જેને પણ અંગ્રેજોની છાવણીમાં ચાલ્યા જવું હોય તેમને એજ વખતે એમ કરવાની છૂટ હતી: ફક્ત તેમણે પોતાનાં શસ્ત્રો મૂકતાં જવાનાં હતાં, અને એક વ્યવસ્થિત ટૂકડીમાં જવાનું હતું, કે જેથી મારી મોરચાબંધી વાટે સહીસલામત રીતે પસાર થવાની સગવડ હું એમને આપી શકું. જેમને હું મારા શ્રેષ્ઠ મિત્ર ગણું છું તેમાં કેટલાક અંગ્રેજ સ્ત્રીપુરૂષો પણ છે. અંગ્રેજ પ્રજા સાથે મેં કદી પણ દુશ્મનાવટ રાખી નથી. મારા તાબા નીચેના અફસરો અને સિપાહીઓને મેં સ્પષ્ટ સુચનાઓ આપેલી હતી કે એમના હાથે પકડાયેલા ચાહે તે રાષ્ટ્રના યુદ્ધકેદીઓ પ્રત્યે એમણે માયાળુ વર્તાવ રાખવાનો છે. હુ એવો દાવો કરું છું કે આo હિંo ફો૦માં રહીને લડવામાં મેં કોઈ ગુનો કર્યો નથી. ઊલટાની, મેં મારા દેશની યથાશક્તિ સેવા બજાવી છે. વધુમાં હું એવો પણ દાવો કરું છું કે એક યુદ્ધકેદી તરીકેના તમામ અધિકારો મને મળવા જોઈએ. પોપામાંના બ્રિટિશ દળોના જે કમાન્ડરને શરણે હું અને મારી નીચે રહીને લડતા અફસરો તથા સિપાહીઓ ગયા હતા તેની ઉપર ૧૯૪૫ની ૧૮મી એપ્રિલે લખેલ ચિઠ્ઠીમાં[૧] મેં સાફસાફ કહેલું કે અમે માત્ર યુદ્ધકેદીઓ તરીકે જ શરણે થવા માગતા હતા. આ ચિઠ્ઠી મળ્યા

1 × [બહાદુરગઢ વિસ્તારના વડા મથકના ૧૨ મી એાકટોબર ૧૯૪૫ના કાગળમાં આ ચિઠ્ઠીની પહેાંચ સ્વીકારવામાં આવી છે, પણ એ મોજૂદ ન હોવાનું જણાવવામાં આવ્યું છે.]

પછી જે શરતે અમે શરણે થવા માગતા હતા તેની સામે કોઈ વિરોધ વિના અમારી શરણાગતિ સ્વીકારવામાં આવેલી, અને શરણાગતિ પછી રીતસરના યુદ્ધકેદીઓ તરીકેનો જ અમારી સાથે વર્તાવ રાખવામાં આવતો હતો. અમને જો એમ કહેવામાં આવ્યું હોત કે અમે જણાવેલી શરતોએ શરણાગતિ સ્વીકારવાનું બ્રિટિશ કમાન્ડર માટે શક્ય નહોતું તો લડી લેવાનો અમારો નિર્ધાર હતો. અમે એમ કરી પણ શક્યા હોત. કારણકે અમે લગભગ ૬૦o ના જથ્થામાં હતા. સંપૂર્ણપણે સશસ્ત્ર અને સજજ હતા, તેમજ પોતાના દેશને ખાતર પોતાના ખૂનનું છેલ્લું ટીપું પણ વહાવી દેવા અમારામાંનો એકે એક જણ તૈયાર હતો. ખૂન કરાવવાના આરોપ વિશે મારે એટલું કહેવાનું છે કે- ડિવિઝનના કમાન્ડર તરીકેના મારા હોદ્દાની રૂઈએ ૧૯૪૫ની છઠ્ઠી માર્ચે મારે હરિસીંઘ, દુલીચંદ, દરયાવસીંઘ અને ધરમસીંઘ ઉપર કામ ચલાવવાનું હતું, ફોજમાંથી ભાગી છૂટવાનો અને દુશ્મન સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરવાના આરોપસર કર્નલ ધિલને એમને મારી સમક્ષ ખડા કરેલા હતા, આઝાદ હિંદ ફોજ કાનૂનની કલમ ૩૫ અને ૨૯ (ग) નીચે આ માણસો ગુનેગાર જણાયા હતા અને એમને મોતની સજા ફરમાવવામાં આવી હતી, તેમ છતાં એ સજાનો અમલ કરવામા આવ્યો નહોતો. એ અરસામાં એમના જેવા બીજા ઘણાની ઉપર એ રીતે કામ ચલાવીને સજા ફરમાવવામાં આવતી, પણ એમણે ક્ષમા માગ્યા પછી અને ભવિષ્યમાં ફરી ગેરવર્તન નહિ કરે એવી ખાતરી આપ્યા પછી એમને માફી અપાતી. સજાનો અમલ કરવામાં આવ્યો હોત તો પણ ખૂન કરાવવાનો આરોપ મારી ઉપર મૂકી શકાય તેમ નથી. એ ચાર ગુનેગારો સ્વેચ્છાથી આo હિંo ફો૦માં જોડાયા હતા, પોતાની જાતને એની ​શિસ્તને આધીન બનાવી હતી અને આવી રહેલી લડાઈમાં ભાગ લેવાનું સ્વેચ્છાપૂર્વક અને પોતાની મેળે જ એમણે નક્કી કર્યું હતું. લડાઈ ચાલુ હતી અને દુશ્મન સામે જ હતો ત્યારે બેશરમપણે ફોજમાંથી નાસી જઈને એમણે એવો ગુનો કર્યો હતો કે જેને માટે આo હિંo ફોo કાનૂન પ્રમાણે અને દુનિયાભરના લશ્કરી કાનૂન પ્રમાણે એમને મોતની સજા થઈ શકે. દુશ્મન પાસે જે માહિતી લઈ જવાનો પ્રયાસ એમણે કરેલો તેથી મારા તાબા નીચેના તમામ દળોનો વિનાશ થઈ ચૂક્યો હોત, મને કાયદેસર રીતે આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને યોગ્ય ખટલો ચલાવ્યા પછી જ એ સજા ફરમાવવામાં આવી હતી. હિંદુસ્તાનને સ્વાધીન બનાવવાના પોતાના પ્રથમ ઉદ્દેશમાં આo હિંo ફોo નિષ્ફળ ગઈ છે, તેમ છતાં અમારામાંના દરેકને એ સંતોષ છે કે મલાયા, બરમા અને દક્ષિણ-પૂર્વ એશિયામાંના હિંદીઓના જાનમાલ અને ગૌરવનું તમામ આક્રમણકારો સામે રક્ષણ કરવાનું ધ્યેય એણે સંપૂર્ણપણે હાંસલ કર્યું છે. આ ખટલાની શરૂઆત થયા પછી રંગુનના હિંદી-ખ્રિસ્તિ સંઘ તરફથી અને બરમા હિંદી સંઘ તરફથી મને મળેલા તાર, કે જે મેં આ નિવેદન સાથે રજૂ કર્યા છે તે, આ વાતની પૂરતી સાબિતિ આપી રહે છે.' છેલ્લે આવ્યા લેફ્ટનન્ટ ધિલન પેાતાના નિવેદનમાં એમણે કહ્યું કે– ‘દહેરાદૂનમાંની ઈન્ડિયન મિલિટરી એકેડેમી ' ( હિંદી લશ્કરી વિદ્યાપીઠ )માં જ હું મારા દેશની સર્વોપરિ સેવા બજાવવાનું શીખ્યો હતો. ત્યાં ચેટવુડ ખંડમાં મોટા સોનેરી અક્ષરોમાં મેં વાંચેલું કે; “તારા દેશનું ગૌરવ, એની આબાદી અને એની સલામતી હંમેશા સૌથી પહેલાં આવે છે. દરેક વખતે એ જ પહેલાં આવે છે. તે પછી આવે છે તારા હાથ નીચેના સિપાહીઓની સગવડ, એમની સલામતી ​અને એની આબાદી. અને તારી પોતાની સલામતી અને તારી સગવડો હંમેશા સૌથી છેલ્લી આવે છે, દરેક વખતે એ જ છેલ્લી આવે છે.” આ સૂત્ર મેં વાંચ્યું તે દિવસથી મારા દેશ પ્રત્યેની અને મારા સિપાહીઓ તરફની કર્તવ્ય-ભાવના મારા વિચારોમાં ગમે તેવા સંજેગોમાં પણ અગ્રસ્થાને રહી છે. મારી નજર સામે આ સૂત્ર રાખીને જ હિંદી લશ્કરના એક અફસર તરીકે મેં મારા દેશની સેવા કરેલી. સિંગાપુરની શરણે થઈ જવાનું છે એવી અફવાઓ સાંભળીને બિદાદરીની છાવણી ખાલી કરતી વખતે મેં હજારો હિંદીઓને એક ખુલ્લી જગ્યામાં ભેગા મળેલા જોયા. એમણે ઘણા હિંદી રાષ્ટ્રધ્વજો ફરકાવ્યા હતા. આ જ્યારે મે મારી સાથેના એક બ્રિટિશ કર્નલને દેખાડ્યું ત્યારે એણે કહ્યું: ' હું એમનો દોષ નથી જોતો. જો આપણે રક્ષણ ન કરી શકીએ તો પછી એમણે પોતે જ પોતાની સંભાળ લેવી રહે છે.' મલાયાના રક્ષણ માટે જેણે જવાબદારી લીધી હતી એ બ્રિટિશ સરકારની તૈયારીઓના સદંતર અભાવને લીધે જાપાનીસ આક્રમણને પરિણામે મલાયાની પ્રજાને જે સહન કરવું પડ્યું હતું એ મેં જોયું હતું. અને હિંદુસ્તાન ઉપર ચડાઈ થાય તો મારા દેશવાસીઓની શી હાલત થાય તેનો વિચાર કરતાં પણ હું ધ્રુજી ઊઠ્યો હતો. દોઢ સૈકાની બ્રિટિશ હકૂમતે મારા દેશનું જે સત્યાનાશ વાળ્યું છે તે મને એ વખતે સમજાયું. મેં મનમાં વિચાર્યું કે અમારી તમામ ભૌતિક સાધનસંપત્તિનું અંગ્રેજોએ પોતાના લાભ માટે શોષણ કર્યું છે, અને પોતાનાં શાહીવાદી યુદ્ધો લડવા ખાતર અમારા માનવબળનો છૂટથી ઉપયોગ કર્યો છે. તેમ છતાં જરૂર પડ્યે અમારી માતૃભૂમિનું રક્ષણ કરવા એણે અમને તૈયાર નથી કર્યા, એટલું જ નહિ પણ સદાકાળને માટે બંધનમાં રાખવા માટે અમને પૂરેપૂરા નીવીર્ય બનાવી દીધા છે. ​ મને લાગ્યું કે જો હિંદુસ્તાન આઝાદ હોત અને પોતાનું સંરક્ષણ સંભાળી શકે તેવી સ્થિતિમાં હોત તો એના સીમાડા ભેદવાનો વિચાર કોઈ આક્રમણકારને આવી શક્યો ન હોત. મોહનસીંઘે ઊભી કરવા ધારેલી આઝાદ હિંદ ફોજમાં હિંદુસ્તાન માટે મેં એક નવી આશા ભાળી. મને લાગ્યું કે જો એક બળવાન અને સ્વૈચ્છિક રાષ્ટ્રીયફોજ ઊભી કરી શકાય તો એ હિંદને પરદેશી હકૂમતમાંથી મુક્ત કરી શકે એટલું જ નહિ પણ જો જાપાનીઓ પોતાના વચનનો ભંગ કરે અને આઝાદી જીતવામાં અમને મદદ કરવાને બદલે અમારા દેશનું પોતાના લાભને ખાતર શોષણ કરવા માંડે તો એમનો પણ સામનો કરી શકે. આવી ફોજ, દૂર પૂર્વમાંના અમારા હિંદી ભાઈ-બહેનોનું પણ બીજા રાષ્ટ્રની પ્રજાના હુમલા સામે રક્ષણ કરી શકે. હિંદમાતા જાણે મને સાદ કરી રહી અને એ સાદનો જવાબ દેવાને અને મોહનસીંધ સાથે ઝંપલાવવાનો મેં નિર્ણય કર્યો. સુભાષ બોઝ નીચેની બીજી આo હિંo ફો૦માં રહેવાનો નિર્ણય પણ મેં તે પછી કરેલો. મારી જાણમાં છે ત્યાં સુધી આo હિંo ફો૦માં જોડાવા માટે કોઈ યુદ્ધકેદી ઉપર દબાણ કે બળજબરી વાપરવામાં આવ્યાં નથી. ખરી રીતે તો એવા ઉદ્દેશ માટે દબાણ કે બળજબરી વાપરવાનું સાવ બિનજરૂરી હતું કારણકે અમારી પાસે હંમેશાં વધારાના સ્વયંસેવકોનો એક મોટો જથ્થો ફાજલ રહેતો હતો કે જેમને સરંજામના અભાવે અમે હથિયાર પૂરાં પાડી શકતા નહોતા અને તાલીમ આપી શકતા નહોતા. મેં કરેલા બધાં ભાષણોમાં મારા શ્રોતાઓને મેં કહેલું કે તમને તમારા દેશ ઉપર પ્રેમ હોય અને એને ખાતર દરેક જાતની મુસીબતો અને યાતનાઓ સહન કરવાની તૈયારી અને તાકાત હોય તો જ ભરતી થજો. લડાઈમાં ઊતરતી વેળાએ મારા હાથ નીચેના માણસોને મેં ફરીવાર ચેતવ્યા હતા. કેટલાક અફસરોએ અને સિપાહીઓએ પોતાની ​અનિચ્છા દર્શાવી અને મારી રેજિમેન્ટ મ્યિનગાન છોડી ગઈ તે પહેલાં ૨૦o માણસોને રંગુન પાછા મોકલવામાં આવ્યા હતા. ફોજમાં ભરતી થવાનું દબાણ યુદ્ધકેદીઓ ઉપર લાવવા માટે એમને કેદ-છાવણીમાં કે નજરકેદમાં રાખવામાં આવતા એવી એ જુબાની ફરિયાદપક્ષના સાક્ષીઓએ આપી છે તે સંદતર ખોટી છે. એકેય કેદ-છાવણીની હયાતી જ હતી નહિ. એક અટકાયતી-છાવણી હતી ખરી અને એમાં શિસ્તભંગના કે બીજા ગુનાઓ પ્રમાણે અપરાધી ઠરાવાયેલાઓને સજા તરીકે મોકલવામાં આવતા. પણ આo હિંo ફો૦માં ભરતી–કાર્ય અંગે એ છાવણીને કોઈ જાતનો કે કોઈ ભાતનો સંબંધ હતો નહિ, ઊલટાના અટકાયતી-છાવણીમાં રખાયેલા માણસો સામેથી આવીને માગણી કરે તો પણ તેમને ભરતી કરવામાં આવતા નહોતા. કારણકે છાવણીમાં અમુક મુદત સુધી અટકાયતી તરીકે કોઈ રહે તો એ જ બતાવી આપે કે એનામાં ચારિત્રની કોઈ ખામી છે; અને એ રીતે આo હિંo ફોo ના સભ્યપદ માટે એ નાલાયક ઠરે. ફોજમાંથી નાસી છૂટવાના અને દુશ્મન સાથે મળી જવાના પ્રયાસ કરવાના આરોપસર મેં ચાર સિપાહીઓને ખટલા માટે રજૂ કર્યા હતા એ વાત સાચી છે. પણ એ માણસોને મારા કહેવાથી કે મારા ફરમાન પ્રમાણે ગોળીએ દેવામાં આવ્યા હતા એ સાવ ખોટું છે. જે દિવસે અને જે સમયે એમને ગોળીએ દેવાયાનું કહેવામાં આવે છે એ વખતે હું પથારીવશ હતો અને હાલીચાલી શકતો નહેતો. સાચી વાત તો એ છે કે આ માણસોને ફરમાવાયેલી મોતની સજા પાછળથી ડિવિઝનના કમાન્ડરે રદ કરી હતી અને એનો કદી અમલ થયો નહોતો. મેં જે કાંઈ કર્યું છે તે આઝાદ હિંદની કામચલાઉ સરકાર નીચે રહીને લડતા, રીતસરના અને સુવ્યવસ્થિત લશ્કરના એક સભ્ય તરીકે કર્યું છે. અને તેથી એવા લશ્કરના સભ્ય તરીકેની મારી ફરજ ​બજાવતાં મેં કાંઈપણ કામ કર્યું હોય તો એ ગુનાસર મારી ઉપર હિંદી લશ્કરી કાનુન પ્રમાણે અને હિંદના ફોજદારી કાયદા પ્રમાણે આરોપ મૂકી શકાય નહિ, તેમ કામ પણ ચલાવી શકાય નહિ. વધુમાં મને એવી સલાહ આપવામાં આવી છે કે કાયદાની દૃષ્ટિએ જોતાં આ લશ્કરી અદાલતમાં ચાલતો મારો ખટલો ગેરકાયદેસર છે. ઊચામાં ઊંચા અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઈરાદાઓથી હું આo હિંo ફો૦માં જોડાયેલો. આo હિંo ફો૦ના સભ્ય તરીકે હું સંખ્યાબંધ યુદ્ધકેદીઓને પૈસા અને ચીજવસ્તુઓની મદદ કરી શક્યો છું. દૂર પૂર્વમાં વસતા હિંદીઓના જાનમાલ અને ઈજ્જતનું રક્ષણ આo હિંo ફોo કરી શકી છે. હિંદુસ્તાનના શહેરોમાંના નાગરિકો અને તેમની માલમિલકતો ઉપર બોંબમારો ન કરવાનું હું જાપાનીઓને સફળતાપૂર્વક સમજાવી શક્યો હતો. આo હિંo ફોo એ બજાવેલી એમની સેવાની કદર તરીકે દૂર પૂર્વમાંના હિંદીઓને આઝાદ હિંદની કામચલાઉ સરકારના ફાળામાં કરોડો રૂપિયા આપ્યા હતા. અનેક પ્રસંગોએ મારે ૨o થી ૩o કલાક સુધી પાણી વિના ચલાવી લેવું પડ્યું હતું, અને ખોરાક વિના બે-ત્રણ દિવસો ગાળવા પડ્યા હતા. એક બ્રિગેડના કમાન્ડર તરીકે જો મારે આ બધી મુસીબતો વેઠવી પડી હોય તો મારા હાથ નીચેના માણસોને તો એથીય ઘણું વધારે સહન કરવું પડ્યું હશે, અને છતાં એ મારી સાથે જ રહ્યા હતા. દબાણથી કે બળજબરીથી ભરતી થયેલા કોઈ પણ સિપાહીઓ એમ ન કરી શક્યા હોત. હું સવિનય એવી માન્યતા ધરાવું છું કે આઝાદ હિંદની કામચલાઉ સરકાર પ્રત્યે વફાદારી બતાવતા પચીસ લાખ હિંદીઓની માનભરી સેવા આo હિંo ફો૦એ કરી છે અને અત્યંત દેશપ્રેમી ઈરાદાઓથી એ પ્રેરાયેલી હતી.