લીલુડી ધરતી - ૧/વિષનાં વાવેતર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
વિષનાં વાવેતર

ગુંદાસરમાં હાદા પટેલનું ખેતર થાનકવાળું ખેતર કહેવાતું. બસોએક વર્ષ પહેલાં હાદા પટેલના એક પૂર્વજ ધરમા ઠુમરને સોણામાં સતીમા આવેલાં ને કહેલું કે તારા ખેતરની ઉગમણી દિશામાં હું સુતી છું ને મુંજાઉં છું. બીજે જ દિવસે ધરમાએ એ દિશામાં ખોદકામ શરૂ કરેલું ને દસેક હાથ ઊંડાણમાંથી એક મૂર્તિ મળી આવેલી. એ જ સ્થળે સતીમાની દેરી ચણીને થાનક સ્થાપ્યું ને ધરમો સતીમાનો પહેલવહેલો ગોઠિયો બન્યો. એ ધૂણતો ત્યારે સતીમા શરીરમાં આવતાં ને ગામનાં દુખિયાં માણસો ધરમા પાસે આવીને જારના દાણા ગણાવી જતાં, માતાની બાધાઆખડી રાખતાં, ને માનતાઓ માનતાં. સતીમાના ગોઠિયા તરીકે ધરમાએ જિંદગીભર આકરી કરી પાળીને થાનકનું રખવાળું કરેલું અને પછી તો દર પેઢી ઠુમર કુટુંબનો મોભી આ થાનકનો ગાઠિયો બની રહેલો.

અત્યારે પણ થાનકના ગોઠિયા તરીકે હાદા પટેલ, અનરાધાર વરસાદમાં પણ વાવણી શરૂ કરતાં પહેલાં ગોબરને લઈને સતીમાની દેરી પાસે ગયા. કોઈ પણ શુભ કાર્યના આરંભમાં તેઓ માતાનું સ્તવન કરીને મૂક સંમતિ માગતા. આજે તો ઘરમાં પરબતના મૃત્યુનો અશુભ બનાવ બની ગયો હતો, પણ વાવણીનું કાર્ય શુભાતિશુભ હોવાથી એમાં સતીમાના આશીર્વાદ આવશ્યક હતા.

પોતાની રજાકજા પછી માતાનું ગોઠીપદ પરબતને મળનાર ​હોવાથી આજ સુધી હાદા પટેલે એને જપજાપ વગેરે શીખવેલા. હવે એ બધી જ ફરજ ગોબર ઉપર આવનાર હોવાથી અત્યારે એને જોડે રાખીને તેઓ સતીમાનું સ્તોત્ર ભણી રહ્યા. પોતાને તો હવે આંખે ઝામર આવતી હોવાથી દસવીસ ડગલાંથી દૂર કશું દેખાતું પણ નહોતું, તેથી જ તો સ્તુતિ પૂરી થયા પછી એમણે ગોબરને કહ્યું :

‘ગગા ગોબર ! હવે માની સેવા તારે માથે છે હો !’

મોટાભાઈના મૃત્યુથી બેબાકળો બની ગયેલો ગોબર હા ભણવા પૂરતા પણ હોઠ ઉઘાડી શક્યો નહિ. આંખો નીચી ઢાળીને જ એણે હોંકારો આપ્યો. બીડેલી કિતાબ જેવા અગમ્ય ભાવિની કલ્પનાએ આ જુવાનના હૃદયમાં રોમાંચ અને ભયની મિશ્ર લાગણીઓ જગાવી.

એક મોટો રેડો વરસી ગયા પછી વરસાદ જરા ધીમો પડ્યો એટલે હાદા પટેલે કહ્યું :

‘હાલો દીકરા ! મે’ ધીમો પડ્યો છે ત્યાં લગીમાં ઝટઝટ વાવણી કરી નાખીએ... અબઘડીએ ઓલ્યું મોટું વાદળું આપણાં સીમઢાળું આવી પૂગશે.’ અને પછી એ કાળા ભમ્મર વાદળા તરફ તાકીને ઉમેર્યું : એમાં સારીપટ પાણી ભર્યું છે. એને અબાર્ય જાવા ને દેવાય.’

મોહનથાળ જમાવેલા મોટા ખૂમચામાં સમાંતર સમચોરસ ચોસલાં પાડ્યાં હોય એવા સરસ ચાસ ખેતરમાં પડ્યા હતા. રામ લખમણ જેવી ખાંડિયા ને બાંડિયા બળદની જોડની કાંધે ઓરણી નાખી હતી. ખાંડિયો બળદ વીજળીના શિરોટા જેવો ધોળો ધેાળો ફૂલ લાગતો હતો; બાંડિયો ટૂંકાં શીગડાં ને બાંડા કાનવાળો, અષાઢી વાદળી જેવો કાળો હતો. આ બન્ને ધોરીઓ માંસલ કાંધને આમથી તેમ ઝુલાવતા આગળ ચાલતા હતા. પાછળ હાદા પટેલ ડચકારો કરતા હતા ને ગોબર ઓરણી કરતો જતો હતો. આમ, આ ચારે ય ધરતીપુત્રો કણમાંથી કળશી નિપજાવવાનો પુરુષાર્થ કરી રહ્યા ​હતા. લોંઠકા બળદોના પગમાં આ ધરતીને ખૂંદવાનું આદતનું જોર હતું. હાદા પટેલના પગમાં ઉતાવળ અને હૃદયમાં ઉચાટ હતો. એમને તો આ વાવણીની વસમી ફરજ પતાવીને ઝટઝટ સાથરે સુવડાવેલા પુત્રના મૃતદેહ પાસે પહોંચી જવાની ઉતાવળ હતી : ગોબરની આંખ સામે ઊઘડતી આવતી કાલની આશા અને અનિશ્ચિતતાના મિશ્ર રંગો ઝબકતા હતા.

ઓરણી કરતાં કરતાં એક શેઢા નજીક પહોંચ્યા ત્યારે પડખેના ખેતરમાંથી અવાજ આવ્યો :

‘કાં કાકા ! વાવણી થઈ ગઈ પૂરી ?’

અવાજ હતો હાદા પટેલના પિતરાઈ ભાઈના છોકરા માંડણિયાનો. આમ તો ગોબર ને માંડણિયો એક વાર સામસામા કુહાડીને ઝાટકે આવી ગયેલા, ત્યાર પછી બન્ને કુટુંબો વચ્ચે અબોલા ચાલતા હતા. પણ કાલે રાતે પરબતનો મંદવાડ વધ્યો ત્યારે માંડણિયો સાયકલ પર જઈને ઠેઠ જુનાગઢથી દાક્તરને બોલાવી લાવેલો. ત્યાર પછી હાદા પટેલને એ નાદાન ભત્રીજા પ્રત્યે પણ પ્રેમભાવ જાગેલો.

તેથી જ તો હાદા પટેલે એને ભાવભર્યો ઉત્તર આપ્યો : ‘આ એક ચાસ ઓરાઈ રિયે એટલે વાવણાં પૂરાં.’

‘લ્યો, હું ઓરવા લાગું એટલે ઝટ પૂરું થાય,’ કહીને માંડણિયો શેઢાની વાડ ઠેકીને આ બાજુ કૂદી આવ્યો ને બોલ્યો. કાકા ! તમે વહેલેરા ઘેર પોનતા થાવ.’

‘ઠીક લે, હું વહેતો થાઉં. તમે બેય ભાઈયું વેળાસર પતાવીને ઝટ આવી પૂગો. પરબતને વારા ફરતી કાંધ દેવામાં કામ લાગશો.’

હાદા પટેલ ગામ તરફ જવા નીકળ્યા.