વસુધા/અહીં
અહીં
શશીની જ્યોત્સ્નાની મબલખ મચી છે શું રમણા!
-દિશાઓને આછા સ્મિતથી સજતી ફુલ્લવદના
અહીં સૂનાં માંડે ચરણ અમ કારાગૃહ વિષે
દિવાલે ને દ્વારે ધવલગિરિનું હાસ લઈને
છવાઈ બેઠી એ પગથીપગથીએ ઉપવને,
અને પર્ણપર્ણે કુસુમકુસુમે ગેલ કરતી
લપાતી ડોકાયે ઘન તરુણી છાયમહીંથી.
અહો, આછા તેજે બઢતી સુરખી યે તિમિરની!
અહીં શોભે હાવાં દિલદિલતણું મુક્ત ભમવાં,
લટારો લેવાવી કરકર ભીડી, જીવનતણી ૧૦
ઉકેલી પીવી સૌ સુખદુખકથા, ને ઉછળતા
સ્વરે ગાતાંગાતાં ગગનભરી દેવું ઉર રસે.
નહીં, અહીં ભમે છ પોલિસ જ એક ખાખી મહીં,
અને રટત કેટલા જન કર્યા છ કેદી અહીં!