વસુધા/શિશુવિષ્ણુલાંછન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


શિશુવિષ્ણુલાંછન

બેઠાં હતાં મોટરમાં અમે બધ
દબાઈ ખીચોખીચ, એકમેક શું
ભીંસાઈ, અન્યોન્ય સહે ટિચાતાં.

નસીબ મારે મજની પડોશમાં
સોહાગણી એક સવત્સ નારી,
હું શુભ્ર સ્વાંગે મૃદુ ગૌર દેહી,
ને સોડમે શી તરબોળ શ્યામા!

સમારતો બાલ, રૂમાલ રૉફથી
રમાડતો હું, વળી કે લડાવી લઉં
ગુલાબ ખોસ્યું બટને, અને તે
મેલાથી મેલા શિશુને ધવાડતી,
ને તેહના ચંચલ બાલપાદને
વળી વળીને નિજ અંક ખેંચતી.

અને ઘણાં માહરું ભાગ્ય ચિંતતાં,
એનું ય સદ્‌ભાગ્ય વિચારતું કો.

ત્યાં માતના પાલવમાં છુપાવી
માથું, અને હાથથી પાય-આંગળાં
રમાડતો બાળક ધાવી એ રહ્યો;
ઉછાળીને પાલવ મેઘશ્યામળો,
કાઢી તહીંથી મલકંત મોઢું
તાકી રહ્યો હું ગમ, ને ધીરેથી
દૂધે ભર્યા હોઠ થકી હસી રહ્યો.

મુસાફરોની મહીં ધ્યાનમગ્ના
તે માતના હાથથી મુક્તિ પામ્યા
તેના પગોએ
આરંભ્યું ત્યાં તાંડવ ભૂમિવ્હોણુંઃ
ધડંધડં લાત શરૂ થઈ ગઈ,
નસીબ મારે પણ કૈં મળી ગઈ!

ગ્રામીણ એ બાવરી માત ભોંઠી
પડેલ, ઝાલી શિશુના પગોને
સંકેલતી અંક વિષે વદી રહી
શબ્દો ક્ષમાના, મુજ શુભ્ર સ્વાંગને
મેલા શિશુનાં પદલાંછનોથી
કલંકી થાતો લહી, ઓશિયાળી.

મુસાફરો સૌતણી આંખમાંથી
અભદ્ર આ કર્મ પરે સ્વતઃ ત્યાં
વર્ષી રહ્યો શો ઠપકો સલૂણો!

સંકોચ ન્હોતો તહીં શક્ય કાયનો,
છતાંય તે સંકુચી કાયને રહી.

સંકોચ એનો મુજ ઊર સાંકડે ૪૦
પ્રવેશી શું પાધર હા કરી ગયો!
હૈયે ધર્યો યત્નથી ભદ્રતાનો
સરી ગયો ત્યાં ક્ષણ વાર અચંળો.

વિમુક્ત હૈયે નવલા પ્રમોદથી
વાચા સ્ફુરી, ના પણ પહોંચી હોઠનેઃ

“ઉલાળવા દે પગ બાળને સુખે.
જેની સહી તેં નિજ ગર્ભ માંહે
અનેક ઉન્મત પ્રમત્ત લાતો,
તેની જરા આ ફૂલસ્પર્શ જેવી
લેતાં સહી લાત, ન હાણ મારે. ૫૦

ના બીશ, બેનાં, અમ ભદ્રદર્શને.
સંસ્કારિતાથી સભરે ભરેલ આ
શ્હેરે બધું લભ્ય, પરંતુ ના કદી
સુલભ્ય આવું શિશુવિષ્ણુલાંછન.”
૨૦ માર્ચ, ૧૯૩૭