લીલુડી ધરતી - ૧/સતીમાતાની સાખે
ગુંદાસરની ઊભી બજરે મલપતી ચાલે ચાલતી સંતુના માથા પર ઠુમરના ઘરનું બેડું ઝગમગતું હતું. ત્યારે ઠુમરની ખડકીમાં હાદા પટેલ ઓસરીમાં ઊભા ઊભા, રાંધણિયામાં બેઠેલી ઊજમને ઉદેશીને કહેતા હતા :
‘વવ ! કોઠીમાંથી મૂઠી જાર્ય કાઢજો !’
શ્વશુરનો હાથએકનો ઘૂમટો તાણીને ઊજમ કોઠી તરફ ગઈ એટલે હાદા પટેલે બીજું સૂચન કર્યું :
‘આ વાટકીમાં પાવળું દીવેલ નાખજો—’
જુવાર અને દીવેલની બેવડી માંગ સાંભળીને ઊજમ સમજી ગઈ કે સસરાજી માતાને થાનકે દીવો કરવા ખેતરે જાય છે. અને એ માટેની આવશ્યક સામગ્રીમાંની ત્રીજી વસ્તુ હજી કેમ માગી નહિ એમ વિચારીને ઊજમે પોતે જ અંદરથી સાવ હળવે સાદે પૂછ્યું :
‘ને વાટ્યનું રૂ ?’
‘વાટ્યું તો કાલ્ય રાત્યની વણી રાખી છે. સંતુ બેડું લઈ ગ્યા પછી જરાક અજંપા જેવું થઈ ગ્યું ને આંખ્ય કેમે ય કરી ભાર્યે થાતી જ નહોતી, એટલે નવરા બેઠાં વાટ્યું વણી કાઢી—’
રાત આખીનો અજંપો, અત્યારના પહોરમાં સતીમાની દેરીએ દીવો ને જુવારના દાણા વગેરે વગેરે વાત સાંભળીને સમજુ ઊજમને સમજતાં વાર ન લાગી કે સસરાજી આજે કોઈક ગંભીર ગડમથલમાં પડ્યા છે.
ઊંબરામાં પાથરેલી પછેડીમાં ઊજમે મૂઠી જુવાર મૂકી એટલે હાદા પટેલે પછેડીને છેડે એની પોટલી વાળી લીધી. થાનકે લઈ જવાના દિવેલિયા તરીકે આ ઘરમાં ચચ્ચાર પેઢીથી વપરાતી કાંસાની વાટકીમાં થોડું ઘી લઈને હાદા પટેલ ડેલી બહાર નીકળ્યા ત્યાં સામેથી ઉમંગભેર આવી રહેલી સંતુના માથા ઉપર ઝગમગતું બેડું જોયું.
શ્વશુરને જોઈને સંતુ શેરીની બાજુએ તરીને આડું જોઈને ઊભી રહી ગઈ, એટલે હાદા પટેલે કહ્યું :
‘હાલી આવ્ય, પાધરી હાલી આવ્ય ! સારાં શકન કરાવ્યાં તેં... શરમાજે મા, ને પાધરી હાલી આવ્ય !’
સંતુ ડેલી તરફ આવી એટલે હાદા પટેલ પ્રસન્ન ચિત્તે ખેતરને રસ્તે પડ્યા. પોતે મુગ્ધપણે માની લીધેલા આ ‘શુભ શુકન’ પરથી એમને ખાતરી થઈ ગઈ કે સતીમાને થાનકેથી આજે સાનુકૂળ ઉત્તર મળશે.
ખેતરે પહોંચતાં પહેલાં ઓઝતની ઉગમણી પાટમાં એમણે ખંખોળિયું નહાઈ લીધું : પાટમાં મહંત ઈશ્વરગિરિ પણ નહાઈ રહ્યા હતા. એમણે હાદા પટેલને પૂછ્યું :
‘આજે તો કાંઈ બહુ વહેલા નાહવા આવી પૂગ્યા ?’
‘અમે તો મજૂર માણસ. દિ’ના ભાગમાં વેળું જડે, ન જડે.’ હાદા પટેલ આ મહંત પ્રત્યે મનમાં ને મનમાં ચિડાઈ રહ્યા. દીકરો દેવશી આ બાવાને રવાડે ન ચડ્યો હોત તો આજે ઘરનો મોભ થઈને બેઠો હોત પણ આ લોટમગાએ એને વૈરાગ્યની લત લગાડીને પારકાને જતિ કર્યો, પોતે અહીં ભૂતેશ્વર મહાદેવની રજવાડી ગાદી ઉપર પારકે પૈસે તનકારા કરે છે, ને મારા કંધોતરના હાથમાં કમંડળ પકડાવી દીધું...
હાદા પટેલે દેવશીની વિદાયના સમયની બરોબર ગણતરી કરી તો જણાયું કે દીકરાને ગયાને દાયકો તો ક્યારનો પૂરો થઈ ગયો છે....આ નોરતામાં પાકાં બાર વરસ પૂરાં થશે. શાપરથી કુળગોર કાનેસર તરવાડી આવ્યા હતા, એ તો વાર તથ્ય જોઈને કહી ગયા હતા કે હવે આ ચોમાસું ઊતર્યે દેવશીના ગયાને બાર વરસ પૂરાં થાય છે, ને એના પાછા આવવાની હવે કોઈ આશા રહી નથી, તો એનું અડદનું પૂતળું બનાવીને એની અંત્યેષ્ટિક્રિયા કરીને શ્રાદ્ધ નહિ કરી નાખો તો પિતૃઓ કોપશે.
ખંખોળિયું ખાઈને ખેતર તરફ વળતાં હાદા પટેલના મનમાં આ પ્રશ્ન પણ રમતો હતો. દેવશી હવે નહિ જ આવે ? સાચે જ એનું અડદનું પૂતળું બનાવીને એને અગ્નિદાહ દેવો પડશે ? પિતૃઓ રૂઠે નહિ એટલા ખાતર, જીવતે દીકરે એને અગ્નિદાહ દેવાય ખરો ?
મનમાં ઘોળાતી બધી જ દ્વિધાઓનું સમાધાન શોધવા તેઓ ખેતરમાં સતીમાના થાનક પર પહોંચી ગયા....
મૂર્તિ સન્મુખ ઘીનો દીવો પેટાવીને હાદા પટેલે માતાની સ્તુતિ ભણવા માંડી અને એકચિત્તે થઈ ગયા...
સારી વાર પછી આંખ ઉઘાડીને જાણે કે કોઈકને સંબોધીને બોલતા હોય એમ મન-શું ગણગણ્યા :
‘મા ! મોટો દીકરો પરબત પાછો થયો છે. ઘરને આંગણે આકરો શોગ છે – બાપના વેરીને ય ન આવે એવો શોગ છે. પરબતનો ઘા તાજો છે ને એમાં, કહુલે એક મંગળ કામ કરવું પડે એમ છે – ન છૂટકે કરવું પડે એમ છે, તમે જો હા ભણો તો ગોબરની વહુને આણું વાળવું પડે એમ છે. કુટુંબની આબરૂની રખ્યા કરવા સારુ આમ કરવું પડે એમ છે, જો તમે હા ભણો તો મા ! તમને ઠીક લાગે એવો જવાબ દેજો... તમે ચોખ્ખી હા ભણશો તો જ હું ઢગ લઈને વાગડિયાને ખોરડે જઈશ, ને સંતીને તેડી આવીશ...’
આટલું કહીને હાદા પટેલે જુવારની ઢગલીમાંથી ચપટી ભરીને થોડા દાણા ઉપાડ્યા. ધડકતે હૃદયે દાણા ગણી જોયા તો બરોબર સાત થયા.
ડોસાના વિષાદપૂર્ણ ચહેરા પર પ્રસન્નતાની ઝલક આવી ગઈ. એની ભક્તિભાવયુક્ત નજરે માતાની મૂર્તિ પર સંમતિસૂચક સ્મિત વાંચ્યું.
અને પછી હાદા પટેલે એટલા જ મુગ્ધભાવે બીજો એક પ્રશ્ન નિવેદિત કર્યો :
‘મા ! દેવશીને ઘર છોડી ગયાને હવે બાર બાર વરસ થવા આવ્યાં. કાનેસર ગોર કહે છે કે હવે એનું શ્રાદ્ધ–સ્મરણું કરી નાખવું જોઈએ. પણ સગા દીકરાને જીવતે જીવ એનું પૂતળું કરીને અંગૂઠે આગ મેલતાં મારો જીવ નથી હાલતો. મને પાકો વશવા છે કે દેવશી હજી મરી નથી ગયો, આજે નહિ તો વરસે, બે વરસે, પાંચ -દસ વરસે પણ કોઈ વાર દેવશી પાછો આવશે કે નહિ ?... મા ! તમને જેવું સૂઝતું હોય એવું કહેજો, ને ચોખ્ખો જવાબ ભણજો...”
ફરી એમણે જુવારની ઢગલીમાંથી ચપટી ભરી અને જવાબ જાણવાની ઉત્સુકતાથી દાણા ગણી જોયા. પણ આ વેળા એમના મુખ ઉપર પેલી પ્રસન્નતાની ઝલક ન આવી શકી.
‘દાણા ચેખ્ખા નથી આવતા.’ એમ કહીને હાદા પટેલે નિસાસો નાખ્યો.
દેરીમાં મૂર્તિ તરફ તાકીને મન–શું ગણગણ્યા : ‘મા ! હજી હોંકારો નથી ભણતાં... શું થયું હશે દેવશીનું ? મને તો દીવા જેવું સુઝે છે કે છોકરો પાછો આવશે જ. મા ચોખ્ખી હા નથી ભણતાં. સાચી વાત શી હશે ? દેવશી જીવતો હશે કે નહિ ? જીવતો હશે તો એને આજ નહિ તો જાતે જન્મારેય ગુંદાસરની સીમ નહિ સાંભરે ? આ ગલઢો બાપ, પોતાની પરણેતર, કાંઈ કરતાં કાંઈ નહિ સાંભરે... કે પછી છોકરો મરી પરવાર્યો હશે ? કાનેસર ગોર તો કહે છે કે સાસ્તરમાં બાર વરસમાં અવધ બાંધી છે. બાર વરસ સુધી ન આવે એના નામનું સાચે જ નાહી નાખવાનું ? હાય રે હાય ! અણદીઠ્યાં દીકરાને મારે અગ્નિદાહ દેવો ? દેવશી સાચે જ મર્યો ન હોય તો ય મારે એનું શ્રાદ્ધ–સરામણું કરાવવું ?
પ્રસન્નતા ને વ્યગ્રતાની મિશ્ર લાગણીઓ લઈને હાદા પટેલ ગામ તરફ પાછા વળતા હતા. પ્રસન્નતા હતી, સંતુનું આણું કરવાની પોતાની ઈષ્ટ યોજનામાં સતીમાએ હા ભણ્યાની. વ્યગ્રતા હતી, દેવશીના ભાવિ અંગેના દાણા ચોખ્ખા ન નીકળવાની. જિંદગી એટલે જ શુભાઅશુભની પરંપરા... ૫રબતના મૃત્યુનો અમંગળ બનાવ બન્યો તે જ દહાડે વાવણીનું મંગળ કામ કરવું પડ્યું. હવે ગોકળ આઠમ ઉપર સંતુનું આણું કરવાનું મંગળ કામ માથે આવ્યું છે. પણ થોડા દિવસમાં જ દેવશીની ઉત્તરક્રિયા પણ કરવી પડશે. જિંદગીની ચાદરમાં આવા શુભઅશુભના તાણાવાણા એકબીજાની જોડાજોડ જ વણાઈ ગયા લાગે છે...
‘એ...રામરામ, ઠુમર !' હાદા પટેલ ગામને ઝાંપે જવા માટે ઓઝતનો પટ ઓળંગતા હતા ત્યાં, જમણી બાજુએથી એમને કાને શબ્દો અથડાયા.
‘એ...રામ !’ કહીને એમણે આંખ ઉપર હથેળીનું નેજવું મૂક્યું તો સામે તગારું-પાવડો લઈને એક ખેડૂત ગાડામાં રેતી ભરતો દેખાયો. ‘કોણ ? ટીહોભાઈ તો નંઈ ?’
‘હા, હું પંડ્યે જ.’ સામેથી ઉત્તર આવ્યો.
‘ઠીક આંયાં જ ભેગા થઈ ગયા. નીકર વાળુપાણી કરીને હું જ રાત્યે ડેલીએ આવવાનો હતો.’
‘મને ય મનમાં થતુ’તું કે આ ગામનાં હરાયાં ઢોર આપણી ગગીને હેરાન કરે છે તી એની હરુભરુ વાતચીત તમારી હાર્યે કરી જાઉં, તો– ’
‘હવે ઈ હરાયાં ઢોરને હમણાં સંભારશો જ મા, ભલા લઈને.’ હાદા પટેલે કહ્યું. ‘શાક બજારમાં સૌ સૌને ભાવે ખપે–’ 'પણ ઈ હરામખોર હંધાય રોજ ઊઠીને છોકરીને હેરાન કરે, ઈ કેમ કરીને ખમાય ?'
'હવે હેરાન નઈ કરે--'
'ઈ નકટાંવને નાક થોડું છે ?'
'કઉં છું કે હવે ઈ નકટાંવ સંતુને હેરાન નઈ કરે. અમે આણું વાળી લઈએ છીએ.'
'હેં ? શું કીધું ?' ટીહો આ વાત સાચી જ માની શકયો નહી.
'કીધુ કે હવે અમે ઢગ લઈને આવીએ છીએ. આવતી આઠમ મોર્ય—'
'અરે ! પણ તમારે આંગણે તો શોગ છે—'
'શોગબોગ તો હંધું ય સમજ્યા મારા ભાઈ ! આ તો સંસાર છે. એમાં હરખ ને શોક મગચોખા જેવાં ભેગાં ભળી ગ્યાં છે.'
'પણ પરબતભાઈનો ઘા તો હજી વીસમ્યો નથી, એમાં આણું કરવાનું—'
'ભાઈ જુવો, આપણે સંસારી માણસે તો હંધાંય કામ કરવાં પડે. તે દિ’ ઈગિયારસની સાંજે ઓસરીમાં પરબતની નનામીને ઢાંકી રાખીને વાવણાં કરવા જાવું પડયું'તું ને ?'
'હા, ઈ વન્યા બીજો છૂટકો જ નો'તો.'
'હાંઉં', તો હવે આ કામમાં ય બીજો છૂટકો જ નથી. એટલામાં સમજી જાવ, ટીહાભાઈ !'
સાંભળીને ટીહો એટલો તો પુલકિત થઈ ગયો કે લાગણીવશ અવાજે બોલવા લાગ્યો.
'તમે માનશો વાત, ઠુમર ? મને તો આજ વરહ દિ’થી મનમાં થ્યા કરતું’તું કે તમારા ઘરનું માણહ હવે તમારા જ ઘરમાં પગ વાળીને બેસે તો સારું. પણ ગઈ સાલ તો આખું વરહ તમારા ઘરમાં મંદવાડ હાલ્યો, એમાં મારાથી બોલાય એમ નો’તું. ને હવે તો પરબતભાઈ પાછો થ્યો... મારી જીભેથી વેણ કેમ કરીને નીકળે કે સંતુનું આણું કરો ?’
‘તારા બોલ્યા મોર્ય હવે હું જ બોલી ગ્યો ને ! આંગણે શોગ છે, એટલે ઝાઝી ધામધૂમ નથી કરવી. ચાર જણ આવીને સંતુને તેડી જાય. ને તુંય હમણાં હાથભીડમાં છે. એટલે ગજા ઉપરવટ જાજે મા !’
‘ના રે ! અમારે તો સંતુની માએ કે’દિનું નક્કી કરી નાખ્યું છે કે છોકરીને આણામાં અમારી કાબરી ગાય સિવાય બીજું કાંઈ નથી આપવું !’ ટીહાએ મજાકમાં કહ્યું.
‘કાબરી ગાય ! ગવતરી તો ધરતીમાતાની દીકરી...સોના જેવી...આંગણે બાંધી હોય તો ઘરમાં સે’ પૂરે. તું તારે નચિંત થઈને દીકરીને વળાવજે...’
‘શોગિયે ઘીરે આણાંનો અવસર કરશો એટલે ગામમાં વાત તો થશે—’
‘ગામને મોઢે ગળણું નંઈ બંધાય. આપણે તો આપણી સગવડ જોવાની. પરબતનો ઘા મારે કાળજે લાગ્યો છે, એવો તો બીજા કોઈને નઈં લાગ્યો હોય ને ? પણ મેં મારાં સતીમાની સામે આ નક્કી કર્યું છે. આ અટાણે થાનકે બેહીને જારના દાણા ગણીને જ નીકળ્યો છું. સતીમાએ ચોખ્ખો ફૂલ જવાબ દઈ દીધો કે બસ સંતુનું આણું કરી નાખો.’
‘બસ તો ! સતીમાની સાખે કામ કરવામાં કાંઈ વિઘન જ નો હોય. તમારી સગવડે આવી પૂગો.’
‘સગવડમાં કાંઈ કામેસર ગોરને મૂરત પૂછવા જાવું પડે એમ નથી. આ અજવાળી એકમ મઝાની છે.’
‘ભલે તો.’ કહીને ટીહાએ રેતી ભરેલી ગાડીના બળદને ડચકાર્યા, ને શાપરનો કેડો લેતાં પહેલાં બોલ્યો : ‘આ વાત કે’તાં મારી જીભ નો’તી ઊપડતી, ઈ તમે જ સામે હાલીને કઈ દીધી ઈ બવ સારું કર્યું... ઘીના ઠામમાં ઘી પડી રેશે... અને ઓલ્યો શાદૂળિયો ય સખણો રે’શે—’
‘એમાં શાદૂળિયાનો બવ વાંક કાઢવા જેવું નથી.’ હાદા પટેલે કહ્યું, ‘આપણા ઘરના જ ઘાતકી છે—’
‘હેં ?’
‘હા, હંધાય પાપના મૂળમાં માંડણિયો મૂવો છે. હજી વાવણાં કર્યાં તે દિ’ જ ગોબરે એને આડા હાથની અડબોથ મારી છે.’
‘હા, એના સોજેલા તોબરા ઉપર હળદળના થથેરા તો કળાય છે ખરા —’
‘હજી તો એનાં હાડકાં રંગાવાં બાકી છે—’ કહીને હાદા પટેલ ગામના ઝાંપા તરફ વળ્યા.
પાણીશેરડેથી પસાર થતી વેળા એમણે પાણિયારીઓમાં ચાલતી ગુસપુસ સાંભળી. કૂવાની પાળ ઉપર બે નવરી વાણિયણો લાંબાટૂંકા હાથ કરી કરીને બોલતી હતી :
‘બેડું નંદવાણુંનો સસરાને ઘેરેથી બેડું માંગીને પાણી ભરી ગઈ.’
‘કણબીની છોકરી પણ જોરુકી, જોરુકી કાંઈ, પણ પોતાનું બેડું પાછું લેવા ધરાર ન ગઈ તી ન જ ગઈ !’
‘અસ્તરીની જાત્યને આવા મિજાજ ને આવા બરા પોહાય ?’
‘ગામ વચાળે રે’વું ને ગામેતી હાર્યે વેર બાંધવાં...એવું તો ઈ ભુડથાંભાઈ જ કરે. આપણી વાણિયાની જાત્ય પહેલા સાત વાર વિચાર કરે—’
અનાયાસે જ કાન પર અથડાઈ ગયેલાં આ વેણમાંથી હાદા પટેલે વણિકો અને ખેડૂત વચ્ચેનો સૂક્ષ્મ ભેદ તારવી લીધો ને મનમાં મલકાતાં મલકાતાં ઊભી બજારે આગળ વધ્યા. દરવાજાની દોઢી વળોટીને હજી તો દસેક ડગલાં માંડ હાલ્યા હશે ત્યાં તો કાન પર ફોનોગ્રાફના શબ્દો પડ્યા :
‘મારું નામ પાડ્યું છે સંતુ રંગીલી...!’
સાંભળીને હાદા પટેલના કાન ચમક્યા. રઘા મહારાજની આ હૉટેલ, થાળીવાજાનું આ ગીત, શાદૂળિયાનું ટીખળ વગેરે વાતો કાલે રાતે જ ગોબરને મોઢેથી સાંભળેલી એ અત્યારે તાજી થઈ. ગામ વચ્ચે પથારો નાખીને પડેલો આ રઘલો જ બધાં પાપનું મૂળ છે એ સમજાતાં હાદા પટેલે હોટેલના બારણા તરફ ત્રાંસી નજરે જોયું તો થડા ઉપર રઘાને બદલે હૉટેલનાં પ્યાલા–રકાબી વીંછળનારો નોકર છનિયો બેઠો હતો, અને એ સારું જ થયું. રઘો હાજર હોત તો પટેલને એને સંભળાવવાનું મન થઈ આવ્યું હોત : ‘એલા રઘલા ! ભામણનો દીકરો ઊઠીને, ને માથે રહીને ગામની બેન દીકરિયુંની છેડતી કરાવતાં શરમાતો નથી ?’
‘દાવ આવ્યે સોગઠી મરાય,’ એમ મન−શું ગાંઠ વાળીને હાદા પટેલ કણબીપાના નાકામાં વળ્યા, ત્યારે ‘અંબા ભવાની’ના મેડા ઉપર રઘાને મોઢેથી પણ એ જ વાક્ય ઉચ્ચારાઈ રહ્યું હતું : ‘દાવ આવ્યે સોગઠી મરાય, સમજ્યાને દરબાર !’
મેડામાં, ચહાનાં ખાલી ખોખાં ઉપર ગુંદાસરના ‘ચાર વડાઓ’ની ગોળમેજી પરિષદ જામી હતી : , શાદૂળભા, જીવો ખવાસ ને માંડણિયો એ ચારેયમાં રઘો જાણે કે આ પરિષદનો આહ્વાહક હોય એવા તોરથી સહુને વારાફરતી સૂચનાઓ આપતો જતો હતો.
‘જીવાભાઈ ! તમે તો સમજુ માણસ છો. અટાણે આપણો હાથ દબાણો છે. કચડાઈ−કપાઈ જાય ઈ પે’લાં હળવેકથી સેરવી લેવામાં માલ છે.’
‘ગોરબાપાની વાત સોળ વાલ ને માથે રતિ છે.’
‘તો ઠીક. મારું એકે ય વેણ ખોટું હોય તો પાછું આપજો.', કહીને રઘાએ હવે માંડણિયાને સૂચના આપી :
‘એલા, ઠુમરને ઘેરે જઈને બેડું પોંચતું કરી દે છાનોમાનો–’ ‘ઠુમરને ઘેરે કે ટીહાને ?’
‘ઠુમર’ને જ. ટીહો તો નહિ ત્રણમાં, નહિ તેરમાં, કે નહિ છપ્પનના મેળમાં જેવું છે. ને હવે તો સંતુ ઠુમરને બેડે પાણી ભરે છે. એટલે ઈ હાદોપટેલ જ શાદૂળભાને દાઢમાં રાખશે.’
અને થોડી વાર રહી વળી રઘાએ કહ્યું : ‘હવે તો હાદાને જ રીઝવવો રિયો—’
‘સાચી વાત છે.’ જીવો ખવાસ બોલ્યો. ‘અટાણે કોઈ કરતાં કોઈને દુભવવાનું દરબારને પોહાય એમ નથી. ઓલી રૂપલી રબારણના ખૂનની તપાસ રાજકોટ પોલીસે ઉપાડી છે. તખુભા બાપુ ઉપર અટાણે તવાઈ છે ને એમાં આ વાત પરગામ લગી પૂગે કે ચોપાનિયે ચડે તો તખુભા ભેગુ શાદૂળભાને ય સાંકડા ભોંણમાં આવવા જેવું થાય, અટાણે તો ભીનું સંકેલવામાં માલ છે—’
‘બસ ! કે’નારે કહી દીધું, જીવાભાઈ !’ રઘો બોલ્યો. ‘અટાણે તો વાણિયામૂછ નીચી, તો કે’ સાડી સાત વાર નીચી ! સમો વરતી જાવામાં માલ છે, મારા ભાઈ ! પછી દાવ આવ્યે સોગઠી મારતાં ક્યાં નથી આવડતું ? કેમ બોલ્યો નહિ, જીવાભાઈ ?’
‘હું તો કહું છું કે હવે વાત બેચરાઈ જાય ઈ મોર્ય જ માંડણિયો જઈને બેડું સોંપી આવે ને ભેગાભેગો માફામાફી ય કરતો આવે —’
માંડણિયે વચ્ચે જ પૂછ્યું : ‘માફામાફી ?’
‘હા, નીચા બાપનો નહિ થઈ જા, માફી માગવાથી !’ રઘાએ ઉગ્ર અવાજે કહ્યું. ‘એકલી માફી માગ્યે ય નહિ પતે. આવે ટાણે તો વેરીને વા’લા થાતાં આવડવું જોયેં ! હા, હું તો વાત કહું સાચી ! હાદા ઠુમરને કે’જે કે આપણે સહુ તો એકગોતરિયા. ડાંગે માર્યા પાણી નોખાં નો થાય—’
અને પછી રઘાએ માંડણિયાને હાદા ઠુમર સમક્ષ રીતસરનું નાટક ભજવવાની ઝીણી ઝીણી સુચનાઓ આપી. ‘જરૂર પડે તો શાદુળભાને ને મને બેચાર ગાળ્યભેળ્ય પણ દેજે. અમારું સારીપટે વાટીને પણ હાદા પટેલને વા’લો થાજે, હા ભાઈ ! વા’લા થઈને વેતરતાં આવડવું જોઈએ... કેમ બોલ્યા નહિ, જીવાભાઈ ?’
‘બરોબર છે, સંતુના વાલેશરી થાતાં આવડવું જોઈએ. એમ કરીને હમણાં આ ઘા ખમી ખાઈએ. બધી ય વાત ભૂલાઈ જાય પછી દાવ આવ્યે સોગઠી મારીએ !’
સાંજે ટીહો થાક્યો પાક્યો ગાડું લઈને ઘેર આવ્યો ત્યારે એણે ઓસરીએ ચડતાં જ હરખને પહેલવહેલો પ્રશ્ન પૂછ્યો :
‘માટલામાં ગળ કેટલોક છે ?’
‘માટલામાં ગળ ? મહિના દિથી તો માલીપા મકોડા સિવાય કાંઈ રિયું નથી.’
‘તો ગિધાની હાટેથી ગળ જોખાવી આવજો. સંતુને તેડવા ઢગ આવે છે.’